ભગવાન મહાવીર સ્વામીના ૨,૫૫૦મા નિર્વાણ મહોત્સવ નિમિત્તે મહારાષ્ટ્રમાં વિશેષ નિબંધ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. એમાં રાજ્યભરનાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને આજે મુંબઈમાં રાજભવનમાં આયોજિત સન્માન સમારોહમાં રાજ્યપાલ સી. પી રાધાકૄષ્ણન તથા કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાના હસ્તે ઇનામો વિતરીત કરવામાં આવ્યાં હતાં. પ્રથમ વિજેતા અને છત્રપતિ સંભાજીનગરની વિદ્યાર્થીની આરાધ્યા લોઢાને રૂ. ૪,૪૪,૦૦૦નું પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું. નાંદેડના અક્ષય ઢેરેને રૂ. ૨,૨૨,૦૦૦નું બીજું ઇનામ તથા યવતમાળની શર્વરી ભોજનકરને રૂ. ૧,૧૧,૦૦૦નું ત્રીજું ઇનામ એનાયત કરાયું હતું.

રાજ્ય સરકારના સહયોગમાં આયોજિત આ સ્પર્ધામાં રાજ્યની ૧૦,૦૦૦થી વધુ શાળાઓના ૧૬ લાખથી વધારે વિદ્યાર્થીઓઐ ભાગ લીધો હતો. ઉપરોક્ત ત્રણ વિજેતાઓ ઉપરાંત પાંચમાથી સાતમા ધોરણના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં સ્પર્ધાને મળેલી આ સફળતા પછી રાજસ્થાન તથા ગુજરાતમાં આ પ્રકારની પહેલ થઈ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પર્ધાને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદની પ્રશંસા કરી હતી.
રાજભવનના દરબાર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ સી. પી.રાધાકૃષ્ણને ભગવાન મહાવીરના ઉપદેશોને આ પ્રકારની સ્પર્ધાથી આગળ ધપાવવાની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના ઉપદેશો સૌને સામાજિક સેવાની પ્રેરણા આપે છે. આ પ્રકારની સ્પર્ધા લાખો વિદ્યાર્થીઓને તેમના ઉપદેશો અનુસરવા પ્રેરિત કરે છે. નવી પેઢીના જેટલા વધારે વિદ્યાર્થીઓ ભગવાન મહાવીરનો ઉપદેશનો અનુરસશે તેટલો વધારે સમાજ શાંતિ અને અહિંસાનો માર્ગે મજબૂત થશે.
આ પ્રસંગે કેબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ રાજભવન જેવા પ્રતિષ્ઠિત સ્થળે સમારોહ યોજવામાં સહકાર આપવા બદલ રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજનમાં સરકારના સમર્થનને બિરદાવીને તેઓએ આ અવસરને ગૌરવપૂર્ણ ગણાવ્યો હતો. આ પ્રસંગે નાગપુર, નાસિક તથા કોલ્હાપુર જિલ્લામાં સ્પર્ધાના કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ કલેક્ટર, જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.