મહાવીરધામ, સિરસાડ ખાતે કાર્તિક પૂર્ણિમાના પવિત્ર અવસરે જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા આપવામાં આવી છે. ખાસ કરીને જેઓ ચારેય જૈન ફિરકાઓમાંથી પાલિતાણાના શ્રી શત્રુંજય પર્વત સુધી યાત્રા કરી શકતા નથી, તેમના માટે મહાવીરધામ ખાતે પાંચમી નવેમ્બરના દિવસે શ્રી શત્રુંજય પટ્ટના દર્શનની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે આખા દિવસ દરમિયાન ભક્તો અહીં આવ્યા અને દર્શન કરી શકશે.
મહાવીરધામનાં ટ્રસ્ટી સુરેન્દ્ર કે શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મની માન્યતા અનુસાર ચોમાસાના પ્રારંભે જૈન મુનિઓના ચાતુર્માસ પ્રવેશ બાદ તેઓ સાડા ચાર મહિના સુધી વિહાર કરતા નથી, આજ રીતે ચાતુર્માસનાં પ્રારંભની સાથે જ પાલિતાણા સ્થિત શત્રુંજય પર્વતની પરિક્રમા પણ બંધ થઇ જાય છે. હવે કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવદિવાળીના પાવન દિને જૈન મુનિઓના વિહાર શરૂ થશે અને પાલીતાણામાં શ્રી શત્રંજ્ય પર્વતની પાવન યાત્રાનો પ્રારંભ પણ થશે. જોકે આ પાવન અવસરે પાલીતાણા ન પહોંચી શકે તેવા ભાવિકો માટે નિરંતર પ્રભુભક્તિનાં અનુષ્ઠાનોથી ગાજતા અને ગુંજતા મહાવીરધામ ખાતે પાંચમી નવેમ્બરના પાવન દિને શ્રી શત્રુજ્ય પટ્ટના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાંચમી નવેમ્બર યાત્રાળુઓ આખા દિવસ દરમિયાન શ્રી પટ્ટનાં દર્શનનો લાભ લઈ શકશે. આ પ્રસંગે વલભીપુર નિવાસી માતુશ્રી વિમળાબેન પુનમચંદ વિઠ્ઠલદાસ દોશી પરિવાર તરફથી પ્રત્યેક યાત્રિકોને ભાતુ પણ આપવામાં આવશે. અત્રે પધારવાથી ભગવાન મહાવીરના આયુષ્ય સમાન ૭૨ સ્તંભ ઉપર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રાયઃ પહેલીજ વખત વિશાળ કલાત્મક કોતરણી યુક્ત ભવ્યાતિભવ્ય દૂધ જેવા શ્વેત સંગેમરમરના પાષાણો દ્વારા નિર્મિત પાવાપુરી જલમંદીર નાં દર્શનનો અનમોલ લાભ પણ મળશે.
આ ઉજવણી જૈન સમુદાય માટે આત્મીયતા અને ભક્તિનું પાવન પ્રદર્શન છે, જે મહાવીરધામ અને સમગ્ર મહારાષ્ટ્રમાં અનોખા ધામ તરીકે ઓળખાય છે.
Subscribe Deshwale on YouTube


