ફેશમફ્રેશ, ફેન્ટાસ્ટિક દોરમાંથી પસાર થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે હવે એકએકથી મજાના પડાવ આવી રહ્યા છે. એવેન્ટસ ઇન્ડિયા એન્ટરટેઇનમેન્ટની તરોતાજા ફિલ્મ ‘વહાલી’ એવો જ એક નોંધનીય પડાવ છે. બાપ-દીકરીના સંબંધોની નવતર સુવાસથી આ ફિલ્મ મઘમઘે છે. 11 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મ જોવા થિયેટર સુધી જવું જ પડે એનાં કારણો છે. લેટ્સ ટૉક.
પરિમલ અજમેરા (સચીન પરીખ) ડાયમંડનો જાણીતો ઉદ્યોગપતિ છે. ઘેર પત્ની મમતા (અર્પિતા સેઠિયા) અને લાડકવાયી દીકરી પ્રિયા (મેઝલ વ્યાસ) છે. માબાપ સ્વાભાવિકપણે જ દીકરીને અપાર ચાહે છે પણ, અસંખ્ય ઘરોમાં પ્રવર્તતો જનરેશન ગૅપ પરિમલ હાઉસમાં પણ છે. સ્વતંત્રમિજાજી, મોડર્ન પ્રિયાને માની શિસ્ત, એના સંસ્કાર અને એના આગ્રહ બંધન લાગવા માંડ્યાં છે. પરિમલ સતત પ્રયાસરત છે બેઉ વચ્ચે સંતુલન જાળવવા પણ…
પ્રિયા માબાપને જણાવ્યા વિના એક ડાન્સ ક્લાસમાં જોડાઈ છે. ત્યાં એનો ભેટો પાર્થ (ભાવિન ભાનુશાલી) સાથે થાય છે. એક કેફેમાં બેઉ વચ્ચે થઈ ચૂકેલી ચણભણ પછી હવે, અહીં થાય છે દોસ્તી અને પ્રેમ. બસ, પ્રિયાને એ વાતનો રતિભાર ખ્યાલ નથી કે પાર્થનું અસલ ચરિત્ર શું છે. એ ખબર પડે તો…
‘વહાલી’ એક હલકીફુલકી, નવા જમાનાની અપેક્ષાઓ, લાગણીઓ, જીવનશૈલી, આદતો અને સમજણોનું નિરૂપણ કરતી મસ્તમજાની ફિલ્મ છે. નવીજૂની પેઢી વચ્ચે વિચારભેદ સમાજને કેવોક ખોતરે છે એ આ ફિલ્મ દર્શાવે છે. સાથે દર્શાવે છે પિતાની અપૂર્વ સમજણ અને દીકરીને સાચે રસ્તે વાળવાની એની અજબ રીત.
ફિલ્મ ઇન્ટરવલ સુધી બહુ જ મીઠડા માહોલમાં આગળ વધે છે. પારિવારિક સંબંધો, પ્રિયાની લાઇફસ્ટાઇલ, યુવાનોના પરસ્પર સંબંધો ઉજાગર કર્યા પછી, મધ્યાંતરે ફિલ્મ એવી કડક વાત લાવે છે જે પોપકોર્ન-સમોસાં માણતા મનને એનાથી મોટી ઉત્કંઠા કરાવે છે, “હવે? આ તો મોટી મુશ્કેલી! આગળ શું થશે?”
સેકન્ડ હાફમાં ફિલ્મ નવતર ફલક ખેડે છે. હવે પરિમલ મેદાનમાં છે. પ્રેમમાં ભાન ખોઈ ચૂકેલી દીકરીને ધાકધમકી, આદેશ કે જડતાથી નહીં પણ પરિમલ યુક્તિથી વાળે છે. એની યુક્તિઓ ફિલ્મને ધારદાર બનાવતો ખજાનો છે. એ વાતમાં શંકા નથી કે ઇન્ટરવલ પછી દર્શકો ફિલ્મમાં એવા ઓતપ્રોત થઈ જાય છે કે ક્લાઇમેક્સ સુધી બીજું કશું સૂઝે નહીં. સિચ્યુએશન્સ પણ સરસ છે. ક્યાંક પાર્થના પરિવારની, ક્યાંક મિત્રોની તો ક્યાંક ડાન્સ કોમ્પિટિશનની વાત છે. સારી ફિલ્મને જેવા આયામ જોઈએ એ તમામ અહીં હાજર છે.
‘વહાલી’ તાજી હવાની લહેરખી છે. નિર્માણ, દિગ્દર્શનથી માંડીને ટેક્નિકલ પાસાંઓમાં ગુણવત્તાભરી છે. અભિનયના મોરચે પણ સુંદર બેલેન્સ ધરાવનારી છે. આખી ફિલ્મમાં જે બે પાત્રો છવાઈ જાય છે એ છે બાપ-દીકરીનાં. મીઠડી માઝેલ એના સોંદર્ય અને મોહક અદાઓથી પ્રિયાના પાત્રને જીવી જાય છે અને દર્શકોનાં દિલ જીતી લે છે. બીજી તરફ, સચીન પરીખ ધનાઢ્ય પણ જરૂર પડ્યે ધીરગંભીર અને સમયસૂચકતા અનુસાર હૅપી ગો લકી પિતા તરીકે અભિનયનું અનન્ય વૈવિધ્ય પેશ કરે છે. સચીન લોકપ્રિય છે. ગુજરાતી રંગભૂમિથી માંડીને હિન્દી ફિલ્મો અને ઇન્સ્ટાગ્રામ સુધી એના અગણિત ચાહકો છે. ‘વહાલી’ને સતત વહેતી અને વજનદાર બનાવવામાં એનો સિંહફાળો છે. ઇન ફેક્ટ, આ ફિલ્મથી સચીને રણકા સાથે ગુજરાતી ફિલ્મોમાં એના અસરદાર પુનરાગમનનું એલાન કર્યું છે. ભવિષ્યમાં એને આવાં જ દમદાર પાત્રો કરતા જોવા મળશે એ નક્કી.
ફિલ્મના અન્ય કલાકારો પણ નોંધનીય યોગદાન આપે છે. પાર્થ તરીકે ભાવિન પાત્રના શ્વેત-શ્યામ રંગોને મેઘધનુષી બનાવે છે. એના પિતા મહાદેવ તરીકે કૃણાલ પંડ્યા બહુ સંતુલિત અને સચોટ છે. પ્રિયાની મિત્ર તરીકે ખ્યાતિ (શેફાલી મહિડા), મમતાના પાત્રમાં અર્પિતા, પરિમલની સાળી અનુ તરીકે ગાયત્રી રાવલ અને પરિમલના મિત્ર શૈલેષ તરીકે નીલેશ પંડ્યા સાથી કલાકારોનું દાયિત્વ નિભાવી જાય છે. ગીત-સંગીત ઠીક છે પણ ક્લાઇમેક્સ પૂર્વેનું મારો લાલો ગીત (ગીતકાર દિલીપ રાવલ, સંગીતકાર નવીન શ્રીરામ, ગાયિકા નીલાંજના રે) કર્ણપ્રિય છે. તપન વ્યાસની સિનેમેટોગ્રાફી અને ઓમકાર મોહલાનું સંકલન ફિલ્મોચિત છે. લેખક ગૌરવ નાયકે ફિલ્મને વહેતી રાખવા સામાજિક મુદ્દાઓને સારી રીતે કથાનકમાં વણ્યા છે.
મુદ્દે, ‘વહાલી’ એવી ફિલ્મ છે જે માબાપ-દીકરીના સંબંધોના તણાવને પણ નિહાળવા અને સોલ્વ કરવા માટે સાવ નવાં ચશ્માં લાવી છે. એ કરવા ફિલ્મે તંગ સ્થિતિઓને બદલે હળવીફુલ ઘટનાઓને આબાદ વણી લીધી છે. એટલે જ એને માણતા પસાર થતા અઢી કલાક સંબંધોને શ્રીસવા કરવાની રીત અઢળક મનોરંજન સાથે રજૂ કરે છે. સંતાનને ચાહતાં માબાપે, માબાપને નહીં સમજતાં સંતાનોએ, એકમેકને ફેવરિટ ગણતા દોસ્તોએ અને સૌએ, જેની ટિકિટ લેવી જ પડે એવી ફિલ્મ છે ‘વહાલી.’ થેન્ક યુ એવેન્ટસ ઇન્ડિયા એન્ટરટેઇનમેન્ટ આવી રસાળ ફિલ્મથી ગુજરાતી ફિલ્મજગતને ઝળકાવવા માટે.


