કોઈપણ વસ્તુ કે સિસ્ટમનું સર્જન થાય એ પૂરતું નથી, પણ પછી એ કાયમી કાર્યરત રહે છે કે નહીં એટલે કે મેઇનટેઇન રહે છે કે નહીં એ જોવું પણ ઘણું અગત્યનું છે. નવી કાર લીધી હોય અને એને મેઇનટેઇન રાખી હોય તો અંદર બેસાનારા સુખેથી પ્રવાસ કરી શકે છે. એ જ રીતે પૃથ્વીનું સર્જન થયું પછી એને મેઇનટેઇન રાખવી પડે. આ માટે કુદરતે ઘણા વિકલ્પ પોતાની પાસે રાખ્યા છે, જેમ કે ચોમાસામાં વરસાદના પાણીથી વાતાવરણ તેમ જ પૃથ્વીની અશુદ્ધિઓને ધોવી, શિયાળામાં વાયુસ્નાન કરાવવું અને તેથી પણ કંઈ બાકી રહી ગયું હોય તો ઉનાળામાં સૂર્યનાં પ્રખર કિરણો પૃથ્વીને હાનિકારક તત્ત્વો કે જંતુઓથી મુક્ત કરે છે. આમ, કુદરતની રચના એવી રીતે ગોઠવાયેલી છે કે પૃથ્વી અને પૃથ્વીવાસીઓ સુખેથી રહે.
ગ્રહણ આમાં શી ભૂમિકા ભજવે છે?
તમે બસમાં પ્રવાસ કરતા હોવ ત્યારે કંડક્ટર તમે ટિકિટ લીધી છે કે નહીં તે ચેક કરે છે, પરંતુ કેટલાક મુસાફર યુક્તિ કરીને વગર ટિકિટે મુસાફરી કરતા હોય છે અથવા બસ કંડક્ટરનું ગિરદીમાં બધે ધ્યાન નથી હોતું તેનો લાભ લઈ ટિકિટ લીધા વગર મુસાફર પોતાનું સ્ટોપ આવે ત્યારે પાછલે દરવાજેથી ઊતરી જતા હોય છે. આવા ખુદાબક્ષો ક્યારેક બસસ્ટોપ પર ઊભેલા ટિકિટચેકરો દ્વારા પકડાઈ જતા હોય છે અને દંડ ભરવો પડતો હોય છે. આ જ રીતે શુદ્ધિકરણની ક્રિયામાંથી છટકી ગયેલા જીવજંતુને પડકારવા ગ્રહણ સુપર ચેકિંગ માસ્ટર બનીને આવે છે. ઘણાય એવા વિષાણુ પૃથ્વી પર છે, જ્યાં સૂર્યનાં કિરણો પણ પહોંચી શકતાં નથી અથવા તો પહોંચવા છતાંય એનો સફાયો કરી શકવાની ક્ષમતા હોતી નથી. આવી જગ્યાએ ગ્રહણ વખતે વછૂટેલાં કિરણો કામ આવે છે. એ કેવી રીતે તે હવે આપણે જોઈએ.
કુદરતનો યોગાનુયોગ કે પરમશક્તિની કૃપા?
સામાન્ય રીતે આપણને પૃથ્વી પરથી સૂર્ય અને ચંદ્ર કદમાં એકદમ સરખા જ લાગે છે, પરંતુ વાસ્તવમાં સૂર્ય ચંદ્રથી ઘણો જ મોટો છે, પણ પૃથ્વીથી ઘણો જ દૂર હોઈ અને ચંદ્ર પૃથ્વીથી ઘણો જ નજીક હોઈ બેઉના કદ સરખા દેખાય છે. વૈજ્ઞાનિકો જેને કુદરતી યોગાનુયોગ કહે છે કે પછી આપણે એને પ્રભુની કૃપા કહીએ, પણ પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રનું અંતર અને કદ એ પ્રમાણે ગોઠવાયેલાં છે કે જો ચંદ્ર, પૃથ્વી અને સૂર્યને જોડતી સીધી લીટીમાં બરાબર વચ્ચે ગોઠવાઈ જાય તો સમગ્ર સૂર્ય ઢંકાઈ જાય. બસ, આ સ્થિતિને જ પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે. હવે આ સ્થિતિને પરમશક્તિની કૃપા એટલા માટે કહી છે કે સૂર્યનાં કિરણો ચંદ્ર સાથે અથડાઈને તેની કિનારીએથી વધુ વેગવાળાં અને વધુ તીવ્રતા પ્રાપ્ત કરી વછૂટે છે અને સોનાની વીંટી જેવું દૃશ્ય આપણને આકાશમાં દેખાય છે. દડા જેવી કિનારી પર અથડાંતાં કિરણો ડિફ્લેક્ટ થઈ સીધા કિરણોની સાથે ભળી તેમની ગીચતામાં વધારો કરે છે. પરિણામે તેઓ દબાણ અનુભવે છે અને તેમની તીવ્રતામાં વધારો થાય છે. Power = Force x Velocity, (સંદર્ભ: lesson 6, std. X Science, Maharashtra Board.) આવાં કિરણો સૂર્યનાં કિરણોથી પણ વધુ દૂર સુધી જઈ શકે છે અને તેમની તીવ્રતા એટલી બધી હોય છે કે સૂર્યકિરણો જેને ન હંફાવી શક્યાં હોય તેવા વિષાણુઓનો સફાયો આવાં કિરણો કરે છે અને પૃથ્વીને ખરા અર્થમાં ‘સાફ’ રાખે છે. આ વાત સમજવા એક દૃષ્ટાંત જોઈએ.
બાગ-બગીચામાં પાઇપ વડે પાણી પાતા માળીને તો તમે જોયો જ હશે. માળી નજીકના છોડોને સામાન્ય રીતે પાણી પાય છે, પરંતુ જ્યાં તે પહોંચી ન શકતો હોય તેવા અંદરના દૂરના છોડને પાણી પહોંચાડવા તે પોતાના અંગૂઠા કે આંગળીઓ વડે પાઇપનું મોં સાંકડું કરે છે. આ રીતે પાણી પર દબાણ વધારી વધુ તીવ્રતાથી અને વધુ દૂર સુધી પહોંચાડી શકે છે. ઘણીવાર કોઈક જિદ્દી આંદોલનકારી જો રસ્તો રોકીને બેઠા હોય તો એમને હટાવવા માટે સત્તાવાળાઓ ભારે દબાણવાળી પાઇપથી પાણીનો મારો ચલાવે છે. આથી કોઈને શારીરિક ઇજા થતી નથી, પરંતુ પાણીના આવા દબાણથી તેમને એ સ્થળ છોડવાની ફરજ પડે છે. બસ આ જ રીતે સૂર્યમાંથી સતત કિરણો નીકળતાં જ હોય છે, પરંતુ જ્યારે ચંદ્ર વડે તેમનો રસ્તો અવરોધાય ત્યારે તેઓ પ્રચંડ દબાણ અનુભવે છે, પછી ચંદ્રની કિનારીએથી વધુ છાકટા થઈને વછૂટે છે જેમાં તેમની ગતિ અને તેમની તીવ્રતા વધી જાય છે. આમ, જ્યાં ન પહોંચી શકે સૂર્યનાં કિરણો ત્યાં પહોંચી જાય છે ગ્રહણનાં કિરણો. વળી, કુદરતની કળા તો જુઓ કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ભ્રમણકક્ષા એવી રીતે ગોઠવાઈ છે કે દર વર્ષે અલગઅલગ જગ્યાએ અને જુદાજુદા સમયે સંપૂર્ણ સૂર્યગ્રહણ કે આંશિક સૂર્યગ્રહણ થતાં રહે છે. ટૂંકમાં પૃથ્વીનો કોઈ પણ ભાગ સાફસફાઈથી વંચિત ન રહી જાય તેનું ખૂબ જ ધ્યાન રખાયું છે.
મહાભારત અને ગ્રહણ:
આપણા વેદ, ઉપનિષદ, રામાયણ, ભાગવતપુરાણ બધે ગ્રહણોનો ઉલ્લેખ થયો છે, પરંતુ મહાભારતમાં ગ્રહણને એક પ્રસંગમા જે રીતે ટાંકીને ૨જૂ કરાયું છે તે ખૂબ જ રસપ્રદ છે. જ્યારે જયદ્રથ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવી અધર્મથી મારી નાખે છે, ત્યારે ક્રોધિત થયેલા અર્જુને સૂર્યોદય સાથે આરંભાતા યુદ્ધમાં પ્રથમ જ પ્રતિજ્ઞા લે છે કે ‘આજના બળી મરશે.’ આ વાતની જાણ થતાં જયદ્રથ તરત જ ગુપ્ત જગ્યાએ સંતાઈ જાય છે. અર્જન અને કૃષ્ણ તેને શોધવા આકાશપાતાળ એક કરે છે, પરંતુ જયદ્રથનો પત્તો લાગતો નથી. કૃષ્ણ ચોસઠ વિદ્યામાં પ્રવીણ હતા તેમાંની એક વિદ્યા એટલે ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર. ક્યા દિવસે સંપૂર્ણ સૂર્યગ્રહણ છે એની કૃષ્ણને સંપૂર્ણ જાણકારી હતી. વાર્તામાં એમ આવે છે કે શ્રીકૃષ્ણે સૂર્ય અસ્ત થાય તેના પહેલાં જ પોતાના સુદર્શન ચક્ર વડે સૂર્યને ઢાંકી દીધો. હકીકતમાં ચંદ્રે સૂર્યને ઢાંકી દીધો હતો. આ વખતે દિવસ હોવા છતાં અંધારું છવાઈ ગયું અને અર્જુને ચિતામાં પ્રવેશવાની તૈયારી કરી. હવે અર્જુન પોચાનું કંઈ નહીં બગાડી શકે એવા વિશ્વાસથી જયદ્રથ પણ ભૂગર્ભમાંથી અર્જુનની અગ્નિસમાધિ જોવા બહાર નીકળ્યો. બચબર આ જ સમયે ગ્રહણ પૂરું થયું. ચંદ્ર સૂર્યના માર્ગમાંથી હટી ગયો અને સર્વત્ર પાછો ઉજાસ ફેલાઈ ગયો. આ અજવાળામાં અર્જુને અધર્મી જયદ્રથને જોયો અને તેને હણી નાખ્યો. આ વાર્તાને શ્રી વ્યાસમુનિએ મહાભારતમાં રૂપકથી રજૂ કરી છે, પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં એમ કહી શકાય કે શ્રીકૃષ્ણ અને અર્જુનની શક્તિ પણ જ્યાં ઓછી પડી ત્યાં ‘ગ્રહણ’ કામમાં આવી ગયું. બસ, આ જ રીતે જળ, વાયુ કે સૂર્યદેવ જે ન કરી શકે તે શુદ્ધિકરણનું કાર્ય ‘ગ્રહણ’ કરી શકે છે.
ગ્રહણના કાયદા અને ફાયદા:
ઘણા લોકો ગ્રહણથી ગભરાતા હોય છે, તો ઘણા લોકો ગ્રહણને અશુભ માનતા હોય છે, પરંતુ ગ્રહણ વખતે અમુક કાયદા પાળે તો એ અશુભ નહીં, પણ શુભ બની તમને ઘણા ફાયદા કરાવી શકે છે.
ગ્રહણને અને ખાસ કરીને સૂર્યગ્રહણને નરી આંખે ન જોવાનું આપણાં શાસ્ત્રોમાં કહ્યુું છે, તેને આજનું વિજ્ઞાન પણ સમર્થન આપે છે. અગાઉ જોયું તેમ ચંદ્રની કિનારી પરથી માત્ર વીંટી જેટલા ક્ષેત્રફળમાંથી છૂટતાં કિરણો વધારે તેજસ્વી હોય છે. સૂકા ભેગું ક્યારેક થોડું લીલું પણ બળી જાય એમ હઠીલા વાયરસને સંહારવા જતાં કિરણોના માર્ગમાં આપણે આવી જઈએ તો આપણને ખાસ કરીને શરીરનાં નાજુક અને કોમળ ભેગું અંગોને નુકસાન થઈ શકે છે, જેમ કે આંખ અને ગર્ભવતી સ્ત્રીના ગર્ભને. માટે જ નરી આંખે સૂર્યગ્રહણને ન જોવું જોઈએ. આ જ રીતે ગર્ભવતી સ્ત્રીઓએ પણ આ સમય દરમિયાન બહાર ન નીકળવું જોઈએ જેથી ગર્ભ પર કોઈ ખરાબ અસર ન થાય.
ગ્રહણમાં મંત્રજાપ, સ્નાન અને દાનનો નિયમ આપણાં શાસ્ત્રોમાં છે. તે પણ ઘણો જ વૈજ્ઞાનિક અભિગમ છે.
ગ્રહણ પૃથ્વી અને વાતાવરણને એટલું સાફ કરે છે કે તમારા મંત્રનાં મોજાં કોઈ પણ ટ્રાફિકના અવરોધ વગર પરમશક્તિ સુધી પહોંચી શકે છે. ગ્રહણ દરમિયાન નીકળતાં કિરણો પાણીમાં છેક ઊંડે સુધી પહોંચી પાણીને નિર્મળ અને શુદ્ધ બનાવે છે. કેટલાક જ્યોતિષીઓના મત મુજબ ગ્રહણથી નદી અને તળાવનાં પાણી ગંગાનાં પાણી જેટલી જ શુદ્ધતા અને પવિત્રતા મેળવે છે. આથી ગ્રહણ દરમિયાન નહીં, પરંતુ ગ્રહણ પૂર્ણ થયા બાદ શુદ્ધ થયેલા વાતાવરણમાં બહાર નીકળી અને નદી-તળાવના શુદ્ધ પાણીમાં સ્નાન કરી શારીરિક અને માનસિક લાભ મેળવી શકાય છે.
આવા દિવ્ય વાતાવરણમાં ગરીબ અને વંચિત લોકોને આપેલું દાન આપણા પૂર્વજો અને પરમશક્તિ સુધી ઝડપથી પહોંચી શકે છે. એટલા માટે જ ગ્રહણ છૂટ્યા પછી દાનનો વિશેષ મહિમા છે. ભાગવતમાં જણાવ્યા પ્રમાણે પહેલાંના તવંગર રાજા-મહારાજાઓ ગ્રહણ પત્યા પછી સ્નાનાર્થે બહાર નીકળતા અને ગરીબોને દાન કરતા હતા.
ગ્રહણ અને દર્ભ:
ઘણા કાયદા પાળવા છતાં પણ ગ્રહણમાંથી છૂટતાં નટખટ કિરણો ઘરની અંદર પ્રવેશી રાંધેલી રસોઈને બગાડી શકે છે. બને ત્યાં સુધી બનાવેલી રસોઈનો નિકાલ કરવો જરૂરી હોય છે અને શક્ય પણ હોય છે, પરંતુ અનાજ કે કઠોળમાં ગ્રહણની ખરાબ અસર ન થાય તે માટે દર્ભ તેમાં મૂકતા હોય છે, કારણ કે દર્ભ ગ્રહણના શક્તિશાળી વેવ્ઝનું અપાકર્ષણ કરે છે અને અનાજને વિકાર પામતું અટકાવે છે.
ગ્રહણ અને રસોઈ:
ગ્રહણમાં વછૂટતાં કિરણો વિષાણુ મારવાની શક્તિ ધરાવે છે તે રાંધેલી રસોઈમાંના વિષાણુને પણ મારી શકે છે, પણ સાથે સાથે રાંધેલી રસોઈને ૫ણ વિકૃત કરી બેસે છે. ગ્રહણથી વાતાવરણ અને પાણી વધુ શુદ્ધ થાય છે, પણ રાંધેલી રસોઈ બગડી જાય છે. આની પાછળ વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે તેને આપણે વિગતવાર જોઈએ.
આજનું વિજ્ઞાન પણ કહે છે કે પાણી અને વાયુના અણુઓ એકબીજાથી દૂરના અંતરે હોય છે, જ્યારે ઘનપદાર્થના અણુઓ એકબીજાથી ઘણા નજીક હોય છે. ગ્રહણનાં કિરણો પાણી અને વાયુમાંથી તો આસાનીથી પસાર થઈ શકે છે, પણ અડફેટમાં આવતા વિષાણુઓને મારી નાખે છે. આ કિરણો પસાર થઈ ગયા પછી સ્થિતિસ્થાપકતાના ગુણના લીધે હવા અને પાણીના અણુઓ આપમેળે જોડાઈ જાય છે અને વિકૃત પામતા નથી. પરંતુ ઘનપદાર્થમાં અણુઓ ગીચોગીચ હોય તેમને ખસવાની જગ્યા જ નથી મળતી અને તેથી તે ગ્રહણનાં કિરણોની અડફેટમાં આવી જઈ વિકૃત થાય છે. દા. ત. એક ધારદાર તલવાર હવા અને પાણીમાં વીંઝાય તો તેમને કોઈ નુકસાન થતું નથી, પણ તલવારની અડફેટમાં ઘનપદાર્થ (પૃથ્વી તત્ત્વ) આવે તો તેની સપાટી પરના અણુઓને નુકસાન થાય છે. આ જ રીતે ગ્રહણનાં કિરણોથી હવા અને પાણી વિકૃત થતાં નથી, પણ રાંધેલી રસોઈમાંનું ઘન તત્ત્વ (દાળ, ભાત, શાક, રોટલી વગેરે) વિકૃત બને છે.
અહીં બીજી એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે સૂકા અનાજ કે કઠોળમાં પણ પૃથ્વી તત્ત્વ રહેલું છે, પરંતુ તે રાંધેલી રસોઈ જેવા પોચા કે નરમ નથી હોતા. તેથી ગ્રહણનાં કિરણો રાંધેલી રસોઈની છેક અંદર સુધી ઘૂસીને જેટલી બગાડી શકે છે તેટલો બગાડ-વિકૃતિ અનાજ કે કઠોળના કઠણ દાણામાં નથી આવતી, છતાં પણ તેમની બાહ્ય સપાટીને વિકૃત થતા બચાવવા દર્ભનો ઉપયોગ કરવાનું અગાઉ આપણે જાણ્યું. આમ છતાં પણ થોડીઘણી વિકૃતિ પ્રવેશી હોય તો તે રાંધવાના સમયે અગ્નિ તત્વથી દૂર થઈ જાય છે.
ગ્રહણનાં કિરણોથી રાંધેલા અન્નમાં રહેલું પૃથ્વી તત્ત્વ વિકૃત થવાથી તે બગડી જાય છે. હવે તે કેટલા પ્રમાણમાં બગડે તે ગ્રહણનો પ્રકાર, ગ્રહણનું સ્થાન જેવી બાબતો પર આધાર રાખે છે અને આવું અન્ન (ભોજન) ખાવાથી કેટલા જણાં બીમાર પડી શકે કે કેટલા પ્રમાણમાં બીમાર પડી શકે તે પણ દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે, પણ એક વાત તો સાચી જ છે કે આવી રસોઈ ન ખાવાથી તમે ૧૦૦ ટકા સલામત રહી શકો છો, પરંતુ ખાવાથી તમારા આરોગ્ય જોખમાવાની શક્યતા ૧૦ ટકાથી ૧૦૦ ટકા સુધી વિસ્તરી શકે છે, તો રાંધેલી રસોઈ આપણાં શાસ્ત્રોમાં ખાવાનો નિષેધ કરેલો છે તેમાં ખોટું શું છે?
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


