પડકાર પોતાની સાથે નિવારણ પણ લાવી શકે છે. જેમને આ વાત પર વિશ્વાસ છે તેઓ બાજી મારી જાય છે. કેવી રીતે એ જાણો આ સ્વજનને મળીને
ઈસ્ટ આફ્રિકામાં વસતા સંઘવી પરિવારમાં સાહ્યબીનો પાર નહોતો. સમય હતો ૧૯૫૦ના દાયકાનો. રમાબહેન અને પ્રવીણચંદ્રના સંસારમાં તુષાર સહિત પાંચ સંતાનો. તુષાર સૌથી નાનો, વેપાર કોટન જિનિંગ મિલનો અને બીજા પણ. ૧૯૬૦નો દાયકો આવ્યો. તુષાર ત્યારે એક વર્ષનું બાળક. એવામાં, મે મહિનામાં નૈરોબીએ ઇદી અમીન પ્રેરિત ઉથલપાથલ નિહાળી અને જોતજોતામાં સંઘવી પરિવારે એની ભીંસ અનુભવી. એવી કે પહેરેલાં કપડે પારકા દેશથી ઉચાળા ભરી આવી જવું પડ્યું સ્વદેશ, મુંબઈ…
“એ દિવસો અકલ્પનીય હતા,” તુષારભાઈ સંસ્મરણોમાં સચવાયેલી ધૂંધળી યાદો મમળાવતાં કહે છે, “પિતાએ હિંમત હાર્યા વિના નવી શરૂઆત કરવાનો નિર્ધાર કરી, માધવજી ઠાકરસી એન્ડ સન્સમાં દોઢસો રૂપિયાના પગારે તેમણે નોકરી લીધી. આઠથી દસ જણાનો અમારો સંયુક્ત પરિવાર ચીરાબજારની દોઢસો ફૂટની રૂમમાં રહેતો. કમાનાર વ્યક્તિ પિતા એકલા.” સ્થિતિ સતત ડામાડોળ થતી રહેતી હોવાથી એકાદ વરસ માટે બાળક તુષાર તથા બહેન માધવીને તેમનાં દાદી-દાદા જયાબહેન અને હરિભાઈ પાસે મહુવા પણ મોકલવા પડ્યાં હતાં. પછી તેઓ વળી મુંબઈ આવ્યાં. બાળક તુષારને લીલાવતી લાલજી દયાળ સ્કૂલ (કબૂબાઈ)માં દાખલ કરવામાં આવ્યો. ત્યાંથી એસએસસી અને પછી લાલા લજપતરાય કોલેજમાં ગ્રેજ્યુએશન કરી, યુવાન તુષારે શશીકાંતમામાની પ્રિન્સેસ સ્ટ્રીટ સ્થિત સ્ટાર ફ્રિજ નામની દુકાને પહેલી નોકરી લીધી. તુષારભાઈ કહે છે, “મામાનો મત હતો કે લક્ષ્મીજીના આગમનનો સમય સવારે આઠનો હોય છે. આ પહેલાં દુકાનમાં સ્વચ્છતા ઝળકવી જોઈએ. મારે રોજ સવારે દુકાન ખોલી ઝાડું-પોતાં સહિત સાફસફાઈ કરવાની. આમ કહી તેઓ કોઈ કામ નાનું નથી એનો બોધ આપવા સાથે મારામાં શિસ્ત અને નિયમિતતાના ગુણો વિકસાવવા માગતા હતા. મામાએ વેપારી કુનેહના, પ્રામાણિકતાના એવા પાઠ ભણાવ્યા કે હું આજ સુધી એમને અનુસરી રહ્યો છું.”
૧૯૬૨માં જન્મેલા તુષારભાઈએ જીવનના સંઘર્ષ નિકટથી નિહાળ્યો અને માથે ચડાવ્યો છે. સફળતાના મુકામે એના પછી પહોંચવાની મજા કંઈક અલગ છે. તેઓ આગળનો ઘટનાક્રમ જણાવતાં કહે છે, “૧૯૮૫ સુધી પિતાએ ઠાકરસીમાં જ નોકરી કરીને પાઈ-પાઈ જોડતાં નાનકડી મૂડી ઊભી કરી હતી. પછી બેઉ દીકરાઓને સાથે લઈ વેપાર શરૂ કરવાનું ઠરાવ્યું. સાથે ઠરાવ્યું કે જે વેપાર તેમના શેઠ કરતા તે નહીં કરવો. અમે સાવ જુદું ક્ષેત્ર અપનાવ્યું પણ પિતાના માર્ગદર્શન અને સિદ્ધાંતોએ અમને સ્થિરતા અને પછી સંપન્નતા મેળવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.”
વધતા વેપાર વચ્ચે ૧૯૯૦-૨૦૦૦ના દાયકા દરમિયાન તુષારભાઈ અને તેમના બંધુએ પોતપોતાના સ્વતંત્ર વેપાર કરવાના સંજોગ પણ સર્જાયા. ત્યારની કસોટીઓએ પણ તેમને નબળા પાડ્યા નહીં, “એક તો માતાપિતાના આશીર્વાદ સાથે હતા. વળી જીવનમાં અનીતિ કે અહિત નહીં કરવાનો અફર નિયમ રહ્યો હતો. તેના લીધે દરેક વખતે કસોટીને પાર કરી આગળ વધી શકાયું.”
૧૯૮૫માં દિલ્હીનાં ભાવનાબહેન સાથે તેમના લગ્ન થયાં. રહેવાનું ત્યારે ચીરાભજારમાં પણ જીવનસંગિની જાણે સાથે સમૃદ્ધિ લાવ્યાં હશે તેથી આગેકૂચ ઝડપી થઈ. બહુ જલદી સંઘવી પરિવાર વરલી સી લિન્ક સ્થિત આલિશાન ફ્લેટમાં શિફ્ટ થયો અને આજે પણ ત્યાં વસે છે. મૂળ લાઠીનાં વતની ભાવનાબહેન પણ સંયુક્ત પરિવારમાં મોટાં થયાં. વાતચીતમાં જોડાતાં તેઓ કહે છે, “સારા કુટુંબનાં મૂળ પરસ્પર પ્રેમ, આદર અને ત્યાગની ભાવનામાં છુપાયેલાં છે. જ્યાં સ્વજનો આવી ભાવના ધરાવે ત્યાં મુશ્કેલી સર્જાવી પણ અઘરી થાય, તેના ટકી જવાની વાત તો બહુ દૂરની થઈ.”
વેપારના મોરચે આજે તુષારભાઈ હરણફાળો ભરી ખાસ્સા આગળ વધી ચૂક્યા છે. મર્ચન્ટ એક્સપોર્ટ હાઉસથી કરેલી શરૂઆત પછી તેમની કંપની આજે પ્રોજેક્ટ એક્સપોર્ટના બહોળા ઉદ્યોગમાં સન્માનભર્યા સ્થાને છે. બિઝનેસના આ વિકાસ બાબતે તેઓ કહે છે, “એકલપંડે બધી જવાબદારી સંભાળવાનું કામ મુશ્કેલ હતું. દોડાદોડી પણ રહેતી હતી. આથી મેં એક મોરચો સંભાળવાનું નક્કી કર્યું.” મલ્ટીનેશનલ કંપનીઓને પ્રોજેક્ટ ઊભા કરી આપવામાં તેમની કંપનીની હથોટી છે. પારિવારિક મોરચે તેમને પલક, પ્રીત અને કૃષ્ણા જેવી ત્રણ મજાની દીકરીઓ છે. પલક બી. એડ. તથા લંડનમાં માસ્ટર ઓફ ઇકોનોમિક્સ થયા પછી શહેરની એક ટોચની જુનિયર કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. ઇંગ્લેન્ડમાં માસ્ટર્સ ઓફ માર્કેટિંગ ભણ્યા પછી પ્રીત પિતાના વેપારમાં જોડાઈ છે. સાથે એ સ્વતંત્ર હોસ્પિટાલિટી, ક્યુરેશન એન્ડ ફૂડ કન્સલ્ટન્ટનો વ્યવસાય સંભાળે છે. કૃષ્ણા અત્યારે મેલબર્નમાં ઇકોનોમિક્સની ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે.
કપોળો સાથે તાદાત્મ્ય રહે તે બાબતે પણ સંઘવી દંપતી સજાગ છે. ભાવનાબહેને કપોળ કપલ્સ સંસ્થાનાં પ્રેસિડન્ટ તરીકેના કાર્યકાળમાં સંસ્થા માટે બારેક સફળ કાર્યક્રમો સાથે વિદેશની બે ટૂર પણ યોજી. તુષારભાઈ જણાવે છે, “સ્વજનો સાથેના સંપર્કથી શાતા મળે છે તથા નવાં કનેક્શન્સ પણ થાય છે. કોઈક આપણને તો આપણે કોઈકને મદદરૂપ થઈ શકીએ છીએ. કપોળો પૈસા માણવા સાથે તેના થકી માનવતાનાં કાર્યો કરવામાં પણ અવ્વલ છે. પૈસા હોય પણ તેનું ધમંડ નહીં હોવું એ સ્વભાવને શીખવા કપોળોમાંથી સૌ કોઈ પ્રેરણા મેળવી શકે છે.”
દીકરીઓને વળાવ્યા પછી તુષારભાઈ તથા ભાવનાબહેન સેવાના મોરચે સમર્પિત થવાનું મન ધરાવે છે. તેમના ઘરે નિત્ય ધર્મિષ્ઠ વાતાવરણ પ્રવર્તે છે. દીકરીઓ સુધ્ધાં પૂજાપાઠ કરે છે. તુષારભાઈનાં માતાની સ્મૃતિમાં પરિવાર ગણેશોત્સવમાં જીએસબી મંડળમાં એક દિવસ પૂજા યોજે છે. એ દરમિયાન માતાનો જન્મદિવસ આવે તો એ દિવસે જ પૂજા યોજાય. રાજુલા સ્થિત કુળદેવી શંખેશ્વરી મંદિરમાં તુષારભાઈ ટ્રસ્ટી સભ્ય છે. ત્યાં તેઓ નિયમિત જાય છે અને ભાદ્રોડના ગંગાજળિયા બાપાના મંદિર ટ્રસ્ટમાં પણ બનતી તમામ સેવા આપે છે.
ભાવનાબહેન કહે છે, “હું ડૉ. રસિકભાઈ અને સરલાબહેન (ફોઈ) ગાંધીના કાર્યથી ઘણી પ્રભાવિત છું. આ દંપતી નિ:સ્વાર્થભાવે દરદીઓની સેવા કરે છે. ૭૬ વર્ષે પણ સરલાબહેન ઘાટકોપરની રાજાવાડીના મેટર્નિટી વોર્ડમાં નિયમિત જઈ માતાઓને ફળો પણ વહેંચે છે. મારાં કઝિન સિસ્ટર ડૉ. લોપાબહેને માનવસેવા માટે ઘણો ભોગ આપ્યો છે. તેઓ નિવૃત્ત થયા પછી પણ કેઈએમમાં કેન્સરના ડૉક્ટરને ભણાવે છે. ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં અને રિસર્ચ પણ કર્યું છે. ગરીબોનાં બેલી છે આ સ્વજનો.”
પ્રવાસના શોખીન તુષારભાઈ વિરમતાં છેલ્લે કહે છે, “જગતમાં તમામ સેવામાં ચડિયાતી માતાપિતાની સેવા છે. સાથે ચોખ્ખી નીતિ સફળતાની પૂર્વશરત છે. નિષ્ફળતા માટે નસીબને દોષ દઈ સમય વેડફવા કરતાં સફળતા માટે નવા માર્ગ શોધવામાં વધુ સમજદારી છે. બસ, આટલી વાત સમજાઈ જાય તો લાઇફ ઇઝ બ્યુટીફુલ.”
સ્વજનો સાથેના સંપર્કથી શાતા મળે છે તથા નવા કનેક્શન્સ પણ થાય છે. કોઈક આપણને તો
આપણે કોઈકને મદદરૂપ થઈ શકીએ છીએ.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.