Saturday, January 18

તૈયાર રહેજો. પહેલી એપ્રિલ 2025થી આપણી સરકાર એરલાઇનમાં વિદેશ પ્રવાસ સંબંધિત નવા નિયમોનો અમલ કરવા જઈ રહી છે. ભારતથી વિદેશ માટે એર ટ્રાવેલ સેવા પૂરી પાડતી એરલાઇન્સે એનું પાલન કરવાનું રહેશે. પાલન નહીં કર્યે આ કંપનીઓ પર દંડ લાદવામાં આવશે. 

નિયમ એવો રહેશે કે તમામ એરલાઇન્સે એમના આંતરરાષ્ટ્રીય મુસાફરોની માહિતી આપણા કસ્ટમ્સ વિભાગ સાથે શેર કરવી ફરજિયાત થશે. નવો નિયમ પહેલી એપ્રિલ 2025થી અમલમાં આવશે. નિયમ અનુસાર, વિમાનસેવા કંપનીઓને તેમના મુસાફરો વિશેની માહિતી નિર્ધારિત પદ્ધતિએ સરકારને આપવી પડશે. એમાં મુસાફરનું નામ, ફોન (માબાઇલ કે સંપર્ક) નંબર, ટિકિટ માટે કઈ પેમેન્ટ પદ્ધતિ વાપરવામાં આવી, પ્રવાસનો કાર્યક્રમ અને અન્ય વિગતો સામેલ છે. 

National Customs Targeting Centre-Passenger (NCTC-Pax) is the agency responsible for managing passenger records

આ રહ્યા એ મુદ્દા જે જણાવે છે કે એરલાઇન કંપનીઓએ કયા નિયમો પાળવા પડશેઃ 

– ઉપર જણાવેલી માહિતી કંપનીઓએ મુસાફરના પ્રવાસના કમ સે કમ ચોવીસ કલાક પહેલાં સરકાને નિયત સિસ્ટમ હેઠળ આપવી ફરજિયાત હશે. નિયમને અનુસરવામાં નિષ્ફળ થનારી કંપનીને ₹25,000થી ₹50,000 સુધીનો દંડ કરવામાં આવશે. 

– પીએનઆરજીઓવી સિસ્ટમ: કંપનીઓએ પૂરી પાડેલી માહિતી એક નવી સિસ્ટમ, પીએનઆરજીઓવ (PNRGOV) હેઠળ એકઠી કરવામાં આવશે. એનું કામ પ્રવાસીઓના ડેટાનું સંચાલન કરવાનું છે. કસ્ટમ્સ વિભાગ આ માહિતીનો ઉપયોગ સંભવિત જોખમોને ખાળવા અને સુરક્ષા વિશ્લેષણ માટે કરશે.  

– નવા નિયમનો હેતુ દેશની સુરક્ષા વધારવાનો છે. આપણી સરહદની અંદર આવતા અને બહાર જતા પ્રવાસીઓની વિગતો હાથવગી હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન થઈ શકશે. 

– જોકે એનો એવો અર્થ નહીં થાય કે પ્રવાસીઓની માહિતી જોખમમાં મુકાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માહિતીની ગોપનિયતા પૂર્ણપણે જળવાશે. એમાં મુસાફરોની જાતિ, એમનો ધર્મ, એમના રાજકીય વિચારો કે એમની આરોગ્ય સંબંધિત માહિતી વગેરે એકઠી કરવામાં નહીં આવે.

એવું નહીં માનતા કે આવા નિયમ બનાવનાર પહેલો દેશ આપણો છે. અન્ય ઘણા દેશમાં આ રીતે પ્રવાસીઓની માહિતી સરકાર મેળવે છે. 

અમેરિકામાં એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ કે એપીસ છે. એમાં કંપનીઓએ સરકારને પ્રવાસીઓનો પાસપોર્ટ નંબર, પ્રવાસની તારીખ, ફ્લાઇટની વિગતો આપવી પડે છે. આ માહિતી યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન બેઉને ઉપલબ્ધ કરવામાં આવે છે.  

યુરોપિયન યુનિયનના નિયમ મુજબ કંપનીઓએ પેસેન્જ્ર નેમ રેકોર્ડ (પીએનઆર) ડિરેક્ટિવને આ રીતે માહિતી પૂરી પાડવાની રહે છે. એનો ઉપયોગ આતંકવાદનાં જોખમો ખાળવા, સંગઠિત ગુનેગારીને ડામવા સહિતના હેતુ માટે કરી શકાય છે.  

પહેલી એપ્રિલ 2025થી નિયમો સંપૂર્ણપણે અમલી થશે

ઓસ્ટ્રલિયા એડવાન્સ્ડ પેસેન્જર પ્રોસેસિંગ (એપ) સિસ્ટમ ધરાવે છે. એના લીધે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ અધિકારીઓની કામગીરી સરળ અને અસરકારક થાય છે. પ્રવાસીનું વિમાન ટેક-ઓફ્ફ કરે એ પહેલાં ત્યાં સરકારને એના વિશે માહિતી આપવાની રહે છે.

મુદ્દે, આ નિયમ ભલે આકરા લાગે છે છતાં અનિવાર્ય છે. 

સરકારે જણાવ્યા પ્રમાણે આ નવી સિસ્ટમ એનસીટીસી-પેક્સ નામની સંસ્થાએ વિકસાવી છે. એનસીટીસી-પેક્સ એટલે નેશનલ કસ્ટમ્સ ટારગેટિંગ સેન્ટર ફોર પેસેન્જર.

એના પ્રયોગાત્મક ઉપયોગનો પ્રારંભ આ જાન્યુઆરીથી થઈ ગયો છે. પીએનઆરજીઓવીનો ધીમેધીમે અમલ કરવાની શરૂઆત થઈ છે. સંપૂર્ણ અમલ 10 ફેબ્રુઆરી 2025 સુધીમાં થઈ જશે. શરૂઆતમાં થનારા અમલ પરથી જરૂરી પગલાં લઈને એ પહેલી એપ્રિલ 2025થી સંપૂર્ણપણે અમલમાં આવી જશે. ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ નામની એક સિસ્ટમ વિશ્વની એરલાઇન્સનું નિયમન કરે છે. એના અંતર્ગત કામ કરતી તમામ કંપનીઓએ આ સિસ્ટમ અપનાવવાની રહેશે.   

તો, હવેથી વિમાનમાં વિદેશ પ્રવાસ કરો ત્યારે યાદ રહે કે સરકારની તમારા પર નજર છે અને તમારી સુરક્ષા કાજે જ છે.

Leave A Reply

English
Exit mobile version