દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સજ્જડ હારના બીજા દિવસે, રવિવારે, પક્ષનાં નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાને મળીને રાજીનામું સુપરત કર્યું હતું. 2024ના સપ્ટેમ્બરમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પદત્યાગ કર્યા બાદ આતિશી દિલ્હીનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં. ભારતીય જનતા પક્ષનાં સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસનાં શીલા દીક્ષિત પછી આતિશી પાટનગરનાં ત્રીજાં મહિલા મુખ્ય પ્રધાન હતાં.
લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી વિધાનસભા ભંગ કરી દીધી છે. નવી સરકારની રચના થાય ત્યાં સુધી આતિશી મુખ્ય પ્રધાન તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે. હાલમાં જ સંપન્ન થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 સીટો મેળવી છે. લગભગ ત્રણ દાયકા પછી રાજધાનીમાં ફરીથી પક્ષ સત્તા પર આવી રહ્યો છે.
આપ આ ચૂંટણીમાં માત્ર 22 સીટો જ જીતી શકી છે. ભાજપની જીતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. ગયા વરસે લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રમાણમાં મોળા દેખાવ પછી દરેક વિધાનસભા ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની પરીક્ષા ગણાઈ રહી છે.
હવે પ્રતીક્ષા એ છે કે ભાજપ કોને દિલ્હીના મુખ્ય પ્રધાનપદે નિયુક્ત કરે છે.