અમેરિકન રાષ્ટ્રપતિએ પાંચ માર્ચે અમેરિકન સંસદમાં તેમના પ્રવચનમાં રેસિપ્રોકલ ટેરિફ જે દેશો સામે લાદવાના છે તેમાં ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો. રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જેટલો ટેરિફ અમેરિકન ચીજો પર જે દેશોમાં લગાડાય છે એટલો ટેરિફ અમેરિકા તે દેશોની ચીજો પર લગાડશે.
એનો અર્થ એ કે ભારત અમેરિકન કંપનીઓ તરફથી આવતા માલ પર ગમે તેટલો ટેરિફ લાદશે, અમેરિકા પણ ભારતીય કંપનીઓના માલ પર એટલો જ ટેરિફ લાદશે. ભારત પસંદગીની વસ્તુઓ પર 100% ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ સમાન ઉત્પાદનો પર 100% ટેરિફ લાદશે. ટેરિફ એ બીજા દેશમાંથી આવતા માલ પર લાદવામાં આવતો કર છે. જે કંપનીઓ વિદેશી માલ દેશમાં લાવે છે તેઓ આ કર સરકારને ચૂકવે છે. આ અમેરિકન નિર્ણયની ભારત પર શું અસર પડશે? શું અમેરિકન વસ્તુઓ સસ્તી થશે? અમેરિકન રાષ્ટ્રપતિ આવું કેમ કરી રહ્યા છે?
ટેરિફ ટ્રમ્પની આર્થિક યોજનાઓનો એક ભાગ છે. તેમનું કહેવું છે કે ટેરિફથી અમેરિકન ઉત્પાદન વધશે અને રોજગાર વધશે. કરવેરાની આવક વધશે અને અર્થતંત્રનો વિકાસ થશે. 2024માં અમેરિકામાં 40%થી વધુ આયાત ચીન, મેક્સિકો અને કેનેડાથી આવતા માલની હતી. ઓછા ટેરિફને કારણે અમેરિકામાં વેપાર ખાધ વધી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ ખાધ ઘટાડવા માંગે છે. તેથી, મેક્સિકો અને કેનેડા પર 4 માર્ચ, 2025 થી 25% ટેરિફ લાગુ થયો છે. ચીન પર વધારાનો 10% ટેરિફ પણ લાદવામાં આવ્યો છે. 2 એપ્રિલથી ભારત પર રેસિપ્રોકલ ટેરિફ પણ લાદવામાં આવશે.
રેસિપ્રોકલ ટેરિફના કારણે ભારતીય નિકાસ જેમ કે ખાદ્ય ઉત્પાદનો, કાપડ, કપડાં, ઇલેક્ટ્રિકલ મશીનરી, રત્નો અને ઝવેરાત, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ્સ યુએસ બજારમાં વધુ મોંઘા થઈ શકે છે. આ કારણે, આ ઉત્પાદનો ત્યાં સ્પર્ધા કરી શકશે નહીં. જો ભારત ઊંચા યુએસ ટેરિફથી બચવા માટે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડે છે, તો ભારતીય બજારમાં અમેરિકન ઉત્પાદનો સસ્તાં થશે. આ કારણે આ માલની આયાત વધી શકે છે. વધુ આયાત એટલે ડોલરની માંગ વધુ. આનાથી રૂપિયો નબળો પડશે અને ભારતના આયાત બિલમાં વધારો થશે. આનો અર્થ એ થયો કે હવે આપણે અમેરિકાથી માલ ખરીદવા માટે વધુ નાણાં ચૂકવવા પડશે.
આ ટેરિફથી ભારતના ઓટોમોબાઇલ લઈને કૃષિ ક્ષેત્રોમાં ચિંતા વધી છે. વ્યાપાર વિશ્લેષકો માને છે કે ટ્રમ્પના ટેરિફ વધારાને કારણે ભારતને દર વર્ષે લગભગ 7 અબજ ડોલર (61 હજાર કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. કૃષિ ઉત્પાદનો પર અમેરિકાનો ટેરિફ 5% છે, જ્યારે ભારતમાં 39% છે. જો અમેરિકા કૃષિ ઉત્પાદનો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો નિર્ણય લે છે, તો ભારતની કૃષિ અને ખાદ્ય નિકાસને સૌથી વધુ અસર થશે. અહીં ટેરિફ તફાવત સૌથી વધુ છે, પરંતુ વેપારનું પ્રમાણ ઓછું છે.
ટ્રમ્પ એક એપ્રિલ, 2025થી ટેરિફમાં વધારો લાદવાના હતા, પરંતુ આ દિવસ એપ્રિલ ફૂલનો દિવસ હોવાથી, લોકો તેને મજાક ન માની તે હેતુથી તેમણે બે એપ્રિલથી ટેરિફ વધારવાનો નિર્ણય લીધો. ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેરિફ અંગે ખૂબ જ ગંભીર છે અને તેને મજાક બનવા દેવા માંગતા નથી.


