ગુજરાત સરકારના સહયોગમાં, ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવેન્સીઝ (ડીએઆરપીજી) આયોજિત ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનો ગાંધીનગરમાં આવતીકાલે, ગુરુવારે પ્રારંભ થશે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહ બે દિવસીય કાર્યક્રમનું ઉદઘાટન કરશે. તેઓ પરિષદને લગતા મુખ્ય મુદ્દાઓ પર વક્તવ્ય પણ આપશે.
પરિષદમાં છ કેન્દ્રિત સત્રો સામેલ છે. એમાં જાહેર સેવા વિતરણને મજબૂત બનાવવાના હેતુથી નવીન શાસન પદ્ધતિઓ અને ઉભરતી ટેક્નોલોજી અંગે ચર્ચા કરવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને પુરસ્કાર વિજેતા પ્રેક્ટિશનર્સ સહિત 30 પ્રતિષ્ઠિત વક્તાઓને આંતરદૃષ્ટિ અને કેસ સ્ટડી વહેંચવા માટે આ પરિષદ મંચ પ્રદાન કરશે. એમાંનાં બે સત્રો માત્ર ગુજરાતની અગ્રણી ઈ-ગવર્નન્સ પહેલને સમર્પિત છે.
ઉદઘાટન સત્રને ગુજરાત સરકારનાં મુખ્ય સચિવ રાજ કુમાર અને ડીએઆરપીજીના સચિવ શ્રી વી. શ્રીનિવાસ પણ સંબોધિત કરશે. કોન્ફરન્સમાં ઈ-જર્નલ એમજીએમજીની શરૂઆત થશે, જે પ્રતિષ્ઠિત નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ્સ 2024 માટે પસંદગી પામેલી પહેલો અને એસસીઆઈ પોર્ટલના અનાવરણ પર પ્રકાશ પાડશે.
નેશનલ કોન્ફરન્સના ‘નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન / ઇમર્જિંગ ટેકનોલોજીસ માટે સરકારી પ્રક્રિયા રિ-એન્જિનિયરિંગ’ વિષય પરના પ્રથમ સત્રની અધ્યક્ષતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર જનરલ ડો. એસ. એન. ત્રિપાઠી કરશે. ત્યારબાદ ડીએઆરપીજીના અધિક સચિવ પુનિત યાદવ અને ડીએઆરપીજીનાં સંયુક્ત સચિવ સરિતા ચૌહાણ અનુક્રમે પ્રધાનમંત્રી પુરસ્કારો, 2024 અને ઈ-ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદ પર સંક્ષિપ્ત પ્રસ્તુતી રજૂ કરશે.
વિષયના બીજા સત્રમાં ‘ઈ-ગવર્નન્સમાં જિલ્લા સ્તરીય પહેલ’ શ્રેષ્ઠ પ્રણાલિઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે. સરિતા ચૌહાણ અધ્યક્ષતા કરશે. ત્રીજા સત્રમાં ‘ગુજરાત સરકારની શ્રેષ્ઠ પ્રણાલિઓ’ વિષય પર ચર્ચા થશે. અધ્યક્ષતા પીએસ (ડીએસટી) મોના ખંધાર કરશે.
પરિષદના બીજા દિવસે, જયંતી એસ. રવિ, એસીએસ (મહેસૂલ) ‘નાગરિકો માટે ડિજિટલ પરિવર્તનમાં ઉભરતી ટેક્નોલોજીસ’ વિષય પર ચોથા સત્રની અધ્યક્ષતા કરશે. સત્ર પાંચમાં એમ. કે. દાસ, એસીએસ (ગૃહ) ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (સેન્ટ્રલ લેવલ ઇનિશિયેટિવ) માટે સરકારી પ્રક્રિયા રિ-એન્જિનિયરિંગ’ પર ચર્ચાની અધ્યક્ષતા કરશે. મુકેશ કુમાર, એસીએસ (શિક્ષણ) ગુજરાત સરકારની શ્રેષ્ઠ પ્રણાલિઓ (II) વિષય પર સમાપન સત્ર પૂર્વે છેલ્લા સત્રની અધ્યક્ષતા કરશે.
પરિષદમાં શ્રેષ્ઠ પદ્ધતિઓના પ્રતિનિધિઓની પ્રસ્તુતિઓ પણ રજૂ થશે. એમાં પસંદગીની સરકારી યોજનાઓ હેઠળ હાંસલ થયેલા પરિવર્તનશીલ ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવશે. પરિષદનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની જાહેર વહીવટ સંસ્થાઓને જાહેર વહીવટમાં અનુભવો અને નવીનતાઓનું આદાનપ્રદાન કરવા માટે એક મંચ પર લાવવાનો છે. સાથે, ઉદ્દેશ ઈ-ગવર્નન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સુશાસનની પદ્ધતિઓ પર ચર્ચા-વિચારણાને પ્રોત્સાહન પણ આપવાનો છે, જેથી વ્યાપક પ્રસાર અને સફળ પહેલોની સંભવિત પ્રતિકૃતિ સુનિશ્ચિત થાય. ડીએમ અને ડીસી સહિત રાજ્યના પ્રતિનિધિઓ એમાં શાસને મેળવેલી સિદ્ધિઓ દર્શાવતા ઉદાહરણો પણ પ્રસ્તુત કરશે.