વેપારમાં સદૈવ સાહસ, સદૈવ સેવાભાવ અને મનગમતી પ્રવૃત્તિને પણ ન્યાય. ત્રણેય મોરચે તેમણે આગવાં દૃષ્ટાંતો બેસાડ્યાં છે. આજે પણ તેઓ યુવાનો જેવા જોશ સાથે આગળ વધી રહ્યા છે
“નિવૃત્તિ જેવો શબ્દ નથી, અથવા હોવો જોઈએ નહીં. કારણ શરીર હમેશાં સમય સાથે રૂપ બદલતું હોય છે, પરંતુ મને હંમેશાં યુવાન રહેવું જોઈએ. જે મળ્યું છે એ જીવન ઈશ્વરનો પ્રસાદ છે, આશીર્વાદ છે. એની પળેપળને લગાતાર માણવી જોઈએ. ઉદ્યમ કરવો જોઈએ.” દુનિયામાં કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ નહીં એવો ચોટદાર મત ધરાવે છે વડીલ અનિલભાઈ પારેખ. માત્ર બોલ્યે શૂરા નથી તેઓ. વાસ્તવમાં એવું જીવન જીવી બતાવ્યું છે. આજે પણ તેઓ એટલા બધા સક્રિય છે કે ભલભલાને દંગ કરી મૂકે. સમયના દરેક પડકારને અસ્તિત્વના જયજયકારમાં ફેરવી મૂકનારી તેમની લાઇફ સ્ટોરી સુપર ઇન્ટરેસ્ટિંગ છે. લેટ્સ ચેક આઉટ.
મૂળ મહુવાના એવા પિતા શાંતિલાલભાઈ મથુરાદાસ પારેખ તથા માતા સરોજબહેનના દીકરા અનિલનો જન્મ આઝાદીના વરસ ૧૯૪૭માં મુંબઈમાં થયો. માતાપિતાને કુલ ત્રણ સંતાન, અનિલ ઉપરાંત અતુલ અને ઉપમા. ત્રણેયમાં અનિલનો ક્રમ બીજો. લગભગ ૧૯૨૦માં પારેખ મહુવાથી મુંબઈ આવ્યો તે માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી પિતાના વડીલ બંધુ મનસુખભાઈએ, જેને તેઓ મથુરભાઈ મોટા ભાઈ તરીકે સંબોધતા. અનિલભાઈ કહે છે, “અમારા પરિવારમાંથી સૌપ્રથમ મુંબઈ આવ્યા પિતાના મોટા ભાઈ. શહેરમાં તેમણે નોકરી કરતા કારકિર્દીની શરૂઆત કરી હતી. પરિવાર વિલેપાર્લેની કચ્છી ચાલીમાં રહેતો. મોટા ભાઈએ જાતે થાળે પડતાં સાથે અમારા પૂરા પરિવારને મુંબઈ બોલાવી લીધો. ધન્ય મોટા ભાઈને જેમના થકી અમે મુંબઈમાં સ્થાયી થયા.”
અનિલભાઈનો શૈક્ષણિક અભ્યાસ વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં થયો. પછી અંધેરીની ભવન્સ કોલેજ તથા વિલેપાર્લેની મીઠીબાઈ કોલેજમાં ભણતાં તેમણે સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. અઢાર વરસની ઉંમરે, કોલેજમાંથી બહાર પડવાની સાથે તેમણે વેપારમાં ઝંપલાવ્યું, “મારા પપ્પા વડગાદીમાં કેમિકલનો વેપાર કરતા. સમગ્ર પારેખ પરિવાર કેમિકલના બિઝનેસમાં હતો. એટલે મેં મારા મામાના દીકરા ચંદ્રદીપ સાથે પ્રિન્સેસ સ્ટ્રીટમાં, ચંદ્રનીલ ડાયકેમ કોર્પોરેશન નામે સાહસ ખેડ્યું.”
નાની ઉંમરથી વેપારમાં પળોટાતા જતાં અનિલભાઈ આંટીઘૂંટીઓ શીખવા માંડ્યા. કેમિકલના બિઝનેશમાં પાંચેક વરસ પસાર કરતાં નવાં ક્ષેત્રો પણ ખેડ્યાં. તેઓ કહે છે, “પપ્પાની પહેલેથી એવી ઇચ્છા હતી કે હું દવા બજારમાં ઝંપલાવ્યું. મેં એમની ઇચ્છાને માન આપીને પાર્ટનરશિપમાં નવો બિઝનેસ શરૂ કર્યો. આગળ જતાં પાર્ટનરશિપ મૂકીને સ્વતંત્ર વેપાર શરૂ કર્યો.” ભરયૌવનથી અનિલભાઈ એવા મતના રહ્યા છે કે જોખમ ખેડ્યા વિના કશું વળતું નથી. યોગ્ય વ્યક્તિઓએ આપેલી સોનેરી શિખામણોને સાચા અર્થમાં સમજવાની કળા તેમને વરેલી છે. એટલે તો દવા બજારના વેપારની વ્યસ્તતા વચ્ચે જુદું સાહસ ખેડવાનો નિર્ણય કર્યો. શું હતું એ સાહસ?
વાત ૧૯૮૬ની છે. એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જોશીસાહેબ અનિલભાઈના હિતચિંતક હતા. તેમણે સલાહ આપી, “દીકરા, આવનારો સમય મેન્યુફેક્ચરિંગનો નહીં પણ સર્વિસ ઈન્ડસ્ટ્રીનો હશે. જે કાંઈ કરવું હોય તે આ ક્ષેત્રમાં કરવું જોઈએ.” અનિલભાઈ દૂરંદેશી ધરાવનારા હતા. વાતનો મર્મ તેઓ સમજી શક્યા. એમાંથી ૧૯૮૯માં શરૂઆત થઈ વિકી એન્ટરપ્રાઇસીઝની. “વેરહાઉસિંગના વેપારમાં સંકળાયેલી આ નવી કંપની હેઠળ મેં સાયનમાં ૧૦,૦૦૦ ચોરસ ફૂટનું કસ્ટમ્સ અપ્રુવ્ડ વેરહાઉસ ઊભું કર્યું,” એવું જણાવીને તેઓ આગળ ઉમેરે છે, “એ સમયે મને એવો પણ અંદેશો આવી ગયો હતો કે રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ ખાસ્સો લાભ છે. ઘણીવાર એવું બને કે વરસોનાં વરસો સુધી એ ક્ષેત્રમાં હાડમારી ખમવી પડે. તમારી પાસે જમીન હોય તો આ ક્ષેત્રમાં નિશ્ચિતપણે મોટી પ્રગતિ થઈ શકે, શરત એટલી કે હિંમત અને ધૈર્ય બેઉ હોય.” બેઉ અનિલભાઈ પાસે હતાં એટલે ૧૯૯૦માં તેમણે એક ભાવનગરમાં મોકાની જમીન પણ ખરીદી રાખી.
વેપાર વચ્ચે તેમના અંગત જીવનમાં પણ નવાં પ્રકરણ ઉમેરાતાં ગયાં. શિહોરના તત્કાલીન નગરશેઠ ભગવાનભાઈ તથા નર્મદાબહેનનાં દીકરી બીના સાથે ૧૯૭૨માં તેમનાં લગ્ન થયાં. ઈશ્વરે આ દંપતીને વિશાલ અને માનસીના રૂપમાં બે સંતાનો આપ્યાં. પિતાના વિકસતા વેપાર વચ્ચે સંતાનોએ પણ શૈક્ષણિક મોરચે પ્રગતિ સાધી. ખુદ બીનાબહેન માઇક્રો બાયોલોજીમાં બીએસસી સાથે ગુજરાતી ભાષાનાં વિશારદ છે. દીકરી માનસીએ એમબીએ પૂર્ણ કરવા સાથે કાઉન્સેલિંગ સાઇકોથેરાપીમાં ડિગ્રી હાસલ કરી છે. વિશાલની વાત કરીએ તો તેણે અમેરિકામાં એમબીએનો અભ્યાસ કર્યો છે. આજે એ પિતા સાથે બિઝનેસમાં ખભેખભા મિલાવે છે. બીજી તરફ માનસી વ્યાવસાયિક મોરયે આગળ વધવા સાથે, રે ફાઉન્ડેશન નામની સેવાસંસ્થામાં પિતાને સબળ સાથ આપે છે. રે ફાઉન્ડેશનના નેજા હેઠળ મ્યુનિસિપાલિટી સ્કૂલનાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. ૧૦,૦૦૦ દીકરીઓને સાક્ષરતાસજ્જ કરવાનો ઉમદા હેતુ ધરાવતા આ ટ્રસ્ટ પાસે પોતાના શિક્ષકો છે.
સમાજસેવા અને પરોપકારની ભાવના અનિલભાઈને વડીલો પાસેથી તો સંતાનોને અનિલભાઈ પાસેથી વારસામાં મળી છે. શ્રી વિલેપાર્લે ઉત્કર્ષ મંડળ સાથે અનિલભાઈ પચીસેક વરસથી સંકળાયેલા છે. વિવિધ પદો સંભાળતાં આજે તેઓ પ્રેસિડન્ટ તરીકે સંસ્થાની અનેક સેવાપ્રવૃત્તિઓની ધુરા સંભાળી રહ્યા છે. શૈક્ષણિક, સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પૂરી પાડીને આ સંસ્થા અસંખ્ય લોકોના જીવનમાં સુખશાતા પ્રસરાવી રહી છે. ઉપરાંત નટરાજ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે પણ અનિલભાઈ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.
વેપારની વાત પર પાછા આવીએ. ૧૯૯૦થી આજની વચ્ચેના સમયગાળામાં અનિલભાઈએ, તેમની જોખમ ઉઠાવવાની અદ્ભુત આવડતની મદદથી, અનેક વેપાર ઊભા કરીને સફળ કરી બતાવ્યા છે. એમાં ભાવનગરમાં બાંધકામ ઉદ્યોગના પ્રોજેક્ટ, અંધેરીમાં લોખંડવાલા સ્થિત હોટેલ, ઓટોમોબાઇલ્સ અને તેના સર્વિસ સેન્ટરનું કામકાજ વગેરે સામેલ છે. દીકરા વિશાલ સાથે આર્કિટેક્ટની ડિગ્રી ધરાવતી પુત્રવધૂ કેયા કમલા રાહેજા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમની પોતાની કેએસપી એસોસિયેટ્સ નામની આર્કિટેક્ટ ફર્મ પણ છે. અનિલભાઈએ ક્યારેક વણખેડ્યાં ક્ષેત્રોમાં જે સફળતા મેળવી બતાવી છે તે પાછળ તેમની એક સરળ છતાં અતિ પ્રેરક થિયરી કામ કરી ગઈ છે, “આપણું વિઝન સ્પષ્ટ હોય અને મેનેજમેન્ટ સોલિડ હોય તો કશું અશક્ય નથી. આ બે તાકાતની મદદથી બિઝનેસ અને કંપનીઓ ઓટો અર્થાત્ સ્વચાલિત ધોરણે ચાલી અને સફળ થઈ શકે છે. એમાં વળી આ તો ડિજિટલ યુગ. એમાં ભલભલી સમસ્યાઓનો ઇલાજ આપણા હાથમાંના ગેજેટમાં, એટલે આપણી મુઠ્ઠીમાં છે.” આવા જોશને લીધે તો અનિલભાઈ આજે પણ ઉત્સાહ ધરાવે છે કે દર બે વરસે એકાદ નવો બિઝનેસ શરૂ કરવાનો!
કપોળોની વાત કરતાં તેઓ ઉત્સાહમાં આવી જાય છે. “વહાણવટાથી વેપાર સુધી આપણે કપોળોએ જે ક્ષેત્રો ખેડ્યાં છે તેમાં અકલ્પનીય સિદ્ધિઓ પામી છે. મુંબઈ જેવા શહેરમાં તો કપોળોએ સર્જેલી સફળતાગાથા અસામાન્ય છે. આપણા સમાજમાં જે કોઈ ફાંટો પડવા લાગે છે તે બધાંનો આપણે ત્વરાથી નિવેડો લાવવો જોઈએ, કેમ કે સંગઠનમાં કમાલની શક્તિ છે. આપણે એક રહીશું તો કાયમ અજેય રહીશું.” છેલ્લે એક સિક્રેટ: વેપારી, સેવાભાવી એક્ટિવિટીઝ વચ્ચે પણ અનિલભાઈએ લેખક, ગાયક તથા ક્રિકેટ અને બેડમિંટનના ખેલાડી તરીકે પણ રંગ રાખ્યો છે. એક જમાનામાં જમનાબાઈ નરસી સ્કૂલમાં તેઓ ઓનરરી ક્રિકેટ કોચ પણ હતા. જેમણે જીવનમાં આવા રંગો માણ્યા તેવા કપોળ સ્વજન માટે સૌને માન થવાનું. એમના જેવો ઉત્સાહ સૌને મળે.
તમારી પાસે જમીન હોય તો આ ક્ષેત્રમાં નિશ્ચિતપણે મોટી પ્રગતિ થઈ શકે, શરત એટલી કે
હિંમત અને ધૈર્ય બેઉ હોય.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


