3,000થી વધુ ગીતો, આજીવન સંગીતસાધના અને દીકરા હિમેશની કારકિર્દી ઘડવાને સર્વસ્વ સમર્પણ. વિપિનભાઈએ આવાં લક્ષ્યો સાધીને પોતાના પરિવાર સાથે કપોળ સમાજને પણ ગૌરવાન્વિત કર્યો છે
હિમેશ રેશમિયાના તેઓ પિતા. તેમણે પણ ૩,૦૦૦થી વધુ યાદગાર ગીતોના સર્જનમાં સિંહફાળો નોંધાવ્યો. ઘરની શેલ્ફમાં દીકરાની ટ્રોફીઝ સાથે વિપિનભાઈની ટ્રોફીઝ પહેલેથી સ્પર્ધા કરતી આવી છે. હુસ્નલાલ ભગતરામ, સરદાર મલિક, સી. રામચંદ્રન, શંકર જયકિશન, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ… અનેક સંગીતકારો સાથે વિપિનભાઈએ કામ કર્યું. હિમેશ વિશે આપણે ખાસ્સું જાણીએ પણ વિપિનભાઈ વિશે ઓછું. આજે એમની સંગીતયાત્રાના સૂર છેડીએ.
રેશમિયા પરિવાર ખૂબ પહેલાંથી ડુંગર ગામથી મુંબઈ આવીને વસી ગયો હતો. અમેરિકન દવાની કંપનીમાં કામ કરતા દામોદરદાસ અને પત્ની નર્મદા ગામદેવીના કપોળ નિવાસમાં રહે. તેમને ચાર સંતાનો, જેમાં સૌથી નાના વિપિનનો જન્મ ૧૯૩૬માં. પરિવારમાં સંગીતક્ષેત્રે આવનારી પહેલી વ્યક્તિ વિપિન, જે માટે શ્રેય આપવો ઘટે મોટાં બહેન મંગળાને. વિપિનભાઈ કહે છે, “નાનપણમાં હું બહુ તોફાની. મંગળાબહેને મને સ્કૂલ પછીના સમયમાં પણ વ્યસ્ત રાખવા ઓપેરા હાઉસની દેવધર સંગીત સ્કૂલમાં દાખલ કરાવ્યો.” માસ્ટર ટ્યુટોરિયલ સ્કૂલમાં શાળાકીય અભ્યાસ સાથે બાળ વિપિને હોર્મોનિયમ શીખતા દેવધરસાહેબનું દિલ જીત્યું. એકવાર પંડિત ઓમકારનાથ ઠાકુર આવ્યા તો એવા પ્રભાવિત થયા કે સાંજના પોતાના શોમાં વિપિનને મંચ પર સ્થાન આપી દીધું, “શોમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પંડિતજીના આશીર્વાદ મળ્યા કે બહુ આગળ જઈશ તું.”
સેન્ટ ઝેવિયર્સમાં કોમર્સ ગ્રેજ્યુએશન કરતાં વિપિનભાઈએ ત્યાં મ્યુઝિક એસોસિયેશન સ્થાપ્યું. પ્રિન્સિપાલ ડીક્રુઝે વિપિનના સુકાન હેઠળ કોલેજને દિલ્હીના પ્રતિષ્ઠિત યુથ ફેસ્ટિવલ મોકલી, જ્યાં વિપિનભાઈના ગીત વક્ત કી પુકાર સુનોએ ફર્સ્ટ પ્રાઇઝ જીત્યું. અતિથિ જવાહરલાલ નહેરુએ આ યુવા વિદ્યાર્થીને પોતાનું ગુલાબ ભેટ આપ્યું. સાથે વિપિનભાઈએ એસએનડીટી કોલેજની ટીમને પણ યુથ ફેસ્ટિવલ માટે તૈયાર કરી.
કોલેજ પછી વિપિનભાઈએ ચારેક વરસ એર ઇન્ડિયામાં નોકરી કરી. જેઆરડી ટાટાના વિશ્વસનીય એવા કમર્શિયલ ડિરેક્ટર બોબી કુકાના વિપિનભાઈ પર ચારેય હાથ. તેમણે આ યુવાનને કંપનીના કાર્યક્રમોની જવાબદારી સોંપી. વિપિનભાઈ પોતાની કોલેજના સંગીતલક્ષી કાર્યક્રમો માટે પણ મદદરૂપ થાય. એકવાર લંડન જઈને એ જાતજાતનાં વાદ્યો ખરીદી લાવ્યા. તેમાંના એક અનોખા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટને તેમણે ગુજરાતી વિચક્ષણતા વાપરી જાતે નામ આપ્યું: મ્યુઝિગન. અનેક વાદ્યોનું કામ એ એકલું કરે. કોલેજના એક કાર્યક્રમમાં તેમણે એ સાધન વાપર્યું ત્યારે લતા મંગેશકર, શંકર જયકિશન, રાજ કપૂર હાજર હતાં. લતાદીદીએ શંકરજીને ભલામણ કરી, “આ ટેલેન્ટેડ યુવાનને તક આપો.” નેકસ્ટ ડે વિપિનભાઈ મ્યુઝિગન વગાડી રહ્યા હતા શંકર જયકિશન માટે!
“એ પછી મેં પાછા વળીને જોયું નહીં. લંડનથી બીજાં ચાર-પાંચ મ્યુઝિગન મગાવી હું બધા સંગીતકારોને ભાડે આપતો. અન્યોને પણ એ વગાડતા શીખવી દીધું. બે-સવાબે દાયકા સુધી એવો તાલ રહ્યો કે જે ગીત બને તેમાં હું કોઈક રીતે કનેક્ટેડ હોઉં જ.” વિપિનભાઈના પોતાના શો પણ સતત ચાલ્યા કરે. કલ્યાણજીભાઈ, મદન મોહન જેવા સિદ્ધહસ્તોનો પણ તેમના પર વિશેષ અનુગ્રહ રહ્યો. દરમિયાન, એક ફિલ્મ નામે શક્તિશાલીના નિર્માણમાં તેમણે લાખો રૂપિયા ખોયા. એ ક્યારેય રિલીઝ ના થઈ. બીજી ફિલ્મ ઇન્સાફ કી જંગ રિલીઝ થઈને નિષ્ફળ ગઈ. વિપિનભાઈ કહે છે, “હિમેશ મને કાયમ કહે કે પપ્પા, તમારી નિષ્ફળતા મારી સફળતાનો પાયો બની. એમ સમજો કે આપણે લાઇનની એન્ટ્રી ફી ચૂકવી.”
૧૯૬૨માં વિપિનભાઈનાં લગ્ન મૂળ ડુંગરનાં મધુબહેન સાથે થયાં. ધર્મિષ્ઠ, સંસ્કારી મધુબહેને પરિવારને સાચવી લીધો. વિપિનભાઈના મતે, “આજે પણ મધુનો પડ્યો બોલ અમારા આખા ખાનદાનમાં સૌ ઝીલી લે છે. વ્યક્તિ તરીકે આવી જીવનસાથી મેળવવી મારું સૌથી મોટું સદ્ભાગ્ય રહ્યું છે.” આ યુગલને જયેશ અને હિમેશ એમ બે દીકરા, જેમાંના જયેશનું બાવીસ વરસની કુમળી વયે અવસાન થયું. ત્યારે લાગેલા પ્રચંડ આઘાત વખતે પણ નાનકડા હિમેશે પપ્પાને સાચવી લેતાં કહ્યું હતું, “હું છુંને પપ્પા. હું તમારાં બધાં સપનાં પૂરાં કરીશ.” હિમેશ છ વર્ષનો હતો ત્યારે પિતાએ તેને પોતાની એક ધૂન પર ગીત ગાવા કહ્યું. હિમશે એવી ગાયકી દર્શાવી કે પિતા દંગ રહી ગયા, “મારી ધૂન કરતાં સવાગણું એણે ગાયું. એ સાથે મે ઠરાવી લીધું કે હવેથી હિમેશનું ભવિષ્ય ઘડવું એ મારી સર્વોચ્ચ જવાબદારી છે.”
ગામદેવીથી તારદેવ અને ત્યાંથી રેશમિયા પરિવાર લોખંડવાલા રહેવા આવ્યો એ વચ્ચે હિમેશની કારકિર્દીએ અસાધારણ ઊંચાઈઓ આંબી છે. કિશોરાવસ્થામાં હિમેશે લેખક-નિર્માતા-દિગ્દર્શક તરીકે સ્મોલ સ્ક્રીન ગજવવા માંડી હતી, એ પણ ઇમ્પોસિબલ લાગે તેવી રીતે. વિપિનભાઈ કહે છે, “શરૂઆતમાં અમે અમદાવાદ દૂરદર્શન માટે ઘણી ગુજરાતી સિરિયલ્સ બનાવી. હિમેશ કહ્યા કરે કે પપ્પા, કંઈક એવું કરીએ જે કોઈએ ના વિચાર્યું હોય. હું પૂછું કે એવું શું કરીએ? હિમેશે આઇડિયા આપી, ફિલ્મસ્ટાર્સને ટેલિવિઝન સિરિયલમાં લાવીએ. હું કહું કોઈ તૈયાર નહીં થાય અને હિમેશ કહે કોશિશ તો કરો.” વિપિનભાઈએ પ્રેમ ચોપરા, રાજેદ્ર કુમાર, પૂનમ ધીલ્લોન વગેરે સમક્ષ દાણો દાબી જોયો. તેઓ તોસ્તાન દૈનિક રકમ મળે તો ટેલિવિઝન માટે કામ કરવા તૈયાર થયાં!
ઝી માટે અંદાઝ સિરિયલ સાથે હિમેશે ફિલ્મસ્ટાર્સને નાના પડદે લાવી બતાવ્યા. આખા દેશમાં વમળ પ્રસર્યાં. આર્થિક ગણતરીમાં પણ બાહોશ એવા હિમેશે એપિસોડદીઠ ઓછો ખર્ચ થાય તે માટે શૂટિંગ કર્યું સાત બંગલા સ્થિત પોતાના જ ઘરમાં! એ પછી કેટલીયે સિરિયલ્સનું નિર્માણ થયું. સલમાન ખાન સાથે ઓળખાણ હતી અને હિમેશે તેની સમક્ષ પોતાનું એક ગીત, સલમાનના ઘરે, સલીમ ખાન, હેલન સમક્ષ રજૂ કર્યું. તાળીઓથી એ ગીતને વધાવતાં સલીમસા’બે કહ્યું, “આગે બઢો. કમાલ કા ગાના હૈ, બેટા!” પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મમાં આવેલું એ ગીત હતું ઓઢ લી ચુનરિયા, તેરે નામ કી…
“હિમેશે સખત મહેનત કરી છે,” દીકરાના કાર્યસમર્પણની વાત કરતાં વિપિનભાઈ કહે છે, “અમારા ઘરના હિંડોળે રાતના ત્રણ-ત્રણ વાગ્યે એ બેઠો રહે. મન-હૃદયમાં ગીત-સંગીત ચાલ્યા કરે. હું મોડેમોડે જાગું તો મને કહે પપ્પા, જરા સાંભળો તો કેવું લાગે છે આ ગીત. વાત મ્યુઝિકની હોય, નિર્માણ કે અભિનયની, પોતાની કરિયર બાબતે એ કાયમ સજાગ અને સ્પષ્ટ રહ્યો છે.” આશિક બનાયા આપને ફિલ્મમાં ગુજરાતી નિર્માતા બાલાભાઈ અને દિગ્દર્શક આદિત્ય દત્તે હિમેશને ટાઇટલ સોન્ગ જાતે ગાવા તથા પડદે દેખાવા પ્રોત્સાહિત કર્યો. પછી જે થયું છે તે ઇતિહાસ છે. આજે હિમેશ ફિલ્મસ્ટાર તરીકે પણ વેલ સેટલ્ડ છે. બોલિવુડમાં બહુ ઓછા સંગીતકારે અનેકવિધ મોરચે હિમેશ જેવી સફળતા મેળવી છે.
દીકરાની સફળતા વિપિનભાઈના જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. બાપ-દીકરા વચ્ચે આજે ગજબનું ટ્યુનિંગ છે, “ભલે એ હવે પોતાની રીતે બધું કરી જાણે છે પણ જ્યાં જરૂર પડે ત્યાં મારી સલાહ લે છે. વત્તા, એના કોન્ટ્રાક્ટ્સ તથા રોજબરોજની જવાબદારીઓ હું સંભાળી લઉં તેનાથી એને નિરાંત રહે છે.” કપોળ હોવા વિશે વિપિનભાઈનું એક નિરીક્ષણ સુંદર છે, હવે એવું છે એ કપોળોએ વિકસવું હોય તો માનસિકતા ગ્લોબલ રાખવી પડશે અને બીજાના વિકાસમાં આપણો વિકાસ છે એ સ્પષ્ટતા રાખવી પડશે.” સંગીત સાથે આજે પણ સંકળાયેલા રહીને વિપિનભાઈ જીવનને મનભરીને માણી રહ્યા છે. છેલ્લે તેઓ કહે છે, “હિમેશની કારકિર્દીના તપતા સૂર્યને જોઈને મારા જીવનની તમામ મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થઈ છે.”
હિમેશ મને કાયમ કહે કે પપ્પા, તમારી નિષ્ફળતા મારી સફળતાનો પાયો બની. એમ સમજો કે
આપણે લાઇનની એન્ટ્રી ફી ચૂકવી.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.