વેપારમાં ચીલો ચાતરવાથી માંડીને વહેવારમાં પણ ઉત્કૃષ્ટતા આંબવી. એની સાથોસાથ પરિવારને પણ સુખી કરવો. આ બધી બાબતોને ન્યાય આપ્યો છે આ સર્વપ્રિય વડીલે
વામનભાઈ એટલે વ્રજલાલ તથા કમળાબહેનના પાંચમાંના એક દીકરા. શૂન્યમાંથી સર્જન કરનારા પિતાની જેમ વામનભાઈ તથા બધા ભાઈઓએ સફળતાગાથા સર્જી છે. પ્લાસ્ટિકની ચીજોના ઉત્પાદનમાં વિશ્વભરમાં જેનું નામ ગાજે છે તેવી એક કંપની એટલે નીલકમલ પ્લાસ્ટિક. આ કંપનીને જેમણે આ સ્તર સુધી લાવી તેમાંના એક બંધુ શરદભાઈ તો બીજા કંપનીના ચેરમેન વામનભાઈ.
મૂળ ખુંટવડા ગામના પારેખ પરિવારના વામનભાઈનો જન્મ ૧૯૩૬માં, ગુજરાતીઓના ગઢ ગણાતા મુંબઈના ઉપનગર ઘાટકોપરમાં. પિતાએ વતનથી મુંબઈ આગમન તો વામનના જન્મ પહેલાં કરી દીધેલું. ૧૯૪૨-૪૫ દરમિયાન તેઓ ફરી વતન જઈ વસ્યા હતા. એ વિશેની જાણકારી વહેંચતાં વામનભાઈ કહે છે, “એક તરફ બીજું વિશ્વયુદ્ધ ચાલે અને બીજી તરફ દેશમાં ગાંધીજી પ્રેરિત ભારત છોડો આંદોલન ગાજે. વાતાવરણમાં ભારોભાર તંગદિલી અને અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. એની વચ્ચે પિતાએ પાછા ગામ જતા રહેવું મુનાસિબ માન્યું. જોકે ૧૯૪૫માં માહોલ પ્રમાણમાં ઠંડો પડતાં અમારો પરિવાર ફરી મુંબઈ આવી ગયો હતો.” પાાછા આવ્યા પછી વસવાટ થયો ઘાટકોપરને બદલે પશ્ચિમના પરા વિલેપાર્લેમાં.
વામનભાઈના શૈક્ષણિક જીવનની વાત કરીએ. વિલેપાર્લેની ગોકળીબાઈ સ્કૂલમાં તેમણે શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો. આગળ ભણ્યા ખાલસા કોલેજમાં ઇન્ટર સાયન્સ સુધી. આગળ? “મારે ડોક્ટર થવું હતું. એ માટે મને એડમિશન મળતું હતું છેક મહારાષ્ટ્રના સાંગલી નજીકના મિરજની એક કોલેજમાં. મુંબઈમાં મને એક ટકો ઓછો પડતો હતો. પરિવારે ના પાડી કે ઘર છોડીને છએક વરસ મિરજ રહેવા નથી જવું. મારે ડોક્ટર બનવાનું સપનું પરિવાર માટે પડતું મૂકવું પડ્યું.”
એ પછી પણ ભણવાની ઇચ્છા શમી નહોતી. એટલે ડૉક્ટર બનવાને બદલે તેમણે મન ઠેરવ્યું કાયદાવિદ બનવા પર. મળેલી ટકાવારીમાં લૉનો અભ્યાસ શક્ય હતો. વામનભાઈએ ચર્ચગેટની ગવર્મેન્ટ લૉ કોલેજમાં એડમિશન લઈ લીધું. એ અભ્યાસ કેમ પૂરો ના થયો? તેઓ કહે છે, “ત્યાં પ્રોફેસર્સની પોતાની હાજરીનાં ઠેકાણાં નહોતાં. ભણવું હોય તો કેમ કરી ભણવું એ મોટો મુદ્દો થઈ ગયો. આ તરફ ઘરના વેપારમાં જોડાવાની પણ સૌને જરૂર વર્તાતી હતી. છેવટે હું કંટાળ્યો. છએક મહિના ગાડું ગબડાવ્યા પછી ઠરાવ્યું કે જવા દઈએ બધું. ભણવાને બદલે હવે વેપાર પર ધ્યાન આપવામાં વધારે માલ છે.” એ પછી તેઓ પિતાના વેપારમાં જોડાઈ ગયા.
પિતાએ સ્થાપેલા વેપારમાં દીકરાઓના જોડાવાથી ટર્નઓવર વધતું ચાલ્યું. કારભારની ગુણવત્તા વધુ સારી થતી ચાલી. એની વચ્ચે ૧૯૬૧માં વામનભાઈનાં લગ્ન નલિનીબહેન સાથે થયાં. આ દંપતીને સમય સાથે હિતેન તથા મનીષ એમ બે દીકરા તો રાજુલ નામે દીકરી એમ ત્રણ સંતાનોનું સુખ પ્રાપ્ત થયું. જીવનનો ક્રમ ખુશનુમા રીતે આગળ વધી રહ્યો હતો. ધાતુની ચીજોના વેપારથી પ્લાસ્ટિક ઉત્પાદનોના પ્રણેતા બનવા સુધીની તવારીખ પિતાના દૂરંદેશીપણા થકી પ્રભાવશાળી વર્તાઈ રહી હતી. એવામાં પિતાએ દીકરાઓને સ્વતંત્ર થઈને પોતપોતાની રીતે આગળ વધવાની સલાહ આપી. સૌ ડઘાઈ ગયા. પરિવારમાં અવ્વલ સંપ છતાં આપણે જુદા વેપાર કરવાના? પણ વ્રજલાલભાઈ મક્કમ હતા. દીકરાઓએ તેમની ઇચ્છા સામે પ્રશ્નો મૂક્યા તો તેમણે આદર્યા ઉપવાસ. વામનભાઈ કહે છે, “અમને ત્યારે ખરેખર આંચકો લાગ્યો કે પિતા આવું શાને કરે છે. છેવટે જોકે તેમની જિદ આગળ અમે નમતું જોખ્યું.”
પરિણામ એ આવ્યું કે ઘરની એક કંપનીમાંથી અનેક કંપનીઓ સર્જવાની શક્તિનો ધોધ ફૂટ્યો. જે દીકરાએ વેપારના જે વિભાગમાં હથોટી મેળવી હતી એ વિભાગ એના ફાળે ગયો. સૌથી નાના બંધુ શરદભાઈ સંભાળતા આયાત-નિકાસનું કામ. તેમણે ઠરાવ્યું વામનભાઈ સાથે જોડાયેલા રહેવાનું. બજારમાં ત્યારે નીલકમલ નામે પ્લાસ્ટિક ઉત્પાદનની કંપની વેચાવા નીકળી હતી. શૂન્યમાંથી બધું ઊભું કરવાને બદલે હયાત કંપની ખરીદીને ઝડપભેર આગળ વધી શકાય, એવી દીર્ઘદૃષ્ટિ સાથે વામનભાઈએ પેલી કંપની ખરીદી લીધી.
પછી શું થયું તેની કલ્પના કરવી સહેલી છે. નીલકમલ નામની ઓળખ ધરાવતી એ કંપની વામનભાઈના સબળ સુકાન હેઠળ કૂદકે ને ભૂસકે વિકસવા માંડી. જોતજોતામાં પ્લાસ્ટિક ઉત્પાદનોમાં શિરમોર ગણાતી કંપનીઓમાં એણે સ્થાન જમાવી લીધું. આજે પણ નીલકમલ પોતાના ઉદ્યોગમાં સર્વોપરી કંપનીઓમાં ગણાય છે. વામનભાઈએ નીલકમલને વિરાટ કરવામાં સિંહફાળો આપ્યો છે. આજે કંપની મહારાષ્ટ્ર, સેલ્વાસ, નોઇડા, કોલકાતા, બેંગલોર, જમ્મુ, શ્રીલંકા સહિતનાં સ્થળોએ બાર ફેક્ટરી ધરાવે છે. વેપારમાં હવે બેઉ દીકરાઓ ઉપરાંત પૌત્ર, અર્થાત્ હિતેનભાઈનો દીકરો મિહિર (જેણે લંડન બિઝનેસ સ્કૂલમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે) પણ સંકળાયેલા છે. નીલકમલે દેશ-વિદેશના કેટલાય પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ અંકે કર્યા છે. ગુણવત્તાના મામલે એનું નામ ગ્રાહકોમાં ખૂબ આદરથી લેવાય છે.
વેપારી વાતો પછી સેવાકાર્યોની વાત કરીએ તો એ મોરચે પણ વામનભાઈએ સરાહનીય યોગદાન આપ્યાં છે. એ માટે પ્રેરક બન્યા છે માતાપિતાએ આપેલા સંસ્કાર, “આપણે બીજાને મદદ કરીએ તો આપણને જરૂર પડે ત્યારે વણમાગી મદદ મળી રહે. નિ:સ્વાર્થ સહાય કરનારની સહાય ઈશ્વર કોઈક રીતે કરે એવું અમને શીખવવામાં આવ્યું હતું. અમે એનો અમલ કરીને માતાપિતાનું ઋણ ફેડીએ છીએ,” એવું વામનભાઈનું કહેવું છે.
ભાવનગરમાં કાર્યરત પીએનઆર સોસાયટી ફોર રિલીફ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ ડિસેબલ્ડ સોસાયટીમાં તેઓ ટ્રસ્ટી પદે છે. મૂક-બધીર, પ્રજ્ઞાચક્ષુઓ સહિતના શારીરિક પડકારો ઝીલનારાની સેવામાં આ સંસ્થા પ્રવૃત્ત છે. આવા લોકોને શિક્ષણ આપવાથી માંડીને તેમને આત્મનિર્ભરતા તથા સ્વબળે જીવવામાં ઉપયોગી થનારાં કૃત્રિમ અંગો પૂરાં પાડીને સુખી કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય પીએનઆર કરે છે. સંસ્થાના નેજા હેઠળનું સેરિબ્રલ પાલ્સીથી પીડાતાં બાળકો માટેનું સેન્ટર તો અત્યંત વિશિષ્ટ ગણાય છે.
લોકસેવા સાથે પ્રભુભંજનના મામલે પણ વામનભાઈ સક્રિય છે. આમ પણ, કપોળના ડીએનએમાં આસ્થા છે એટલે પ્રબળ ધર્મભાવના કપોળજનમાં હોવાની જ. કપોળ સમાજના જરૂરિયાતમંદોને સ્વાસ્થ્યલક્ષી, શૈક્ષણિક સહાય પૂરી પાડવા પણ વામનભાઈ યોગ્ય બધું કરી છૂટે છે. એક જમાનામાં તેઓ સમાજના દરેક વર્ગને ટેલિફોન બૂથ પૂરાં પાડીને આવકનું સાધન ઊભું કરી આપતા હતા. માથેરાનમાં તેમણે કપોળોના ઉતારા માટે ચારેક ઘરની વ્યવસ્થા ઊભી કરી છે. વિલેપાર્લે કેળવણી મંડળના કમિટી મેમ્બર તરીકે સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે.
પુત્ર-પુત્રવધૂ હિતેન-સ્મૃતિ તથા મનીષ-મંજુ આજે ઘર-વેપારની રોજિંદી બાબતોને નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યાં છે. વામનભાઈ વ્યસ્ત છે વેપાર ઉપરાંત સેવામાં. કપોળોની નવી પેઢીને તેઓ આદર્શ જીવન માટે દિશાસૂચન કરતાં કહે છે, “આપણા વડીલોએ અનેક સત્કાર્યો કરીને કપોળોના ધ્વજને ઊંચે લહેરાતો કર્યો હતો. તેમના પુણ્યપ્રતાપે આપણી પાસે સંસ્થાઓ છે, ભંડોળો છે. તેનો સાચી દિશામાં ઉપયોગ થાય, તેનો વિકાસ થાય તેની આપણે, ખાસ તો યુવાનોએ કાળજી લેવી રહી. કપોળોના ઉજ્જવળ ભવિષ્યનો ખરો આધાર આ બાબત પર નિર્ભર કરે છે.”
નવી પેઢીએ વામનભાઈ તથા તેમની આ લાગણીનો પડઘો પાડનારા અન્ય વડીલોનો પડ્યો બોલ ઝીલી લેવાનો આ ખરો સમય છે. કપોળોના ઇતિહાસને ભવિષ્ય જેટલો ઝળહળતો કરવા માટે યંગસ્ટર્સ મેદાનમાં ઊતરશે તો રંગ રહી જશે એ નક્કી.
નિ:સ્વાર્થ સહાય કરનારની સહાય ઈશ્વર કોઈક રીતે કરે એવું અમને શીખવવામાં આવ્યું હતું. અમે એનો અમલ કરીને માતાપિતાનું ઋણ ફેડીએ છીએ.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.