આપબળે, પરિવારજનોના સાથથી આગળ આવવા જેવો આનંદ કોઈ નથી. આ સ્વજને એવું કરવા સાથે પરિવારપ્રેમ, જ્ઞાતિપ્રેમનું પણ ઉત્કૃષ્ટ દૃષ્ટાંત સર્જ્યું છે
“વ્યક્તિની આત્મકથા લખાય તેમાં ઓળખ તેની જ્ઞાતિથી થવી જોઈએ. જ્ઞાતિ પ્રત્યે પ્રેમ અને જ્ઞાતિજનો માટે કંઈક કરી છૂટવાની ભાવના, આ બે બાબતોથી વ્યક્તિત્વ છેવટે કઈ શ્રેષ્ઠતાને આંબશે એ નક્કી થાય છે.” શૂન્યમાંથી સર્જન કરનારા, માબાપ તથા પરિવારના સંસ્કારોને દીપાવનારા અને નવી પેઢી સાથે ગજબ તાદાત્મ્ય સર્જનારા વડીલ વિનેશભાઈ મહેતાના શબ્દો ઘણું કહી જાય છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામ ડુંગરના આ સ્વજનની સફળતા લોખંડી અને આત્મીયતા મુલાયમ છે. કપોળજનોના હિતાર્થે કશુંક કરવાનો તેમનો કાયમી સ્વભાવ છે. એટલે જ તેઓ અને અન્ય સમવિચારી સાથીઓ સમસ્ત કપોળ મહાજન સર્જીને સમાજમાં એક કમાલની ક્રાંતિ લાવવાને ખંતપૂર્વક પ્રયત્નશીલ છે. આવો, એક દૃષ્ટિપાત કરીએ તેમના જીવન પર.
૧૯૬૦માં વિનેશભાઈનો જન્મ વિજયાલક્ષ્મી અને તુલસીદાસના પરિવારમાં થયો. માબાપને ત્રણ દીકરા અને એક દીકરી. વિનેશ સૌથી નાનો. ૧૯૪૮માં ગામથી મુંબઈ આવેલા પિતા ભૂલેશ્વરમાં એક ચાલીમાં રહે. ગામમાં પરિવારની ધનજી ડાહ્યા કરીને વિશ્વસનીય પેઢી હતી. તકદીરે જોકે પિતાને મુંબઈગમન કરાવ્યું અને તેઓએ મહિને રૂપિયા નેવુવાળી નોકરી લીધી. વિનેશભાઈ પિતાના સંઘર્ષથી સુપેરે વાકેફ છે, “સાફસફાઈથી માંડીને ચા બનાવવી, ઉઘરાણી કરવી અને બીજાં કામ, પપ્પા બધું કરતા. મહેનતને તેઓ વર્યા હતા અને સંસ્કારના સાંનિધ્યમાં શ્વસતા હતા. આજની અમારા પરિવારની સફળતામાં પિતા સહિત તમામ વડીલોની એ વિચારધારા છે.” તુલસીદાસે કરેલી મહેનત રંગ લાવી. તેમના શેઠ ચીમનલાલ મહેતા પણ તેમનાથી પ્રભાવિત હતા. એક દિવસ એવો આવ્યો કે ચીમનલાલ અને તુલસીદાસ સાઢુભાઈ થયા.
વિનેશભાઈનો જન્મ અને બાળપણ વીત્યાં ભૂલેશ્વરની ચાલીમાં. ૧૯૭૦માં જરા આર્થિક સ્થિરતા આવતાં પરિવાર ઘાટકોપર રહેવા ગયો. સાથે, પિતાએ પનવેલ નજીક કામોઠેમાં વાયર ડ્રોઇંગની ફેક્ટરી કરી, જેમાં લોખંડનાં હેરપિન, ખીલ્લા જેવાં સાધનનું ઉત્પાદન થાય. સોમૈયા અને પછી પોદાર કોલેજમાં ભણતાં વિનેશભાઈ ગ્રેજ્યુએટ થઈને જોડાયા ભાઈ સાથે, “મારા મોટા બંધુ નવીનભાઈ લોખંડ બજારમાં દલાલીનું કામકાજ કરતા. ૮૦ ફૂટની નાનકડી જગ્યા હતી. હું તેમની સાથે જોડાયો. ૧૯૭૮માં ભાઈને ત્યાં દીકરા અભયનો જન્મ થયો અને અમે અભય એન્ટરપ્રાઇઝ નામે કંપની કરી,” વિનેશભાઈ જણાવે છે.
પિતાએ આપેલી નાનકડી મૂડી સામે ભાઈઓને વેપારમાં, શરૂઆતનાં વરસોમાં મોટી નુકસાની પણ થઈ. છતાં તેઓ મક્કમતા અને પ્રામાણિકતા સાથે કામ કરતા ગયા. વિનેશભાઈ ત્યારની અડગતાને યાદ કરતાં કહે છે, “માધવબાગમાં પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સ્વાધ્યાય કેન્દ્રમાં હું નિયમિત જતો. હિંમત નહીં હારવાની પ્રેરણા ત્યાંથી મળી હતી. ધર્મના એ સંસ્કારોએ મને, ભાઈને ખૂબ સાચવ્યા. કદાચ એટલે અમે ટકી ગયા, દરેક મુશ્કેલીમાં…”
એ વરસો એવાં હતાં કે આનંદ માણવો તો દૂર, દિવાળી ઉજવવી પણ શક્ય નહોતી. છતાં નીતિ અને સંસ્કાર અનુસરતાં રહેવાથી સમય બદલાયો. માતા વિજયાલક્ષ્મીએ શીખવ્યું હતું. “સાચું કરતા રહેશો તો કુદરત સાથ આપશે.” ૧૯૮૪માં વિનેશભાઈનાં લગ્ન આશાબેન સાથે થયાં. પછીના વરસે દીકરા રાજીવનો જન્મ થયો. પરિવારની આવક ટૂંકી હતી. તેમાંથી ઘરખર્ચ બાદ કરતાં બાકીની આવક વેપારી ખોટ ભરવામાં જતી. પિતાના પાર્ટનરશિપના વેપારમાં પણ એ અરસામાં તકલીફો આવી હતી. પછી પત્તું ફર્યું અને એવું કે ક્યારેય પાછા વળીને જોવાનો વારો આવ્યો નહીં.
વિનેશભાઈ કહે છે, “વરસો સુધી અમે સંયુક્ત પરિવારમાં રહ્યા. સ્થિતિ સુધરવા માંડી પછી એક પછી એક ભાઈ ઘર વસાવતા ગયા. સાથે, અમારાં બાળકો બિઝનેસમાં જોડાયા તેનાથી નવા વિચારો, નવી રીત આવી. એના પણ અમને લાભ મળવા માંડ્યા.” એ સમય હતો ૧૯૯૦ના દાયકાના ઉત્તરાર્ધનો, આજે પરિવાર લોખંડના વેપારમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. દીકરા રાજીવનાં લગ્ન આનલ સાથે થયાં પછી યોહાન અને યુવીર સ્વરૂપે બે પૌત્રો ઘરે છે. ઉપરાંત દીકરી અનેરીએ લંડનમાં બ્રાન્ડ માર્કેટિંગનો અભ્યાસ પૂરો કર્યો છે. વેપારમાં પોતાની સવાર આપતા વીનેશભાઈ બપોર સમાજસેવાને તો સાંજ પછીનો સમય પરિવારને આપે છે. ત્રિવિધ મોરચે તેઓ નિયમિતતા સાથે પ્રવૃત્ત છે.
જીવનને દૃષ્ટાભાવથી નિહાળતા તેઓ એ સૌનો પણ ઉલ્લેખ કરે છે જેમનો તેમના જીવન પર પ્રભાવ રહ્યો છે. “મારા પ્રોફેસર અને ગુરુ ધીરેન્દ્રભાઈ રેલિયાએ શીખવ્યું કે નિ:સ્વાર્થપણે કામ કરશો તો તમારાં લક્ષ્ય સાધવામાં સ્વયં સૃષ્ટિ સાથ આપશે. વૈષ્ણવ હોવાના નાતે પૂજ્ય મોરારિબાપુ, પૂજ્ય રમેશભાઈ ઓઝાથી હું પ્રભાવિત છું. પૂજ્ય નમ્રમુનિની યુવા પેઢીને માર્ગદર્શિત કરવાની શક્તિથી પણ પ્રભાવિત છું.” ૨૦૦૮થી કપોળ ઇન્ટરનેશનલ ટ્રેડ આન્ત્રેપ્યોનર્સ અર્થાત્ કાઇટના પ્રેસિડન્ટ તરીકે વિનેશભાઈ સેવા આપી રહ્યા છે. થોડા સમય પહેલાં કાર્યાન્વિત થયેલી કપોળ બિઝનેસ કાઉન્સિલ થકી તેઓ યુવા કપોળોને કશુંક અનોખું કરવા પ્રેરી રહ્યા છે, “આપણે વાણિયા અને વેપારમાં જોખમ ખેડવાનો સ્વભાવ આપણને લોહીમાં મળ્યો છે. હું યુવાનોને એટલે જ કહું કે ડરો નહીં, નોકરી કરવા કરતાં વેપારમાં કૂદો. નિષ્ઠા અને નીતિ રાખીને આગળ વધો. સફળતા તમારાં કદમ અવશ્ય ચુમશે.”
નવી પેઢી વિશે તેમનાં નિરીક્ષણ સચોટ છે, “આપણા કરતાં આ પેઢી ક્યાંય હોશિયાર છે. હા, ટેક્નોલોજીને લીધે તેમનું સોશ્યલાઈઝિંગ અલગ પ્રકારનું થયું છે. છતાં, વડીલોના યોગ્ય માર્ગદર્શનમાં યુવાનોને સાચી દિશા બતાવવી અઘરી નથી.” કપોળ યંગ કપલના પ્રેસિડન્ટ તરીકે પણ વીનેશભાઈ સેવા આપી ચૂક્યા છે. બોમ્બે મર્ચન્ટ્સ એસોસિયેશનના તેઓ આઠેક વરસ પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. કપોળ બેન્કના ડિરેક્ટર તરીકે બેએક વરસ કાર્યરત રહેનારા વિનેશભાઈ કહે છે, “આપણી એકમાત્ર જ્ઞાતિ એવી રહી છે જેની પોતાની બેન્ક હોય. એનું રિઝર્વ બેન્કના કન્ટ્રોલમાં જવું ખૂબ દુઃખની વાત છે. એવું થવાનું એક કારણ આંતરિક મતભેદો.” મતભેદો દૂર કરવા હવે સમસ્ત કપોળ મહાજન જેવો મંચ સર્જી વિશ્વભરના કપોળોની એકતા માટે સંનિષ્ઠ પ્રયત્નો આદરવામાં આવ્યા છે.
ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર (ફામ) સાથે દોઢ દાયકાથી વધુનો વિનેશભાઈનો સંબંધ છે. તેના તેઓ બેએક ટર્મ પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. કપોળોના ઉત્કૃષ્ટ ભાવિ માટે તેઓ નવી પેઢીને સરસ સૂચન કરે છે, “આપણા બાપદાદાઓએ એકતા રાખીને ડંકો વગાડ્યો હતો. એવો ડંકો કે મુંબઈના વિકાસમાં અનન્ય યોગદાન આપનારી ત્રણેક જ્ઞાતિમાંની એક કપોળ બની. ગામડેથી આવતા કપોળ માટે તેમણે ઘર બનાવ્યાં, સારવારાર્થે હરકિસનદાસ હોસ્પિટલ (જે હવે રિલાયન્સની થઈ છે) બનાવી, વાડીઓ બનાવી, બેન્ક બનાવી… આપણે પણ વડીલો જેવી એકતા, સકારાત્મકતા રાખશું તો કપોળ શાતિને ક્યાંથી ક્યાં લઈ જઈ શકશું.”
સમસ્ત કપોળ મહાજન (અથવા જેને અવિનાશભાઈ પારેખે તેમની મુલાકાતમાં કપોળ સેન્ટ્રલ બોડી કહી છે તે) સર્જવામાં નીલયોગવાળા યોગેશભાઈ પણ સક્રિય છે. હેતુ સ્પષ્ટ છે, “કપોળોની એકતા, જરૂરિયાતમંદ કપોળોને સબળ સાથ અને કપોળોની સર્વશ્રેષ્ઠતા.” વિનેશભાઈ પાસેથી કપોળ ઉત્કર્ષ માટે આ છેલ્લી વાત પણ જાણવી રહી, “માણસને વશ કરવા પ્રેમથી મોટું સાધન કોઈ નથી. વડીલોના પ્રેમને લીધે કપોળો આ દિશામાં અપ્રતિમ સફળતા મેળવી શક્યા. આપણે તેમના પગલે ચાલવું રહ્યું. ભણતર અને ગણતરના સમન્વય થકી જે સિદ્ધ થઈ શકે છે તે અસાધારણ છે.” આવો, સહિયારા આગળ વધીએ અને કપોળ હોવાના ગૌરવને હિમાલયથી ઊંચો કરીએ.
આપણે વાણિયા અને વેપારમાં જોખમ ખેડવાનો સ્વભાવ આપણને લોહીમાં મળ્યો છે. હું યુવાનોને એટલે જ કહું કે ડરો નહીં, નોકરી કરવા કરતાં વેપારમાં કૂદો.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.