૨૦૨૬ આવશે કે વિશ્વનું સૌથી શ્રીમંત અને શક્તિશાળી રાષ્ટ્ર, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, તેની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ સીમાચિહ્ન દેશના સ્વાતંત્ર્યના લાંબા ઇતિહાસ પર જાણે પ્રકાશ પાડશે, જેણે એના વર્તમાનને આકાર આપ્યો છે. એની તુલનામાં, ભારતે લગભગ પોણાબે સદી બ્રિટિશ ગુલામી સહન કરી હતી. આજે આપણી આઝાદીને સાત દાયકાથી વધુ સમય થયો છે. અંગ્રેજોએ ભારતને પાયમાલ કરવામાં કસર છોડી નહોતી. છતાં, ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ૧૯૪૭માં ભારતની વસ્તી લગભગ ૩૩૦ મિલિયન અથવા ૩૩ કરોડ હતી. ૧૭૭૬માં આઝાદી સમયે ૧૩ અમેરિકન વસાહતોની વસ્તી લગભગ ૨.૫ મિલિયન અથવા માત્ર ૨૫ લાખ હતી! ચાલો, ભૂતકાળમાં ડૂબકી લગવતાં જાણીએ અમેરિકન આઝાદીના સંઘર્ષને.
ક્રાંતિનો માર્ગ
જુલાઈ ૧૭૭૬માં ફિલાડેલ્ફિયાની હવા ઉનાળાની ભેજભરી ગરમી ઉપરાંત ગદ્દારીના ઉકળાટથી બળબળ થઈ રહી હતી. પેન્સિલવેનિયા સ્ટેટ હાઉસમાં એક રાષ્ટ્ર નહીં પણ 13 વસાહતોનું પ્રતિનિધિત્વ કરતા અજંપાભર્યા પુરુષોનું એક જૂથ હતું. એ જૂથ અસાધારણ હિંમત દાખવીને એક દસ્તાવેજ પર ચર્ચા કરી રહ્યું હતું. પૃથ્વી પરના સૌથી શક્તિશાળી સામ્રાજ્યથી સ્વતંત્રતાની ઘોષણા કરવા એ જૂથ પહોંચ્યું હતું. એ એક એવી હરકત હતી કે જેમાં જૂથ નિષ્ફળ ગયું તો તમામનો મૃત્યુઘંટ વાગવો ચોક્કસ હતો. મુદ્દે, જૂથની ચેષ્ટા આડકતરી રીતે પોતાના જ મૃત્યુના આદેશ પર સહી કરવા જેવી હતી. એમનું આવું કરવું સત્તાધીશ બ્રિટિશરો સામેની રાજકીય ચાલ નહોતી. એ ક્રાંતિની દિશામાં મોટી છલાંગ હતી. એ જ્ઞાનોત્તર યુગના આદર્શો, ગંભીર ફરિયાદો અને કાચા રાષ્ટ્રવાદના સશક્ત મિશ્રણથી પ્રેરિત હરકત હતી. કહો કે અમેરિકન સ્વાતંત્ર્યની કથાનું એ વ્યવસ્થિત રચાયેલું ચિત્ર નહીં, લોહીથી રંગાયેલું કેનવાસ હતું. એ એક ક્રાંતિ હતી જે શાંતિ નહીં પણ સંઘર્ષ, સમાધાન અને અપાર વિરોધાભાસના અનુભવોથી સર્જાઈ હતી.
એ ઘોષણાના ચિત્કારને સમજવા સન ૧૭૬૦ અને ૧૭૭૦ના દાયકાનાં પ્રારંભિક વર્ષોનાં તંગ સમયમાં જવું રહ્યું. એ સમય સુધીમાં, સાત વર્ષના વસાહતી યુદ્ધે (જે વસાહતોમાં ફ્રેન્ચ અને ઇન્ડિયન યુદ્ધ તરીકે ઓળખાય છે) બ્રિટનના ખજાનાને ખાલી કરી નાખ્યો હતો. એટલે બ્રિટિશ સંસદનું માનવું હતું કે એની વસાહતોએ રક્ષાના બોજનો એક ભાગ ઉપાડવો જોઈએ કારણ કે એને પણ રક્ષા વ્યવસ્થાનો લાભ મળતો હતો. એના પ્રત્યાઘાતરૂપે બ્રિટિશ સંસદે વિવિધ કાયદા ઘડ્યા. એ હતા શુગર એક્ટ (૧૭૬૪), સ્ટેમ્પ એક્ટ (૧૭૬૫), ટાઉનશેન્ડ ડ્યુટીઝ (૧૭૬૭). એ કાયદાઓનો માત્ર આર્થિક કારણોસર નહીં, પરંતુ વસાહતોની સંમતિની તમા નહીં કરવા બદલ પણ સખત વિરોધ થયો.
એને લીધે, “પ્રતિનિધિત્વ વિના કરવેરો નહીં,”નો સંગઠિત અને પ્રચંડ નારો મેસેચ્યુસેટ્સના દારૂખાનાંથી લઈને વર્જિનિયાની વાડીઓ સુધી પડઘાવા માંડ્યો. એ નારો ફક્ત મોંઘવારી વિશે કે કાનૂની દસ્તાવેજો વિશે નહોતો. એ નારો હતો સત્તા, સાર્વભૌમત્વ અને શહેરી અને સુદૂરના ગ્રામીણ નાગરિકોને થઈ રહેલા ઘોર અન્યાય વિશે. જેમ્સ ઓટિસે ‘પ્રતિનિધિત્વ વિનાનો કરવેરો જુલમ છે’ એવી ગર્જના કરી હતી. સન ૧૭૭૫માં વર્જિનિયા હાઉસ ઑફ બર્ગેસિસમાં પેટ્રિક હેન્રીના, “મને સ્વતંત્રતા આપો અથવા મૃત્યુ આપો,” એવા વક્તવ્યએ વધતા જતા સૈન્યવાદને સ્પષ્ટ કર્યો. બીજી તરફ, બ્રિટિશ સંસદીય અતિક્રમણ અને આક્રમક ગવર્નરોએ અમેરિકન વસાહતી સંસદીય સભાઓની સત્તાઓને જાણે શોષી લીધી હતી.
બ્રિટિશરોના બહેરા કાન પર વસાહતીઓની ફરિયાદો અથડાઈને પાછી આવતી હતી. વળી, બોસ્ટનમાં સૈન્ય તહેનાત કરીને બ્રિટિશરોએ હત્યાકાંડ (૧૭૭૦) સર્જ્યો. સેમ્યુઅલ આદમ્સ જેવા જડ, ઉગ્રવાદીઓ માટે એ હત્યાકાંડ શક્તિશાળી પ્રચારનું સાધન બન્યો. આ બધા વચ્ચે પોતાની ચામડી બચાવવા છટપટિયાં કરી રહેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વળી ટી એક્ટ (૧૭૭૩) બનાવ્યો. એના વિરોધને ઇંગ્લિશ લોકોએ અવગણીને વિનાશકારી ઉદ્દંડ, વિનાશકારી કૃત્ય લેખાવ્યું. પછી કોસર્વ (અથવા “અસહ્ય”) ઍક્ટ્સ (૧૭૭૪) આવ્યો, જેને લીધે બોસ્ટન બંદર બંધ થયું. એણે મેસેચ્યુસેટ્સના વિશેષાધિકારોમાં આમૂલ ફેરફાર કર્યા. એ વસાહતોને ગુલામ બનાવવાનું ઇરાદાપૂર્વકનું પગલું હતું. છતાં, એ વર્ષે સપ્ટેમ્બરમાં ફિલાડેલ્ફિયામાં મળેલી પ્રથમ કોન્ટિનેન્ટલ કોંગ્રેસમાં વસાહતીઓ દ્વારા ઉપાય માટે વિનંતી કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્યની ઘોષણા
૧૯ એપ્રિલ, ૧૭૭૫ના લેક્સિંગ્ટન ગ્રીન અને કોન્કોર્ડના નોર્થ બ્રિજ પર સમાધાનનો જે પ્રયત્ન થયો એ દિવાસ્વપ્ન સમાન બની રહ્યો. બ્રિટિશ સૈન્યએ વસાહતી શસ્ત્રો જપ્ત કરવા કૂચ કરી. સામે પક્ષે, મેસેચ્યુસેટ્સના સ્વયંસેવકો અડગ રહ્યા. દાયકાઓ પછી, રાલ્ફ વાલ્ડો ઍમર્સને તેને કાવ્યાત્મક રીતે “વિશ્વભરમાં સંભળાયેલી ગોળી” ગણાવી હતી. એમાંથી ભડકો થયો. થોડાં અઠવાડિયાં પછી બીજી યુરોપિયન કોંગ્રેસ મળી. વિદ્રોહીઓના જૂથ અને લશ્કર વચ્ચે એ ભીંસમાં આવી. સેનાનો અનુભવ અને ગાંભીર્યની છબિ ધરાવતા, વર્જિનિયાના જ્યોર્જ વોશિંગ્ટનને એના કમાન્ડર-ઇન-ચીફ નિયુક્ત કરવામાં આવ્યા.
સન ૧૭૭૬ની શરૂઆતમાં જ્યોર્જ ત્રીજા રાજાએ વસાહતોના વિરોધને ખુલ્લો બળવો જાહેર કર્યો. એમણે હેસિયન હથિયારબંધોને ભાડે રાખ્યા. એ સાથે, ઔપચારિક વિભાજનની વાત રોકી શકાય નહીં એ મુકામે પહોંચી ગઈ. વર્જિનિયાના રિચર્ડ હેન્રી લીએ સાતમી જૂને કોંગ્રેસ સમક્ષ ઠરાવ રજૂ કર્યો: “આ સંયુક્ત વસાહતો છે જેમને મુક્ત અને સ્વતંત્ર રાજ્ય મેળવવાનો અધિકાર હોવો જોઈએ…”
એ પછી વિધિવત્ ઘોષણાનો મુસદ્દો ઘડવા પાંચ સભ્યોની સમિતિ બની. એમાં બેન્જામિન ફ્રેન્કલિન, જ્હોન આદમ્સ, રોજર શેરમન, રોબર્ટ લિવિંગ્સ્ટન અને એક, ૩૩ વર્ષીય વર્જિનિયન યુવાન હતો, જે પોતાની વાક્છટા કરતાં વધુ સુંદર લેખન માટે જાણીતો હતો. એ હતો થોમસ જેફરસન. બ્રિટિશ સર્જકો, લૉક, મોન્ટેસ્ક્યુ અને ઇંગ્લિશ વ્હિગ પરંપરાનાં સર્જનોથી એ પ્રભાવિત હતો. મુસદ્દો ઘડવામાં તેની ભૂમિકા મુખ્ય લેખકની નક્કી થઈ. માર્કેટ સ્ટ્રીટ પર ભાડે લીધેલા એક ઓરડામાં દિવસો સુધી જેફરસને વસાહતીઓ, એટલે અમેરિકનોની ક્રાંતિકારી દલીલોને વેધક રીતે અક્ષરબદ્ધ કરી.
અમેરિકાના સર્જનમાં એ મુસદ્દો પાયારૂપ દસ્તાવેજ બન્યો. અવિરત ચર્ચાઓ અને સુધારા પછી એને આખરી ઓપ અપાયો. એમાં ગુલામોના વેપારની જેફરસનની જોશીલી નિંદાઓ સપ્રયત્ન દૂર કરવામાં આવી હતી. એ દિવસ હતો ચોથી જુલાઈનો. મુસદ્દાની ઉચ્ચ પ્રસ્તાવનાએ સાર્વત્રિક સિદ્ધાંતો દર્શાવ્યા જે સંઘર્ષના સમયથી ક્યાંય આગળ અસર સર્જનારા બની રહ્યા. “આપણે આ સત્યોને સ્વયંસિદ્ધ માનીએ છીએ કે બધા માણસો સરખા પેદા થયા છે, તેમને સર્જનહારે અમુક અવિભાજ્ય અધિકારો આપવામાં આવ્યા છે, એ અધિકારોમાં જીવન, સ્વતંત્રતા અને સુખની શોધનો સમાવેશ થાય છે.”
સિદ્ધાંત અપૂર્વ હતો. એણે સરકારી માન્યતાને દૈવી અધિકાર કે પરંપરા નહીં, પરંતુ સામાજિક કરાર લેખાવી, “સરકારને એની સત્તા એ જેના પર શાસન કરે છે એવા નાગરિકોની સંમતિથી જ મળે છે.” દસ્તાવેજનો મહત્તમ ભાગ જોકે જ્યોર્જ ત્રીજા પર જાણે વ્યવસ્થિત તહોમતનામા જેવો હતો. જે સત્તાનો ભંગ થવો યોગ્ય જ છે એ સિદ્ધ કરતી સત્તાવીસ ચોક્કસ એમાં ફરિયાદો હતી. બીજા શબ્દોમાં, એ બ્રિટિશ તાજથી અળગા થવાને કાયદેસર અને રાજકીય અનિવાર્યતા સાબિત કરતી હતી.
મુખ્યત્વે જેના પર બીજી ઓગસ્ટે હસ્તાક્ષર કરવામાં આવ્યા એ, ચર્મપત્ર પર લખાયેલો મુસદ્દો વસાહતીઓની અસાધારણ સાહસનો પુરાવો હતો. સદૈવ શાંત અને વ્યાવહારિક હોવાની છબિ ધરાવતા બેન્જામિન ફ્રેન્કલીને એ વિશે કહ્યું હતું, “આપણે હંમેશાં એક રહેવું જોઈએ. અન્યથા આપણે એક એક કરતાં (મોતના માંચડે) લટકી જઈશું.” કારણ પડકાર ગંજાવર હતો. વાત માત્ર એક રાષ્ટ્રની સ્થાપનાની નહોતી, વાત હતી જિંદગીને, અસ્તિત્વને ટકાવવાની.
આઝાદીની લડાઈ
જોકે એ ઘોષિત આઝાદી સુરક્ષિત આઝાદી નહોતી. યુદ્ધ તો એ પછી પણ સાત વર્ષ ચાલ્યું. ૧૭૭૭-૭૮નું વેલી ફોર્જનું યુદ્ધ, જે ગાત્રો ગાળી દેતી ઠંડી વચ્ચે ખેલાયું હતું, એણે યુરોપિયન લશ્કરની પણ કઠોર પરીક્ષા લીધી. એમાં આઝાદીના લડવૈયાઓની જિદ કસોટીએ ચડી. દરમિયાન, ૧૭૭૭માં સરગોટામાં મળેલા વિજયે ફ્રાન્સને અમેરિકા સાથે હાથ મિલાવવા પ્રેર્યું. એના પરિપાકરૂપે વસાહતીઓનુ યુદ્ધ વૈશ્વિક સંઘર્ષમાં પરિવર્તત થયું. ૧૭૮૧માં યોર્કટાઉનમાં જનરલ કોર્નવોલિસને ફસાવવામાં ફ્રેન્ચ નેવીની ભૂમિકા નિર્ણાયક રહી. એણે જ એને શરણે આવવા મજબૂર કર્યા અને યુદ્ધની સ્થિતિને થંભાવવા સુધી પહોંચાડી. સન ૧૭૮૩ની પેરિસ સંધિએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને એક “મુક્ત સાર્વભૌમ અને સ્વતંત્ર રાજ્ય” તરીકે ઔપચારિક માન્યતા આપી.
પરંતુ વસાહતીઓની ક્રાંતિ યુદ્ધ અને સંધિથી વધારે હતી. એ એક સામાજિક અને રાજકીય ધરતીકંપ હતો. એણે વંશીય શાસનને થથરાવી દીધું. સાથે, સમાનતા અને સ્વાતંત્ર્યને લોકજીવનમાં સ્થાન આપ્યું અને જન્મસિદ્ધ આદર-માન મેળવવાન કથિત અધિકાર સામે સણસણતો પડકાર ફેંક્યો. ભલે ત્યારે એની વૈશ્વિક અસર થવાની બાકી હતી. એ યુદ્ધ કે ચળવળે ભલે સ્ત્રીઓને રાજકીય અધિકારોથી વંચિત રાખી છતાં, સ્ત્રીઓએ એમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્ત્રીઓએ સંઘર્ષકાળમાં ઘાયલોની સારવાર કરી, ખેતરો જોતર્યાં, વેપાર સંભાળ્યા, ભંડોળ એકઠું કર્યું અને, અબીગૈલ આદમ્સે એના પતિને કરેલી વિનંતીની જેમ, કે, નવા કાયદામાં સ્ત્રીઓનો વિચાર કરજો, વગેરે બાબતોએ સ્ત્રીઓના યોગદાનને બળુકું બનાવ્યું. એ ક્રાંતિના પ્રત્યાઘાતરૂપે ગુલામ આફ્રિકનોએ ક્રાંતિનો શંખ ફૂંક્યો, હજારો લોકોએ સન ૧૭૭૫ના લોર્ડ ડનમોરના જાહેરનામા હેઠળ બ્રિટિશ નીતિઓથી મુક્તિ મેળવવા અવાજ ઉઠાવ્યો.

અને હા, મૂળ અમેરિકન રાષ્ટ્રો, જે સામ્રાજ્યો અને વસાહતોના વિસ્તરણ વચ્ચે ફસાયાં હતાં, તેમણે મોટેભાગે બ્રિટનનો પક્ષ લીધો, કારણ તેઓએ ભવિષ્ય ભાખ્યું હતું કે અમેરિકા સ્વતંત્ર થશે તો પશ્ચિમ તરફ એનું દબાણ નિરંતર વધશએ.
સ્વતંત્રતાનો વારસો
વસાહતીઓ એટલે અમેરિકાના સ્વાતંત્ર્યની ઘોષણાના આદર્શોની તેજસ્વી જ્યોતને ઘેરા પડછાયા પણ હતા. સૌથી વિચિત્ર વિરોધાભાસ એટલે ગુલામીને મળેલી માન્યતા. એ પણ એવા દેશમાં જેનું સર્જન, તમામ માનવીઓની સમાનતાની વાત સાથે થઈ હતી. હદ એ હતી કે સૌની સમાનતાના અમર શબ્દ લખનારો થોમસ જેફરસન ખુદ આખી જિંદગી સેંકડો ગુલામોનો માલિક હતો. આ બેવડાં ધોરણ કોઈનાથી છૂપ્યાં નહોતાં. એની હાંસી ઊડી, બ્રિટિશરોએ પણ ઉડાડી.
ગુલામ અને આઝાદ આફ્રિકન અમેરિકનોએ એના વિરોધમાં અરજીઓ કરી હતી. તેઓ યુદ્ધમાં પણ લડ્યા. પોતાની સ્વતંત્રતાની માગ કરવા તેઓએ ક્રાંતિની પોતાની ભાષા સર્જી. ફ્રેડરિક ડગ્લાસે સન ૧૮૫૨માં અમેરિકાન સ્વાતંત્ર્ય દિને ગુલામી પ્રથાની ટીકા કરી હતી: “ચોથી જુલાઈ અમેરિકન ગુલામ માટે શું છે? હું કહું છું: એ એવો દિવસ કે જે વર્ષના અન્ય તમામ દિવસો કરતાં વધુ અસરકારક રીતે એમના પર થતા ભયંકર અન્યાય અને ક્રૂરતાને ઉઘાડાં પાડે છે.”
વસાહતીોની ક્રાંતિ સર્વત્ર લોકપ્રિય નહોતી. ઇતિહાસકારોના અંદાજ મુજબ વસાહતીઓનો એક તૃતિયાંશ ભાગ બ્રિટિશરોને વફાદાર હતો, બીજો તૃતિયાંશ ભાગ સક્રિય ક્રાંતિકારીનો અને અંતિમ તૃતિયાંશ માત્ર તટસ્થ રહેવા પ્રયાસરત હતો. એ સંઘર્ષ એક ક્રૂર ગૃહયુદ્ધ પણ હતું, જેણે વસાહતીઓને જ એકમેકની સામે લાવીને મૂકી દીધા હતા.
યુનાઇટેડ સ્ટેટ્સનો જન્મ સંપૂર્ણ સંઘ તરીકે નહીં, પરંતુ એક સાહસિક, અવ્યવસ્થિત પ્રયોગ તરીકે થયો હતો. સંઘના આધાર સમાન દસ્તાવેજો શરૂઆતમાં અપર્યાપ્ત, ઓછા અસરસકારક હતા. સન ૧૭૮૭ના સંવિધાનિક સંમેલનમાં થયેલા ફેરફાર પછી એ મજબૂત સંઘરાજ્યના સર્જન સુધી દોરી ગયા હતા. આમ તો સંમેલન પણ એક ક્રાંતિ હતી જે શસ્ત્રોને બદલે શાહીથી, ચર્ચાઓથી લડવામાં આવી હતી. સંમેલનની ઘોષણામાં સમાવિષ્ટ આદર્શો, જેમ કે સમાનતા, સ્વતંત્રતા, સત્તામાં પ્રજાની સંમતિ, ક્રાંતિનો અધિકાર, એ આ નવા રાષ્ટ્રની આકાંક્ષા, એના આત્મા, સૌનું પારણું બની રહ્યા.


