વેપારી મોરચે નોંધપાત્ર સફળતા અને શિક્ષણ મોરચે અસાધારણ યોગદાન. આ બે બાબતો ઉપરાંત વડીલોના જીવનને અર્થપૂર્ણ બનાવવામાં પણ તેમનો વિશિષ્ટ ફાળો છે. ૮૬ વર્ષે પણ તેઓ નવયુવાન જેવા સક્રીય છે
કપોળો વિનુભાઈના નામથી સુપેરે પરિચિત છે. સેવા, શિક્ષણના ક્ષેત્રે તેઓ આગવું નામ ધરાવે છે. ૮૬ વરસની ઉંમરે પણ તેઓ ઉદ્યમશીલ છે. તેમના સંસ્કાર અને માર્ગદર્શનનો પ્રતાપ એવો કે વળિયા પરિવારની લગબગ દરેક વ્યક્તિ ઘર ઉપરાંત વ્યાવસાયિક મોરચે પ્રવૃત્ત છે. વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા આ પરિવારે બાંધકામ ઉદ્યોગમાં વિશિષ્ટ વિશ્વસનિયતા મેળવી છે. વિનુભાઈના જીવન પર દૃષ્ટિપાત કરવાનો એક આગવો આનંદ છે. આવો, એ આનંદ માણીએ.
કાશીબહેન અને વૃજલાલને બે દીકરા, શાંતિલાલ અને વિનોદરાય. વિનોદરાયનો જન્મ ૧૯૩૩માં થયો. અમરેલીથી બાવીસેક કિલોમીટર દૂર સ્થિત નાનકડા ગામ જલાલપુરના તેઓ મૂળ વતની. પરિવારમાંથી શહેર તરફ પ્રથમ પ્રયાણ કરનારા હતા વડીલબંધુ શાંતિભાઈ, જેઓ ૧૯૫૭માં પાટનગર દિલ્હી જઈને ડાયઝ અને કેમિકલના વેપાર સાથે સંકળાયા હતા. વિનોદરાયે, જેમને હવે આપણે સૌ વિનુભાઈ તરીકે સંબોધીએ છીએ, મેટ્રિક સુધીનો અભ્યાસ ગામની શાળામાં કર્યો. ભાઈના સૂચનથી તેઓ મુંબઈ આવ્યા. વિનુભાઈને એ દિવસોનું સુપેરે સ્મરણ છે, “ભાઈએ મને કહ્યું કે મારું કામકાજ તું મુંબઈમાં થરૂ કર. માબાપ સાથે મુંબઈ આવ્યા પછી મેં ભાઈના કહેવા અનુસાર વ્યવસાય થરૂ કર્યો.” ત્રણેક વરસ આ વ્યવસાયમાં રહ્યા પછી વિનુભાઈએ પોતાની રીતે ઠરાવ્યું પર્શિયન દેશોથી કાપડની આયાતના વેપારમાં ઝંપલાવવાનું, “મને એ વેપારમાં સફળતા કદાચ એટલે મળી કે માગ અને પુરવઠા વચ્ચેની કડીઓને હું બરાબર સમજી શક્યો હતો. મારી સાથે કામ કરનારા લોકો, પછી એ કર્મચારી હોય કે સપ્લાયર, તેમની ક્ષમતાને પિછાણીને હું સૌના હિતનો ખ્યાલ રાખીને વેપાર કરતો,” એવું વિનુભાઈ જણાવે છે. જીવનમાં પ્રગતિના પંથે મક્કમ ડગલાં મૂકવામાં તેમને આ નવો વેપાર, આગવી કુનેહ અને સંબંધો સાચવવાની કળા ખૂબ કામ આવ્યાં.
વળિયા પરિવારે મુંબઈ આવ્યા પછી પ્રથમ વસવાટ ઘાટકોપરમાં કર્યો હતો. વિનુભાઈનાં લગ્ન ૧૯૫૦માં પુષ્પાબહેન સાથે થયાં, જેઓ મૂળ અમરેલી ગામનાં હતાં. દંપતીને ચાર સંતાનો થયાં, પ્રતિમા, જયેશ, હીના અને પરેશ. પુષ્પાબહેને બાળકોના ઉછેરની જવાબદારી સુપેરે નિભાવી એ દરમિયાન વિનુભાઈનો સિતારો પણ બુલંદી તરફ હતો. ૧૯૬૧માં તેઓ ઘાટકોપરથી બોરીવલી રહેવા આવ્યા. દૂરંદેશી વિનુભાઈમાં પહેલેથી હતી, તેથી એક વેપારમાં સિક્કો જમાવ્યા પછી બીજા વેપાર તરફ નજર દોડાવતા, તેનો તલસ્પર્શી અભ્યાસ કરતા અને બધું યોગ્ય લાગે તો આગળ વધતા. રિયલ એસ્ટેટના વેપારમાં ઝંપલાવવાનો નિર્ણય પણ કંઈક આવી રીતે લેવાયો. વિનુભાઈના શબ્દોમાં કહીએ તો, “જમીનની ખરીદી જવલ્લે જ ખોટનો સોદો પુરવાર થાય. આ વાતનો સૌને અંદાજ હોય. એક્સપોર્ટના વેપારમાં થતા ફાયદાથી મારી આર્થિક સ્થિતિ સારી થઈ હતી. મેં ઠરાવ્યું કે ઉપલબ્ધ નાણાં જમીન ખરીદવામાં ખર્યું તો આગળ જતાં મોટો લાભ થઈ શકે છે.” જોકે ત્યારે વળિયા એસોસિયેટ્સ સ્થાપીને કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં શરૂઆત કરતા વિનુભાઈને પોતાની પણ કલ્પના નહોતી કે એક દિવસ તેમની કંપની લિમિટેડ થશે અને આટલું મોટું નામ થઈ જશે.
એ અરસામાં મુંબઈમાં પાઘડીનાં અને ભાડાંનાં ઘરોનું ચલણ હતું. ઓનરશિપ ઘરોનો આજના જેવો જમાનો નહીં. એવામાં રેન્ટ એક્ટમાં સુધારો થયા પછી મુંબઈમાં ઓનરશિપના ઘરનું ચલણ વધ્યું. આ વચ્ચે બોરીવલીમાં કંપનીએ પુષ્પા પાર્કમાં ઘર બનાવીને લોકોને ભાડે આપ્યાં હતાં. નવા કાયદાએ નવી તક સર્જી. કંપનીને ત્યાં અને અન્ય જમીનો પર ઓનરશિપનાં ઘરો બાંધીને વધુ ગ્રાહકલક્ષી થવા સાથે નફાશક્તિ પણ સુધારવા મળી.
આજે તો વળિયા એસોસિયેટ્સ વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નામે બોરીવલી તથા આસપાસનાં ઉપનગરોમાં અગ્રણી બ્રાન્ડ બની ચૂકી છે. કોરા કેન્દ્ર નજીક કંપનીએ પાછલાં થોડાં વરસો દરમિયાન પુષ્પ વિનોદ નામ હેઠળ ઊંચી ઈમારતોની હારમાળા સર્જી છે. પુષ્પ વિનોદ એટલે પુષ્પાષહેન અને વિનુભાઈનાં નામના સમન્વયથી સર્જાયેલું નામ. વિનુભાઈ કહે છે, “મારા જીવનમાં પુષ્પાનો સાથ સૌથી મોટી તાકાત બન્યો. મારા માટે એ ભાગ્ય લઈને આવી હતી.”
સામાજિક મોરચે પણ પતિ-પત્નીએ બહુ પહેલાંથી અનેક કાર્યો કરવા માંડ્યાં હતાં. બોરીવલી એજ્યુકેશન સોસાયટીમાં વળિયા પરિવારનું યોગદાન એનું આગવું ઉદાહરણ છે. વિનુભાઈ સોસાયટી સાથે ત્રીસેક વરસ પૂર્વે જોડાયા. તેમના સંચાલનમાં સંસ્થાએ નિરંતર પ્રગતિ કરતાં મધ્યમવર્ગીય પરિવારનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના મોરચે આગવા મુકામ પ્રાપ્ત કર્યા છે. વડીલોના ઉત્કર્ષ અને આનંદ માટે વિનુભાઈએ કરેલાં કાર્ય તેમની બીજી એક આગવી સિદ્ધિ છે. એની નોંધ લિમકા બુક ઓફ રેકોર્ડ્સ અને આમિર ખાનના સર્વપ્રિય શો સત્યમેવ જયતેએ પણ લીધી. વિનુભાઈ કરે છે, “નિવૃત્તિ પછી વૃદ્ધો માટે સમય પસાર કરવો સૌથી મોટો પડકાર બને છે. વડીલો અનુભવ અને જ્ઞાનનો ભંડાર હોવા છતાં તેમની આ શક્તિનો સમાજને ખાસ લાભ મળતો નથી. આ બેઉ મુદ્દાને મધ્યમાં રાખીને મને કાયમ થતું કે વડીલો માટે કંઈક કરવું રહ્યું.”
બોરીવલીમાં ત્રણ જગ્યાએ સિનિયર સિટિઝન્સ માટે અનેક પ્રવૃત્તિઓ ચલાવતા પાર્ક આ વિચારમાંથી આકાર પામ્યા. એમાં પણ, વીર સાવરકર પાર્કમાં તો આ પ્રવૃત્તિ જાણે રોજેરોજ ઉત્સવસમી લાગે છે. વિનુભાઈના દીકરા જયેશભાઈનાં પત્ની સંગીતાબહેન તેનું ઉત્કૃષ્ટ સંચાલન કરે છે. પાર્કની ક્લબમાં ૯,૭૦૦ સિનિયર સિટિઝન સભ્યો છે. બીજા ૩,૦૦૦ જેટલા વડીલો તેમાં જોડાવા માટે વેઇટિંગ લિસ્ટમાં છે! વળિયા પરિવાર આ પ્રવૃત્તિઓમાં પુષ્પા મા ફાઉન્ડેશન હેઠળ સમય, શક્તિ અને નાણાં ત્રણેયનું ઉદારહાથે યોગદાન આપે છે.
છેલ્લાં ૧૨ વરસથી તેઓ સિનિયર સિટિઝન્સની સેવામાં પણ રત છે. તે માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે વિનુભાઈને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો છે. આ ઉંમરે પણ તેઓ શિક્ષણ, સેવા તથા વેપાર ત્રણેય મોરચે ઊંડો રસ લઈ નવી પેઢીને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેમનાં દીકરી પ્રતિમાબહેનનાં લગ્ન હર્ષદરાય કાણકિયા સાથે તો હીનાબહેનનાં લગ્ન ઉત્કર્ષ પંડ્યા સાથે થયાં છે. વેપાર-સેવામાં જયેશભાઈ અને સંગીતાબહેન ઉપરાંત પરેશભાઈ તથા તેમનાં જીવનસંગિની પૂજાબહેન પણ સક્રીય છે. ઉપરાંત ત્રીજી પેઢી એટલે વિનુભાઈના પૌત્ર માધવ અને પત્ની હીરલ, તથા રાજ અને પત્ની હીર પણ વળિયા ખાનદાનની પરંપરાને આગળ વધારી રહ્યાં છે.
વિનુભાઈના જીવનમાં નિવૃત્તિ શબ્દને સ્થાન નથી. વહેલી સવારથી કામે લાગી જવાનું અને આખો દિવસ કશુંક સારું કર્યે જવાનું એ તેમનો જીવનમંત્ર છે. તેમણે તો બીજા હજારો વડીલોને પણ નિવૃત્તિમાં પ્રવૃત્ત કર્યા છે. છેલ્લે વિનુભાઈ જણાવે છે, “આપણા જીવનની ખરી સાર્થકતા જાતે શું મેળવ્યું તેમાં નથી પણ બીજાને શું આપી શક્યા તેમાં છે. મને આવી સાર્થકતાનો અનુભવ માણવાની તક આપી તે બદલ હું ઠાકોરજીનો ઋણી છું.”
વડીલો અનુભવ અને જ્ઞાનનો ભંડાર હોવા છતાં તેમની આ શક્તિનો સમાજને ખાસ લાભ મળતો નથી. આ બેઉ મુદ્દાને મધ્યમાં રાખીને મને કાયમ થતું કે વડીલો માટે કંઈક કરવું રહ્યું.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.