આ ચબૂતરો બબ્બે મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે. એક તો એ કે જે કાર્યરત હોય એ ચબૂતરાનું ધ્યાન રાખવામાં આવી ઉદાસીનતા ના પ્રવર્તે એ ઇચ્છનીય છે
શાહપુર વિસ્તારમાં ખૂબ જાણીતું કાશી વિશ્વનાથ મંદિર છે. એક સદીથી વધારે જૂના આ પાવન મંદિરના પ્રાંગણમાં જ પાછળના ભાગમાં આ મોટો ચબૂતરો છે. ચબૂતરાની બાજુમાં જ સાંઈધામ અને ભોળાનાથ મંદિર પણ છે. અત્યારે જે ચબૂતરો છે તે પહેલાં સાંઈધામ મંદિરવાળા સ્થાને હતો. આજે આ ચબૂતરાની સ્થિતિ સારી તો નથી જ, ભલે એ મેઇન રોડ પર મંદિરના પ્રાંગણમાં કેમ ના હોય?
અહીં આવતાં જ પહેલી જે બાબત ધ્યાન ખેંચે છે એ છે ગંદકી. કદાચ કોઈ જીવદયાપ્રેમી ચબૂતરે આવીને નિયમિત ચણસેવા કરવા ધારે તો પણ આ ગંદકી તેને હતોત્સાહ કરી દેવા માટે પૂરતી છે. ચબૂતરાનો વિસ્તાર ખાસ્સો મોટો છે અને નીચે નાનકડી પરસાળ જેવો ખુલ્લો ભાગ પણ છે. આ ચબૂતરામાં તેમ છતાં ભાવિકો આવીને ચણ મૂકી જાય છે. ચબૂતરા નજીકના ખાંચામાં ઉપર જવાની સીડી છે જેના લીધે ઉ૫૨ ચણ મૂકવામાં વાંધો આવતો નથી.
આ ચબૂતરો બબ્બે મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે. એક તો એ કે જે કાર્યરત હોય એ ચબૂતરાનું ધ્યાન રાખવામાં આવી ઉદાસીનતા ના પ્રવર્તે એ ઇચ્છનીય છે. બીજી બાબત એ છે કે જ્યાં સ્વચ્છતા જાળવીને ધર્મસ્થાનક અને સેવાસ્થાનક બેઉની ગરિમા વધારી શકાતી હોય ત્યાં આવી લાપરવાહી ના હોય તો સારું ગણાય. એ ઉપરાંત થોડાંક સમારકામ અને રંગરોગાનની જેને આવશ્યકતા છે તેવા આ ચબૂતરા તરફ થઈ રહેલું દુર્લક્ષ જેટલી જલદી ટળે તેટલું સારું.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.