(નોંધઃ આ શ્રેણીમાં આપણી પોતાની, મીઠી ગમતીલી ગુજરાતી ભાષા વિશે, એના ટેક્નોલોજી સાથેના સંબંધ વિશે, એના લીધે સર્જાયેલી શક્યતાઓ અને સમસ્યાઓ વિશેની ચર્ચાથી લખાણ શરૂ થયું છે. એમાં આપણી ભાષાને સ્પર્શતા અન્ય મુદ્દા પણ આવશે. આશા છે તમને લેખમાળા વાંચીને ચર્ચામાં સંકળાવાનું મન થશે. એ માટે વધુ કશું નહીં બસ, કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવ જરૂર લખશો)
બીજી નોંધઃ પહેલાંના બે ભાગમાં આપણે ટેક્નોલોજીએ ગુજરાતીને પહોંચાડેલી જફા વિશે ચર્ચા કરી. ઉપરાંત એ વાત કરી કે અંગ્રેજી ભાષાએ કેવી રીતે પોતાને સમય સાથે સતત અપડેટ કરી. એ બે ભાગ વાંચવાના રહી ગયા હોય તો આ રહી લિન્ક્સ, ક્લિક કરશો કે પહોંચી જશો.
પહેલો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
બીજો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
ચોથો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
પાંચમો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
છઠ્ઠો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
હવે વાત કરીએ આગળ…
ભાગ ત્રણ
વાત કરીએ ભગવદ્ગોમંડલની. ભગવદ્ગોમંડલ વિશે વિકિપીડિયા પર મળતી માહિતીનો, આપણી ચર્ચાના સંદર્ભનો, સાર કંઈક આવો છેઃ

ગોંડલનરેશ મહારાજા ઠાકોર સગરામજી બીજાના દીકરા ભગવતસિંહજીના છવીસ વરસના સંશોધને આપણને ભગવદ્ગોમંડલની ભેટ આપી હતી. સન 1915માં એમણે ગુજરાતી શબ્દો ભેગા કરવાની શરૂઆત કરી હતી. શબ્દો શા માટે ભેગા કરવા પડે? એટલા માટે કે ગુજરાતી ભાષામાં વપરાતા ઘણા શબ્દોનો એ પહેલાં સાહિત્યના દ્રષ્ટિઓ કોઈ વ્યવસ્થિત સંગ્રહ થયો નહોતો. ગુજરાતી બિલકુલ ચલણમાં હતી અને ખાસ્સી સમૃદ્ધ હતી. છતાં, એમાં વપરાતા ઘણા શબ્દોનો અર્થ, સંદર્ભ, પૂર્વાપર સંબંધ જાણવા કે સમજવા ત્યારે વ્યવસ્થિત સ્ત્રોત નહોતો. એટલે ભગવતસિંહજીએ ચબરખી પર અને જે મળે એ કાગળ-સાધન પર, સામે આવે એ ગુજરાતી (કે ગુજરાતીઓ જે વાપરતા હોય એ) શબ્દ ટપકાવવા માંડ્યો.
સન 1915માં એમણે આ કષ્ટસભર છતાં કમાલનું કામ શરૂ કર્યું હતું. ગુજરાતીમાં એ સમયે કયા અને કેટલા શબ્દકોશ હતા એની ચર્ચા અસ્થાને રાખીએ. ભગવતસિંહજીની પ્રારંભિક અને મહત્ત્વની પ્રવૃત્તિ હતી એવા શબ્દો શોધવાની, ભેગા કરવાની જે આપણા કોઈ કોશમાં જોવા ના મળતા હોય. યાદ રહે, જે કોઈ કોશમાં જોવા ના મળતા હોય. ગુજરાતીઓની બોલચાલની ભાષાનું પ્રતિબિંબ જેમાં આબાદ ઝિલાય એવા શબ્દકોશની રચનાની એ પૂર્વતૈયારી હતી. ભગવતસિંહજીનો આગ્રહ હતો કે આપણી ભાષામાં વપરાતા શબ્દોના અર્થની સાથે, તેની વ્યુત્પત્તિ અને જોડણીના નિયમોને ધ્યાનમાં લેવાય. એમ કરતાં કરતાં શબ્દોનો ખજાનો સર્જાયો. તેર વરસ ચાલેલી કસરત પછી એમણે ગોંડલમાં ભગવદ્ગોમંડલની કચેરી સ્થાપી. દિવસ હતો પહેલી ઓક્ટોબર 1928નો.
પચીસમી ઓગસ્ટ 1944ના રોજ ભગવદ્ગોમંડલનો પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયો હતો. એમાં 902 પાનાં, ગુજરાતી ભાષામાં વપરાતા 26,687 શબ્દો અને તેના 51,338 અર્થોનો સમાવેશ હતો. એ પહેલો કોશ હતો. પછી કોશની હારમાળા બની. એક પછી એક કોશ આવતા રહ્યા. છેલ્લો અને નવમો કોશ નવમી માર્ચ 1955ના પ્રસિદ્ધ થયો હતો. નવ ગ્રંથોમાં 9,000થી વધારે પાનાંમાં ગુજરાતીમાં વપરાતા 2,81,377 શબ્દો, તેના 8,21,832 અર્થો અને 28,156 રૂઢિપ્રયોગોનો સંગ્રહ હતો. એવું, ભગવદ્ગોમંડ વિશે વિકિપીડિયા જણાવે છે. શબ્દોનો મહાસાગર સર્જવાના ભગવતસિંહજીએ કરેલા આ વિરાટ કાર્યની મહત્તા શબ્દોમાં સમજાવવી અઘરી છે. અશક્ય છે.
આ કામ માટે ભગવતસિંહજીએ એ જમાનામાં આશરે સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. એ રકમને આજના મૂલ્યમાં અંદાજીએ તો આશરે રૂપિયા છ-સાત કરોડ થાય. એ સમયે નવ ગ્રંથના સંપુટની કિંમત રૂ. 545 હતી પણ રાજ્યાશ્રય (સબ્સિડી)ને લીધે એ રૂ. 146માં ખરીદી શકાતો હતો. આજના પ્રમાણે કિંમત થઈ અંદાજે રૂ. 17,000.
અહીં એક વાત નોંધીને આગળ વધીએ. આજે જેની કિંમત રૂ. 17,000 હોય તો પણ બરાબર કહેવાય એવા આ ગ્રંથની પ્રિન્ટ કોપી રોજકોટના પ્રવીણ પ્રકાશનની વેબસાઇટ મળે છે. કિંમત રૂ. 10,000 છે. એનો ઓનલાઇન ખરીદી શકાય છે. લિન્ક આ રહીઃ https://pravinprakashan.com/book/bhagvadgomandal-vol-1-to-9/.

જેઓ ડિજિટલ સૅવી છે, ભગવદ્ગોમંડલનો ભાષાપ્રેમ અને ભાષાના સન્માન માટે ઓનલાઇન ઉપયોગ કરીને ગુજરાતી લખવાની બાબતમાં સુધરવા ચાહે છે, તેઓ માટે એ ઓનલાઇન ઉપલબ્ધ છે. ભગવદ્ગોમંડલની વેબસાઇટ પર – – http://www.bhagavadgomandal.com/ અને, જેની વાત કરી ગયા એ, ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ પર – https://www.gujaratilexicon.com/. હજી એક નોંધ અહીં કરવી અનિવાર્ય છે. આ સિરીઝ લખી રહ્યો છું ત્યારે હું પ્રવીણ પ્રકાશનના કે આર. આર. શેઠની કંપનીના કે અન્ય કોઈના ઇન્ફ્લુએન્ઝર તરીકે કામ કરી નથી રહ્યો, કે નથી ગુજરાતીલેક્સિકોનના પીઆરની ભૂમિકા ભજવી રહ્યો. ઇન ફેક્ટ, અહીં આવી કોઈ પણ નોંધ આવે, કંપની કે વ્યક્તિની, તો એ માત્ર આપણી ભાષાના સંદર્ભમાં, ભાષાના હિતમાં જ આવી રહી છે. એવા કોઈ અને કોઈના પણ ઉલ્લેખથી આવક રળવાનો હેતુ નથી જ. ખરેખર તો આ લેખમાળાની આગોતરી જાણ એમાં ઉલ્લેખિત કોઈ કોઈ કંપની કે વ્યક્તિને નથી.
તો, ફરી ભગવદ્ગોમંડલની વાત પર આવીએ.
પહેલી જાન્યુઆરી 2016થી ભગવદ્ગોમંડલ ગ્રંથ જાહેર અધિકાર (પબ્લિક ડોમેન)માં આવ્યો હતો. (એ વિશે છેલ્લે મૂકેલી નોંધ અવશ્ય જઈ જજો) એનો મતલબ કે હવે એનું પ્રકાશન કોઈ પણ કરી શકે છે. એના પ્રકાશનના અધિકાર એના સર્જક, સર્જકના વારસદારો કે સર્જનના પ્રકાશક હસ્તક રહ્યા નથી. ભારતમાં પ્રસિદ્ધ થનારા કોઈ પણ પુસ્તકના અધિકાર સાઠ વરસ પછી લેખક કે એના વારસદારના નહીં રહેતા જાહેર હિતમાં સૌને ઉપલબ્ધ થઈ જાય છે એ સ્હેજ.
પ્રશ્ન એ કે ભગવદ્ગોમંડલ જેવા દળદાર, અભૂતપૂર્વ અને બહુમૂલ્ય ગ્રંથનો ઉપયોગ કેટલા ગુજરાતીઓ કરે છે? પ્રશ્ન એ પણ કે એના હોવા વિશે કેટલા ગુજરાતીઓ જ્ઞાત છે? પ્રશ્ન એ પણ જ કે હોવાપણા વિશે ખબર તો કેટલા ગુજરાતીઓ એનો વ્યવસ્થિત, ગંભીર અને ભાષાની કાળજી માટે ઉપયોગ કરે છે?
એ પછીના પ્રશ્નો એટલા જ અગત્યના છે. ભગવદ્ગોમંડલના પ્રથમ ગ્રંથના પ્રકાશનને આઠ દાયકાથી વધુ સમય થયો. છતાં, એની પરંપરાને આગળ વધારતો કોઈ દળદાર શબ્દકોશ કેમ ગુજરાતીમાં નથી આવ્યો? કેમ આજ સુધી કોઈ માઈના લાલે ભગવદ્ગોમંડલ જેવા, એનાથી આધુુનિક કોશ પર કામ કરવાનો વિચાર નથી કર્યો? અને જો કર્યો હોય તો એના પર અમલ કેમ નથી કર્યો? કેમ ગુજરાતી ભાષામાં, હોતા હૈ, ચલતા હૈ, ગુજરાતી હૈ… એવો તાલ કાયમી થઈ ગયો છે?
કારણ આપણે અભાગિયા છીએ, કદાચ. આપણને ભાષા માટે પ્રેમ બેશક હશે પણ એની દરકાર લેવાની બુદ્ધિ ખોઈ બેઠા છીએ. ભાષાપ્રેમના મામલે આપણે એવા ભારતીય છીએ જેઓ, ભાષાપ્રેમની સ્પર્ધા થાય તો, છેલ્લેથી પહેલા, બીજા કે ત્રીજા ક્રમે આવે. આપણે એવા ના હોત તો શું જોઈતું હતું? તો ભગવદ્ગોમંડલની નવી નવી આવૃત્તિઓ આવતી રહી હોત. એના જેવા ઉત્તમ કોશના સર્જનની રીતસર હારમાળા સર્જાઈ હોત. આપણા ઘરમાં આ કોશ શોભતો હોત. આપણા મોબાઇલમાં એની ફાંકડી એપ હોત. જો આપણે અભાગિયા ના હોત, તો…
ફરી વિચારીએ કે એકવીસમી સદીમાં ભગવદ્ગોમંડલ કે એવો કોશ બનાવવાનો ખર્ચ કેટલો આવે.
ઉપર જણાવ્યું તેમ ભગવતસિંહજીએ પોતાના જમાનામાં એ માટે આશરે સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આજના મૂલ્યમાં એ રકમ આશરે રૂપિયા છ-સાત કરોડ થઈ એની પણ વાત કરી. એને હજી વધારી દઈએ તો વાત બહુ બહુ તો કેટલા રૂપિયા સુધી પહોંચી શકે? છ કરોડ, સાત કરોડ સુધી? કે દસ કરોડ સુધી? આટલી રકમ પણ ગુજરાતીઓ પોતાની ભાષાના જતન અને સંવર્ધન માટે ખર્ચી શકે નહીં એનાથી રંજની વાત કઈ હોઈ શકે? આને હદ ના કહેવાય તો બીજું શું કહેવાય? દસ કરોડ કોઈ રકમ થઈ કે છ-સાત કરોડ ગુજરાતીઓ માટે?

અરે, આટલી રકમ તો કોઈક ગુજરાતી પરિવાર એક ડેસ્ટિનેશન વેડિંગમાં (આનું ગુજરાતી શું કરવું?) આમ, પાણીની જેમ ખર્ચી નાખે. એની જાણ પણ ઇન્કમ ટેક્સમાં ના થાય એવી સિફતથી વાપરી કાઢે. આટલી રકમ તો ક્યારેક એક ડાયરામાં ઉછામણી કરવામાં ગુજરાતીઓ પતાવી નાખે. ગુજરાતીઓ ખાલી કમાઈ જાણતા નથી વાપરી પણ જાણે છે એવું આપણા માટે આપણે પોતે અને બીજા પણ બોલે છે. સરસ ઉદાહરણ જોઈએ છે?
પેલી કોલ્ડપ્લેની મંડળી હમણાં અમદાવાદ આવી હતી, યાદ છે? એની પાછળ ગુજરાતીઓએ રૂ. 250 કરોડથી રૂ. 600 કરોડ (એ પણ માત્ર ટિકિટ ખરીદવામાં) મોજે ફના કરી નાખ્યા હતા. આવા ગુજરાતીઓ ધારે તો ભાષા માટે શું ના કરી શકે?
બીજી એક વાત. ઇન્ટરનેટ પર વાંચેલા નવેમ્બર 2024ના આંકડા અનુસાર દેશના 169 અબજોપતિમાંના 58 ગુજરાતીઓ છે. જે પ્રજા પાસે આટલો પૈસો હોય એના માટે સારા કામમાં ખર્ચ કરવો કોઈ પ્રશ્ન જ નથી. એને બસ કામ સારું લાગવું જોઈએ. મુશ્કેલી ત્યાં જ છે. ભાષાની કાળજીનું કામ સારું કે ખરાબ લાગે એ પછીની વાત છે. પહેલાં આપણને એ તો ખબર પડે કે દોસ્ત, એ પણ એક કામ છે, બહુ અગત્યનું અને અચૂકપણે કરવું પડે એવું કામ છે. એટલી ખબર પડે તો ગંગા નાહ્યા. પછી ગુજરાતીઓ કોલ્ડપ્લેની જામ ગુજરાતી ભાષા માટે, ફિલ્મો, નાટકો, ગીત-સંગીત, પુસ્તકો માટે… સૌ માટે પૈસા વેરશે. ભાષાનો ઉત્સવ બને એવી દરેક ચીજના, પ્રવૃત્તિના દીવાના થશે. પણ જો ખબર પડે, તો.
આપણને એ ખબર જ પડતી નથી એ ખાટલે મોટી ખોડ છે. એટલે જ, અમીર ગુજરાતીઓ ભેગા મળીને એક નવોનક્કોર શબ્દકોશ તૈયાર કરી શકતા નથી. ભલે કેન્દ્રમાં ગુજરાતી વડા પ્રધાન હોય, ગૃહપ્રધાન હોય, દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં અનેક ગુજરાતીઓ હોય, તો શું? તો શું?
ભગવદ્ગોમંડલ જેવું મોટું સપનું જોવાનું હાલપૂરતું મોકુફ રાખીએ. નાનું સપનું કે નાની છતાં વરવી વાસ્તવિકતા જોઈએ. આપણી પાસે જેમ સારી ઓનલાઇન ડિક્શનરીના વાંધા છે (ભલું થજો ગુજરાતીલેક્સિકોનનું કે એણે આપણને સાવ અનાથ થવાથી રોક્યા છે) એમ આપણી પાસે સારા થિસોરસ (કે થેસોરસ, જેવો તમારો ઉચ્ચાર,)ના પણ સખત વાંધા છે. વરસો પહેલાં મારા હાથમાં પહેલીવાર ડો. મફતલાલ ભાવસાર સર્જિત પાયાનો પર્યાયકોશ આવ્યો હતો ત્યારે મન ઝૂમી ઊઠ્યું હતું. ડો. ભાવસારે આ સિવાય પણ અમુક બહુપયોગી પુસ્તકો આપણને આપ્યાં છે. પાયાનો પર્યાયકોશ ખરીદવો આસાન છે. ઓનલાઇન મળે છે. આ રહી આર. આર. શેઠ એન્ડ કંપનીની વેબસાઇટ પર એ પુસ્તક ખરીદવા માટેની લિન્કઃ https://rrsheth.com/shop/paya-no-paryaykosh/#

એવી જ રીતે, વ્યાકરણને આકંઠ જાણવું, માણવું અને જીવનમાં ઉતારવું હોય તો કેમ શક્ય થાય? ગુજરાતી વ્યાકરણ સાંગોપાંગ શીખવા માટે સારાં પુસ્તકો કયાં છે? ડો. ઊર્મિ ઘનશ્યામ દેસાઈ લિખિત વ્યાકરણવિમર્શ પુસ્તકની કેટલાને ખબર છે? અમદાવાદના એલિસબ્રિજ સ્થિત, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે (ભાષા ખેડાય નહીં અને શબ્દો પોતીકા કરાય નહીં ત્યારે આવું નામ નાછૂટકે બે અંગ્રેજી અને એક ગુજરાતી શબ્દના સંગમવાળું થઈ જાય) પ્રસિદ્ધ કરેલું આ પુસ્તક ગુજરાતી ભાષાશાસ્ત્રને લગતું છે. વાંચવામાં થોડું અઘરું છે. છતાં ગુજરાતીને ચાહવી હોય, ભાષા માટે લગાવ હોય તો વાંચતા કોણ રોકે છે? એના માટે જોકે આ પુસ્તકના અસ્તિત્વની જાણ પણ જોઈએ. વત્તા, હમણાં એ લગભગ અપ્રાપ્ય છે તેથી, એના પુનઃમુદ્રણની પ્રાર્થના પણ કરવી પડે.
આવું પુસ્તક વાંચ્યું હોય, ભાષાને હૈયાચસોચસ રાખી હોય ત્યારે શું થાય કે ગુજરાતીમાં કયો શબ્દ કેવી રીતે લખાય, કઈ જોડણી સાચી, અનુસ્વારના નિયમો શું છે, હૃસ્વ ઇ અને દીર્ઘ ઈનો વપરાશ કેમ થાય, એવા ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. એ નથી આવતો કે નથી લાવવો એટલે ગુજરાતી ભાષાના મામલે, દરેક મોરચે, એના પ્રકાશન ઉદ્યોગમાં પણ, ઘણું લોલ્લોલ (એનો એક અર્થ નાકનું ઘરેણું થાય, મતલબ કે જે સદા અસ્થિર છે) ચાલે છે. કોઈક બધે હૃસ્વ ઇ ઠપકારે છે, કોઈક બધે દીર્ધ ઈ ચોંટાડે છે. “ઇમાં વળી શું મગજ ચલાવવાનું?” એ સર્વમાન્ય નિયમ છે. વ્યાકરણવિમર્શ જેવું કો’ક પુસ્તક વાંચ્યુ હોય, ભાષાશુદ્ધિની ચાહ રાખી હોય તો આશીર્વાદ ક્યારેય આર્શિવાદ ના થાય. દિપક શબ્દનું એને આમ લખીને ઝાંખું પાડવાની ગુસ્તાખી ના થાય. ગૃહનું ગ્રુહ કરી નાખવાની ચેષ્ટા રોજિંદી બાબત ના થઈ જાય. કેટલું બધું ચાલી રહ્યું છે, ચલાવાઈ રહ્યું છે અને છતાં, કેમ કોઈનું ધ્યાન નથી?
કેમ?
(ક્રમશઃ ચોથા ભાગની પ્રતીક્ષા કરશે. વાંચતા રહેજો અને તમારા પ્રતિભાવ પણ આપતા રહેજો)
ભગવદ્ગોમંડલના કોપીરાઇટ અધિકાર વિશે નોંધઃ આ વાતની ખાતરી કરવાની બાકી છે. વિકિપીડિયા પરની સંદેશ અખબારની એક લિન્ક – “ઉત્કૃષ્ઠ ગુજરાતી શબ્દકોશ ભગવદ્ગોમંડળ પરના કોપીરાઈટ હટશે”. સંદેશ. ૨૭ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬. – અનુસાર બની શકે કે ભવગદ્ગોમંડલ કોશને કોપીરાઇટ મુક્ત ના કરાયો હોય. જોકે આ લિન્ક ક્લિક કર્યે એ સમાચાર મળતા નથી. સંદેશની વેબસાઇટ પર ભગવદ્ગોમંડલ માટે શોધખોળ કર્યે પણ કશું જડતું નથી. આ લેખ પ્રસિદ્ધ થયા પછી, પ્રવીણ પ્રકાશન પાસેથી હકીકત જાણીને ખુલાસો કરવામાં આવશે.
ભાગ એક વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ બીજો વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ ચોથો વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ પાંચમો વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ છઠ્ઠો વાંચવા અહીં ક્લિક કરો.
3 Comments
સરસ
વાત તો એકદમ સાચી છે, પણ ગુજરાતીઓ ગુજરાતી ભાષાથી દૂર થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ છે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ. ગુજરાતની બહાર રહેતા ગુજરાતી પરિવારના અનેક બાળકો આજે અંગ્રેજી માધ્યમમાં ભણે છે, જેઓ ગુજરાતી ભાષા બોલી અને સમજી તો શકે છે પણ વાંચી અને લખી શકતા નથી. આનો પણ ઉપાય છે પણ એ આપની આ લેખમાળા નો છેલ્લો ભાગ હશે ત્યારે લખીશ.
રાજી રહેજો
રાજેશભાઈ, તમારે પણ આ લેખમાળામાં આગળ એકવાર મહેમાન લેખ લખવાનોછે. તમારી અંગ્રેજીની વાત સાથે હું આંશિક રીતે સહમત છું. અંગ્રેજી એની જગ્યાએ અને માતૃભાષા માટેનો પ્રેમ એની જગ્યાએ છે. એ ફરક આપણે સમાજ અને સ્વભાવમાં ઊભો કરી નથી શક્યા એટલે બધી વાતે અંગ્રેજીને દોષ આપીએ છીએ. છતાં, આવી ચર્ચા થશે એમાંથી કદાચ માર્ગ પણ મળશે…