તો, હવે ફ્લાઇટમાં પ્રયાગરાજ જવું હોય તો જરા રાહત રહેવાની છે. મહા કુંભમેળો શરૂ થયો ત્યારથી એરલાઇનનાં ભાડાં આભને આંબી ગચાં હતાં. હવે એમાં રાહત મળે એવી શક્યતા ઊભી થઈ છે. સતત વધતાં ટિકિટ ભાડાંને લીધે પ્રવાસીઓને ભારે મુશ્કેલી થઈ છે. એના લીધે યાત્રીઓમાં અસંતોષ હતો. હવે છેક આ મામલે ભારત સરકારે હસ્તક્ષેપ કર્યો છે. પરિણામે દેશી એરલાઇન્સે ભાડાંમાં 50% સુધીની કપાત જાહેર કરી છે. આ નિર્ણય મહા કુંભમેળાના અગણિત શ્રદ્ધાળુઓ માટે મુસાફરી સરળ બનાવવાનો પ્રયાસ છે.
મહા કુંભમેળો દર 12 વરસે યોજાય છે. તેમાં કરોડો શ્રદ્ધાળુઓ, સાધુઓ અને પ્રવાસીઓ પણ જોડાય છે. ભારે ભીડને કારણે પ્રયાગરાજ જવા માટેની દરેક પ્રકારની ટિકિટની કિંમતો વધી છે, પછી એ વિમાનની ટિકિટ હોય કે ટ્રેનની. હવે, જાણકારી અનુસાર, દિલ્હી-પ્રયાગરાજ, મુંબઈ-પ્રયાગરાજ અને બેંગલુરુ-પ્રયાગરાજ જેવા મુખ્ય બે શહેરોના રૂટ પર ટિકિટનાં ભાડાં સામાન્યપણે ₹ 4,000થી ₹ 6,000થી વધી ₹ 15,000થી ₹ 20,000 સુધી પહોંચ્યાં હતાં. આ ભારે વધારો સામાન્ય યાત્રીઓ માટે મુશ્કેલી સર્જતો હતો. લોકોની ફરિયાદો વધતાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને ભાડાં ઓછાં કરવા સૂચના આપી હતી. એના પગલે ઇન્ડિગો, એર ઇન્ડિયા, આકાસા એર વગેરે એરલાઇન્સે 30%થી 50% સુધી ભાડાંમાં ઘટાડાની જાહેરાત કરી છે.
આ વિશે ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમુક રૂટ માટે ભાડાં ઓછાં કરવામાં આવ્યા છે. નાગરી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ પર ઊંચા ભાડાંનો બોજ નહી લદાવો જોઈએ. મુસાફરી સસ્તી અને સુલભ રહે એ જરૂરી છે.
મહા કુંભમેળો માત્ર ધાર્મિક ઇવેન્ટ નથી. આર્થિક અને સામાજિક રૂપે પણ એ એક મહત્વનો પ્રસંગ છે. સ્થાનિક વેપાર, હોટલ અને વાહન વ્યવહાર માટે મહા કુંભમેળો મોટી બાબત છે. હવાઈ ભાડાંમાં થયેલા ઘટાડાથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ભાગ લઈ શકશે. સરકારે રેલવે અને રોડ ટ્રાન્સપોર્ટ માટે પણ ભાવ નિયંત્રણ પર ધ્યાન આપવાનું કહ્યું છે. પ્રયાગરાજ એરપોર્ટની સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા માટે પણ કામગીરી ચાલી રહી છે.
જોકે ભાડાં ઘટાડા છતાં ભવિષ્યમાં એમાં ફરી વધારો થવાની શક્યતા નકારી શકાય એમ થી. માટે, જ્યારે વિમાનની ટિકિટો સસ્તી થઈ છે ત્યારે મહા કુંભમેળામાં જવા ઇચ્છુકોએ વહેલાસર ટિકિટ બુક કરી લેવી એ સૌથી સલાહભરી બાબત છે. હાલ માટે આ નિર્ણય શ્રદ્ધાળુઓ માટે રાહતરૂપ છે.