શનિવાર, જાન્યુઆરી 18

સામાન્ય રીતે દર વરસે ભારતમાં પણ શિયાળા દરમિયાન ફ્લુના જુદા જુદા પ્રકારના વાઇરસ ફેલાતા હોય છે. ફ્લુને લાગતાં લક્ષણો નિર્માણ થતાં હોય છે. બસ, તેવા પ્રકારનો આ વાઇરસ છે. હાલમાં એ જુદા નામ અને જુદી ખાસિયતો સાથે સાથે ફેલાઈ રહ્યો છે

ડો. અલ્પેશ રૈયાણી

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સમાચાર માધ્યમોમાં ચીનના એચએમપી વાઇરસ વિશે ચર્ચા જારી છે. એને લીધે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે, એવો લોકોના મનમાં ભય ફેલાઈ રહ્યો છે. “આ વાઇરસ કોવિડ જેવો ખતરનાક અને જીવલેણ છે,” એવી વાતો પણ ફેલાઈ રહી છે. એનાથી લોકોમાં ચિંતાનું વાતાવરણ નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. 

ચીનમાં હોસ્પિટલમાં કાર્યરત ભારતીય ડોક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આંખ ઉઘાડતા ખુલાસા કર્યા અને આ સમાચારોની પોકળતા છતી કરી. તેમના કહેવા મુજબ ચીનમાં બધું સામાન્ય છે. કોઈ બંધન કે કટોકટીને લગતાં નિયંત્રણો કે સલાહસૂચન સરકારી સંસ્થાઓએ જાહેર કર્યા નથી. તેમના અનુસાર, દર વરસે આ સમયગાળામાં ફેલાતા ફ્લુ જેવો આ વાઇરસ છે. 

સામાન્ય રીતે દર વરસે ભારતમાં પણ શિયાળા દરમિયાન ફ્લુના જુદા જુદા પ્રકારના વાઇરસ ફેલાતા હોય છે. ફ્લુને લાગતાં લક્ષણો નિર્માણ થતાં હોય છે. બસ, તેવા પ્રકારનો આ વાઇરસ છે. હાલમાં એ જુદા નામ અને જુદી ખાસિયતો સાથે સાથે ફેલાઈ રહ્યો છે. હાલના તબક્કે એ વાઇરસ સામાન્ય સ્વરૂપનો છે. તેથી, કોઈએ ગભરાઈને હાંફળાફાંફળા થવાની જરૂર નથી. માત્ર થોડી કાળજી રાખવાની છે. 

આ રહ્યા ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઃ 

ફ્લુની જેમ જ આ વાઇરસના ચેપને લીધે શરદી, સળેખમ, નાકમાંથી પાણી વહેવું, માથું દુખવું, તાવ આવવો, શરીર દુખવું, અશક્તિ લાગવી જેવાં લક્ષણો ઉદભવી શકે છે. એનાથી બચવા વારેઘડીએ હાથ ધોવા, સ્વચ્છતા જાળવવી, ભીડવાળી જગ્યાએ ના જવું, સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું વગેરે કાળજી લેવી. સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે તેવું જીવનધોરણ જાળવવું, તાજો પૌષ્ટિક ઘરનો આહાર વાપરવો, ફળો-લીલાં શાકભાજી વધારે આરોગવાં, બને તો નવશેકું ગરમ પાણી પીવું, હળવી કસરત કરવી, ચાલવું જેવા શારીરિક વ્યાયામ અને યોગ તથા દીર્ઘ શ્વસનના વ્યાયામ કરવા. ઉપરાંત, હળદર, સૂંઠ ફુદીનો, તુલસીનો વિવિધ સ્વરૂપે ઉપયોગ કરવો, થોડો સમય તડકામાં રહેવું, એ પણ ધ્યાનમાં રાખવું. 

રોજ નવા નવા વાઇરસ અને જીવાણુઓ તો આવતા રહેશે. તેના મોટાં મોટાં નામ સાંભળીને ડરવાની જરૂર નથી. જ્યાં સુધી તમારી આંતરિક રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે ત્યાં સુધી કોઈ ચેપની અસર લાંબો સમય ટકી શકતી નથી. તેથી ડર રાખ્યા વગર તંદુરસ્ત જીવન ધોરણ જાળવી રાખવું એ શ્રેષ્ઠ બચાવ છે. રોગથી બચવા અને રોગને આવતો અટકાવવા કેટલાંક દેશવિરોધી તત્વો ભારતીય અર્થતંત્રમાં ગાબડાં પાડવા અને લોકોને ડરાવીને પોતાનાં ઉત્પાદનો અને પોતાની સેવાઓ વેચવા માટે પોતાની ખીચડી પકાવતા હોય છે. તેઓ આ પ્રકારના સમાચારો ચમકાવીને લોકોને ગુમરાહ કરીને પોતાની મેલી મુરાદ પાર પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. 

આવો, આપણા જીવનધોરણમાં સકારાત્મક બદલાવ લાવીએ. તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ. એમ કરીને આવા બદઇરાદા ધરાવતા લોકોના ચહેરા પર લપડાક લગાવીએ અને ચિંતામુક્ત, આનંદપૂર્વક જીવન જીવીએ. 

આરોગ્યમ્ ધન સંપદા.

(ડો. અલ્પેશ રૈયાણી એક્યુપ્રેશર, એક્યુપંક્ચર સહિતની વૈકલ્પિક સારવારમાં નિષ્ણાત છે. તેઓ મુંબઈના ઉપનગર ડોંબિવલીમાં ક્લિનિકમાં તથા ઓનલાઇન માર્ગદર્શન પૂરું પાડે છે. સંપર્કઃ 98209 32363) 

Leave A Reply

ગુજરાતી
Exit mobile version