શનિવાર, જાન્યુઆરી 18

નવા અનુભવો આપણને માનસિક શાંતિ તો આપે છે જ, પણ આપણી સર્જનાત્મકતા અને ઉર્જાને પણ જાગૃત કરે છે

સતત ભાગદોડ, ઝડપી ટેકનોલોજી, ગળાકાપ હરિફાઈ આ બધામાં સર્જનાત્મકતા ઘણીવાર ખોવાઈ જાય છે. રોજ એક જ કામ કરી કરીને કયારેક એમ થાય તે સાલું આ તે શું જિંદગી છે. એમાંય હાથમાં સતત રહેતો મોબાઇલ, કોમ્પ્યુટર પર સતત સ્ક્રીન સામે જોતા રહેવું, સમયમર્યાદામાં બેવડું કામ કરવું અને જવાબદારીઓ પૂર્ણ કરવી. સતત એકઘારા કામથી નવા વિચાર કરવા કોઈ જગ્યા રહેતી જ નથી તો નવા વિચાર પણ આવે કયાંથી? આ સમસ્યાથી મોટાભાગના લોકો પીડાઈ છે. જીવનમાં રોજિંદા દિનચર્યા અને કામનો ભાર એટલો વધી જાય છે કે વ્યક્તિ થાક અને કંટાળો અનુભવવા લાગે છે. આ સ્થિતિમાં પોતાને તરોતાજા રાખવા કંઈક નવું કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકધારાપણામાંથી પોતાને બહાર રાખી રોજ નવું કંઈ કરી જાણ્યું તો તમે જીતી ગયા બોસ! તો ચાલો થાક અને કંટાળાને દૂર કરવાના કેટલાક મનોરંજક અને અસરકારક રસ્તાઓ જાણીએ.

ચાલશો તો ખીલશો: દરરોજ ગમે એટલા કામમાં હોવ ચાલવા જવાનો નિત્યક્રમ અપનાવો. આના ફાયદા ઘણા છે. હવે કોઈ એમ કહેશે કે અહીંયા મરવાનો પણ કયાં ટાઇમ છે. ભલે દસ મિનિટ ચાલો પણ ચાલો. મોબાઈલ વાપરવા જેમ કોઈ ટાઇમ લિમિટ નથી એમ ભલે કલાક ન ચાલો પણ થોડો સમય કાઢો અને ચાલો. ખુલ્લી હવામાં ચાલવાથી તાજગી અનુભવાશે. 2014ના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ચાલવાથી સર્જનાત્મકતામાં 60 ટકા વધારો થાય છે. ચાલવાથી માનસિક થાક ઓછો થાય છે, અને સમસ્યા હલ કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. આપણે જયારે કોઈ નવી જગ્યાએ જઈએ ત્યારે આપણું મન નવી જગ્યાઓ જોઈને પ્રફુલ્લિત થઈ જાય છે ખરું ને.

નવી જગ્યાએ મુસાફરી કરો: મુસાફરી કરવાથી ફક્ત આપણો થાક જ ઓછો થતો નથી, પરંતુ નવી જગ્યાઓની મુલાકાત લઈને આપણને નવી વસ્તુઓનો અનુભવ પણ થાય છે. તે ફક્ત આપણા વિચારોને તાજગી આપતું નથી પણ જીવન પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને પણ બદલી નાખે છે. જ્યારે આપણે નવી જગ્યાએ મુસાફરી કરીએ છીએ, ત્યારે આપણે નવા લોકોને મળીએ છીએ, નવી સંસ્કૃતિઓથી પરિચિત થઈએ છીએ અને જીવનના નવા પાસાઓ સમજીએ છીએ.

નવા શોખ અપનાવો: નવો શોખ અપનાવવાથી માનસિક શાંતિ અને ખુશીની અનુભૂતિ થાય છે. ચિત્રકામ હોય, ગિટાર વગાડવું હોય, ગાર્ડનિંગ હોય કે લેખન હોય, શોખ આપણને પોતાની જાત સાથે જોડાવાની તક આપે છે. આ કરવાથી મનને શાંતિ તો મળે છે જ, સાથે સાથે આત્મવિશ્વાસ પણ વધે છે.

શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લો: યોગ, નૃત્ય, જોગિંગ અથવા જીમ જેવી શારીરિક પ્રવૃત્તિઓ માત્ર શરીરને તાજગી આપતી નથી પણ માનસિક સ્થિતિમાં પણ સુધારો કરે છે. કસરત શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે અને આપણને ઉર્જા પ્રદાન કરે છે, જે દિવસભરનો થાક દૂર કરે છે.

નવા લોકોને મળો: ક્યારેક નવી મિત્રતા કે નવો સંબંધ આપણા જીવનમાં તાજગી લાવે છે. નવા લોકોને મળીને આપણે તેમના વિચારો, તેમના અનુભવો અને તેમની જીવનશૈલીમાંથી શીખી શકીએ છીએ. તે આપણને પોતાના વિશે નવી વિચારસરણી આપે છે અને આપણી માનસિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

સંગીત સાંભળો અને ધ્યાન કરો: સંગીત સાંભળવાથી યાદશક્તિ તેજ થાય છે. તેમ જ તણાવ પણ ઓછો થાય છે. મગજને પણ ઘણા ફાયદા થાય છે. માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને છે. માનસિક બીમારીથી રાહત મળે છે. સંગીત માનસિક બીમારીની સારવારમાં મદદ કરી શકે છે. સંશોધકોના મતે, સંગીત સાંભળવાથી ઘણા ન્યુરોકેમિકલ્સ બહાર આવે છે, જે મગજના કાર્ય અને માનસિક સ્વાસ્થ્યમાં ભૂમિકા ભજવે છે. જે આપણને શાંત કરે છે અને માનસિક કંટાળાને દૂર કરે છે

પુસ્તકો વાંચો: પુસ્તકો વાંચવા એ પણ આપણા માનસિક વિકાસ માટે એક ઉત્તમ માર્ગ છે. એક સારું પુસ્તક આપણને નવા વિચારો આપે છે અને તે આપણી વિચારસરણીને વિસ્તૃત કરે છે. સાહિત્ય હોય કે કાલ્પનિક કથા હોય. પુસ્તકો વાંચવાથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. એમાંય અનિંદ્રાથી પીડાતા લોકો માટે પુસ્તકો વાંચવા વરદાન સાબિત થાય છે. પુસ્તકો વાંચવાથી ઊંધ સારી આવે છે, દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક પુસ્તક વાંચવા માટે સમય કાઢવો જોઈએ, કારણ કે તે તણાવ અને એકલતા દૂર કરે છે, અને મન અને શરીર બંનેને શાંતિ આપે છે.

કંટાળો આવે કે થાક લાગે આવું જયારે અનુભવાય ત્યારે આપણને ગમે અને આપણને જે કરવામાં મજા આવે એ કરવું જેથી તાજગી અનુભવાશે અને કામ કરવામાં વઘુ મજા આવશે. સાથે આવશે નવા વિચારો અને વૈવિધ્યતા. સમજયા ને ?

.

Read More Articles and News On Deshwale Here –https://deshwale.com/en/latest-movie-releases-in-india-17th-january-2025/

Journalist, News Writer, Sub-Editor

Leave A Reply

ગુજરાતી
Exit mobile version