સંજય શાહ
માણસની જેમ અમુક નસીબવંતી ફિલ્મ મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મતી (શરૂ થતી) હશે? શક્ય છે. અન્યથા, મૂળે, અઢી-ત્રણ કલાકની, એક ફિલ્મ તરીકે પ્લાન થયેલી અને પછી, બે કટકેય ચચ્ચાર કલાકની જોડી બનનારી ‘ધુરંધર’ આટલી ધન્યભાગી ના હોત. વરસો પછી દેશમાં કોઈ બોલિવુડ ફિલ્મની રજૂઆત પહેલાં આવો પ્રચંડ, ફિલ્મતરફી માહોલ છે. સ્થિતિ એવી છે કે આ ફિલ્મ વહેલા જોઈ આવનારા ધરતીથી બે વેંત ઊંચા ચાલીને, કૉલર ટાઇટ કરીને કહી શકે, “અમે તો જોઈ નાખી. લો બોલો! તમે હજી નથી જોઈ?!” સ્થિતિ એવી પણ છે કે તમે બેમાંથી એકપણ ‘ધુરંધર’નું ઘસાતું બોલો તો સામેવાળાનાં ભવાં ઊંચાં થઈ જાય!
કારણ ‘ધુરંધર – ધ રેવેન્જ’ ફિલ્મ નથી રહી. એ રાષ્ટ્રીય આંદોલન બની ગઈ છે. કારણ, આજ સુધીની આપણી ફિલ્મોની જેમ એ પાકિસ્તાનને સુષ્ઠુ સૂરમાં એવું નથી કહી રહી કે જો, તારા આતંકવાદે જો, અમને કેટલી તકલીફ પહોંચાડી છે. ભાગ એકની જેમ જ, સિક્વલ, ‘ધુરંધર – ધ રેવેન્જ’ પણ બેકાબૂ, બળુકી અને બળબળતી, સણસણતી ભાષામાં પાકિસ્તાનને એના ઘરમાં ઘૂસીને પીટે છે, ચીરે છે, છણે અને ઘાતક પીડા આપે છે.
આ પહેલાં કોઈ ભારતીય ફિલ્મે આટલી રુક્ષતા સહિત, પણ પૂરી સચોટતા સાથે પાકિસ્તાનનાં આવા ચીંથરેહાલ કર્યા નથી. એટલે જ, દર્શક જરાય એવા મૂડમાં નથી કે આ ફિલ્મ સારી કે ખરાબ એની પળોજણમાં પડે. એને બસ એક જ વાતમાં રસ છે, “બોલો, ‘ધુરંધર – ધ રેવેન્જ’માં શું જબરદસ્ત છે?”
તો, શોર્ટકટમાં સ્ટોરી પતાવીને સીધા જબરદસ્ત વાતો પર આવી જઈએ?
રહમાન ડકૈતના (અક્ષય ખન્ના) જહન્નુમનશીન (આવા ગુંડા માટે જન્નતનશીન કેમ લખાય?) થયા પછી હમઝા ઉર્ફે જસકીરતે (રણવીર સિંઘ) કરાચીના લ્યારી (કે લિયારી) વિસ્તાર પર પોતાની પકડ મજબૂત કરી દીધી છે. એણે હુઝૈર બલોચ (દાનિશ પાંડોર)ના ગળે ઉતારી દીધું છે કે રહેમાનની મોત માટે પઠાન ગેન્ગનો અર્શદ પપ્પુ (અશ્વિન ધર) અને એસ. પી. ચૌધરી અસલમ (સંજય દત્ત) જવાબદાર છે. પછી ગેન્ગવોરમાં પપ્પુનો વીંટો વાળીને હમઝા હુઝૈને આંટીમાં લે છે. એ હુઝૈરને દુબઈભેગો (પછી કરાચીની જેલભેગો) પણ કરી દે છે. હવે વરસોના તપ પછી હમઝાએ મૂળ લક્ષ્ય આંબવાનું છે. એ છે પાકિસ્તાની આતંકવાદીઓની તબાહી. બસ, એ માટે અજય સન્યાલ (આર. માધવન)નું ગ્રીન સિગ્નલ મળવાની રાહ છે…

હવે, ‘ધુરંધર – ધ રેવેન્જ’ના જબરદસ્ત પ્લસ પોઇન્ટ્સની વાત. બેઉ પ્રકારના પ્લસ પોઇન્ટ્સ… એક તો ફિલ્મ તરીકે અને બીજી, ભારતીય સેન્ટિમેન્ટ્સ તરીકે.
- આજકાલ જ્યાં બે-સવાબે કલાકની ફિલ્મ દર્શકને સતત સ્ક્રીન પર નજર રાખવામાં સફળ થતી નથી ત્યાં આદિત્ય ધરની ફિલ્મ, ૨૨૯ મિનિટની સખત લંબાઈ છતાં, સતત ગતિશીલ અને જકડી રાખનારી છે. ખરેખર, ફિલ્મ માટે લંબાઈ કોઈ ઇશ્યુ હોતો નથી, જો મેકર જાણતો હોય કે દર્શકોનાં દિલ સુધી કેવી રીતે પહોંચવું. સાઉથની અમુક ફિલ્મોએ નજીકના ભૂતકાળમાં આ વાત સિદ્ધ કરી જ છે. બોલિવુડમાં એને જબરદસ્ત રીતે સિદ્ધ કરે છે આ ફિલ્મ.
- છએક ચૅપ્ટર્સ અને ઉપસંહારના અમુક ભાગોમાં ફિલ્મની કથાનો સમયનો પનો ૨૦૦૦ના વરસથી વર્તમાન સુધી પહોંચે છે. છતાં, ફિલ્મ ઓલમોસ્ટ અસ્ખલિત છે. કાલ્પનિકતા, વાસ્તવિકતા અને આકસ્મિકતા (ફેક્ટ્સ અને ફિક્શન્સ) વચ્ચે એ જબરદસ્ત સંતુલન રાખી શકી છે.
- ડ્રામાને ડંકાની ચોટ પર, કોઈ ચોખલાઈ કે સુષ્ઠુવેડા સાથે પેશ કરવાથી ‘ધુરંધર – ધ રેવેન્જ’ બેધડકપણે અળગી રહે છે. એ ધરાર શંખનાદ સાથે ઘોષણા કરે છે, “મારે પાકિસ્તાનની અસલિયત, એની હલકી જાત દર્શકો સામે મૂકવી છે. એમાં કોઈના બાપની સાડીબારી રાખવી નથી.” આવી મર્દાના સ્પષ્ટતા સાથે ફિલ્મ પાડોશી દેશનાં રીતસર ચીંથરાં ઉડાડે છે. એ પણ સત્યના સબળ પીઠબળ સાથે. એટલે જ, ભારતીય હૃદય માટે એ મનોરંજન અને મનોમંથન બેઉ ઇમોશન્સનો મહાસાગર એકસાથે અને એકધારો સર્જે છે.
- હોલિવુડે અમેરિકાની ઇમેજ ચમકાવતી અને એના દુશ્મનોની ધજિજ્યાં ઉડાડતી અનેક ફિલ્મો બનાવી છે. એ દિશામાં ભારતે અને બોલિવુડે ઉઠાવેલું સૌથી નક્કર કદમ ‘ધુરંધર’ ફિલ્મ્સ છે. એ ખરા અર્થમાં દુનિયા સમક્ષ, પાકિસ્તાનની હલકાઈને છતી કરતી ઉત્તમ ઇન્ડિયન ફિલ્મી ડિપ્લોમસી છે.
- આ કદાચ પહેલી એવી ફિલ્મ હશે જેમાં પાકિસ્તાન માટે, ક્ષણાર્ધવાર પણ, જોનારને કૂણી લાગણી થવાનો સ્કોપ નથી. ઊલટું, ઘણી ફિલ્મોમાં શાતિર, કપટી અને ખંધું લાગતું પાકિસ્તાન અહીં બેવકૂફ, પાની કમ અને હાસ્યાસ્પદ લાગ્યા કરે છે. મોદીના રાજમાં ભારત આમ પણ હુમલા પછી પ્રત્યાઘાત આપનારા દેશની ઇમેજમાંથી બહાર આવીને, “ઘર મેં ઘૂસ કર મારેંગે”ની ઇમેજ ધરાવતો દેશ બન્યો છે. ‘ધુરંધર – ધ રેવેન્જ’ એની જબરદસ્ત ફિલ્મી ગર્જના છે. એટલે જ ફિલ્મ 140 કરોડ હૈયાને પોરસ કરાવનારી બની છે.
- રણવીર સિંઘને પાર્ટ વનમાં અંડરપ્લે કરવાની ફરજ પડી હતી. પહેલા ભાગમાં કથાનક એવું હતું. બીજા ભાગમાં એને પૂરી લંબાઈ પર શાસન કરવાનો એકાધિકાર મળ્યો છે. રણવીર ‘બૅન્ડ બાજા બારાત’થી જ પરફોર્મન્સના પાવરહાઉસ તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયો હતો. આ ફિલ્મ એની કરિયરની એક સૌથી મહત્ત્વપૂર્ણ ફિલ્મ છે એમાં, ભાગ બીજો જોયા પછી, શંકાને લેશમાત્ર સ્થાન રહેતું નથી.
- એના પછી જે કલાકારોને પોતાની તાકાત દર્શાવવાનો મહત્તમ સ્કૉપ મળ્યો છે એ અર્જુન રામપાલ (મેજર ઇકબાલ તરીકે), સંજય દત્ત (એસ. પી. ચૌધરી અસલમ તરીકે), આર. માધવન (અજય સન્યાલ તરીકે) અને રાકેશ બેદી (જમીલ જમાલી તરીકે) છે. આ ચારેય અનુભવી અને સશક્ત કલાકારો ફિલ્મ પર પોતાની જબરદસ્ત અસર છોડી જાય છે. અર્જુન સિવાયના ત્રણના ફાળે તો એવી પૂરતી ક્ષણો પણ આવી છે જ્યારે એમની હાજરીમાત્ર દર્શકોને ઝણઝણાટી કરાવી દે અને સીટીઓ મારવા કે ચિચિયારી પાડવા મજબૂર કરી દે.
- પાકિસ્તાની આતંકવાદ અને એની સાથે એ દેશના આઈએસઆઈ અને રાજકારણની નફ્ફટ સાંઠગાંઠનો ફિલ્મ કોઈ શરમ રાખ્યા વિના પર્દાફાશ કરે છે. ત્યાં સુધી કે ફિલ્મ પાકિસ્તાનના તુર્રમ ખાં લીડર્સ, આસીફ અલી ઝરદારી (જેમના પાત્ર જેવું પાત્ર આકીબ અલી ઝરવારીનું છે અને એ ભજવે છે સંજય મહેંદારિટ્ટા), નવાઝ શરીફ (ફિલ્મમાં નવાબ શફીક અને એ પાત્ર ભજવે છે મશહૂર અમરોહી)ને પણ એ બક્ષતી નથી. અરે, દાઉદ ઇબ્રાહિમ (એ બન્યો છે દાનિશ ઇકબાલ)ને પણ ફિલ્મ સીધો આંટીમાં લે છે અને એના સહિત પાકિસ્તાનની આબરૂના લીરેલીરા કરે છે.
- આ સિવાય, કરાચીના ગુંડાઓ, ચૌધરી અસલમ સહિતના પોલીસ અધિકારીઓ, જમીલ જમાલી વગેરે પાત્રો આદિત્યએ કોઈના બાપની સાડીબારી રાખ્યા વિના સીધેસીધા પાકિસ્તાનની રિયાલિટીમાંથી ઉઠાવ્યાં છે. જાણે એ વાંકદેખાને પડકાર ફેંકે છે, “તાકાત હોય તો ઉઠાવ અવાજ અને સાબિત કર કે મારી ફિલ્મ ગપગોળાં હાંકે છે.” અને બોસ, આદિત્યને ખોટો પાડવાની ઓકાત તો પાકિસ્તાનમાં પણ નથી.
- ફિલ્મ સતત માતૃભૂમિની મોહબ્બત, મર્દાનગી અને મિશનની કામયાબી આસપાસ ફરતી રહે છે. એમાં ક્યાંય મોળી ફિલ્મની જેમ ધ્યાન ભટકાવતી હીરો-હિરોઇનની લવબાજી નથી, આઇટમ નંબર નથી, છીછરી કૉેમડી નથી… ધીસ ઇઝ એક્સેલન્ટ. એટલી હદે કે સારા અર્જુનના ફાળે પણ ફિલ્મમાં જૂજ દ્રશ્યો જ છે, બસ.
- ૨૦૦૦ની સાલ અને વર્તમાનકાળ સુધી પનો પથરાયેલો હોવા છતાં, અને પહેલા ભાગની જેમ આ વખતે પણ એક પછી એક ચૅપ્ટર્સ (વત્તા ઉપસંહારના અલગ ભાગ) હોવા છતાં, ‘ધુરંધર – ધ રેવેન્જ’ જબરદસ્ત રીતે એકતાંતણે બંધાયેલી, સમજવામાં સહેલી અને માણવામાં મસ્ત છે. ફિલ્મમેકિંગમાં આવી સચોટતા, સ્નિગ્ધતા, સહજતા, સલૂકાઈ અને શ્રેષ્ઠતાનું સંગમ આદિત્ય કરી શક્યો છે એ જબરદસ્ત છે. “હવે દર્શકો ક્યાં લાંબી ફિલ્મ જુએ છે?” કે પછી, “લોકોને શું ગમે છે એની ખબર જ પડતી નથી,” એવાં રોદણાં રડનારા અને, સ્ટુપિડ ફિલ્મ બનાવ્યા પછી, “દ્રાક્ષ ખાટી છે”ની ખોટ્ટી ફરિયાદ કરનારા માટીપગા દિગ્દર્શકોએ આદિત્ય કૉચિંગ ક્લાસમાં એડમિશન લેવા જેવું છે.
- ગીતોનુ ભરપૂર રેટ્રો ફિટિંગ કરીને અને પાર્શ્વસંગીતમાં વૈવિધ્યસભર વાજિંત્રોનો કલ્પનાશીલ ઉપયોગ કરીને આદિત્યએ મ્યુઝિકની પણ જબરદસ્ત સિગ્નેચર કરી છે. દિલ પે ઝખ્મ ખાતે હૈ, હમ પ્યાર કરને વાલે, દીદી, તીરછી ટોપી વાલે, બાઝીગર ઓ બાઝીગર, રા રા રાસ્પુતિન… કોને ખબર આદિત્યને આટઆટલાં વેરીએશનનાં ગીતો એક જ ફિલ્મમાં સર્રસ રીતે ફિટ કરી શકાય એવી સેન્સ ક્યાંથી આવી હશે? અને વાજિંત્રો? ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે અને આદિત્યની પીઠ થાબડવાનું મન થશે કે દેશી અને પાશ્ચાત્ય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું આવું સંયોજન ભાગ્યે જ કોઈ ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં થાય છે.
- ફિલ્મ સતત ભારેખમ, ગંભીર, ગાળાગાળી અને ખૂનામકરીથી છલોછલ છતાં, દર્શક સાથે તાદાત્મ્ય જાળવવામાં જબરદસ્ત સફળ રહે છે. એનાં બે દેખીતાં કારણોમાં પહેલું અને વધુ મહત્ત્વનું કારણ ભલે પાકિસ્તાનને એની ઓકાત બતાવવાનું હોય પણ, બીજું કારણ પણ અગત્યનું છે. એ છેઃ ફિલ્મનું વ્યાકરણ બરાબર ગોઠવવાની કળા પર આદિત્યની હથોટી. એણે ૨૦૧૯માં ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં પણ એ સાબિત કર્યું હતું. ત્યારે જોકે ઘણાને એમ કે આ યુવા દિગ્દર્શક લક બાય ચાન્સ ફાવી ગયો અને સારી ફિલ્મ બનાવી ગયો. હવે, બબ્બે ધુરંધર્સ પછી કબૂલ કરવું રહ્યું કે ૪૩ વરસના આદિત્યમાં ફિલ્મમેકિંગના છત્રીસેય ગુણ છે.
- લગભગ અડધો-પોણો ડઝન જ મુખ્ય પાત્રો વચ્ચે ફિલ્મમાં અઢળક પૂરક અને સહાયક પાત્રો છે. એ બધાં જબરદસ્ત રીતે કથામાં વણાયેલાં છે. કથાને સાર્થક કરવા એ બરાબર ‘વપરાયેલાં’ છે. આદિત્યના દિગ્દર્શનની એ એક જબરદસ્ત ખૂબી છે.
- ઇન શોર્ટ, ભલે ‘ધુરંધર’ ઓરિજિનલી સિંગલ અને બે-અઢી કલાકની ફિલ્મ તરીકે પ્લાન થઈ અને છેવટે આપણા આઠ કલાક માગતી દ્વિફિલ્મ બની હોય, જે થયું એ સારા માટે થયું છે. કેમ કે દિલને સ્પર્શી જતું મનોરંજન, દમદાર પરફોર્મન્સ અને આકંઠ અનુભવાતી દેશદાઝનું એ એક્સ્ટ્રાઓર્ડિનરી કોમ્બિનેશન છે. જસ્ટ એન્જોય ઇટ.

ઉપસંહારઃ કોઈ ફિલ્મ જુવાળ બની ગઈ હોય ત્યારે એની ખામીઓ વિશે લખ્યું તોય શું અને ના લખ્યું તોય શું? વળી એવું પણ ખરું કે ફિલ્મ માટે હવા આટલી પ્રચંડ હદે સકારાત્મક હોય ત્યારે એની ખામીઓ તરફ આંગળી ચીંધીએ તો હાંસી થઈ જાય. છતાં, જેઓને પ્રામાણિક નિરીક્ષણ ગમે તેઓ આગળ વાંચીને જાણી શકે છે કે ‘ધુરંધર – ધ રેવેન્જ’ ક્યાં ક્યાં અપેક્ષામાં ઊણી ઊતરે છે. વાંચવું કે નહીં વાંચવું, ચોઇસ તમારી છેઃ
- અતિશય ગાળો વિના પણ ફિલ્મ અસરકારક થઈ શકી હોત. સેન્સર બોર્ડે અનેક જગ્યાએ અભદ્ર શબ્દોને મૂંગા કરી નાખ્યા છતાં, ફિલ્મમાં અસહ્ય હદે અપશબ્દોનો પ્રયોગ કઠે છે.
- એવી જ કઠે છે અમુક જગ્યાએ આવતી હીન શારીરીક હરકતો. ભલે એ બે-ચાર જગ્યાએ જ છે પણ બિલકુલ કઠે છે.
- અમુક ઘટનાઓ લોજિક બહારની છે. આવડા મોટા સ્કૅલની ફિલ્મ બનાવતી વખતે લેખક-દિગ્દર્શક માટે બધે લોજિકલ રહેવું ઇમ્પોસિબલ હોય એ કબૂલ, તો પણ, જે ફિલ્મ બદમાશ પાડોશીનું ચીરહરણ કરવામાં આટલી હદે કામયાબ રહી શકતી હોય એ ક્ષુલ્લક વાતોમાં લોજિકને તડકે ના મૂકત તો બહેતર થાત. દાખલા તરીકે, હમઝા અને એની બીવી યાલીના વચ્ચે, સૌથી નિર્ણાયક દ્રશ્યમાં કેમ એ સચોટતા નથી જે વાહ પોકારાવી દે?
- લંબાઈ… બેશક અને નિર્વિવાદપણે ખાળી શકાઈ હોત. ફિલ્મની શરૂઆત ધીમી અને અમુક અંશે કંટાળાજનક છે. જસકીરતનો ભૂતકાળ બતાવવો કેટલો જરૂરી હતો? પંજાબમાં પાકિસ્તાની ચરસની દાણચોરીના ટ્રેકથી ઇન્ટરવલ માટે હૂક ઊભો કરવાથી વધુ શું મેળવી શકાયું છે?
- ટૂંકમાં, સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી આવી જૂજ બાબતો જો ટળી હોત તો…
અને છેલ્લે… સૌથી અગત્યની વાત.
‘ધુરંધર – ધ રેવેન્જ’ ફિલ્મ પાકિસ્તાનની નીડરતા સાથે, પુરાવા સાથે, રેવડી દાણાદાણ કરે છે. પાકિસ્તાનની મજાલ નથી કે એ એમ કહી શકે કે આ તો અમને બદનામ કરવાનો ઇન્ડિયન પ્રોપગૅન્ડા છે. આ ફિલ્મ પછી, પાકિસ્તાન સાથે, “મેરે દુશ્મન, મેરે ભાઈ, મેરે હમસાયે” જેવી, ૧૯૯૭ની ‘બોર્ડર’ ફિલ્મ જેવી પ્રેમાળ ભાષા કાયમ માટે ભૂતકાળ બની ગયેલી જાણજો. હવે, પાકિસ્તાન માટે સોફ્ટ કોર્નર દેખાડતી ફિલ્મ બનાવીને, કદાચ એ ખરેખર સારી હોય તો પણ (‘ઇક્કિસ’ હજી હમણાં જ આવેલી એવી એક સારી ફિલ્મ હતી) દર્શકોને રીઝવવા આસાન નહીં હોય. હવે સિનેમાના પડદા પર પાકિસ્તાનની ઓકાત શી રાખવી અને દેખાડવી એની નવી, આદિત્ય ધર અને ‘ધુરંધર – ધ રેવેન્જ’થી તય થયેલી વ્યાખ્યા માન્ય રહેવાની છે. એટ લીસ્ટ, નજીકના ભવિષ્યમાં તો ખરી જ. વેલ ડન, આદિત્ય, રણવીર એન્ડ ટીમ.


