1985માં સ્થાપિત અને ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત, માટુંગા સ્થિત શ્રી અમુલખ અમીચંદ ભીમજી વિવેકાનંદ વિદ્યાલયનો વાર્ષિક દિવસ હાલમાં સંપન્ન થયો હતો. શાળાએ શૈક્ષણિક કઠોરતા, રમતગમત અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓના મિશ્રણ દ્વારા યુવા મનને પોષવાની તેની પ્રતિબદ્ધતા સતત જાળવી રાખી છે. ગત કેટલાંક વર્ષોથી, શાળાએ તેના અભ્યાસક્રમ દ્વારા શીખવવામાં આવેલ મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે વાર્ષિક કાર્યક્ર્મોનું આયોજન કર્યું છે, જેમાં નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી અને અખો જેવા મહાન લેખકો, કવિઓ અને સંતોની કૃતિઓને ‘અખો બનશે તારો સખો‘ જેવાં સફળ મંચ પ્રદર્શનો દ્વારા ઉજવવામાં આવી છે.
વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી સોસાયટીના માનનીય પદાધિકારીઓની સમર્પિત મહેનતથી શક્ય બની હતી, એમાં ઉપપ્રમુખો કોકિલાબેન શાહ અને દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી, સચિવ રાજેનભાઈ પરીખ, ટ્રસ્ટી, સચિવ શરદભાઈ શાહ, ટ્રસ્ટી, ખજાનચી દેવેન્દ્રભાઈ શાહ અને ખજાનચી નિતીનભાઈ ગાંધી તેમ જ અન્ય અગ્રણીઓનો સમાવેશ થાય છે.
આ વરસે, 30 જાન્યુઆરીના રોજ શાળાના મેદાન પર “ગિરિધરની પ્રેમ દીવાની મીરાં” નામની નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. નાટકનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે મૂલ્યોને અપનાવવાથી આંતરિક શાંતિ અને સુમેળ પ્રાપ્ત થાય છે. નાટકની વિશેષતા એ હતી કે શાળાના નાનાથી લઈને મોટા સુધીના દરેક વિદ્યાર્થીએ તેમની ક્ષમતા મુજબ ભાગ લીધો હતો, જેને કારણે તે એક સહયોગી પ્રયાસ બન્યો હતો. નાટકે માત્ર વિદ્યાર્થીઓનાં નાટ્ય કૌશલ્યો નહીં, પરંતુ ટીમ વર્ક, શિસ્ત અને સમર્પણની મહત્તા પર ભાર મૂક્યો હતો. તે વિદ્યાર્થીઓને તેમનો આત્મવિશ્વાસ વધારવામાં એ મદદરૂપ થયો હતો. નૃત્ય નાટિકા સંપૂર્ણપણે સ્વનિર્માણ હતી – લેખક, દિગ્દર્શક, સંગીત વગેરે શાળાના શિક્ષકો હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંગીતકાર જીગર સોની – એક પ્રખ્યાત ગરબા મેસ્ટ્રો અને સાંસ્કૃતિક શિક્ષણશાસ્ત્રી, તેમજ વિશેષ અતિથિ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પુણેની ફ્લેમ યુનિવર્સિટીના બોર્ડ સભ્ય કૃતાર્થ શાહ ઉપસ્થિત રહ્યા હતા. શાળાનાં આચાર્યા એલ્સી જ્યોર્જએ આભારવિધિ સંપન્ન કરી હતી.