આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગે પૂજાપાઠ હોય ત્યારે તાંબાંના વાસણો, જેમ કે તરભાણી-પ્યાલા, આચમની, કૂંડી, લોટો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના જમાનામાં તાંબા-પિત્તળનાં વાસણો જ ઘરોમાં વપરાતાં હતાં. આજે સ્ટીલનું ચલણ વધ્યું છે. ઘણાં એવાં ઘરો પણ હશે જ્યાં વાસણ તો ઠીક સમ ખાવા પુરતો તાંબાનો લોટો પણ નહીં હોય. તાંબાનું વિજ્ઞાન જો સમજાવવામાં આવે તો કદાચ આજની પેઢી તાંબાનો વપરાશ વધારે.
આપણાં શાસ્ત્રોમાં સોના-ચાંદી પછી તાંબાને ઉત્તમ ધાતુ તરીકે સ્થાન આપ્યું છે. સોના-ચાંદી દરેકને પોષાય નહીં, જ્યારે તાંબુ દરેકને પોષાય. હજીય કેટલાય વડીલો તાંબાના ઘડાનું પાણી પીએ છે, કે પછી તાંબાના લોટામાં રાત્રે પાણી ભરી સવારે એનો ઉપયોગ કરે છે. શા માટે તાંબાનો ઉપયોગ કરવો જોઈએ. તે આપણે જાણીએ.
તાંબુ અને પાણીનું શુદ્ધિકરણ:
તાંબુ એ ઘણી જ ક્રિયાશીલ (એક્ટિવ) ધાતુ છે. તાંબાના વાસણમાં ભરી રાખેલું પાણી માત્ર ચાર-પાંચ કલાકમાં બેક્ટેરિયા રહિત થઈ જાય છે. તાંબાના વાસણમાં પાણી ભરતાં જ તાંબાની સપાટી પરના અણુમાંથી થોડા CU++ આયન છૂટા પડવાનું કામ શરૂ થઈ જાય છે. આ આયનો ઘનભાર ધરાવતા હોય છે, જ્યારે પાણીમાં જે બેક્ટેરિયા કે વિષાણુઓ હોય છે તેમની બાહ્ય કોષની દીવાલો નેગેટિવ ચાર્જ ધરાવતી હોય છે. પેલા ઘનભાર ધરાવતા તાંબાના આયનો ઋણભાર ધરાવતા બેક્ટેરિયા પર હુમલો કરી તેનો નાશ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા પાર પડતાં માત્ર ચાર કલાક લાગે છે. હવે આની સરખામણી આજનાં સ્ટીલનાં વાસણો સાથે કરીએ તો તમને તાંબાની સાર્થકતા સમજાશે. સ્ટીલનાં વાસણોમાં આજ બેક્ટેરિયા ૩૪ દિવસ જીવતા રહી શકે છે. ક્યાં ૪ કલાક અને ક્યાં ૩૪ દિવસ. એટલે ૮૧૬ કલાક. આ વિગતો ન્યૂ યોર્કના વૈજ્ઞાનિક ડો. બિલ કોવલે કરેલા સંશોધનમાંથી જાણવા મળી હતી. પૂનાના વૈજ્ઞાનિક ડો. ગોડબોલેએ કાચ, પિત્તળ, તાંબુ, એલ્યુમિનિયમ, સ્ટીલ વગેરે પાત્રોમાં કૂવાનું પાણી સંઘરી દરેક પાણી પર શું અસર થાય છે એ જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને પણ જાણવા મળ્યું હતું કે તાંબુ પાણીમાંની અશુદ્ધિઓનો માત્ર ચાર કલાકમાં સફાયો કરે છે. ધાર્મિક કાર્યોમાં ગોર મહારાજ ૐ કેશવાય નમ: સ્વાહા, ૐ માધવાય નમ: સ્વાહા અને ૐ નારાયણા નમઃ સ્વાહા કહીને ત્રણવાર તાંબાની આચમનીથી પાણી પીવડાવે છે. તેમાં શરીર શુદ્ધ કરવાની ભાવના રહેલી છે.
તાંબુ પાણી સાથે ભળી જઈને માનવશરીરમાં દાખલ થાય છે ત્યારે વધુ ચમત્કાર સર્જે છે. જે તાંબુ બેક્ટેરિયા માટે હાનિકારક છે તે માનવશરીર માટે ઉપકારક છે. તાંબુ અમુક રાસાયણિક ક્રિયા પછી સેફલોપ્લાસ્મીનના રૂપમાં લીવરમાં સ્થાયી થાય છે. ડૉ. તુષાર મહેતાના જણાવ્યા પ્રમાણે આ તત્ત્વ હિમોગ્લોબિન ઉત્પન્ન કરવાની ક્રિયામાં ઘણું જ મદદરૂપ થાય છે. વધુ લોહી ધરાવતા ચહેરાને આપણે ત્યાં તામ્રવર્ણ કહી નવાજવામાં આવે છે. તંદુરસ્ત રૂધિરાભિસરણ તંત્ર અને સાબૂત મગજ તંત્ર માટે પણ આ તત્ત્વ ઉપયોગી છે. તાંબુ સમગ્ર અસ્થિપિંજરને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. તાંબુ એટલું બધું ઍક્ટિવ છે કે શરીર પર પહેરવામાં આવે તો પણ શરીરમાંના ફેટી ઍસિડ સાથે મળી કોપર સલ્ફેટ નામના ક્ષારરૂપે શરીરમાં જમા થાય છે. શિયાળાની ઠંડીમાં સંધિવાથી બચવું હોય તો કોપર સલ્ફેટ ખૂબ જરૂરી છે. આથી જ તાંબાનાં કડાં કે વીંટી પહેરવી શરીર માટે લાભકારક છે.
તાંબુ અને આરોગ્ય:
તાંબાનું મહત્ત્વ આપણા પૂર્વજો કેટલું સમજ્યા હતા તે લગ્ન વખતે ગવાતા એક ગીત પરથી માલૂમ પડે છે. ‘તાંબા કુંડી, નવ ગજ ઊંડી, તે ઘેર બેની પૈણ જો.’ જૂના સમયમાં ગાડી બંગલા હોય તેને ઘરે નહીં પણ જે ઘરે તાંબાનાં વાસણો હોય તે ઘરે દીકરીને પરણાવવી એવો આ ગીતનો ઉદ્દેશ હતો. માત્ર પીવા માટે જ નહીં, ન્હાવા માટે પણ તાંબાની કુંડી અને બંબા વપરાતાં. તાંબાના વાસણોમાં ભરી રાખેલું પાણી સ્નાનના ઉપયોગમાં લેવાથી પણ આરોગ્યની દ્રષ્ટિએ ઘણા ફાયદા થાય છે. ચામડીનો વર્ણ સુધરે છે. જ્યાં તાંબાનાં વાસણો હોય ત્યાં દરેક જણ તને અને મનથી નીરોગી હોય છે અને જે લોકો તનમનથી સ્વસ્થ છે એમનાથી મોટો ધનવાન કોઈ નથી.
તાંબુ અને ગ્રાસ્પિંગ પાવર:
આજે પણ ઘણા લોકોએ જોયું કે અનુભવ્યું હશે કે જ્યારે બાળકને નજર લાગી જાય અથવા ચમકીને ડરી જાય કે બહારથી આવ્યા બાદ બેચેની-અસ્વસ્થતા અનુભવે, ત્યારે ઘરના વડીલ કે દાદીમા તાંબાના લોટામાં પાણી ભરી તેના માથા પર ગોળગોળ ફેરવી માથાથી છેક પગ સુધી નીચે લઈ જઈ તે લોટાના પાણીને ઘરના ઝાંપાની બહાર ફેંકી દે છે. આમ કર્યા બાદ થોડા જ સમયમાં ચમત્કારિક રીતે સ્વસ્થ પણ થઈ જવાતું હોય છે. ઘણાંય વડીલો પોતાના બાળકની રક્ષા ને સ્વાસ્થ્ય માટે ખૂબ શ્રદ્ધાથી તાંબાનાં તાવીજ પહેરાવતા હોય છે. અનેક સ્ત્રી-પુરુષોના ગળામાં કે હાથનાં બાવડાં પર ચાંદી કે તાંબાનાં માદળિયાં પણ બાંધેલા જોવા મળે છે. સોના-ચાંદીની જેમ જ તાબામાં ગ્રાસ્પિંગ પાવરનો ગુણ રહેલો છે. એટલે કે શુભ વિચારોના તથા મંત્રોચ્ચારના તરંગોનો સંચય કરી નેગેટિવ તરંગોને દૂર કરવાની અદ્ભુત શક્તિ તાંબુ ધરાવે છે. અત્યારના કોમ્પ્યુટર ડિસ્કમાં જે શબ્દો બીટ કે બાઇટ્સના રૂપમાં સંગ્રહ કરી શકાય છે તે જ રીતે શુભત્વનું, આહ્વાન કરનારા મંત્રશબ્દોને તાંબુ કે ચાંદી જેવી ધાતુમાં સંગ્રહ થઈ શકે છે તે આપણા ઋષિમુનિઓ સારી રીતે જાણતા હતા અને આથી લોકો રોજિંદા ઉપયોગી સાધનોમાં તાંબાનો ઉપયોગ કરતા થાય તે હેતુથી તેમણે ધર્મ અને પૂજાપાઠમાં વપરાતાં વાસણોના માધ્યમથી તેને લોકપ્રિય બનાવવાના પ્રયત્ન કર્યા.
તાંબુ અને વીજપ્રવાહ:
આજના આધુનિક યુગમાં પણ તાંબાના સુપ્રસિદ્ધ વિદ્યુત સુવાહક જેવા વૈજ્ઞાનિક ગુણધર્મના કારણે તેનો ઇલેક્ટ્રિક સાધનો અને વાયરિંગ કરવામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાની કન્ડક્ટિવિટી (વહનક્ષમતા) એલ્યુમિનિયમ કરતાં ૪૦% વધુ છે, જેના કારણે તે હેવી લોડ (વધુ કાર્યભાર) સહન કરી શકે છે અને આગ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે. ભલે આપણે તાંબા-પિત્તળને ભંગારમાં વેચી દીધાં. અમેરિકા-યુરોપના દેશો તેને આવકાર આપી રહ્યા છે. અમેરિકામાં તો સમગ્ર પાણીની પાઇપલાઇન તાંબાની નખાઈ રહી છે. તાંબુ ટકાઉ હોવાથી અન્ય ધાતુની સરખામણીએ જલદી કટાઈ કે ખવાઈ જતું નથી. આજે કન્સિલ્ડ પ્લમ્બિંગનો જમાનો છે. એટલે તાંબાના ઉપરોક્ત ગુણધર્મના કારણે બિલ્ડિંગમાં પાણીના લિકેજનો પ્રોબ્લેમ થતો નથી.
માત્ર લિકેજની દ્રષ્ટિએ જ નહીં, શરીરને જોઈતું તાંબુ પણ આવી પાઇપલાઇનથી મળી રહે છે. કારણ કે શરીરમાં તાંબાની જે જરૂરિયાત છે તે રોજિંદા અનાજ કે સૂકામેવાથી પણ પૂરી થતી નથી. આવા ખોરાકથી શરીરને જોઈએ તેનાથી અર્ધા ભાગનું જ તાંબુ મળે છે. બાકીની જરૂરિયાત તાંબાની પાઇપમાંથી આવેલા પાણીથી પૂરી થાય છે. ભારતમાં બધી જગ્યાએ તાંબાની પાઇપલાઇન ક્યારે આવશે કોણ જાણે? પરંતુ તમે તમારી જરૂરિયાત માટે તાંબાનો ઘડો કે લોટો તો ઘરે વસાવી શકો છો ને?
આયુર્વેદની દ્રષ્ટિએ પણ તાંબાની ભસ્મ કે તેમાંથી બનતી દવા ઘણી બીમારીમાં ઉપયોગી છે. આર્થરાઇટિસ કે અલ્સર જેવા રોગમાં તાંબુ ઉપયોગી સિદ્ધ થયું છે. રાત્રે ભરી રાખેલું તાંબાના લોટાનું પાણી સવારે તમે પીઓ છો ત્યારે સરસ બેક્ટેરિયારહિત પાણી તો પીઓ છો જ. સાથે સાથે કબજિયાત અને સંધિવા જેવા રોગને લડત પણ આપો છો. આમ, ધર્મક્રિયા હોય કે વિજ્ઞાન, સ્વાસ્થ્ય હોય કે સૌંદર્ય તાંબુ તમારો શ્રેષ્ઠ મિત્ર બનીને રહે છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


