દાનવીરો, જો વ્યવસ્થા, સંચાલન, સમર્પિતતાથી પ્રભાવિત થતા હોવ તો આ પાંજરાપોળને તમારે અચૂક પોખવી રહી. એટલું જ નહીં, એના ઝડપી અને ઝમકદાર વિકાસ માટે ઝોળીઓ ખોલવી રહી
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
“ગાયના દૂધ પર મુખ્ય અધિકાર વાછરડાંનો ગણાય. અમારે ત્યાં નિયમ છે કે અમારી સાત દૂઝણી ગાયનું એટલું જ દૂધ દોહવાનું જેનાથી સાત કર્મચારીઓની દૂધની જરૂરિયાત સચવાઈ જાય.” સદ્ભાવના અને જીવદયાની અનેક વિશેષતાઓ જોવા મળે છે આ પાંજરાપોળમાં. બેણપ ગામમાં દોઢસો જેટલા જૈન પરિવારો છે. એમના સબળ અને નિર્લેપ સાથ-સહકારથી સંસ્થા ચાલે છે. બાહ્ય સ્ત્રોતોથી મદદ મળે તો અનુમોદના, અને ના મળે તો પણ થતી રહે પશુસેવા. જે સંસ્થા સુકૃતના મામલે આટલી સમર્પિત હોય એને વળી તકલીફો હોય?
બિલકુલ હોય, કેમ કે સંસ્થાને જ્યારે સમાજનો અપેક્ષિત ટેકો મળતો નથી ત્યારે તેના વિકાસની અને સેવાકાર્યની મર્યાદા બંધાઈ જાય છે. એકવીસ એકરમાં પથરાયેલી આ પાંજરાપોળ એનું ઉદાહરણ છે. સારા સંચાલકો, ઊડીને આંખે વળગતી વ્યવસ્થા છતાં, ચીજવસ્તુઓની, સાધનોની જે કમી છે એનું કોઈ શું કરે? હાઇવેથી એકાદ કિલોમીટર અંદર, સુઈગામ તાલુકામાં સ્થિત આ પાંજરાપોળ આજે પણ સંપૂર્ણ કમ્પાઉન્ડ વોલ ધરાવતી નથી. શેડ પણ અપૂરતા હોવાથી પશુઓએ ત્યાં ઠંડી, ગરમી, વરસાદનો માર ખમવો પડે છે. હવાડા પણ ઓછા, જળસંગ્રહ માટે ટાંકી પણ પૂરતી નથી અને ઘાસ માટે કટર મશીનની પણ જરૂર છે. વળી ગોડાઉન હોય તો ચારાની વ્યવસ્થા સારી થાય…
આટઆટલી જરૂરિયાતો છતાં કોઈ ફરિયાદ વિના પોતાના કાર્યને અતિશય નિષ્ઠા સાથે પૂરું કર્યે જાય છે આ પાંજરાપોળ. સલામ છે સંચાલકોના ખમીરને, સમર્પિતતાને!
સંસ્થાની જવાબદારીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા અર્જુનભાઈ ચૌહાણ જણાવે છે, “અમારા ટ્રસ્ટીઓ સંસ્થાના સુસંચાલન માટે બનતું કરે છે. કશેય કશું માગવા ગયા વિના સંસ્થાની જરૂરિયાતો સચવાઈ જાય તે માટે તેઓ સજાગ રહે છે.”
એ ઉપરાંતનો ટ્રસ્ટીઓનો ગુણ છે બીજી પાંજરાપોળોને મદદરૂપ થવાનો. ૨૦૧૫ના પૂરમાં આ સંસ્થાએ આસપાસની પાંજરાપોળોને વિવિધ મદદ કરી હતી. ૨૦૧૭ના પૂરમાં પણ સદ્ભાગ્યે આ સંસ્થામાં મોટી તારાજી થઈ નથી. કારણ કે ઊંચાઈએ આવેલી જગ્યા અને વ્યવસ્થિત આયોજન. મુદ્દે, સુનિયોજિત સુરક્ષા.
ઊણપો/જરૂરિયાતો
1. કમ્પાઉન્ડ વોલ બાંધવી જરૂરી.
2. શેડ, હવાડાનું નિર્માણ.
3. પાણીના કુંડ સહિત ટાંકીનું નિર્માણ.
4. ઘાસ કાપવાનું મશીન.
5. ગોડાઉન તથા સ્ટાફ ક્વાર્ટર્સ.
6. સુચારુ સંચાલન માટે ખરંચો.
સાતેક જણના કર્મચારીગણવાળી આ પાંજરાપોળ પાસેથી અન્ય પાંજરાપોળોએ પ્રેરણા મેળવવા જેવી છે. સાથે જ, જે દાનવીરો ઉત્તમ આયોજન-વ્યવસ્થાને ચાહે છે તેમણે આવી સંસ્થાના ઝડપી વિકાસ માટે મોકળા મને દાનની સરવણી વહાવવી જોઈએ. ગોડાઉન, શેડ, ફ્લોરિંગ, વોટર સ્ટોરેજ જેવી પાયાની જરૂરિયાતો પણ જ્યાં પૂરી થાય નહીં તેવી સંસ્થા આપણા સમાજમાં હોય એ આદર્શ સ્થિતિ નથી.
આ વખતના પૂરમાં આ પાંજરાપોળ મોટી નુકસાનીનો ભોગ બનતા બચી ગઈ છે. જોકે જરૂરિયાતોનો અભાવ એના વિકાસના આડે વિઘ્ન બનીને ઊભો છે. જૈનો જેના માટે ગર્વ લઈ શકે એવા સ્તરે બેણપ પાંજરાપોળને આપણે સહિયારા સહાય પહોંચાડવી રહી. એના માટે આપણે શું કરવું રહ્યું એ કહેવાની જરૂર ખરી?
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી બેણપ ગૌશાળા, ખોડાઢોર, મુકામ પોસ્ટ બેણપ, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૫૭૦, ગુજરાત
સંપર્ક: અર્જુનભાઈ ચૌહાણ
મોબાઇલ: ૯૯૭૪૧ ૭૩૯૫૫, ૯૮૨૫૧ ૪૪૧૭૭
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામઃ શ્રી બેણપ ગૌશાળા ખોડાઢોર પાંજરાપોળ
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૪૬૭
વાર્ષિક ખર્ચ: ૪૫ લાખ રૂપિયા
બાંધકામનો ખર્ચ: ૪૫થી ૫૦ લાખ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે.
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.