કરોડો લોકો કન્ટેન્ટ ક્રિએટ કરે છે. મુઠ્ઠીભર લોકો વાસ્તવમાં કમાણી કરે છે. ક્રિએટરનું સપનું કેવી રીતે વિશ્વની ગંજાવર ટેક્નોલોજી કંપનીઓ માટે બિનવેતન મજૂરોની ફેક્ટરી બની ગયું છે એ વાંચો આ લેખમાં…
દુનિયા હવે ક્રિએટર ઇકોનોમી ધરાવે છે. કન્ટેન્ટ બનાવો અને આવક રળો. આ અર્થતંત્રમાં સૌથી કિંમતી વસ્તુ પ્રતિભા નથી. એ છે જથ્થો એટલે કે વોલ્યુમ. અનેક કન્ટેન્ટ કંપનીઓ, વિશાળ આઈટી કંપનીઓની સબસિડિયરિઝનાં પ્લેટફોર્મ્સ, 195-200 દેશના યુઝર્સને સતત સ્ક્રોલ કરતા રાખવા સજ્જ છે. એ માટે એમને સતત વિડિયો, રીલ્સ, પોસ્ટ્સ, શોર્ટ્સ, લાઇવસ્ટ્રીમ્સ અને ટિપ્પણીનો પ્રવાહ જોઈએ. એ પ્રવાહ ક્યાંથી આવે છે? અસ્વસ્થ બનાવતી સચ્ચાઈ કે એ પ્રવાહ કન્ટેન્ટ ક્રિએટર્સ પૂરો પાડે છે. બિનપગારિયા સપ્લાયર્સની જેમ કામ. એ પણ કૉલર ઊંચો કરીને. તેઓ અજાણતા આ કંપનીઓનો હાથો બની ગયા છે, અને બની ગયા છે વૈશ્વિક કન્ટેન્ટ રિફાઇનરીને સતત પુરવઠો પૂરો પાડતા સ્વયંસેવકો.
ક્ષેત્રના આંકડા વિષમતાઓની ચોંકાવનારી સ્પષ્ટતા દર્શાવે છે. રિવરસાઇડની ક્રિએટર ઇન્કમ એનાલિસીસ મુજબ દુનિયાના માત્ર 0.3% યુટ્યુબર્સ મહિને 5,000 ડોલર કે વધુ કમાય છે. રૂપિયામાં તે લગભગ ₹4.1 લાખ માસિક થયા. 1,000 કે વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા પ્રારંભિક ક્રિએટર્સ જાહેરાતોથી મહિને રૂ. 2,500થી રૂ. 25,000 કમાઈ શકે છે. બસ. સપના અને હકીકત વચ્ચેનું આ અંતર કેવું? ક્યારેય ઓળંગી ના શકાય એવી ખીણ જેવું. છતાં ક્રિએટર ઇકોનોમી રાક્ષસની જેમ, દિવસે નથી વધતી એટલી રાતે વધી રહી છે. એનું મૂલ્ય 2024માં 205 બિલિયન ડોલર હતું. 2033 સુધીમાં એ 1.34 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. એટલે લગભગ ₹1.1 લાખ કરોડથી વધીને ₹11.1 લાખ કરોડ! વિરોધાભાસ સ્પષ્ટ છે: ક્રિએટર્સની બજાર વિસ્ફોટક રીતે વધી રહી છે અને તો પણ મોટાભાગના કન્ટેન્ટ ક્રિએટર્સ કશું કમાતા નથી.
તમે નહીં કમાનારાની મંડળીનો હિસ્સો છો તો અફસોસ કરજો એનો વાંધો નહીં. પણ સાથે સાંત્વના પણ સ્વીકારજો કે આવી મૂર્ખામી કરનારા તમે એકલા નથી. આ તમારી વ્યક્તિગત નિષ્ફળતા નથી. આ તો વ્યવસ્થિત ઊભી કરવામાં આવેલી સિસ્ટમનું પરિણામ છે.
સોનું લૂંટવાની દોડ, જેમાં કર્મકાર નહીં, કોદાળી વધુ કમાય છે
દરેક ટેક્નોલોજી ક્રાંતિની પોતાની કથાઓ છે. ઔદ્યોગિક ક્રાંતિમાં જ્યાં જુઓ ત્યાં ફેક્ટરીના માલિકો હતા. એપની ક્રાંતિમાં સ્ટાર્ટઅપ્સના સ્થાપકો હતા. ક્રિએટર્સની ક્રાંતિમાં જ્યાં જુઓ ત્યાં કન્ટેન્ટ ક્રિએટર્સ છે. ઝૂંપડપટ્ટીમાં છે. લક્ઝરી વિલામાં, ફ્લાઇટમાં, લોકલ ટ્રેનમાં, પાનના ગલ્લે… યુટ્યુબ પર લગભગ 30 લાખ મોનેટાઇઝ્ડ ચેનલ્સ છે. સંખ્યા મોટી, પરંતુ થોભો. યુટ્યુબ પર કરોડો ચેનલ્સ છે. એમાંની માંડમાંડ 6% કે ઓછી મોનેટાઇઝેશન સુધી પહોંચે છે. 90%થી વધુ ચેનલ્સ એવી છે જે ક્યારેય એટલે ક્યારેય, બાપ જન્મારે સુધ્ધાં 10,000 સબ્સ્ક્રાઇબર્સ પાર કરી શકી નથી, કે નથી કરી શકવાની.
મોનેટાઇઝેશનની શરતો આકરી છે. યુટ્યુબ તમને પૈસા આપવાની શરૂઆત ત્યારે કરશે જ્યારે તમારી ચેનલના 1,000 સબ્સ્ક્રાઇબર્સ હોય. છોગામાં, તમારા વિડિયોઝ વાર્ષિક ચક્રમાં 4,000 કલાક જોવાયા હોય. ત્યાં સુધી લમણે હાથ દઈને બેઠા રહેવાનું, મફતમાં કન્ટેન્ટ ઓરે રાખવાનું. છેલ્લાં ત્રણ વર્ષમાં યુટ્યુબે ક્રિએટર્સ અને મીડિયા કંપનીઓને 70 બિલિયન ડોલર (રૂ. 5.8 લાખ કરોડ) ચૂકવ્યા છે. આંકડો બેશક ઉદાર લાગે, પરંતુ એ સિક્કાની એક બાજુ છે. બીજી બાજુ એ કે એમાંની મોટાભાગની રકમ ગણતરીના ક્રિએટર્સ લઈ જાય છે. મામલો સંગીતના સ્ટ્રીમિંગ જેવો છે. ગીત બનાવનારા હજારો પણ જેમનાં ગાજ્યાં એવા મુઠ્ઠીભર.
ધ્યાનની એસેમ્બલી લાઇન
યુટ્યુબ, ફેસબુક વગેરે મીડિયા કંપનીઓ નથી. તેઓ વાસ્તવમાં જાહેરાત આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આઈટી કંપનીઓ છે. જાહેરાત એમનો મુખ્ય વ્યવસાય. તેમનું ઉત્પાદન કન્ટેન્ટ નથી. કન્ટેન્ટ તો આપણે પેદા કરવાનું અને એમને મફતમાં આપવાનું. એમનું મુખ્ય કામ આપણું ધ્યાન એમના પર ખોડાયેલું રહે એવી યુક્તિઓ કરવાનું છે. યુટ્યુબ 2.53 બિલિયન યુઝર્સ સુધી પોતાનો (યુઝર્સનો) માલ પહોંચાડવાની તાકાત ધરાવે છે. એમના થકી 2025ના અંતમાં યુટ્યુબની જાહેરાત થકી આવક 10 બિલિયન ડોલર (રૂ. 83,000 કરોડ) પાર ગઈ.
મેટા રીલ્સ પાંચ વર્ષમાં 50 બિલિયન ડોલર (₹4.1 લાખ કરોડ)નો વાર્ષિક વ્યવસાય બની ગયો. છતાં મોટાભાગના ફેસબુકર્સ અને ઇન્સ્ટાગ્રામર્સને કંપનીની આવકમાં ભાગીદારી નથી. આ પ્લેટફોર્મ્સ કન્ટેન્ટ બનાવવા માટે વરદી આપ્યા વિના, પોતે ખર્ચ કર્યા વિના, મહેનત વિના, પગાર ચૂકવ્યા વિના અને કામ કરનારને આવકની ખાતરી આપ્યા વિના કન્ટેન્ટ મેળવે છે. કર્ટસી, આપણે. એક્સ્પોઝરના નામે કોઈ ફેમસ થયું, એનો માલ ખપતો થઈ ગયો તો, ‘લોટરી ટિકિટ’ લાગે એમ મહેનતાણું મળે. યુઝર્સનું કન્ટેન્ટ કેટલું દેખાશે એના પર કંપનીઓનું આડકતરું, નિયંત્રણ છે.
આત્મનિર્ભરતાનો અવાસ્તવિક ભ્રમ
ક્રિએટર આવક રળી લેવાના સપનાના નામે આ કંપનીઓના ચરણમાં પોતાની સ્વતંત્રતા મૂકી દે છે. એવા ભ્રમમાં કે મને આવક રળવાની સ્વતંત્રતા મળી ગઈ. હવે હું ગમે ત્યાંથી કામ કરી શકું છું, પોતાની બ્રાન્ડ બનાવી શકું છું, નવથી પાંચની ઘાણીના બળદ જેવી નોકરીને લાત મારી શકું છું… બેશક, જૂજ ક્રિએટર્સ માટે આ સપનું વાસ્તવિકતા બને છે. ગોલ્ડમેન સાક્સ અનુસાર, કન્ટેન્ટ ક્રિએશનની મહાસાગર જેવી ઇકો સિસ્ટમમાં લગભગ 4% ક્રિએટર્સ વાર્ષિક 1,00,000 ડોલરથી (રૂ. 82 લાખ)થી વધુ કમાય છે. બાકીના તમામ માટે કન્ટેન્ટની આવક મોસમી વરસાદ જેવી છે. થાય તો થાય બાકી જય ગોપાલ.
વળી, કંપનીઓ જો અલ્ગોરિધમમાં ફેરફાર કરે તો ક્રિએટર્સની આવક રાતોરાત ઉપરતળે થઈ જાય છે. ઊંચાઈથી એ ખીણમાં ધકેલાઈ જાય છે. ‘એડપોકેલિપ્સે’ એ સાબિત કર્યું છે. એના વિશે સર્ચ કરી લેજો. ઓનલાઇન કન્ટેન્ટ ક્રિએટ કરવાના અભરખાથી સ્થિતિ એવી થઈ છે કે બે તૃતિયાંશ યુટ્યુબ ચેનલ્સના સર્જકો આવક માટે યુટ્યુબ સિવાયનાં, બાહ્ય આવક પર નિર્ભર છે. પ્લેટફોર્મ એમને માત્ર વિઝિબિલિટી આપે છે. વેપાર એમણે પોતાની રીતે કરી લેવો પડે છે. એ પણ થાય તો થાય…
જાહેરાત છે કંપનીઓનું છૂપું, ધમધમતું એન્જિન
ડિજિટલ જાહેરાત કંપનીઓની ધીકતી કમાણીનું કેન્દ્ર છે. એમની 2024માં પ્રોગ્રામેટિક જાહેરાત 134.8 બિલિયન ડોલર (રૂ. 11.2 લાખ કરોડ) હતી. એ માટે એમની પાસે છે યુઝર્સ સર્જિત અપરંપાર મીમ, વ્લોગ અને પોડકાસ્ટ… કન્ટેનેટ યુઝર્સને સકારણ અને અકારણ સ્ક્રીન્સ સામે ખોડાયેલા રાખે છે. લોકો જેટલો વધુ સમય ઓનલાઇન રહે એટલી વધુ જાહેરાત, એટલી વધુ આવક. માત્ર ઓસ્ટ્રેલિયામાં ટેક કંપનીઓ વાર્ષિક 26.7 બિલિયન ડોલર (રૂ. 2.2 લાખ કરોડ) નફો કરે છે. હાલમાં ડિઝાઇનિંગના મોરચે વાવટા ફરકાવી રહેલી કંપની કેન્વા ઓસ્ટ્રેલિયન છે. અને ક્રિએટર્સ કેટલા કમાય છે? તેઓ મહિને હજાર રૂપિયા કમાવા માટે સખત મહેનત, અપાર સંઘર્ષ કરે છે. એમને કમાણીની આશા કરાવનારાં પ્લેટફોર્મ્સ રોજેરોજ કરોડ ડોલર્સમાં કમાય છે. કાયદાકીય રીતે નહીં તો પણ, એક રીતે આ શોષણ છે.
ચીનની ડિજિટલ સ્વતંત્રતા
ભારત સહિત દુનિયાના અનેક દેશોએ અમેરિકન, યુરોપિયન, ઓસ્ટ્રેલિયન આઈટી કંપનીઓના શરણાગતિ સ્વીકારી લીધી છે. ભારત જો ધારત તો પડકાર ફેંકી શકત પણ ભારત રહી ગયું સર્વિસ પ્રોવાઇડર બનવામાં. ભારતમાં, ગૂગલ, મેટા, કેન્વા જેવી કંપનીઓ ઊભી થઈ હોય તો…
ચીને આવું કર્યું છે. ડ્રેગનના દેશે ગૂગલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામને લળીલળીને જુહાર નહીં કર્યા. એણે પરવાલંબન નકાર્યું, વેઇબો, વીચૅટ, બૈદુ, દોયુઇન, ટિકટોક, અલીબાબા… કંપનીઓ ઊભી કરી. આજે ચીની ટેક કંપનીઓ અમેરિકન કંપનીઓની ટક્કરમાં છે. આ દેશનો ડેટા દેશનાં સર્વર્સમાં છે. ચીની કંપનીઓ ચીનની અર્થવ્યવસ્થામાં સુખ-સમૃદ્ધિ ફેલાવે છે. કંપનીઓના ગ્રાહકો આખી દુનિયામાં છે. ભારતમાં પણ હોત, જો આપણી સરકારે એ કંપનીઓને અહીં પ્રતિબંધિત ના કરી હોત.
મીડિયાની હાલત પણ ખરાબ છે
દાયકાઓ સુધી પ્રિન્ટ મીડિયા પછી ઇલેક્ટ્રોનિક મીડિયાએ મીડિયા ક્ષેત્ર પર પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું. પછી ઓનલાઇન, ડિજિટલ મીડિયા આવ્યું. એની સામે બાથ ભીડવામાં પરંપરાગત મીડિયા નિષ્ફળ ગયું. બેશક, અમુક કંપનીઓ સમય વર્તે સાવધાનના નાતે પગતળેથી જમીન સરકી જાય એ પહેલાં ચેતી ગઈ. પણ, અપવાદ સિવાય પરંપરાગત મીડિયાની હાલત ખસ્તા છે. એમની સ્થિતિ ભારે છે. ક્યારેક તોરમાં ચાલનારી મીડિયા કંપનીઓ ડિજિટલ વિશ્વમાં સંઘર્ષ કરી રહી છે. છતાં, તેઓ પત્રકારત્વ અને કન્ટેન્ટ પ્રોડક્શન પર લાખો-કરોડો ખર્ચે છે, બસ, આવક નથી. આ કંપનીઓ દિશાભાન ખોઈ બેઠી છે. વળી સૂઝ પાડવાના ચક્કરમાં એ છેવટે ડિજિટલ કન્ટેન્ટ બનાવે છે. એ રીતે એ પણ મફતિયા કન્ટેન્ટ સપ્લાયર બની જાય છે.
એમાં એક કંપની અપવાદ. એ અમેરિકાની છે એ યોગાનુયોગ અથવા હાડોહાડ અમેરિકન દૂરંદેશી, જે ગણો તે. એ કંપની, ધ ન્યુ યોર્ક ટાઇમ્સ. પંદરેક વરસ પહેલાં એણે ભવિષ્ય ભાખી લીધું. કન્ટેન્ટ સર્જવા સાથે પોતાના વાચકો, યુઝર્સ પાસેથી સીધી આવક માટે સબસ્ક્રિપ્શન મોડેલ ઊભું કર્યું. આજે એના ઓલમોસ્ટ 130 લાખ યુઝર્સ છે. ટર્નઓવર બે અબજ ડોલર છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને મોનેટાઇઝેશનથી ધ ન્યુ યોર્ક ટાઇમ્સ વિશ્વની અગ્રણી મીડિયા કંપની બની, ગૂગલ, મેટા એટસેટરાના તળિયાં ચાટ્યા વિના.
ક્રિએટર પિરામિડ જાણો છો?
ક્રિએટર અર્થતંત્ર ત્રણ સ્તરીય પિરામિડ છે. ટોચ પર સુપરસ્ટાર સ્તર છે. એમાં જૂજ ક્રિએટર્સ છે. એમની લાખો સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલ્સ છે. કોઈક સેલિબ્રિટી ઇન્ફ્લુએન્ઝર્સ છે. કોઈકની બ્રાન્ડ્સ સાથે ભાગીદારી છે. કોઈક પાસે વેન્ચર કેપિટલ છે. આ ક્રિએટર્સ ભરપૂર કમાય છે. વચલા સ્તરે અર્ધવ્યાવસાયિક ક્રિએટર્સ છે. તેઓ ગાડું યેનકેન ગબડાવ્યે રાખે છે. ભલે યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામથી સીધી કમાણી ના થાય, છતાં સ્પોન્સરશિપ, એફિલિએટ લિન્ક્સ વગેરેથી પેટિયું રળી લે છે. તળિયે સૌથી ગિરદીવાળો માહોલ છે. એમાં કરોડો ક્રિએટર્સ છે. તેઓ ઘેલાની જેમ, નિયમિત કે અનિયમિત, કન્ટેન્ટ બનાવ્યે રાખે છે. એમ કરીને કંપનીઓની મફતિયાં કન્ટેન્ટ મેળવવાની નેમને સફળ બનાવે છે. બદલામાં કશું મળતું નથી. મળે તો, શિંગ કંપનીઓની અને ફોતરાં ક્રિએટર્સનાં, એવું કંઈક. પણ, “પેલો કમાયો તો હું કેમ નહીં?”, એવી આશામાં લોકો કન્ટેન્ટ બનાવ્યે રાખે છે… ભલે છેલ્લે દળીદળીને…
કરોડો ક્રિએટર્સ ફદિયું ના કમાય છતાં પિરામિડ એટલે જ ટકી રહ્યું છે. આશા. જેમની ખૂટી જાય એમનું સ્થાન લેનારા નવા ઊભા થાય… કોઈકનો વિડિયો કે કોઈકની રીલ વાઇરલ થઈ કે જુવાળ ઉપડે, “એને મળ્યું તો મનેય મળશે,” કરતાંકને કન્ટેન્ટ બનાવવાના સેવાર્થ સંઘર્ષમાં લાખો જોડાઈ જાય. તેથી, કન્ટેન્ટનો પુરવઠો બંધ થતો નથી. પ્લેટફોર્મ્સને એટલું જ જોઈએ છે. એમના માટે ક્રિએટર્સ સફળ થાય તે જરૂરી નથી. જરૂરી એટલું જ કે સતત અપલોડ ચાલુ રહે. એ પણ ત્રણ અક્ષરમાં.
જ્યારે જુસ્સો બિનઆવકની મજૂરી બને…
આ ચક્રમાં સૌથી અસ્વસ્થ બનાવતો શબ્દ છે શ્રમ. શ્રમનો હિસાબ કન્ટેન્ટ ક્રિએટર્સ માંડતા નથી. બસ, “અપના ટાઇમ આયેગા”ની રઢમાં તેઓ કન્ટેન્ટ પાછળ સમય, શક્તિ, બુદ્ધિ, કુશળતા અને ઊર્જા અને લાગણીનો ભોગ આપ્યે જાય છે. તેઓ સંશોધન, એડિટિંગ, સ્ક્રિપ્ટિંગ, માર્કેટિંગ કરે છે. માર્કેટિંગ માટે કંપનીઓને જાહેરાત આપે છે ઇન શોર્ટ, કંપનીઓ માટે તો, ચીત ભી મેરી ઔર પટ ભી મેરી. ખરેખર કહો, આ કામ ઝોમેટો, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો વગેરે માટે થતા ગિગવર્કથી પણ ગયેલું નથી? ગિગવર્કમાં કમ સે કમ પરસેવો પાડો કે બે પૈસા ઘરભેગા થાય કે નહીં?
આપણે આ કંપનીઓની ચામડી ઊતરડી શકતા નથી. એમનું કામ ગેરકાનૂની નથી. એ કોઈને સોટીએ મારીને કન્ટેન્ટ ક્રિએટ કરવાની ફરજ પાડી નથી. એમની અને કન્ટેન્ટ ક્રિએટરની ભાગીદારી સંપૂર્ણપણે ક્રિએટરની ઇચ્છાનુસાર છે. તેથી, ક્રિએટર કન્ટેન્ટ બનાવીને પોતાનું સશક્તિકરણ થયા જેવું ફીલ કરે તો એ એનાં (બદ?)નસીબ. ક્રિએટરને જાણ નથી કે એનું કહેવાતું સશક્તિકરણ ત્યારે ફળે જ્યારે એ પિરામિડના ટોચના સ્તરે પહોંચી બતાવે. એ ના પહોંચે તો પણ ક્રિએટરની આશા પર કંપનીઓનું તંત્ર લગાતાર ધમધમતું રહે છે.
આ પ્લેટફોર્મ્સનો જન્મ અને એમની શરૂઆતી લોકપ્રિયતા અને આજના મિજાજમાં આભ-જમીનનો ફરક છે. આ પ્લેટફોર્મ્સ સોશિયલ મીડિયા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ઊગી નીકળ્યાં હતાં. એમ આખી દુનિયાનું ધ્યાન ખેંચી શક્યાં હતાં. પછી, સર્જનના સ્વાતંત્ર્યમાં સિફતપૂર્વક ફેરફાર થતા ગયા. એકવાર યુઝર્સ અંકે કરી લીધા પછી કંપનીઓએ પોત પ્રકાશ્યું. એમણે સોશિયલને શોષણનું માધ્યમ બનાવ્યું. આ વિસંગતિ કાવ્યાત્મક છે. આ પ્લેટફોર્મ્સે વિશ્વમાં સૌને મનગમતું પ્રકાશિત કરવાને સાધનો આપવાના માર્ગે કન્ટેન્ટનો ખજાનો ઊભો કર્યો. એમાંથી માનવ ઇતિહાસની સૌથી મોટી બિનવેતન કન્ટેન્ટ વર્કફોર્સ ઊભી કરી નાખી. એ વર્કફોર્સમાં હવે તો દાદા અને ભાભુ પણ ફાળો નોંધાવે છે. સૌના મનમાં ઠસી ગયું છેઃ સોશિયલ મીડિયા રહેવું જ પડે. એ ગેરસમજણ, એ ઠાલી આશાની ઓથમાં ચાલે છે સ્માર્ટ અને સિસ્ટમેટિક મેકેનિઝમ. એવું મેકેનિઝમ જેણે કરોડોને ટેક્નોલોજી કંપનીઓના મફતિયા મજૂર બનાવી નાખ્યા, અને ટેક્નોલોજી કંપનીઓને બનાવી નાખી નવા યુગનો ભગવાન, નવા યુગનો કુબેર.
Subscribe Deshwale on YouTube


