પાંચેક લાખનો ચારો નકામો કરવા ઉપરાંત આ સંસ્થાની પાંચેક ગાયોને પૂરે મોતને ઘાટ ઉતારી. હજી સુધી ત્યાં પાણી સુકાયાં નથી અને કાદવનો નિકાલ થયો નથી
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
ડીસા રેલવે સ્ટેશનથી આશરે ૭૦ કિલોમીટર અને થરાદ બસ સ્ટેન્ડથી આશરે બારેક કિલોમીટર દૂર સ્થિત છે આ પાંજરાપોળ. એની બારેક એકર જમીન પર જૂનમાં ખાબકેલા વરસાદે હાલાકીઓનો પાર રહેવા દીધો નથી. જીવનને પોષતા જળથી આવી વરવી હાલત થાય એ કુદરતની બલિહારી છે. સંસ્થાની ઓફિસથી માંડીને પશુધન માટેના શેડ્સ સુધી, પાસેની ૨૪૦ એકર ખેતીની જમીન સુધી, વરસાદે બધાંને હડફેટમાં લીધાં. આ વખતે અહીં બે-અઢી ફૂટ પાણી ભરાયાં પછી અત્યાર સુધી ના પૂરેપૂરાં પાણી ઊતર્યાં છે કે ને તો કાદવની સ્થિતિ પૂરેપૂરી સુધરી છે.
“ગાયોને ક્યાં સાચવવી એ અમારા માટે મોટો પશ્ન થઈ ગયો હતો,” ટ્રસ્ટી વિનોદભાઈ અમને જણાય છે, “કારણ કોઈ જગ્યા એવી રહી નહોતી જ્યાં કાદવ ના હોય. એમાં વળી પાંચેક લાખનો ચારો ભીંજાઈને નકામો થઈ ગયો. એટલું સદ્ભાગ્ય કે વરસાદ અમારે ત્યાં પાંચેકથી વધારે ગાયોનો ભોગ થઈ શક્યો નહીં.”
જોકે જીવતી રહેલી ગૌમાતાઓના નિભાવનો પડકાર પણ સહેલો નથી. પૂરના લીધે ગૌશાળામાં તો રાખવી સહેલી રહી નહોતી. એટલે ગાયોને છૂટી કરવામાં આવી. અહીંતહીં, ગામમાં જ્યાં ત્યાં ગાયો ફરે અને ક્ષુધા, સંતોષે. અત્યારે પણ અહીં પાણી જ્યાં ત્યાં ભરાયેલાં જોવાં મળે છે. મુદ્દે, પરિસ્થિતિ ફરીવાર સરળ અને નિયમિત થાય એ પહેલાં આ પાંજરાપોળે ઘણું સહન કરવાનું બાકી છે.
ઢીમા ગામના જૈન મંદિર નજીક કાર્યરત આ પાંજરાપોળની સ્થાપના વર્ષોથી થયેલી છે. ચાર-પાંચ સેવાભાવીઓનું ટ્રસ્ટ એનું બને તેટલું સારું સંચાલન કરવા સતત પ્રયત્નશીલ છે. ટ્રસ્ટીઓ જાતે અને દાતાઓ એની ભંડોળની જરૂરિયાત પૂરી પાડવા યોગદાન આપે છે. ઓછી માળખાકીય સુવિધાઓ વચ્ચે જોકે જે કાર્ય થઈ રહ્યું છે એ, સુવિધાઓ સચોટ હોય, તો બહુ ખીલી ઊઠે. એટલે જ, પૂર પછીના આ દિવસોમાં સમાજે બે સંકલ્પ કરવા જેવા છે. એક તો પૂરે જે નુકસાની કરી છે એની વહેલી ભરપાઈ અને બીજું, ઢીમા પાંજરાપોળ સહિતની તમામ પાંજરાપોળો અને ગૌશાળાઓને જે સુવિધાઓની જરૂર છે એ પૂરી પાડવી.
ત્રણેક દૂઝણી ગાયો સહિત અહીં બસોએક ગાયો માટે ઘણી ચીજો વસાવવાની, વિકસાવવાની જરૂર છે. એમાં પાકા રસ્તાનું નિર્માણ, ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, શેડ, હવાડા, ઘાસ કાપવાનું મશીન, ખેતી માટે ટ્રેક્ટર સહિતનાં સાધનો, ઉપચાર માટે એમ્બ્યુલન્સ, ગોડાઉન, બોરવેલ, સ્ટાફ ક્વાર્ટર્સ વગેરેનો સમાવેશ થાય છે.
સૌપ્રથમ અહીં કાદવ હટાવવાનો, ચારાપુરવઠો નિયમિત કરવાનો બંદોબસ્ત કરવો રહ્યો. પછી, દસેક દિવસ પાણી ભરાયા પછી એની જમીનને જે જફા પહોંચી છે એનું નિવારણ લાવવું રહ્યું. ગૌશાળાની જમીન નજીક વિશાળ જમીન ખેતી માટે છે. તેના પર જો વ્યવસ્થિત ખેતી કરવામાં આવે તો બહારથી ચારો મગાવવાનો વારો આવે નહીં. આવી સંસ્થાની જમીનનો તો વિચારશીલ ઉપયોગ થાય તો આસપાસની બીજી ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચારો મોકલાવવા જેટલી સક્ષમ એને બનાવી શકાય.
એ બધાં માટે સંસ્થાને જરૂર પડે નાણાંની, સાથ-સહકારની. પૂરે સર્જેલી વરવી સ્થિતિને વરદાનમાં ફેરવી નાખવા માટે દાનવીરોએ આ બે બાબતે દરેક સંસ્થાને મદદરૂપ થવું રહ્યું.
ઊણપો/જરૂરિયાતો
1. પાણીલે સર્જેલા કાદવ અને હજી સુધી નહીં સુકાયેલા પાણીનો નિકાલ.
2. ચારાનો પુરવઠો નિયમિત થાય તે માટે પ્રબંધ.
3. અપૂરતી માળખાકીય સુવિધાઓ ટળે તે માટે નવી સગવડોનું નિર્માણ. તેમાં ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, હવાડા, શેડ, ગોડાઉન, ઘાસ કાપવાનું મશીન, એમ્બ્યુલન્સ, બોરવેલ, પાણીનો પમ્પ, પશુ સ્વાસ્થ્ય કેન્દ્ર, ખરંચો વગેરે સંસ્થાની તાત્કાલિક પ્રમુખ જરૂરિયાતો છે.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી ઢીમા મહાજન ખોડાઢોર પાંજરાપોળ, મુકામ પોસ્ટ ઢીમા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૫૬૬, ગુજરાત
સંપર્ક: વિનોદ ચીમનલાલ સંઘવી
મોબાઇલ: ૯૮૯૮૧ ૮૭૪૪૧
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: શ્રી ઢીમા મહાજન ખોડાઢોર પાંજરાપોળ, ઢીમા
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૨૦૦
વાર્ષિક ખર્ચ: ૨૦ લાખ રૂપિયા
બાંધકામનો ખર્ચ: ૫૦ લાખ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે. દરેક ઉનાળે સૂકા ઘાસચારાની કારમી તંગી.
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.