આઠ પાયાવાળું ચબૂતરાનું પ્લેટફોર્મ કોતરણીવાળા પથ્થરોનું બનેલું છે. સૌથી ઉપરના ભાગે પથ્થરનો નાનો ગુંબજ જડેલો છે
દરિયાપુરની રૂપાપરીની પોળમાં આશરે સવાસો વર્ષ જૂનો ચબૂતરો આવેલો છે. ચબૂતરો કોણે બંધાવેલો છે એની કોઈ જ માહિતી નથી. આસપાસના દુકાનદારો અને વેપારીઓ જાતેજ ભંડોળ એકઠું કરીને ચબૂતરાનું રિનોવેશન કરાવે છે. ચબૂતરો રોડ પરના ચોકમાં આવેલો હોવાથી, ઘણા પક્ષીઓ આવતાં હોય છે. આજુબાજુના લોકો દાણા-પાણી નાખીને આજે પણ ચખૂતરાનો ઉપયોગ કરે છે. ૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી, નવરાત્રી જેવા દિવસોમાં ચબૂતરાને શણગારવામાં આવે છે.
આખો ચબૂતરો સિમેન્ટ, કોંક્રીટ અને પથ્થરના મિશ્રણથી બનેલો દેખાય છે. વર્ષો જૂનું બાંધકામ હોવાથી આજે થોડો ભાગ ખંડિત થઈ ગયો છે. આઠ પાયાવાળું ચબૂતરાનું પ્લેટફોર્મ કોતરણીવાળા પથ્થરોનું બનેલું છે. સૌથી ઉપરના ભાગે પથ્થરનો નાનો ગુંબજ જડેલો છે, ગુંબજની આસપાસ પ્રાણી અને ભગવાનની મૂર્તિઓ કંડારાયેલી છે.
ચબૂતરાની અંદર પક્ષીઓને રહેવાની પણ વ્યવસ્થા છે. આના પાટે ચબૂતરાના પ્લેટફોર્મમાં માળા બનાવવા ત્રણ માટીના માટલાઓ મૂકેલાં છે. આસપાસના લોકો અને વેપારીઓ પોતાની લાગણીથી ચબૂતરાની સાર-સંભાળ રાખે છે. રૂપાપરીની પોળને ભાટિયાનો ખાંચો પણ કહેવાય છે.
માણસો માટે ધર્મશાળા અને સદાવ્રત પશુઓ માટે હવાડા અને પાંજરાપોળો, તેમ પંખીઓ અને બીજાં નાનાં નિર્દોષ પ્રાણીઓને ખાવાપીવાનું મળી રહે તે માટે પરબડીઓ (ચબૂતરા) બાંધવામાં પુણ્ય માનવામાં આવે છે.
– ભગવદ્ગોમંડળ