નાની ઉંમરે એમણે મોટું સપનું જોયું નાટ્યસર્જક બનવાનું. એ સપનાને સાકાર કરીને હવે ફિલ્મોમાં પણ તેઓ રણકતો સિક્કો બની ચૂક્યા છે. અને આ તો હજી શરૂઆત છે
“નાટકમાં કામ કરે છે? હદ કહેવાય. એને સમજાવો કે એનાં લગ્ન નહીં થાય. નાતમાં કોઈ છોકરી નહીં આપે.” ૧૯૯૦ના દાયકામાં જ્યારે વિપુલ મહેતાએ હજી તો વીસી પતી નહોતી ત્યાં નાટ્યક્ષેત્રને જીવનનો ઉદ્દેશ બનાવી લીધો. સમાજમાં ચણભણ થવા માંડી. વિપુલ છતાં મક્કમ અને મમ્મી-પપ્પા જ્યોતિ અને મનસુખભાઈ તેની પડખે. ૧૯૯૪માં વિપુલને અરવિંદ જોશીના નાટક બે લાલના રાજા અને આશીર્વાદ માટે અમેરિકા જવાની તક મળી અને, વિપુલ કહે છે, “દૃષ્ટિકોણ બદલાયો. હું અમેરિકા ગયો એ વાત એટલી મોટી હતી સૌના માટે કે…”
નિર્લોનમાં નોકરી કરતા પિતાના આ દીકરાને હવે દુનિયાભરના દર્શકો ઓળખે છે. આપણી અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ ચાલ જીવી લઈએ એટલે વિપુલની ફિલ્મ. મુંબઈના ઉપનગર કાંદિવલીમાં ૧૯૭૨માં જન્મ. વતન અમરેલી અને પરિવારમાં બહેન ફાલ્ગુની પણ. જન્મે મુંબઈગરા વિપુલભાઈનો અમરેલી સાથે પ્રગાઢ સંબંધ, “ભણતો ત્યારે દરેક વેકેશનમાં અમરેલીએ જવાનું થતું. શેરીઓમાં રમવાનું, રાયણ અને ગોરસ આમલીથી માંડીને તરેહતરેહની ચીજો ખાવાની. મારાં દાદી ભાગીરથી મરજાદી વૈષ્ણવ. નિત્ય ફૂલસેવા કરે અને એમનાં માટે ફૂલો લાવીએ એમાં અમે પણ અમરેલીની માટીથી કંઈક વધારે મઘમઘવા માંડીએ!”
અમરેલીમાં ફિલ્મો જોવા વિપુલ થનગન્યા કરે. પૈસા હોય નહીં પણ ગામમાં દાદા હરિલાલ દસ્તાવેજવાળાનું આદરભર્યું નામ. દાદાની લખેલી ચિઠ્ઠી ફિલ્મ જોવાનો પરવાનો બનતી. વિપુલ કહે છે, “અમે પેન્સિલથી ચિઠ્ઠી લખાવતા, જેથી તારીખ બદલીને ચિઠ્ઠી વારંવાર કામ આવે.” બાળસહજ મજા વચ્ચે મુંબઈમાં પૂર્ણ પ્રજ્ઞા હાઈસ્કૂલમાં ભણતાં, ત્રીજા ધોરણમાં એને ઉમેશ દેસાઈ સંચાલિત કલા ક્રીડા કેન્દ્રમાં મંચ પર રાજકુમાર બનીને ઝળકવાની તક મળી. સાથે છંદ દાઢે વળગ્યો અને, “છાપામાં એક જાહેરાતમાં આવતા અંગ્રેજીના ત્રણ અક્ષર વારંવાર ધ્યાન ખેંચે: એસડીપી. બહુ કુતૂહલ થાય, આ શું છે? પછી ખબર પડી કે એ તો સવિતા દામોદર પરાંજપે નાટકની જાહેરાત હતી. થોડાં વરસો પછી જીવનમાં પહેલવહેલું નાટક બા રિટાયર થાય છે જોયું. મેં તત્ક્ષણ નક્કી કરી લીધું: નાટકની જાહેરાતમાં આપણું નામ જોઈએ.”
દસમા પછી મનસ્વી દીક્ષિતનાં બે બાળનાટકોમાં વિપુલે અભિનય કર્યો. નિર્લોનમાં પપ્પા સાથે રંગકર્મી રાજુલ દીવાન નોકરી કરે. એના મારફત વિપુલને વ્યાવસાયિક નાટક માસીબામાં બેકસ્ટેજમાં કામ મળ્યું. સાથે શરૂ થઈ કારકિર્દી. વિપુલ ત્યારે વસઈની વર્તક કોલેજમાં અભ્યાસ કરે, “દસમામાં સારી ટકાવારી એટલે મને સાયન્સમાં મૂકવામાં આવ્યો પણ મારે આર્ટ્સમાં જવું હતું!” ખેર, માસીબાનો એક શો જોવા આવ્યાં અભિનેત્રી મુક્તા ભટ્ટ, જેઓ અમરેલીમાં મહેતા પરિવારનાં પાડોશી. તેમના સૂચનથી વિપુલે પરાગ વિજય દત્ત ડ્રામા એકેડેમીમાં પ્રવેશ લીધો. ઇન્ટર કોલેજિયેટ નાટ્યસ્પર્ધામાં પોતાની કોલેજનું પ્રતિનિધિત્વ કરતાં વિપુલે દિગ્દર્શન પર હાથ અજમાવવા માંડ્યો. ઘરનાઓની ઇચ્છા કે એ ડોક્ટર બને પણ, સ્પર્ધાઓ તથા એકેડમીના જ્ઞાને વિપુલને વાર્તા અને વિષયનાં ઓપરેશન કેમ કરવાં તેની સમજણ આપવા માંડી.
એકવાર મીનાક્ષી રાઠોડ નામની એક વ્યક્તિ સાથે પરિચય થયો. તક મળી મણિબહેન નાણાવટી કોલેજ માટે, મુનશી શિલ્ડ સ્પર્ધાના નાટકના દિગ્દર્શનની. પહેલા વરસે રંગીતા, બીજા વરસે સ્નેહ અને અને ત્રીજા વરસે કર્યું સ્પર્શ નાટક. ત્રીજા નાટકે ઓળખ બનાવી. નિર્માતા રાજેન્દ્ર બુટાલાએ કાંતિ મડિયા દિગ્દર્શિત નાટક અઢી અક્ષર પ્રેમના માટે કોલ કર્યો, “સરસ પાત્ર છે. રોલ કરીશ?” પછી ૧૯૯૪માં, ઉપર જણાવી તે, અમેરિકાની ટૂર અને…
વિપુલભાઈ કહે છે, “૧૯૯૫-૯૮ વચ્ચે ત્રણ વ્યાવસાયિક નાટકો દિગ્દર્શિત કર્યાં. ત્રણેય નિષ્ફળ. દરમિયાન, ૧૯૯૭માં મારાં લગ્ન તેજલ સાથે થયાં. નિષ્ફળતાએ ઘણી ચિંતા પ્રસરાવી હતી પણ હું નાસીપાસ થયા વિના ટકી રહ્યો.” ૧૯૯૯માં મને બાલાજી ટેલિફિલ્મ્સ માટે સિરિયલ લખવા પર હાથ અજમાવવાની તક મળી, “હું અને રાજેશ જોશી એક પાઇલટ લખીને ગયા. એ સાંભળીને એકતા ઉકળી. એણે અમને મણમણની સંભળાવી. મારી અને રાજેશની ચર્ચા થઈ કે આપણે નાટકના દિગ્દર્શક, આપણને લખતા ના આવડે. છતાં ફરી પ્રયત્ન કર્યો, કેમ કે કામ જોઈતું હતું. બીજા પ્રયત્ને એકતા ઇમ્પ્રેસ થઈ. સિરિયલ હતી કોશિશ એક આશા. ૨૦૦૦માં ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી સિરિયલ લખી. એણે ઇતિહાસ સર્જ્યો.”
એ પછી પાછા વળીને જોવું ના પડ્યું. આ તરફ ઇન્ટર કોલેજિયેટમાં એક નાટક કર્યું હતું. નિર્માતા સંજય ગોરડિયાએ તેના વ્યવસાયિકરણના અધિકાર લીધા હતા. બેએક વરસના વિલંબ પછી ગોરડિયાએ પૂછ્યું, “ક્યારે કરશું આ નાટક?” શરમમાં પણ વિપુલે તેને મંચસ્થ કરવા છેવટે કમર કસી. એ નાટક હતું જલસા કરો જયંતીલાલ. ૨૦૦૧માં નાટકના સંગીતને સર્જવા વચ્ચે મહેતા યુગલના ઘરે માતૃત્વની ધૂન વાગી અને દીકરા હિતાર્થનો જન્મ થયો. નાટક રિલીઝ થયું એ સાથે દિગ્દર્શનના મોરચે વિપુલનો સિક્કો જામી ગયો.
આજે વિપુલભાઈની ગણના ટોચના નાટ્ય દિગ્દર્શકોમાં થાય છે. સરિતા જોશી જેવાં અનન્ય અભિનેત્રી સાથે કોઈ દિગ્દર્શકે ત્રણ નાટક કર્યાનું બહુમાન મેળવ્યું હોય તો પ્રવીણ જોશી પછી એકલા તેમણે. જોશી પરિવારની ત્રણેય પેઢીને પણ ડિરેક્ટ કરી છે. સિરિયલના મોરચે અનેક સફળ સર્જનોનું લેખન કર્યું છે. ઇન્દ્ર કુમારની હિન્દી ફિલ્મ સુપર નેનીના લખાણ ઉપરાંત હવે, વિપુલભાઈએ દિગ્દર્શિત કરેલી ત્રીજી ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએથી એ મોટા પડદે પણ સફળ નામ છે, “હૈયાને સ્પર્શે તેવી વાર્તાની સરળ રજૂઆતે આ ફિલ્મને લોકભોગ્ય બનાવી. નિર્માતા રશ્મિન મજીઠિયાએ આવી ખર્ચાળ ફિલ્મના નિર્માણમાં જે વિશ્વાસ દાખવ્યો તે સુપર્બ હતો.” વિપુલની નાટ્ય કારકિર્દીના અડીખમ સમર્થકો સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદી રહ્યા છે. વિનોદ સરવૈયા પણ લેખક તરીકે લાંબા સમયથી સાથી છે. રંગભૂમિના કેટલાય નવોદિત લેખકો સાથે વિપુલે કામ કર્યું છે. હવે વેબ સિરીઝના દિગ્દર્શનમાં પણ વ્યસ્ત છે.
વિપુલના પિતા અમરેલીમાં નિરાંતભર્યું નિવૃત્તિ જીવન માણી રહ્યા છે. દીકરો બારમાનો અભ્યાસ કરીને વ્હિસ્લિંગ વૂડ્સમાં ભણી મનોરંજનના ક્ષેત્રમાં આવવા થનગની રહ્યો છે. વિપુલ કહે છે, “મને અફસોસ એક કે મારાં મમ્મી મારી સફળતાને જોવા રહ્યાં નહોતાં. ૧૯૯૮માં તેમનું અવસાન થયું. આજે પણ મને તેમની ખોટ સાલે છે.”
કપોળપણા વિશે સજાગ રહીને પણ વિપુલ માણસાઈને મોટો ધર્મ માને છે, “મારા ઘરે પુષ્ટાવેલા ઠાકોરજી છે. મેં બ્રહ્મસંબંધ લીધું છે. દહિંસર રહેતા ત્યારે ત્યાં કપોળ મંડળમાં નૃત્ય-નાટકો કર્યાં છે. કપોળો દરેક ક્ષેત્રમાં છે એ આપણા માટે ગૌરવની વાત છે. બદલતી દુનિયા અનુસાર આપણે વિચારસરણી વૈશ્વિક કરીશું તો હજી આગળ વધીશું. માત્ર વેપાર કરવાની જિદ કરવાને બદલે કપોળ બાળકો-યુવાનોને આપણે મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાં જોઈએ.”
મારી અને રાજેશની ચર્ચા થઈ કે આપણે નાટકના દિગ્દર્શક, આપણને લખતા ના આવડે. છતાં ફરી
પ્રયત્ન કર્યો, કેમ કે કામ જોઈતું હતું.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.