દર વરસની જેમ આ વરસે પણ મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની પિકનિકનું સફળ આયોજન થયું હતું. સોમવાર, 26 જાન્યુઆરીએ પત્રકારો વિરારમાં, શિરસાડ-વજ્રેશ્વરી રોડ પર સ્થિત, માંડવી હિલ રિસોર્ટ ગયા હતા.
નોંધનીય છે કે આ વરસે પિકનિકમાં જોડાનારા સભ્યોની સંખ્યા પાછલાં થોડાં વરસોની તુલનામાં સર્વાધિક રહી હતી. પિકનિક માટે સંઘને જાણીતા સામાજિક કાર્યકર મુકેશભાઈ મહેતાનો સહયોગ મળ્યો હતો. પિકનિક માટે પત્રકારો અને સ્વજનો બોરીવલી સ્થિત કોરા કેન્દ્ર નજીક વહેલી સવારે ભેગા થયા હતા. ત્યાંથી સૌએ બસમાં રિસોર્ટ માટે પ્રસ્થાન કર્યું હતું. એ પહેલાં બોરીવલી વેપારી એસોસિએશનના રમેશભાઈ ઠક્કર અને અન્ય અગ્રણી વેપારીઓએ પત્રકારોનું સ્વાગત કર્યું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌએ સાથે મળીને ધ્વજવંદન કરી શુભેચ્છાની આપલે કરી હતી.
રિસોર્ટ પહોંચ્યા પછી આખો દિવસ ખુશીની છોળો ઊડતી રહી હતી. સ્વાદિષ્ટ નાસ્તા, ભોજનની જ્યાફત પણ માણવામાં આવી હતી. રિસોર્ટમાં વિવિધ વોટર ગેમ્સ માણવા સાથે ક્વિઝનો પણ આનંદ માણ્યો હતો. બપોરે ભોજન પછી જાણીતા હાસ્ય કલાકાર નીતિન દેસાઈ અને કવિ પ્રફુલ પંડ્યાનું આગમન થયું હતું. બેઉએ આગવી શૈલીમાં મનોરંજન પીરસ્યું હતું.
ક્વિઝમાં પત્રકારોને જાતજાતના રસાળ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સંઘનાં ભૂતપૂર્વ પ્રમુખ નીલમ પૂજારાએ પ્રશ્નો તૈયાર કર્યા હતા. એમની સાથે ક્વિઝનું સંચાલન ધર્મેશ વકીલે તો નિર્ણાયકની જવાબદારી ઉમેશ ત્રિવેદીએ નિભાવી હતી. વિજેતાઓને ધર્મેશ વકીલના સહયોગથી અંજલિ કિચનવેર ઇનામો અને નૈમિષ ત્રિવેદીના સહયોગથી એમસીએક્સ તરફથી ભેટસંપુટ આપવામાં આવ્યો હતો.
સાંજે પ્રમુખ કુનેશ દવેએ પત્રકારોને સંઘની આગામી પ્રવૃત્તિઓની રૂપરેખા જણાવી હતી. સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સભ્યોના વધતા સહકારથી સંઘની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો રહેશે. ઉપપ્રમુખ સંજય શાહે સંઘના આગામી મુખપત્રની પૂર્વભૂમિકા બાંધી હતી. ગુડી પાડવાના શુભ અવસરે એનો શુભારંભ અંક પ્રસિદ્ધ કરવાની યોજના છે. માનદ મંત્રી ધીરજ રાઠોડ, માનદ ખજાનચી જિતેશ વોરા, સમિતિ સભ્યો ધર્મેશ વકીલ, ધર્મેન્દ્ર ભટ્ટ, દિનેશ સાવલિયા, ઉમેશ દેશપાંડે વગેરેએ વિવિધ જવાબદારીઓ સંભાળી પિકનિકને યાદગાર બનાવી હતી. સમગ્ર પિકનિકમાં દિલીપ કાગડાએ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને સંસ્મરણો સર્જ્યાં હતાં.
પિકનિકની તસવીરી ઝલક આ રહીઃ











Subscribe Deshwale on YouTube


