અરિજિત ઓલમોસ્ટ સવાસો એવોર્ડ્સ જીત્યો છે. સૌથી મોટો એવોર્ડ લોકચાહના છે. નાકનું ટીચકું ચડાવીને નવા ગાયકોને મૂલવનારા લોકો-વિવેચકો સુધ્ધાં અરિજિત માટે પોઝિટિવ મંતવ્ય ધરાવે છે
સંજય વિનયચંદ્ર શાહ
2005માં ફેમ ગુરુકુળના ફાઇનલિસ્ટથી કરોડો હૃદયમાં અચળ સ્થાન બનાવતાં અરિજિત સિંઘે એક દાયકાથી ઓછો સમય લીધો. ટૂંકા ગાળામાં એણે લાંબી સફ ખેડી અને પ્રામાણિકતા સાથે કહીએ તો, એની સામે હજી તો બહુ લાંબી સફર છે. અરિજિતે, તેમ છતાં, માત્ર 38ની ઉંમરે, પ્લેબેક સિંગંગની દુનિયાને આવો કહે દેવાની ઘોષણા કરી છે. અને બોલો! એણે આવડી પ્રભાવશાળી કારકિર્દીમાં હજી તો હજારથી ઓછાં (800 આસપાસ, પાકો અંદાજ માંડીએ તો) ગીતો માટે કંઠ આપ્યો છે. બીજા એક અંદાજ પ્રમાણે એનાં ગીતોની સંખ્યા 1,200 આસપાસ ખરી, તો પણ, એ આંકડો મોટો ના કહેવાય.
આ આંકડાની તુલના આપણા અજરામર પાર્શ્વગાયકોએ ગાયેલા ગીતો સાથે કરીએ? મહંમદ રફીએ 7,000થી વધુ ગીતો ગાયાં હતાં. કિશોર કુમારે 3,000 આસપાસ, મુકેશે 1,300 આસપાસ, આશા ભોસલેએ 12,000 આસપાસ અને લતાદીદીએ, 6,000 આસપાસ. કેટલાક લોકો લતાદીદી માટે ઘણા આના કરતાં ક્યાંય મોટો, 30,000થી 50,000 ગીતોનો આંકડો માંડે છે. હશે.
અરિજિત પહેલાં ગાયકીમાં સર્વોચ્ચ સ્થાને પહોંચનારા ઉદિત નારાયણ અને સોનુ નિગમે 2,000થી વધુ, કુમાર સાનુએ 1,800 આસપાસ (એમના માટે પણ આના કરતાં ક્યાંય વધુ ગીતો ગાયાનો દાવો થાય છે) અને અલકા યાજ્ઞિકે 2,500થીવધુ ગીતો હમણાં સુધીમાંગાયાં છે.
સવાલ એ છે કે તો પછી અરિજિતે આટલાં જ ગીતો પછી, એની સમક્ષ બીજાં ઘણાં વરસોની જાજરમાન કારકિર્દી ઝગમગી રહી છે છતાં, શાને નિવૃત્તિનો નિર્ણય લીધો હશે?
અરિજિતની કારકિર્દીનાં વરસો સામે એણે ગાયેલાં ગીતોની એવરેજ જોઈએ. એણે બેએક દાયકા સુધી, દર અઠવાડિયે, લગભગ એક ગીત ગાયું એમ કહી શકાય. એ સિવાય એણે લાઇવ સિંગિંગ કર્યું છે, શોઝ કર્યા છે, દેશ-વિદેશમાં ટૂર કરી છે. એણે જોકે અન્ય સિંગર્સની જેમ રિયાલિટી શોઝ વગેરેમાં ઓવર એક્સપોઝર નથી લીધું. ફેમ ગરુકુલમાં દેખાયા પછીના વરસે એ 10 કે 10 લે ગયે દિલ નામના શોમાં દેખાયો અને જીત્યો હતો. પછી 13 વરસે ઇન્ડિયન આઇડલમાં નિર્ણાયક બન્યો, બસ. જાહેર સમારંભોમાં, રિબિન કાપીને રોકડી કરવાના ચલણમાં અને નકામા, અસંબદ્ધ નિવેદનો કે અપીરિયન્સમાં અરિજિત પડ્યો નથી. એની આસપાસ રહસ્યનું, એક્સક્લુઝિવિટીનું એક વલય સતત રહ્યું છે. એના દમદાર સ્વર સાથે આ એક્સક્લુઝિવિટીએ અરિજિતને ચાહકોના દિલમાં અચળ સ્થાન અપાવ્યું છે.
વિવાદોમાં અરિજિત આવ્યો નથી. હા, 2014માં વિવાદે એનો ખોટેખોટો ભરડો લીધો હતો ખરો. એ વરસે આશિકી ટુના ગીત તુમ હી હો માટે અરિજિતને ફિલ્મફેરના શ્રેષ્ઠ પુરુષ ગાયકનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે એ એવોર્ડ લેવા મંચ પર પહોંચ્યો ત્યારે સલમાને સહજ પૂછ્યું હતું, “સો જા રહે થે?” અરિજિતે પણ સહજ હા પાડતાં જવાબ આપ્યો, “આપ લોગોં ને સુલા દિયા થા…”
એનો અવતાર પણ, ઘણા ચોખલિયાવની નજરે, આવા સમારોહ માટે અયોગ્ય હતો. આર્મીની પ્રિન્ટવાળું પેન્ટ અને ઉપર ચોકઠાવાળું શર્ટ અને જૂતાંની જગ્યાએ સેન્ડલ.
સલમાને અરિજિતના પ્રત્યુત્તરને કદાચ અંગત લીધો, અપમાનજનક ગણ્યો. એ પછી વરસો સુધી સલમાનની ફિલ્મોમાં અરિજિતને ગાવાની તક મળી નહીં. ત્યાં સુધી કે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા હતી કે ઘણી ફિલ્મોમાંથી સલમાનને લીધે અરિજિતની બાદબાકી થઈ હતી. પણ એ વાતમાં ઝાઝું તથ્ય નહીં જ હોય. બની શકે સલમાને પોતાની ફિલ્મોથી અરિજિતનો કંઠ દૂર રાખ્યો હોય પણ એ અંગત પસંદગીની, રઢની બાબત રહી હશે. યોગાનુયોગ એ પણ ખરો કે અરિજિતની નિવૃત્તિની જાહેરાતના ત્રણેક દિવસ પહેલાં એનું એક ગીત રિલીઝ થયું, સલમાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માટે.
અરિજિતની કહેવાતી નિવૃત્તિ તરફ પાછા વળીએ. શાને આ યુવાન ગાયકે, જ્યારે ગાયકીના હવા ગિરદીવાળા થયેલા ક્ષેત્રમાં, એ સર્વોચ્ચ સ્થાને બિરાજી રહ્યો છે ત્યારે, પ્લેબેક સિંગિંગને થંભાવવું જોઈએ?
અરિજિત, એની અત્યાર સુધીની કરિયરને મૂલવીએ તો, નક્કી જ સરેરાશ ગાય કે માનવીની કક્ષાથી થોડો ઊંચે અને અલગ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર કરેલી જાહેરાત અને સાથેના ખુલાસામાં અરિજિતે જણાવ્યું થે કે પ્લેબેક સિંગિંગ નહીં કરવાનો અર્થ એવો નથી કે એ સંગીત સાથે સંકળાયેલો નહીં રહે. એની બદલે એ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે જુદા પ્રકારના સંગીત પર. પોતાની આંતરિક સર્જનાત્મક્તાની પ્રદીપ્ત ભૂખને કદાચ અરિજિતે પ્લેબેક સિંગિંગથી અળગા થવાના કારણ તરીકે આગળ ધર્યું છે. અમુક જાણકારોના મતે એ શાસ્ત્રીય સંગીત તરફ પ્રયાણ કરવા માગે છે.
ભૂતકાળ તરફ જોઈએ. અરિજિતે ‘પગલાઇત’ ફિલ્મમાં સંગીતકારની જવાબદારી નિભાવી હતી. એ સિવાય એણે સંગીતકાર તરીકે કામ કર્યું નથી. હવે કદાચ એ આ દિશામાં આગળ વધે, કહેવાય નહીં. એવું પણ બની શકે કે એ સ્વતંત્ર સંગીત સર્જે અને પીરસે. એકવાર અરિજિતે એવી પણ ટિપ્પણી કરી હતી કે ફિલ્મક્ષેત્રે ક્રિએટિવ પ્રતિભાઓને એમના યોગદાનની કદર કરે એટલું મહેનતાણું નથી મળતું. આ વાતને પણ એના નિર્ણય સાથે આડકતરી નિસબત હોઈ શકે પણ, એટલું નિશ્ચિતપણે કહી શકાય કે અરિજિત માત્ર પૈસા ખાતર આવું મોટું પગલું ભરે નહીં. જો પૈસા એનું લક્ષ્ય હોય તો, પ્લેબેક સિંગિંગની ધીકતી કમાણીને એ નકારી નહીં. એને એક ગીત માટે નહીંનહીં તોય દસેક લાખ રૂપિયા મળે છે. બીજો અંદાજ છે કે એ પ્રતિ ગીત રૂ. પચીસ લાખ લે છે!
બે રાષ્ટ્રીય, આઠ ફિલ્મફેર (બંગાળી ગીતો માટે ત્રણ અલગ), પાંચ આઇફા, ચાર સ્ક્રીન, 27 મિરચી, પાંચ ગિમા, સાત ઝી સિને અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક એવોર્ડ સહિત, અરિજિત ઓલમોસ્ટ સવાસો એવોર્ડ્સ જીત્યો છે. સૌથી મોટો એવોર્ડ જોકે લોકચાહના છે. નાકનું ટીચકું ચડાવીને નવા ગાયકોને મૂલવનારા મોટાભાગના લોકો-વિવેચકો સુધ્ધાં અરિજિત માટે પોઝિટિવ મંતવ્ય ધરાવે છે.
અરિજિત એના વતન મુર્શિદાબાદના જિયાગંજમાં હેશેલ નામની રેસ્ટોરાં પણ ચલાવે છે. એની શરૂઆત થયે હજી વરસ થયું નથી. એના પિતા ગુરદયાલ સિંઘ રેસ્ટોરાંની સંચાલકીય જવાબદારી નિભાવે છે. રેસ્ટોરાંની પ્રમુખ ખાસિયત માત્ર રૂ. 40માં (વિદ્યાર્થીઓને રૂ. 30)માં ભરપેટ, સાત્વિક ભોજન પીરસવાની છે. જોકે આ રેસ્ટોરાં વિશે ઝાઝી વિગતો પ્રસિદ્ધ થઈ નથી તેથી વાતમાં કેટલું તથ્ય એ જાણવું થોડું અઘરું છે.
અરિજિત નોખી માટીનો છે એ માની લેવામાં કશું ખોટું નથી પણ પ્લેબેક સિંગિંગથી નિવૃત્તિ લેવાની આ ઉંમર નથી જ.
એની પહેલાં આવું કરનારા કોઈ સિંગર ખરા? કિશોર કુમારે 1970-80ના દાયકામાં અમુક નિર્માતા-સર્જકો માટે ગીતો ગાવાનું રોકી દીધું હતું. એની સાથે ઇન્ટરવ્યુઝ આપવા, એવોર્ડ ફંક્શન્સમાં હાજરી આપવી જેવી બાબતોથી પણ તેઓ અળગા થઈ ગયા હતા. જોકે એ ગાયકીથી સંપૂર્ણ નિવૃત્તિ નહોતી. ઇન ફેક્ટ, જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ સક્રિય રહ્યા હતા. એમની પહેલાં હેમંત કુમારે 1960ના દાયકામાં, પોતાના ઝળહળતા દોર વચ્ચે ગાયકી ઘટાડી દીધી હતી. એની બદલે તેઓ સંગીત સર્જવા તરફ વળી ગયા હતા. બંગાળીમાં તેઓએ એ અરસામાં બિનફિલ્મી સંગીત પણ ખાસ્સું સર્જ્યું હતું. 1970-80ના દાયકામાં યેસુદાસે પોતાને હિન્દી ફિલ્મી પ્લેબેક સિંગિંગથી અળગા કર્યા હતા. એની બદલે ધ્યાન આપ્યું હતું શાસ્ત્રીય, ધાર્મિક અને દક્ષિણ ભારતીય સંગીત તરફ. એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમે પણ એક તબક્કે યુવા ગાયકો માટે માર્ગ મોકળો કરતાં ગાયકી ઓછી કરી નાખી હતી.
અરિજિતની નજીકનો ગણી શકાય એવો સાંપ્રત કિસ્સો કોઈનો હોય તો કદાચ લકી અલીનો છે. લકીએ કારકિર્દીના શિખરે પહોંચીને પ્લેબેક સિંગિંગને મનાઈ કરવા માંડી હતી.
અરિજિતના નિર્ણયની દૂરગામી અસર સમય આવ્યે વર્તાશે. એ પોતાનો નિર્ણય ફેરવી તોળીને ફરી પ્લેબેક સિંગિંગ તરફ વળે છે કે કેમ એ પણ સમય જણાવશે. અને બિનફિલ્મી કે કમ સે કમ નોન-પ્લેબેક સિંગિંગ સાથે એ આગળ શું કરે છે એ પણ, બેશક, સમય જ દર્શાવશે. એટલું અવશ્ય કહી શકાય કે અરિજિતે લીધેલો નિર્ણય અકલ્પનીય છે. આપણે જે અરિજિતને ઓળખીએ છીએ, અથવા પૂરેપૂરો નથી ઓળખતા એની આ મક્કમતા લાગી રહી છે. આજ સુધીની પોતાની ઇમેજને, અને ખરેખરી અલિપ્તતાને અનુસરીને, એ જે કરશે એ અવ્વલ રહેશે એવી ધારણા પણ અસ્થાને નથી.
ઓલ ધ બેસ્ટ, અરિજિત.


