આ પાંજરાપોળને પહોંચેલું નુકસાન માનવીની સમજણ બહારનું છે. પશુથી લઈને જમીન, ચારો અને માળખાકીય સુવિધાઓ, બધાંનો કચ્ચરઘાણ વળી ગયો છે. આપણા સાથની સંસ્થાને બેહદ જરૂર છે
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
પ્રકૃતિ જ્યારે માણસને પરવશ કરી નાખે, પરાકાષ્ઠા સુધી, ત્યારે જે દયનીય સ્થિતિ સર્જાય, જે તો કોઈ ધાનેરા પાંજરાપોળ જુએ ત્યારે એને સમજાય. ઓગસ્ટ મહિનો અડધો પૂરી થવા આવ્યો ત્યાં સુધી, પડેલા મુશળધાર વરસાદ પછીના પૂરે સર્જેલી તારાજીમાંથી આ પાંજરાપોળને કળ વળવાની હજી બાકી છે. સેવાભાવી સંસ્થાઓથી માંડીને સરકાર સુધી સૌની મદદ મળ્યા પછી પણ આ હાલત છે. કારણ એક જ છે, ધાનેરા પાંજરાપોળમાં આ પૂરમાં થયેલી અવદશા અભૂતપૂર્વ છે.
ધાનેરા રેલવે સ્ટેશનથી માંડ એકાદ કિલોમીટરે સ્થિત આ પાંજરાપોળનો હાલનો ક્યાસ કાઢવા જનારાની આંખો વિસ્ફારિત થયા વિના રહી શકે નહીં. અમારી મુલાકાત વખતે સર્વેક્ષણ શરૂ થતા પહેલાં, અહીંતહીં નજર ફેરવીએ એની પણ પહેલાં, મચ્છર, માખી સહિતનાં જીવજંતુઓનું સામ્રાજ્ય ફેલાયેલું અમે જોયું. આટલી મોટી માત્રામાં જીવજંતુ?! સંસ્થાની પરિસ્થિતિનું વર્ણન કરતાં મેનેજર રાજુભાઈ સાવાણી જણાવે છે, “૨૭ વરસ પહેલાંના અને બે વરસ પહેલાંના પૂરમાં પણ અમને આવી તકલીફ પડી નહોતી. આ પૂરે જે ધનોતપનોત કાઢ્યું છે એ સમજણની બહારનું છે.” એમની વાતમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ પાંજરાપોળના રસ્તે ચાલવું દુષ્કર થયું છે. એ તો ઠીક, આસપાસનાં ઘરોમાં રહેવું કે દુકાનોમાં વેપાર કરવો પણ અશક્ય થયું છે, કારણ પુરે પશુઓનો બલિ લેવા સાથે, ચારાથી માંડીને માળખાકીય સુવિધાઓને મરણતોલ ફટકો ઠાર્યો છે. સાથે દુર્ગંધ, પ્રદૂષણ અને અરાજકતાનું વાતાવરણ સર્જ્યું છે. ગુજરાત-રાજસ્થાનની તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં મહત્તમ નુકસાન પામનારી સંસ્થાઓમાંની એક ધાનેરાની છે.
પાંજરાપોળ સહિત આસપાસના ચારેક કિલોમીટર વિસ્તારમાં હાલમાં બધું દયનીય છે. પાંજરાપોળના ગોડાઉન, ગમાણ, હવાડા, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, ઘણી ચીજોનો દાટ વળી ગયો છે. પથ્થરની બનેલી કમ્પાઉન્ડ વોલને પાણીની અસહ્ય થપાટે જાણે એ રૂની બની હોય તેમ ખતમ કરી નાખી છે. ચારાનો જે સ્ટોક હતો તે પૂરો નકામો થઈ ગયો છે. પંદરેક પશુઓ લાપતા થયાં છે. અમદાવાદ અને સુરતથી ૩૦૦ લોકોની ટીમ અહીં ૫૦-૬૦ યંત્રો સાથે કાદવ ઉલેચવા, જમીન પૂર્વવત્ કરવા રાત-દિવસ કામ કરતી હોવા છતાં કાદવ અને ગંદકી હજી દૂર થયાં નથી.
૧૦૧ હેક્ટર પાંજરાપોળની જમીન, ૨૦૦ વીઘા ખેતીની જમીન, એના પર અહીં સેંકડો વૃક્ષો છે. ઓલમોસ્ટ બેએક હજાર પશુઓનું આ પાંજરાપોળ આશ્રયસ્થાન છે. ત્રીસેક પશુઓ હાલમાં બીમાર છે. સંસ્થાના સુચારુ સંચાલન માટે અહીં ફેન્સિંગ, એમ્બ્યુલન્સ, સોલાર પાવર યંત્ર, ખરંચા વગેરેની તાત્કાલિક જરૂર છે. ઉપરાંત, ચારાપુરવઠો તો ખરો જ. અને પશુઓના સુસ્વાસ્થ્ય માટે દવાનો પ્રબંધ કરવો, ૬૦થી વધુ કર્મચારીઓના પગાર સમયસર થાય તે માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવું પણ જરૂરી છે.
વધુ વાત કરતાં રાજુભાઈ જણાવે છે, “ઘાસ ઉગાડવા માટે મદદ મળે તો બહારથી મગાવતા ચારાનો ખર્ચ ઓછો થઈ શકે. એ માટે સાધન અને સહકાર બેઉની અમને જરૂર છે. ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા, પાણી માટે બોરવેલ અને ૨૫૦ એકર જમીનને કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરવાની પણ જરૂર છે.” અનેક સમસ્યાઓનો ભોગ બનેલી ધાનેરા પાંજરાપોળને આપણા સબળ સાથ વિના પુર્વવત્ કરવી સહેલી નથી. આવો એની અવદશાને વહેલામાં વહેલી તકે પુનરુત્થાન થકી દૂર કરવામાં સહયોગ આપીએ.
ઊણપો/જરૂરિયાતો
1. ૨૫૦ એકર જમીન માટે કમ્પાઉન્ડ વોલ તથા ફેન્સિંગ.
2. ચારાપુરવઠો, બોરવેલ, પશુઓ માટે દવા તથા એમ્બ્યુલન્સ.
3. કર્મચારીઓના પગાર માટે ભંડોળ, સીસીટીવી કેમેરા.
4. ઘાસ ઉગાડવા ખેતીલક્ષી સાધનો.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી ધાનેરા જૈન મહાજન અને પાંજરાપોળ, અંબાજી મંદિર પાસે, પારસ મહિલા મંડળ બિલ્ડિંગ, તાલુકા પોસ્ટ ધાનેરા, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૩૧૦, ગુજરાત
સંપર્ક: જયંતીલાલ ભોગીલાલ દોશી
મોબાઇલ: ૭૦૪૬૫ ૪૦૭૯૯, ૯૯૯૮૧ ૬૪૨૯૯
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: શ્રી ધાનેરા જૈન મહાજન અને પાંજરાપોળ
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૧,૮૦૦
વાર્ષિક ખર્ચ: બે કરોડ રૂપિયાથી વધુ
બાંધકામનો ખર્ચ: ૫૦થી પપ લાખ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.


