ઉગું ઉગું થતો યુવાન કે યુવતી કોલેજમાં જાય અને પછી થોડા જ સમયમાં કોઈકના પ્રેમમાં ઊંધે માથે ન પડે તો જ નવાઈ. દરેક વ્યક્તિના જીવનમાં એકવાર તો પ્રેમમાં આંધળા થવાનો અવસર આવે જ છે. અને પ્લીઝ, મને ક્યારેય પ્રેમ થયો નહીં એવી ડંફાસ મારી તમે શરત મારવાની તો વાત જ રહેવા દો. હા, પ્રેમ કરવો દરેક જણ માટે સ્વાભાવિક છે પણ એ પ્રેમની સફળતા જૂજ લોકોના પ્રારબ્ધમાં હોય છે. વાત ત્યાં અટકતી નથી. સફળ પ્રેમીઓ સારાં પતિ-પત્ની બનીને જીવન જીવી જશે એની કોઈ ખાતરી હોતી નથી. પોતાની પ્રિયતમાના રેશમ રેશમ વાળ પર ફિદા ફિદા થઈ જતો પુરુષ પતિ બને ત્યારે આખે આખી પ્રિયતમાની ઉપેક્ષા કરવા માંડે એવું કરોડો વાર બનતું હશે. એ જ પ્રમાણે પોતાના વ્હાલમની વાક્છટા પર ઓળઘોળ થતી પ્રિયતમા જયારે એ જ પુરુષની પત્ની બને ત્યારે આવી ટકોર કરેઃ કેટલો બડબડ કરે છે આ માણસ, પછી વારતા આગળ વધે અને મનમેળ ન રહે તો ગઈ કાલનો પ્રેમ જોતજોતામાં તિરસ્કાર કે નફરતમાં પણ ફેરવાઈ જાય.
બાય ધ વે તમે લવ મેરેજ નહીં પણ એરેન્જડ મેરેજ કર્યા છે તો પણ તમે અન્ય પતિ-પત્નીથી અલગ નથી. બહારથી રાજી, સુખી, સંતોષી યુગલની છાપ ઉપસાવવી આસાન છે. હૃદયના ઊંડાણ સુધી પરમ તૃપ્તિનો અનુભવ કરવો અઘરો છે.