નોંધઃ આ શ્રેણીમાં આપણી પોતાની, મીઠી ગમતીલી ગુજરાતી ભાષા વિશે, એના ટેક્નોલોજી સાથેના સંબંધ વિશે, એના લીધે સર્જાયેલી શક્યતાઓ અને સમસ્યાઓ વિશે ચર્ચા છે. આશા છે તમને વાંચીને ચર્ચામાં સંકળાવાનું મન થશે. એ માટે વધુ કશું નહી કરતા બસ, કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવ લખશો.
ભાગ એક
ભાષા ઉત્થાન માત્ર આનંદની વાત નથી. એની સાથે પ્રજાના ભૂતકાળની જેમ એનો વર્તમાન અને એનું ભવિષ્ય પણ સંકળાયેલાં છે. ભાષા જેટલી બળુકી એટલી પ્રજા બળુકી. ગુજરાતીઓના મામલે કહીએ તો એટલો વેપાર પણ બળુકો. આપણી માતૃભાષાને ટેક્નોલોજીના વાર, ઉપેક્ષાના અત્યાચાર, અન્ય ભાષાઓની થપાટ વચ્ચે ચિંતામગ્ન થઈને નહીં, વિચારમગ્ન થઈને નિહાળીએ. જાણીએ કે ભાષાના વિકાસ સાથે આત્મગૌરવની જેમ આવકની અપાર શક્યતાઓ સંકળાયેલી છે

ગૂગલ અને અન્ય ટેક્નોલોજી કંપનીઓએ આખી દુનિયાની ભાષાને બાથ ભરીને અનેક કામ આસાન કર્યાં છે. તો પણ, ભાષાઓનો દાટ વાળવાની એની કુસેવા બિલકુુલ નજરઅંદાજ કરી શકાય નહીં. બેએક દાયકા પહેલાં શરૂ કરવા છતાં આજે પણ આ કંપનીઓની કામગીરી આજે પણ બેહદ કંગાળ છે. એના પરથી સમજી લેવું કે આપણી ભાષાઓને એમના અસલ ઔચિત્ય સાથે સાચવવાનું કામ તો આપણે જ કરવું પડશે. સાથે, આપણી ભાષાને હળવાશથી લેવા બદલ આ કંપનીઓ સામે આપણે ડોળા પણ કકડાવવા જોઈએ. શાને?
સૌથી પહેલું કામ કરતાં એક અંગ્રેજી ફકરો તપાસીએ. 2006ના ગૂગલના બ્લોગમાં એ લખાયો છે.
મૂળ ફકરો: Beginning today, you can explore the linguistic diversity of the Indian sub-continent with Google Translate, which now supports five new experimental alpha languages: Bengali, Gujarati, Kannada, Tamil and Telugu. In India and Bangladesh alone, more than 500 million people speak these five languages. Since 2009, we’ve launched a total of 11 alpha languages, bringing the current number of languages supported by Google Translate to 63. (મંગળવાર 21 જૂન 2011ના ગૂગલના બ્લોગમાંથી)
એનું સોમવાર 27 જાન્યુઆરી 2025નું, ગૂગલ ટ્રાન્સલેટનું ભાષાંતર આ રહ્યું.
આજની શરૂઆતથી, તમે Google અનુવાદ વડે ભારતીય ઉપ-ખંડની ભાષાકીય વિવિધતાનું અન્વેષણ કરી શકો છો, જે હવે પાંચ નવી પ્રાયોગિક આલ્ફા ભાષાઓને સમર્થન આપે છે: બંગાળી, ગુજરાતી, કન્નડ, તમિલ અને તેલુગુ. એકલા ભારત અને બાંગ્લાદેશમાં જ 50 કરોડથી વધુ લોકો આ પાંચ ભાષાઓ બોલે છે. 2009 થી, અમે કુલ 11 આલ્ફા ભાષાઓ શરૂ કરી છે, જે Google અનુવાદ દ્વારા સમર્થિત ભાષાઓની વર્તમાન સંખ્યાને 63 પર લાવી છે.

આને ભાષાંતર કહેવું કે ભાષા સાથે થતો ખેલ?
આજની શરૂઆતથી એટલે શું વળી? આજથી લખીને કામ ના ચાલત કે? આમાં આ અંગ્રેજીમાં લખાયેલું Google શું કરે છે? કેમ, ગુજરાતીમાં ગૂગલ લખવું ગુનો છે? ખોટું છે કે? આ ઉપ અને ખંડ વચ્ચે હાયફન એટલે ડેશ એટલે શબ્દતોડનું ચિહ્ન શું કરે છે? પ્રાયોગિક આલ્ફા ભાષા, એ કોઈ રીત થઈ ગુજરાતી સહિતની ભાષાઓને સંબોધવાની? અને આ, સમર્થન આપે છે, એ કોઈ ભાષાંતર થયું કે ‘now supports’નું? ભલે સૌ હવે તમિલ લખતા હોય અને એ સાચું ગણીએ તો વાંધો નથી પણ મારી ભાષાનો શબ્દકોશ એના માટે તામિળ શબ્દ પ્રયોજે છે, એનું શું? અને અને, 2009 થી, આ બે વચ્ચે ખાલી જગ્યા, સ્પેસ કેમ?

ગૂગલ માટે ઘણા ભગવાન શબ્દ વાપરતા થયા હોય ત્યારે, આખી દુનિયાને આડકતરી રીતે ચલાવતી, ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરે કંપનીઓ, આપણા સહિત દરેક ભાષાની પ્રજા થકી અબજો ડોલર કમાતી હોય ત્યારે, ટેક્નોલોજી ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે ત્યારે પણ, સાચા ગુજરાતી શબ્દો ના લખી શકે, ના વ્યાકરણની સચોટતા જાળવી શકે, ત્યારે એને ભગવાન શાની ગણી લેવી? ભારત પછી સારી એવી સંખ્યામાં પાકિસ્તાનમાં ગુજરાતીઓ છે એ માન્ય, પણ બાંગ્લાદેશમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે એ તો ગૂગલની એવી શોધ થઈ જેમ એ જ્યાં રસ્તાનો ર સુધ્ધાં ના હોય ત્યાં વાહનચાલકને ભેરવી નાખે અને એનો જીવ જોખમમાં મૂકી દે. હદ કહેવાય.

હવે મુદ્દા પર આવીએ.
જેની શરૂઆત અંગ્રેજી સાથે થઈ એ કોમ્પ્યુટિંગ હવે વિશ્વની અનેક ભાષામાં ઉપલબ્ધ છે. ટેક્નોલોજીના પ્રચંડ સ્ફોટે જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યાં છે. સાથે આણી છે પહેલાં નહીં જોયેલી આફતો પણ. એમાંની ઘણી આફતો એવી છે જેની તરફ આપણું ક્વચિત્ ધ્યાન જઈ રહ્યું છે. એવી એક આફત છે ટેક્નોલોજીના પ્રહારથી, એના અકલ્પનીય વ્યાપથી ગુજરાતી સહિતની ભાષાઓને પડી રહેલા ફટકા.
ગુજરાતી ભાષા આજે જે રીતે લખાઈ રહી છે, વંચાઈ રહી છે એટલી કંટાળાજનક રીતે પહેલાં કદાચ ક્યારેય નહોતી લખાતી કે વંચાતી. અંગ્રેજી શિક્ષણનો વધતો વ્યાપ એનું કારણ હશે પણ એનાથી મોટું કારણ આ, ટેક્નોલોજી અને એના કહેવાતા ચિત્રગુપ્ત સમાન ડોબી કંપનીઓ છે. ગૂગલ અને ગૂગલ જેવી એ દરેક કંપનીઓ છે જેઓએ આપણને ડિજિટલ સગવડ આપવા સાથે આપણી ભાષાના હીરને ઝંખવી નાખ્યું છે. એનું દુષ્પરિણામ સામે છે, સર્વત્ર દેખાઈ રહ્યું છે.
- નો, ની, નું, ના કે (નાં), થી… આવા પ્રત્યય, સંબંધિત નામ કે શબ્દ સાથે લખાય એટલી અક્કલ હવે ઘણા ગુજરાતીઓ ગુમાવી બેઠા છે. કારણ ગૂગલ એટસેટરા કંપનીઓ એમને નામ-શબ્દ અને પ્રત્યય અલગ અલગ આપે છે. બસ તો, એમના મનમાં ઠસી ગયું કે આમ જ લખાય અને આ લખાણ જ સાચું.
- આપણામાં – અલગઅલગ – આ રીતે અથવા ચાલો, અલગ અલગ – આ રીતે લખો એ સરસ અને સાચું. ગૂગલે ગુજરાતીનું હિન્દીકરણ કરી નાખ્યા પછી આપણે ત્યાં આ અને આવા કંઈક શબ્દો વચ્ચે હાયફન એટલે શબ્દતોડ ચિહ્ન ઠઠારવાની ગંદી ફૅશન જામી છે. ગુજરાતીમાં આટલી હદે હાયફન ક્યારેય વપરાતું નહોતું. હવે જેને જુઓ એ દરેક વાક્યે, વિનાકારણે અને કોઈ જાતની અક્કલ વાપર્યા વિના, આડેધડ હાયફન ઠોક્યે રાખે છે, ઠોક્યે જ રાખે છે. પૂછવાવાળું કોણ છે?
- ઉપરના વાક્યમાં ફૅશન શબ્દમાં ફ પરની માત્રા તમને કેવીક દેખાય છે? એનો આધાર અહીં એ કેમ લખાઈ છે એના કરતાં તમારા કોમ્પ્યુટર કે મોબાઇલમાં એને જોવા માટે કેવાક ફોન્ટ્સ (ગુજરાતીલેક્સિકોન એને બીબાંનો જથ્થો કહે છે જે ક્યારેક એકદમ સાચું હતું, આજે ફોન્ટ્સ શબ્દને ગુજરાતીમાં લખવો હોય તો શું લખશું?) છે એના પર છે. ટેક્નોલોજીએ આપણી માત્રાઓની આ રીતે મેથી મારી છે. અંગ્રેજીમાં બે લાખથી વધુ ફોન્ટ્સ છે પણ ગુજરાતીમાં આજે પણ સો ફોન્ટ્સ નથી. જે છે એ પણ ભાગ્યે જ કોઈ એકદમ સ્નિગ્ધ, સચોટ અને ક્ષતિરહિત લાગે છે. એના વાંક એકલા ગૂગલને કે એવી કંપનીઓને દેવાની જરૂર નથી. આપણે ગુજરાતીઓ પોતે ભાષાના મામલે નિષ્ફિકર, બેધ્યાન છીએ. આપણી પાસે અપરંપાર લક્ષ્મી છે. છતાં, આપણે સરસ્વતીની ઉપેક્ષા જ કરતા રહ્યા છીએ. બાકી કોઈની મજાલ થાય કે ગુજરાતીઓ પૈસા ફેંકે અને તમાશો ના કરે? કે ગુજરાતીઓ ધારે તો પોતાની ભાષા માટે બે-પાંચ કે દસ હજાર ફાંકડા, ફૉલ્ટલેસ ફોન્ટ્સ બનાવીને ટેક્નોલોજીના મોઢા પર મારી ના શકે?
- આપણે કી-બોર્ડ પર ગુજરાતી ટાઇપ કરીએ ત્યારે સામાન્યપણે, આંકડા ધરાર અંગ્રેજીમાં ટાઇપ થાય છે. આ લેખમાં જ્યાં પણ આંકડો કે આંકડા છે એ તમામ અંગ્રેજીમાં છે. બેશક, વધારાની મહેનત કરીને એને ગુજરાતીમાં ફેરવી શકાત. પણ, આ લેખ જે વિષયે છે એની તરફ ધ્યાન ઉજાગર રહે એ માટે આંકડા અંગ્રેજીમાં જ રાખ્યા છે. આપણી ભાષામાં એકથી નવ સુધી દરેક આંકડો કેવો સુંદર છે. ટેક્નોલોજી તેમ છતાં આપણને આડકતરી રીતે આંકડા અંગ્રેજીમાં વાપરવાની ફરજ પાડી રહી છે. યુનિકોડમાં ગુજરાતી ટાઇપિંગ કરો ત્યારે એ આંકડા ધરાર અંગ્રેજીમાં આપે છે.
- વાત આટલેથી અટકતી નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈ અને મશીન લર્નિંગ એટલે એમએના આવ્યા પછી સ્થિતિ હજી પ્રવાહી થઈ ગઈ છે. પહેલાં (પહેલાં શબ્દ પર ક્યારે અનુસ્વાર આવે?) ગૂગલથી ભાષાવીર બનનારાને હવે વધુ મોટું મેદાન મળી ગયું છે. અંગ્રેજીમાંથી ગુજરાતી કરવામાં એમને હવે પલકવાર લાગે છે. એમાં પણ નિયમ એક જ છેઃ એઆઈ આપે એ બરાબર. આ ગૂગલિયા, એઆઈડા બધા પોતાનું મગજ કશેક મૂકીને લખાણ અને વિચાર લાવલાવ કરીને જે મળે એ લઈ લે અને પછી એને બધે વહેંચે છે. સોશિયલ મીડિયા પર, વ્હોટ્સેએપ પર. એ તો જવા દો, કરોડોના કારભાર કરતી કંપનીઓના બ્રાન્ડિંગ અને માર્કેટિંગનું કામ કરતી એડવર્ટાઇઝિંગ અને પબ્લિક રિલેશન એજન્સીઝ પણ આ ઓટોમેટિક અને ઇન્સ્ટન્ટ માર્ગે ધસી રહી છે. એમાં વાત એવી વણસી છે કે વાત પૂછશો નહીં. અખબાર, સામયિક, ટેલીવિઝન અને ડિજિટલ મીડિયા પર ગુજરાતી લખાણ સાથેની જાહેરાતોનું સ્તર શરમજનક હદે ખાડે ગયું છે. આવું થવાથી આ ક્ષેત્રમાં કામ કરતા રહ્યાસહ્યા સંવેદનશીલ, અનુભવી, સમર્પિત વ્યાવસાયિકોના હાથમાંથી ભાષાંતર અને ભાષાંતરના મૌલિક નવસર્જન (ટ્રાન્સક્રિએકશન માટે આપણી પાસે ગુજરાતી શબ્દ કદાચ નથી)નાં કામ જતાં રહ્યાં છે. ઉપરથી આ એજન્સીઓ ખોટી ભાષાને કરોડોના કેમ્પેઇનથી પ્રસિદ્ધિ આપીને કરોડો લોકોના મનમાં છાપી નાખે છે કે અમે જે લખ્યું અને જે છપાયું એ તમારી સાચી ભાષા છે. બસ, એમાં કરોડો અજ્ઞાની ગુજરાતીઓ એમની જેમ ખોટું લખતા થઈ ગયા છે. એમને મન તો છપાયેલું જોયું એ બ્રહ્મવાક્ય અને એમાંનો દરેક શબ્દ એટલે બ્રહ્મશબ્દ.
- સામાન્ય લોકો તો ઠીક, જેમના વ્યવસાયમાં ભાષાની સચોટતા વિના આરો નથી એવા લેખકો, પત્રકારો, એડવર્ટાઇઝિંગ ઉદ્યોગના કોપીરાઇટર્સ… કેટલાયને આ બીમારી ગ્રસી ગઈ છે. જે વ્યવસાયમાં ભાષા અને લખાણમાં આગવી મૌલિકતા, કલ્પનાશક્તિ અને શૈલીનું સૌંદર્ય ઉમેરો તો તમે અલગ તરી આવો એ વ્યવસાયમાં હવે બેઠાડું લખાણ, થાગડથીગડ ભાષા અને ભયાનક વ્યાકરણ, બધું માફ છે. કોઈ પૂછવાવાળું નથી. ખરેખર તો, વ્યાકરણની ચિંતા કરવી જોઈએ એ વિચારની જ ચિતા કોને ખબર ક્યારની ભડભડ ભડકે બળી રહી છે.
(ક્રમશઃ – બીજો ભાગ ત્રણેક દિવસ પછી)
બીજો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
ત્રીજો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
ચોથો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
છઠ્ઠો લેખ વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ પાંચ વાંચવા અહીં ક્લિક કરો.