સોનગઢ ગામના આ સ્વજન માટે તેમનો સ્ટાફ પણ પરિવાર છે. સાધારણ પરિવારોને સરસ ઘર બાંધી આપી તેઓ વેપારને સેવા સાથે સાંકળે છે. કપોળોને મદદ કરવાના મામલે પણ સદૈવ સક્રિય છે
પિતા, દીકરી, દીકરો અને પુત્રવધુ ચારેય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોય એ કેવો સુખદ યોગાનુયોગ! બીજી એક દીકરી પણ સુશિક્ષિત અને સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર. મજાની વાત કે સી. એ. થયા પછી પિતાને નસીબ ખેંચી લાવે કન્સ્ટ્રક્શનના ઉદ્યોગમાં. એના થકી સંપન્ન થવા સાથે તેઓ સ્લમ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટને ન્યાય આપતાં વેપાર સાથે સેવાને વણી લે. સી. એ. ઉપરાંત એલ. એલ. બી. એવા આ સદ્ગૃહસ્થ એટલે યોગેશભાઈ મહેતા.
“મારો જન્મ સન ૧૯૫૦ના ઓક્ટોબરમાં સોનગઢ ગામે થયો,” જીવનની કિતાબનાં પૃષ્ઠો ઉઘાડતાં યોગેશભાઈ જણાવે છે, “પાંચ ભાઈ-બહેનમાં હું સૌથી મોટો. માતાપિતા મધુબહેન અને બાબુલાલ મહેતાએ અમને સંસ્કાર સાથે સાક્ષરતા મળે તે માટે પ્રોત્સાહિત કર્યાં. પિતાની કપડાંની દુકાન. હું ગામમાં એસએસસી સુધી ભણીને કોમર્સમાં ગ્રેજ્યુએશન માટે મુંબઈ આવ્યો. સંજોગો બહુ તરફેણમાં નહીં તેથી પાછા ગામ જઈને મેં પિતાની કપડાંની દુકાન તથા ખેતીવાડી સંભાળી લીધાં.”
જોકે સરસ્વતીની કૃપા કંઈક વિશેષ હશે તેથી પાછા ફરી વાત પલટાઈ. માસી- માસા મંગળાબહેન તથા ચીનુભાઈ શાહ, તેમ જ તેમનાં દીકરી મીનાક્ષીબહેનને વિશ્વાસ કે અમારી યોગેશ ખૂબ પ્રતિભાશાળી, તેથી તેમણે તેને ફરી મુંબઈ બોલાવી આગળ ભણવાને પ્રેર્યો. સૌના વિશ્વાસને સાચો પાડતાં યોગેશભાઈએ ઉચ્ચ અભ્યાસ કરી સી. એ. સાથે એલ. એલ. બી.ની ડિગ્રી મેળવી. હોશિયાર પણ એટલા કે ઇન્ટર સી. એ.માં તો ઓલ ઇન્ડિયામાં બાવીસમી રેન્ક મેળવી. ફાઇનલમાં ટાઇફોઇડ સાથે પરીક્ષા આપી છતાં ઉત્તીર્ણ થયા.
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરતાં કરતાં તેમને ૧૯૮૮માં મુલુંડની એક સોસાયટીની આઠ એકર જમીન ડેવલપમેન્ટ માટે મળી, “બિલ્ડર તરીકે આ મારો પ્રથમ મોટો પ્રયાસ. એની ફળશ્રુતિ એટલે મુલુંડ વેસ્ટમાં આવેલું હાઇલેન્ડ પાર્ક.” જોકે એ પછી પણ છએક વરસ તેઓ સી. એ. તરીકે પ્રવૃત્ત રહ્યા. ૧૯૯૩માં જ્યારે કન્સ્ટ્રક્શન બિઝનેસ મત જામી ગયો ત્યારે બે મોરચા સંભાળવાનું અશક્ય બનતાં છેવટે સી. એ.ની પ્રેક્ટિસ છોડી સંપૂર્ણ ધ્યાન કન્સ્ટ્રકશન તરફ વાળી દીધું.
એક પછી એક પ્રોજેક્ટ સાકાર કરતાં તેમની કંપની નીલયોગ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ આજે રિયલ એસ્ટેટ મોરચે આગવું સ્થાન ધરાવે છે. ૧૯૯૫માં કંપનીએ મલાડ પૂર્વની ધનજીવાડીમાં ૧,૫૦૦ ફ્લેટ્સનો સ્લમ રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ શરૂ કર્યો. એમાં પણ યોગેશભાઈએ જરૂરિયાતમંદ એવા ૪૦ કપોળ પરિવારોને રૂપિયા આઠેક લાખની કિંમતના ફ્લેટ ફક્ત રૂપિયા બે લાખમાં ફાળવ્યા. આ પ્રોજેક્ટની સાથે એમણે સ્લમ રિડેવલપમેન્ટના કામમાં અનોખી શાખ જમાવી.
“અમારી ભાવના લોકોને સારું ઘર પૂરું પાડવાની. ગુણવત્તાયુક્ત અને સમયસર પૂરાં થતાં બાંધકામ અમારી પ્રાથમિકતા. એનાં મીઠાં ફળ અમને મળ્યાં.” કાંદિવલી પશ્ચિમમાં એમ. જી. ક્રોસ રોડ ચાર પર તેમણે જરૂરિયાતમંદ કપોળ પરિવારો માટે ઇમારત બાંધી. ૮૪ પરિવારોને તેમાં રૂપિયા પંદર લાખના ફ્લેટ છ લાખ રૂપિયાથી ઓછી કિંમતે મળ્યા. નાલાસોપારાના ૧૪૦ ફ્લેટના કપોળ નિવાસનું રિડેવલપમેન્ટ પણ કર્યું. ઘાટકોપર ઇસ્ટની ગૌરીશંકર વાડીમાં રિડેવલપમેન્ટ જેવા કેટલાય પ્રોજેક્ટ નીલયોગે પૂરા કર્યા છે. સર્વધર્મ સમભાવમાં માનનારા યોગેશભાઈએ ગૌરીશંકર વાડીના એ પ્રોજેક્ટમાં દેરાસર માટે વિનામૂલ્યે જગ્યા ફાળવી. ત્યાં શિખરબંધ દેરાસર બંધાયું છે. વળી, મલાડની ધનજી વાડીમાં ઉપાશ્રય માટે ૩,૦૦૦ ચોરસ ફૂટનું બાંધકામ કરી આપ્યું. ત્યાં પણ તેમણે શિખરબંધ દેરાસર માટે વિનામૂલ્યે જગ્યા ફાળવી.
હાલમાં તેમનો ઘાટકોપર વેસ્ટના નિત્યાનંદ નગરમાં ૩,૦૦૦ ભાડૂતોવાળો સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ત્યાં ૭૦૦ ફ્લેટ્સનું પઝેશન અપાઈ ચૂક્યું છે. સ્ટાફના જૂના સભ્યોને પણ કંપનીએ રાહતદરે ફ્લેટ આપ્યા છે. યોગેશભાઈ કહે છે, “અંદાજે છ હજાર ફ્લેટ્સ અમે બાંધ્યા. એમાં લોકોને તેમના સપનાનું ઘર વસાવતા જોઈને જે સંતોષ અનુભવું છું તેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી.”
પારિવારિક મોરચે જોઈએ તો યોગેશભાઈના જીવનને મઘમઘતું કરનારાં જીવનસાથી એટલે નીલાબહેન. મૂળ તેઓ પાલીતાણાવાળાં વનિતાબહેન અને ધીરજલાલ પારેખનાં દીકરી. ૧૯૭૭માં બેઉ લગ્નગ્રંથિથી જોડાયાં. મીરાં, ભાવિ અને ઋષિ એમ તેમને બે દીકરી અને એક દીકરો છે. દીકરા ઋષિએ પણ સી. એ. ફાઇનલમાં એકવીસમી રેન્ક મેળવી. ઇંગ્લેન્ડ જઈ એમ. બી. એ. પણ કરીને હવે એ પિતાના બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જવા ઉત્તમ યોગદાન આપે છે. યોગેશભાઈ કહે છે, “મને અને નીલાને મનગમતી પ્રવૃત્તિઓ તથા સેવાકાર્યો માટે હવે પૂરતો સમય મળે છે.”
યોગેશભાઈને સત્કાર્યો કરવાની પ્રેરણા તેમના માસા સ્વ. ચીનુભાઈ શાહ પાસેથી મળી. ચીનુભાઈ પોતે તો બીજાને મદદ કરતા, સાથે પોતાની મૂડીથી બીજાના હસ્તક પણ મદદ કરાવતા. તેઓ દેખાડો કે દંભ ક્યારેય ન કરતા. યોગેશભાઈએ માતાની સ્મૃતિમાં વધુ મોતિયાનાં પાંચસોથી વધુ ઓપરેશન વિનામૂલ્યે કરાવી આપ્યાં છે. મહારાષ્ટ્રનાં દુકાળગ્રસ્ત ગામોમાં તળાવ બંધાવવામાં પણ યોગદાન આપી ચૂક્યા છે. હવે દર વરસે એક તળાવ બંધાવવાનો સંકલ્પ તેઓ ધરાવે છે. વતનના અને કપોળ સમાજના સભ્યોને પણ તેઓ મદદરૂપ થતા રહે છે. સોનગઢમાં પિતાની સ્મૃતિમાં કપોળ વાડીના નવનિર્માણમાં તેમણે આપેલા સહયોગ પછી એ વાડી આજે શ્રી બાબુલાલ મહેતા કપોળ વાડી તરીકે ઓળખાય છે.
સેવાના મામલે નીલાબહેન પણ સક્રીય છે. ૨૦૦૨ની સાલમાં તેઓ કેએસજી ઇનરવ્હીલ લેડીઝ ગ્રુપનાં પ્રમુખ બન્યાં હતાં. કપોળ અધિવેશનમાં બાળકો તથા મહિલાલક્ષી પ્રવૃત્તિઓમાં તેમણે ચેરપરસનની યશસ્વી કામગીરી બજાવી હતી. કાઇટમાં પણ તેમણે વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી. ૨૦૦૨-૨૦૦૭ વચ્ચે કપોળ બેન્કનાં ડિરેક્ટર તરીકે માનદ્ સેવા પણ આપી હતી. તેમને વાંચન અને પ્રવાસનો શોખ છે.
યુગલ તરીકે બેઉ જરૂરિયાતમંદોની શૈક્ષણિક અને સ્વાસ્થ્યલક્ષી સેવા પણ કરે છે. સમાજ ઉત્કર્ષ માટે બનતા પ્રયત્નો કરે છે. છેવટે તેઓ વેપારના પડકારોની વાતને જીવન સાથે સાંકળતાં સમાપન કરે છે, “દરેકના વેપારમાં અને જીવનમાં એક અથવા બીજાં પડકાર તો હોય. એનો સામનો કરવાની કળા માણસાઈ અકબંધ રાખીને આત્મસાત્ કરવી રહી. એ પછી સફળતા કેટલી મળી તેના કરતાં વધુ આનંદ આપણને કેટલો સંતોષ પ્રાપ્ત થયો એ વાતનો માણવા મળે છે.”
અંદાજે છ હજાર ફ્લેટ્સ અમે બાંધ્યા. એમાં લોકોને તેમના સપનાનું ઘર વસાવતા જોઈને જે સંતોષ
અનુભવું છું તેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.