લો, વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની તાજી યાદી આવી ગઈ છે. દર વરસે બ્રિટિશ કંપની, હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ, અલગ અલગ દેશના પાસપોર્ટની વગનું મૂલ્યાંકન કરે છે. એનો આધાર જે તે દેશના પાસપોર્ટ ધારકો આગોતરા વિઝા વગર કેટલા દેશમાં પ્રવેશ મેળવે છે એના પર હોય છે. હેનલે એને આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંસ્થા (આએટા કે IATA)ની માહિતીના આધારે તૈયાર કરે છે. વૈશ્વિક મુસાફરીની સ્વતંત્રતા માટે આ ઇન્ડેક્સ પ્રમાણભૂત સંદર્ભ ગણાય છે. આ ઇન્ડેક્સ દરેક દેશના પાસપોર્ટની શક્તિને મૂલવે છે. સાથે એ વ્યાપક વિવિધ દેશના રાજદ્વારી અને અન્ય દેશોના સંબંધોનું પ્રતિબિંબ ઝળકાવે છે.
2025ની યાદીમાં અમુક દેશનાં સ્થાન બદલાયાં છે. અમુક વળી જ્યાંના ત્યાં છે. અને હા, સિંગાપોર આ વરસે પ્રથમ સ્થાને છે.
એશિયાઇ-યુરોપિયન દેશોની સરસાઈ
યાદીમાં સિંગાપોરે ઘણાં વરસે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એના નાગરિકોને 195 દેશોમાં વગર વિઝાએ અથવા વિઝા ઓન અરાઇવલ પ્રવેશ મળે છે. સિંગાપોરના મજબૂત રાજદ્વારી સંબંધો અને એના કાર્યક્ષમ શાસનનો ખ્યાલ એના પરથી ખ્યાલ આવે છે. એના પછીના ક્રમે અમુક યુરોપિયન દેશો છે, જેમ કે જર્મની, દક્ષિણ કોરિયા, ઇટાલી, અને ફિનલેન્ડ. આ દેશોના સ્થિર ઉચ્ચ ક્રમ તેમના મજબૂત વૈશ્વિક સંબંધો અને સુરક્ષિત મુસાફરી નીતિઓનો પુરાવો છે.
આ રહી આ વરસની ટોચના પચીસ દેશોની યાદી અને એ દેશના લોકોને વગર વિઝા કે વિઝા ઓન અરાઇવલ કેટલા દેશમાં પ્રવેશ મળે છે એનો આંકડો
- સિંગાપોર: 195
- જર્મની: 193
- દક્ષિણ કોરિયા: 192
- ઇટાલી: 191
- ફિનલેન્ડ: 191
- સ્પેન: 190
- લક્ઝમબર્ગ: 190
- ડેન્માર્ક: 189
- સ્વિડન: 189
- ફ્રાન્સ: 189
- ઓસ્ટ્રિયા: 189
- નેધરલેન્ડ્સ: 189
- પોર્ટુગલ: 189
- આયર્લેન્ડ: 188
- બેલ્જિયમ: 188
- ન્યુ ઝીલેન્ડ: 188
- સ્વિટ્ઝર્લેન્ડ: 188
- નોર્વે: 188
- યુનાઇટેડ સ્ટેટ્સ: 186
- કેનેડા: 186
- ઓસ્ટ્રેલિયા: 185
- જાપાન: 185
- દક્ષિણ આફ્રિકા: 185
- યુનાઇટેડ કિંગડમ: 185
- ચેક પ્રજાસત્તાક: 185
ભવિષ્યની શક્યતાઓ
વિશ્વ કોવિડ-19ના કાળમાંથી બહાર આવી ગયું છે. એના લીધે સ્થિતિ પૂર્વવત્ થઈ રહી છે. એની સકારાત્મક અસર પ્રવાસન જગત પર પડશે. સાથે મુસાફરીની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા વધશે. એવામાં, જે દેશો એમના નાગરિકો વધુ દેશોમાં વિઝાની ઝંઝટ વિના પ્રવેશ મળે એવું ઇચ્છતા હોય તેઓ આંતરરાષ્ટ્રીય સંબંધો સુદ્રઢ કરવા વધુ પ્રયત્નશીલ થશે.
આપણા ભારતીય પાસપોર્ટનું શું?
આપણો પાસપોર્ટ ઇન્ડેક્સમાં 85મા સ્થાને છે. આપણે પહેલેથી વિઝા વિઝા લીધા 58 દેશોમાં પ્રવેશ કરી શકીએ છીએ. અર્થાત્, પાસપોર્ટની તાકાતના મામલે આપણે નથી ટોચે કે નથી તળિયે. આપણી સ્થિતિ મધ્યમ છે. આર્થિક રીતે દેશ સબળો થઈ રહ્યો છે અને વૈશ્વિક સ્તરે આપણે વધુ મહત્ત્વના દેશ તરીકે સ્થાન જમાવી રહ્યા છીએ છતાં, આપણા પાસપોર્ટની તાકાતમાં પાછલાં થોડાં વરસોમાં અપેક્ષિત વૃદ્ધિ થઈ નથી.
જોકે, આપણી સરકાર નાગરિકોની મુસાફરી સ્વતંત્રતાને વધારવા ઘણા દેશો સાથે વિઝા કરાર પર વાટાઘાટ કરી તો રહી છે જ. છતાં, ગયા વખત કરતાં પાસપોર્ટનો ક્રમ નીચે આવ્યો એ આપણા અન્ય દેશો સાથેના રાજદ્વારી સંબંધોમાં ખાસ કોઈ સુધારો નથી થયો એવું જણાવે છે.
સિંગાપોરનું ટોચનું સ્થાન એશિયાની વૈશ્વિક બાબતોમાં એની વિકસતી ભૂમિકા દર્શાવે છે. યુરોપનું સાતત્યપૂર્ણ પ્રભુત્વ એના રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની મહત્તા દર્શાવે છે. ભારતનો ક્રમ નાગરિકોની મુસાફરીની સ્વતંત્રતાને વધારવા માટે વધુ સારા વૈશ્વિક રાજદ્વારી સંબંધોનું મહત્ત્વ સમજાવે છે. કારણ આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન માટે આવશ્યક છે. આપણા પાસપોર્ટની તાકાત એ માટે કામની ચીજ છે.