સંઘર્ષોને ખૂબ નજીકથી તેમણે જોયા છે. એમાંથી પ્રેરાયા પોતાની આવકના દસ ટકા પરોપકારમાં ખર્ચવા. તેમની નિઃશુલ્ક ટિફિન સેવા મીરા-ભાયંદરના બસોથી વધુ જરૂરિયાતમંદો માટે વરદાન બની છે
“કાકા, તમે તો કપોળ નિવાસમાં રહો છોને? કેમ ઉદાસ છો? એ પણ ઉપાશ્રય બહાર ઊભા છો તેમ છતાં?” “કાંઈ નહીં દીકરા, આ તો ઘેર પત્ની પેરેલિસિસને લીધે પથારીવશ છે. અમે હુતોહુતી એકલાં રહીએ છીએ. અત્યારે ત્યાં રસોઈ રાંધવાવાળું કોઈ નથી. મને થયું કે આયંબિલ પછી ઉપાશ્રયમાં કંઈક વધ્યું હોય તો લઈ જાઉં. અમારાં બેઉનો પેટનો ખાડો એનાથી પુરાઈ રહેશે.”
“ઓહ! તમારે વહુ-દીકરા નથી?”
“દીકરા તો ત્રણ છે ભાઈ, તારા જેવડા છે પણ અમને રાખવા કે સાચવવા ત્રણમાંથી કોઈ તૈયાર થાય તો…”
એક ધક્કો લાગ્યો આ સાંભળનાર યુવાનને. એવો ધક્કો કે ઘેર જઈને, પોતાની આયુર્વેદની ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતાં પણ એને ક્યાંય કરતાં ક્યાંય ચેન પડે નહીં. “આવી પરવશતા? આવી લાચારી? આવા વડીલો માટે આપણાથી કંઈ ના થઈ શકે?”
એમાંથી જન્મ થયો શ્રવણ ટિફિન સેવાનો, જે અગિયાર જણના સ્ટાફ અને બે ટેમ્પોની મદદથી મીરા-ભામંદર વિસ્તારના બસો જેટલા જરૂરિયાતમંદ વડીલોને સાત્વિક ભોજનનાં ટિફિન મોકલાવે છે. દરરોજ મોકલાવે છે. વિનામૂલ્યે અને નિઃસ્વાર્થભાવે મોકલાવે છે!
એના પ્રણેતા એટલે ડૉ. ઉદય મોદી, એક પરોપકારી અને સાલસ કપોળ સ્વજન. બહુ સચોટ વાત કરતાં તેઓ કહે છે, “ઈશ્વરમાં મને બેહદ શ્રદ્ધા છે પણ હું દાનપેટીઓમાં પૈસા પધરાવવામાં નથી માનતો. ખરેખર જો સેવા કરવી હોય તો માબાપની કરવી અને ગરીબોની કરવી એ મારી દૃઢ માન્યતા છે.” મૂળ અમરેલીના અને હવે ભાયંદર રહેતા આ માનવીનું જીવન બેહદ પ્રેરક છે. માતા કાંતાબહેન અને પોસ્ટ ઓફિસના કર્મચારી પિતા હિંમતલાલ હરજીવનદાસ મોદીના, ૧૯૬૮માં જન્મેલા આ દીકરાએ આઠેક વરસની ઉંમરે સ્વાવલંબી બનવાના પ્રયત્નો આદરી દીધા હતા. “પરિવારને ટેકો મળે તે માટે હું આરટીઓ નજીક જાતજાતનાં ફોર્મ્સ પર ફોટોગ્રાફ્સ ચોંટાડવાનું કામ કરતો. ભણવા માટે પાઠ્યપુસ્તકો અને પહેરવા માટે વસ્ત્રો કોઈક પાસેથી મેળવીને ચલાવી લેતો.” આવા સંઘર્ષ વચ્ચે તેમણે કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલ અમરેલી અને આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત કોલેજમાં ભણતર પછી જામનગરની એમ. પી. શાહ કોલેજમાંથી આયુર્વેદમાં ડિગ્રી મેળવી, “મારે તો એમબીબીએસ થવું હતું પણ માર્ક્સ ઓછા હતા તેથી…”
ડોક્ટર થઈને તેઓ મુંબઈ આવ્યા. કોઈ ઠામઠેકાણાં કે નાણાં વિના. સંઘર્ષ એવો જોયો કે ક્ષુધા સંતોષવા ઘણીવાર એકાદ વડાપાંઉ ખાઈ બે દહાડા જેમજેમ ગાડું ગબડાવી નાખવાનું. છતાં ફરિયાદ નહીં અને મનમાં લેશમાત્ર ક્લેષ નહીં. છેવટે ગાડી પાટે ચડવા માંડી, ૧૯૯૮માં. મૂળ શિહોરનાં કલ્પનાબહેન સાથે સંસાર પણ શરૂ થયો. ભાયંદરમાં એક નાનકડી રૂમમાં રહેવાનું અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાની.
એવામાં પેલી વૃદ્ધવાળી ઘટના બની અને એમાંથી સર્જાઈ શ્રવણ ટિફિન સેવા, “મેં બાળપણથી લગાતાર તકલીફો જોઈ હતી. મુંબઈ આવ્યા પછી સંઘર્ષના દિવસોમાં બહુ સારી રીતે જાણી લીધું હતું કે માણસને તકલીફમાં મળતી નાની મદદ પણ લાખેણી હોય છે. એટલે પેલા વડીલ માટે પત્નીના સહયોગમાં મેં મારા ઘેરથી ટિફિન મોકલાવવાની શરૂઆત કરી. એ પછી આ સેવા મોટું સ્વરૂપ લેતી ગઈ.” ઉદયભાઈની ટિફિનસેવાની ખાસિયત એ કે એ વડીલોને સંપૂર્ણપણે કંદમૂળ કે કાંદા-લસણ વગરનું ભોજનુ પૂરું પાડે છે. વત્તા, તંદુરસ્ત લોકો તથા શારીરિક તકલીફ ધરાવનારા લોકો માટે જુદાં ટિફિનની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉદયભાઈએ આ સેવાનો લાભ મીરા-ભાયંદરમાં રહેતા મહત્તમ લોકોને મળે તે માટે ત્યાં ચોપાનિયાં પણ વહેંચ્યાં છે. આ સેવાનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિ ટિફિન માટે પૃચ્છા કરે પછી, પૂરતી તપાસ કરીને, તેનું નામ યાદીમાં સામેલ કરવામાં આવે છે.
ઉદયભાઈ આ સેવા તેમના પિતાની સ્મૃતિમાં, સ્વ. હિંમતલાલ હરજીવનદાસ મોદી ચેરિટેબલ ટ્રસ્ટના નામે ચલાવે છે. પોતાની આવકના દસ ટકા સેવાર્થે ખર્ચવાના વણલખ્યા નિયમને તેઓ પહેલેથી વળગી રહ્યા છે. તેમના આ સદ્વિચારમાં માતા કાંતાબહેન, પત્ની, બાળકો આયુષી અને વરુણની પણ સંમતિ છે, “સાદું પણ સારું જીવવા મળે એ અમારે મન ઘણું છે.” ટિફિન ઉપરાંત ટ્રસ્ટ વતી, દાતાઓના સહયોગમાં તેઓ જરૂરિયાતમંદોને દર મહિને જીવન જરૂરિયાત ચીજોની કિટ પણ પહોંચાડે છે. ઉપરાંત તેમના ઉપનગરમાં કોઈ નધણિયાતું શબ મળે તો સ્વજનની જેમ તેની અંતિમવિધિની જવાબદારી તેઓ ઉઠાવે છે. વળી કોઈકને ત્યાં અવસાન થાય તેની જાણ થયે તેઓ એ ઘરે પણ ભોજન મોકલાવી આપે છે.
ઉદયભાઈ તો આનાથી પણ ઘણે આગળ જવા ચાહે છે, “ભારતમાં ઘરડાઘરોનો કોન્સેપ્ટ એવો છે કે તેમાં વડીલોને પૈસા ચૂકવીને આધાર મળે છે. મારે એવું ઘરડાઘર ઊભું કરવું છે જેમાં કોઈ ચાર્જ ના હોય છતાં વડીલો ઘર જેવી નિરાંત માણતા હોય.” આ માટે એક સંસ્થા તેમને ભૂદાન કરવા ઉત્સુક છે. અન્ય જરૂરી સહયોગ મળતાં ઉદયભાઈ આ સપનાને સાકાર કરવા કૃતનિશ્ચય છે. આનંદ એ વાતનો થાય છે કે લોકો ભૌતિકવાદી સપનાં જોવામાંથી ઊંચા આવતા નથી ત્યાં, એક કપોળ માનવતાવાદી સપનાંઓને નિહાળી રહ્યા છે અને સાકાર પણ કરતા જઈ રહ્યા છે.
ડોક્ટર, સમાજસેવક ઉપરાંત ઉદયભાઈ અભિનેતા પણ છે. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા, યમ હૈ હમ, ઊતરન જેવી સિરિયલ્સ ઉપરાંત અમુક ગુજરાતી ફિલ્મોમાં તેઓ ઝળક્યા છે. નાનપણથી રંગભૂમિ સાથે લગાવ ધરાવનારા ઉદયભાઈ લોકોમાં માતૃપિતૃપ્રેમ વિકસે તે માટે માતૃવંદના તથા પિતૃવંદના જેવા કાર્યક્રમો પણ કરે છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ કપોળે પરજનનાં આંસુ લૂંછવાના ભાવ સાથે જે યજ્ઞ આદર્યો છે તે ખરેખર અનુમોદનીય છે. સાથે વિચાર આવે કે વિશ્વમાં આવી ભાવના ધરાવતા માણસોની સંખ્યા વધે તો કેવા ચમત્કાર થઈ શકે?
પરોપકાર વિશે તેઓ કહે છે, “આવા કાર્યમાં સ્પીડ બ્રેકર્સ તો ઘણાં આવે. આપણી દૃઢતા અને સાફ નિયમ બધાંને પાર કરવામાં મદદ કરે.” મહિને સાડાચાર લાખથી વધુનો ખર્ચ તેઓને હાલના સેવાકાર્યમાં થાય છે. પહેલાં પોતાના ખર્ચે અને હવે સ્વખર્ચ ઉપરાંત અન્ય સેવાભાવીઓના સાથથી તેઓ આ કાર્યને લગાતાર આગળ વધારવા ચાહે છે. આપણે શ્રીજીચરણે પ્રાર્થીએ કે ઉદયભાઈના કાર્ય નિરંતર આગળ વધે અને વડીલોનાં દુઃખ દૂર કરી સ્મિત, સુખ, શાંતિ પ્રસરાવ્યા કરે.
મેં બાળપણથી લગાતાર તકલીફો જોઈ હતી. મુંબઈ આવ્યા પછી સંઘર્ષના દિવસોમાં બહુ સારી રીતે જાણી લીધું હતું કે માણસને તક્લીફમાં મળતી નાની મદદ પણ લાખેણી હોય છે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.