તાજેતરમાં નવા વર્ષના વધામણા સ્વરૂપે નેમ આર્ટ્સ રાજકોટનું નાટક “અરાઈઝ! અવેઈક!” હેત પરિવારના સંયુક્ત ઉપક્રમે ૨૮ ઓક્ટોબરના રોજ રાત્રે નવ વાગ્યે મુંબઈના લતા મંગેશકર નાટ્યગૃહ ખાતે રજૂ થયું. સ્વામી વિવેકાનંદના જીવનદર્શન અને આધુનિક યુવાનોના સંઘર્ષોને આધારે રચાયેલા આ નાટકનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી થયું હતું.
આ નાટક ટેકનોસેવી, બેરોજગાર યુવાન ‘નરેન્દ્ર’ અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા સ્વામી વિવેકાનંદ વચ્ચેની કાલ્પનિક મુલાકાત પર આધારિત છે. તેમાં આધુનિક યુવાનોની સમસ્યાઓ, વ્યસનમુક્તિ, આત્મહત્યા જેવા ગંભીર મુદ્દાઓ અને જીવનના ઉદ્દેશ વિશેના સંવાદો દ્વારા ઊંડો સંદેશ આપવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં રંગમંચ, ટેલિવિઝન અને ફિલ્મોના જાણીતા અભિનેતા શેખર શુક્લ, રાજુલ દિવાન, મોટીવેશનલ સ્પીકર અને પત્રકાર આશુ પટેલ, સાહિત્યકાર હિતેન આનંદપરા, જન્મભૂમિ-યાત્રાભૂમિના સંપાદક સંજય વિ. શાહ, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના પ્રમુખ કુનેશ દવે, ધીરજ રાઠોડ, જીમિત વોરા અને સંસ્કાર ભારતી મીરાં-ભાયંદર નગરપાલિકાના પૂર્વ નગરસેવક મનોજ દુબે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નાટક દરમિયાન સંવાદે-સંવાદે તાળીઓનો ગડગડાટ ગૂંજી ઉઠ્યો અને અંતે પ્રેક્ષકોએ કલાકારોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અગિયાર વર્ષથી રજૂ થતું આ નાટક હવે તેના સોળમા શો સુધી પહોંચ્યું છે. તાજેતરમાં સુરત અને રાજકોટ ખાતે યોજાયેલા શોને પણ ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. નાટકનું લેખન, દિગ્દર્શન, મુખ્ય અભિનય અને સંગીત સંકલન મનીષ પારેખ દ્વારા કરવામાં આવ્યું છે.
મલ્ટીમીડિયા ટેકનોલોજી અને ૨૦થી વધુ પ્રતિભાશાળી કલાકાર-કસબીઓના સુમેળ સાથે રજૂ થયેલા આ નાટકમાં મુખ્ય કલાકાર–કસબીઓમાં મનીષ પારેખ, શ્રીનીલ જાની, સુનિલ ઓઝા, નેહા પારેખ, ડૉ. નયના ભાલોડિયા, કેપ્ટન જયદેવ જોશી, સુહેલ શેખ, મિતુલ સોનપાલ, વર્ણમ પારેખ, દ્વિત શાહ, નભ્ય મહેતા અને દેવર્ષિ પંડ્યાનો સમાવેશ થાય છે. મ્યુઝિક અને વિડિયો ઓપરેશન શિવ ત્રિવેદી, પ્રકાશ સંચાલન રમિઝ સાલાણી અને મેકઅપ હરેશ તુરીએ સંભાળ્યું હતું.
Subscribe Deshwale on YouTube


