ગુજરાતી ફિલ્મ એનઆરઆઈ દુલ્હનનું મહુરત શોટ 4 ઓગસ્ટે અંધેરી ઈસ્ટના કોર્પોરેટ વિસ્તારમાં આવેલા ETCO ઓફિસ, પિનાકલ બિઝનેસ પાર્ક ખાતે યોજાયો હતો. આ ફિલ્મ એક એવી પ્રેમકથા રજૂ કરે છે જે સીમાઓ, સંસ્કૃતિઓ અને ખંડોને પાર કરે છે, જેમાં એક દુલ્હન પોતાના મૂળની શોધ કરે છે.
દેશવાલે તરફથી કરિશ્મા રાઠોડે આ ફિલ્મના મુખ્ય કલાકારો ધર્મેશ વ્યાસ, ગ્રીવા કંસારા અને આંચલ શાહ સહિત અન્ય કલાકારો સાથે વાતચીત કરી હતી. તેમના ઇન્ટરવ્યુ વીડિયો અમારી ચેનલ દેશવાલે પર જોઈ શકશો.
ધર્મેશ વ્યાસ, જેઓ આ ફિલ્મમાં એનઆરઆઈ દુલ્હનના કાકાની ભૂમિકા ભજવે છે, તેમણે જણાવ્યું, “હું આ ફિલ્મમાં એક પ્રેમાળ કાકાની ભૂમિકામાં છું, જે વાસ્તવિક જીવનથી વિપરીત છે, અને હું મારી ભત્રીજીના મનમાં ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓનું સિંચન કરવા માટે ઉત્સુક છું, જે પશ્ચિમી સંસ્કૃતિમાં ઉછરેલી છે.” ધર્મેશે વ્યાસે મર્હુત શોટ આપ્યો હતો, જેમાં તેમના મોટા ભાઈની વસિયત અમેરિકામાં તેમની ઓફિસમાં જાહેર કરવામાં આવે છે.
ગુજરાતના પ્રિય કોમેડી સ્ટાર ગ્રીવા કંસારા, જે “જીતુ મંગુ” ફેમથી જાણીતા છે, તેણીએ વાત કરતા કહ્યું કે આ ફિલ્મમાં મારી ભૂમિકા મજાની છે, જે મોટા પડદા પર હાસ્યની છોળો રેલાવશે, તૈયાર રહો, કારણ કે હું એનઆરઆઈ દુલ્હનની સંભાળ રાખનારની ભૂમિકા ભજવું છું, જે તેની સાથે ભારત આવી છે અને અજાણતાં ફિલ્મમાં દર્શાવેલી તમામ સમસ્યાઓનું મૂળ કારણ છે.”
આંચલ શાહ, જે એનઆરઆઈ દુલ્હનની મુખ્ય ભૂમિકા ભજવે છે, તેમણે જણાવ્યું, “આ યુ.એસ.એ.માં જન્મેલી અને ઉછરેલી છોકરીના પિતા તેના લગ્ન ભારતીય વર સાથે કરવાનો આગ્રહ રાખે છે. મારે એનઆરઆઈ ભારતીય છોકરીના ઉચ્ચાર પર ઘણું કામ કરવું પડ્યું.” આંચલ શાહની ફિલ્મી શરૂઆત “હલકી ફુલકી”થી થઈ હતી, જે પછી “અડકો ડડકો”, “મૌનમ”, “નટવર ઉર્ફે એનટીઆર”, “પપ્પા નો ઈન્સ્યોરન્સ”, “વાર તહેવાર” અને તેમની આગામી ફિલ્મ “લાયક નાલાયક” એક સસ્પેન્સ-કોમેડી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. વાસ્તવિક જીવનમાં આંચલ એક લાયક ડેન્ટિસ્ટ છે.
“એનઆરઆઈ દુલ્હન એ એક હૃદયસ્પર્શી અને હાસ્યજનક વાર્તા છે, જે એક જીવંત એનઆરઆઈ છોકરીની છે, જે પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેના કાકા સાથે ભારત પાછી આવે છે, એટલે કે એક વર શોધવા. આ દરમિયાન, તે ત્રણ અલગ-અલગ પુરુષોને મળે છે, જેનાથી પ્રેમ, હાસ્ય અને જીવનના પાઠથી ભરેલી યાત્રા શરૂ થાય છે.
“એનઆરઆઈ દુલ્હન” નું નિર્માણ રમેશભાઈ શાહ અને વિપુલભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને સ્કાય મેક્સ સિને વિઝન એ પ્રોડક્શન હાઉસ છે. રફીક પઠાણ વડનગરી ફિલ્મના દિગ્દર્શક છે, અને વાર્તા ભરત મહેતા, કિશોર સચદે અને દિલીપ રાવલ દ્વારા લખવામાં આવી છે. સંગીત મહેશ અને જય ભવારિયા દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, અને તેમાં જાવેદ અલી, શાહિદ મલ્યા વગેરે જેવા ગાયકોનો સમાવેશ થશે.


