શનિવાર, જાન્યુઆરી 18

પાડોશી દેશ ચીને દરિયા વચ્ચે, જહાજ પરથી, એના સ્માર્ટ ડ્રેગન-3 રૉકેટનો ઉપયોગ કરીને ઉપગ્રહોને આકાશમાં તરતા કર્યા છે. પોતાના આ પગલાને ચીને એક અગત્યનું સીમાચિહ્ન લેખાવ્યું છે. 13 જાન્યુઆરી 2025ના રોજ પાર પડેલા ઉપગ્રહો લૉન્ચ કરવાના અભિયાનથી ચીનની અવકાશીય ટેક્નોલોજી ક્ષમતાઓમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પણ દર્શાવે છે. 

આ મિશન ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશન (સીએએસસી)ના ઉપક્રમે પાર પાડવામાં આવ્યું હતું. એ માટે ઘન ઇંધણવાળા સ્માર્ટ ડ્રેગન-3 રૉકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રૉકેટ્સ ઉપગ્રહોને ઝડપભેર અને પ્રમાણમાં ઓછા ખર્ચે અવકાશમાં તરતા મૂકવાની ક્ષમતા માટે નિર્માણ પામ્યાં છે. ચીની રૉકેટ્સની આ શ્રેણી વૈશ્વિક વ્યાપારિક ઉપગ્રહ સેવાઓની સતત વધતી માગને પહોંચી વળવા માટે પણ સુસંગત હોવાનું કહેવામાં આવે છે.

તસવીર સૌજન્યઃ હ્યુઆંગ યાઝોંગ – @embajadorcn_uy ઉરુગ્વેમાં ચીનના રાજદૂત

ચીને હાથ ધરેલા અભિયાન અંતર્ગત સેન્ટીસ્પેસ-01 સમૂહના અનેક ઉપગ્રહોને તરત મૂકવામાં આવ્યા હતા. એનાથી શી જિનપિંગના દેશમાં નાવિકી અને સંદેશાવ્યવહાર કાર્યો વધુ સારી રીતે ચાલશે એવુું જણાવવામાં આવ્યું છે. ઉપગ્રહો માટે સમુદ્ર આધારિત લૉન્ચ પ્લેટફોર્મ ઘણી લવચીકતા પ્રદાન કરે છે. એમાં સમયનું આયોજન, ગીચ વસ્તીવાળા વિસ્તારમાં નિષ્ફળ ઉપગ્રહના તૂટી પડવાથી ઊભી થતી જાનમાલના નુકસાનની ધાસ્તીમાં ઘટાડો અને અવકાશમાં વિવિધ દિશાઓમાં વધુ સહેલાથી ઉપગ્રહ છોડવાની અનુકૂળતા સામેલ છે. 

ચીનની આ સિદ્ધિ એના અવકાશ ઉદ્યોગના વધતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. ઉપગ્રહ લૉન્ચ કરવાની વૈશ્વિક બજારમાં પણ એની વધતી સ્પર્ધાત્મકતા આનાથી ફલિત થાય છે. સમુદ્રમાંથી ઉપગ્રહ સફળતાપૂર્વક લૉન્ચ કરીને ચીને અવકાશીય શોધખોળની પહેલોમાં પોતાની પ્રતિબદ્ધતાને અને વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં આગવી ભૂમિકા ભજવવાના તેના પ્રયત્નોને પણ ઉજાગર કર્યા છે.

Leave A Reply

ગુજરાતી
Exit mobile version