‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું મુંબઈમાં શુક્રવારે રાતે આકસ્મિક અવસાન થયું હતું. શેફાલી 42 વર્ષની હતી. અહેવાલો અનુસાર શેફાલીને તેના પતિ, અભિનેતા પરાગ ત્યાગી અને અન્ય ત્રણ જણ મુંબઈના ઉપનગર અંધેરી સ્થિત બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. મીડિયા અહેવાલો અનુસાર ‘શેફાલીને હોસ્પિટલમાં દાખલ કરાય એ પહેલાં તેનું અવસાન થઈ ગયું હતું. તેમના પતિ અને કેટલાક અન્ય લોકો તેમની સાથે હતા.’
પત્રકાર વિકી લાલવાણી સહિતના અમુક પત્રકારોના પ્રારંભિક અહેવાલો જણાવે છે કે શેફાલીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. મૃત્યુનું સત્તાવાર કારણ કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ નક્કી થશે. બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. સુશાંતે મીડિયાને જણાવ્યા અનુસાર, ‘અમે શેફાલીના પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ મોકલી રહ્યા છીએ.’ હોસ્પિટલના હૃદયરોગ નિષ્ણાત ડૉ. વિજય લુલ્લાએ દર્દીની ગોપનીયતાને ટાંકીને વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
2002ના અત્યંત લોકપ્રિય રિમિક્સ મ્યુઝિક વિડિયો ‘કાંટા લગા’માં કમાલના પરફોર્મન્સથી શેફાલી બેહદ લોકપ્રિય થઈ હતી. એ ગીતને કારણે એને ‘કાંટા લગા ગર્લ’નું બિરુદ મળ્યું હતું. એ વિડિયોએ એને રાતોરાત ખ્યાતિ અપાવવા સાથે અસંખ્ય ચાહકોની માનીતી હતી. બાદમાં ફિલ્મોમાં અભિનય કરતાં શેફાલીએ સલમાન ખાન અને અક્ષય કુમારની મુઝસે શાદી કરોગી (2004)માં કામ કર્યું હતું. એ સિવાય વેબ સિરીઝ બેબી કમ ના (2018)માં એણે અભિનય કર્યો હતો. શેફાલીએ ટેલિવિઝન પર પોતાની છાપ છોડી હતી. નચ બલિયે (સીઝન 5 અને 7) અને બિગ બોસ 13 જેવા રિયાલિટી શોમાં શેફાલીએ ભાગ લીધો હતો. નિખાલસ વ્યક્તિત્વ અને આગવી અદાઓએ એને ખૂબ પ્રશંસા કમાઈ આપી હતી. શેફાલી ટીવી શો શૈતાની રસ્મે (2024)માં પણ દેખાઈ હતી.
ઓન-સ્ક્રીન કારકિર્દી ઉપરાંત, શેફાલી માનસિક સ્વાસ્થ્ય જાગૃતિની હિમાયતી હતી. એપિલેપ્સી બીમારી સામે પોતાની વ્યક્તિગત લડાઈ વિશે શેફાલીએ જાહેરમાં ચર્ચા કરી હતી. એક ઇન્ટરવ્યુમાં એણે જણાવ્યું હતું કે 15 વર્ષની વયે તેમને પ્રથમવાર એપિલેપ્સીનો એટેક આવ્યો હતો. બીમારી પર કાબૂ મેળવવા એણે દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર કરીને સફળતા મેળવી હતી. પરિણામે ઘણાં વરસ એ એટેકને ખાળી શકી હતી. મહિલા સશક્તિકરણની હિમાયતી તરીકે શેફાલીની આગવી છાપ હતી. સોશિયલ મીડિયા પર ખાસ્સી લોકપ્રિયતા સાથે ઇન્સ્ટાગ્રામ પર શેફાલીના 33 લાખથી વધુ ફોલોઅર્સ છે.
જરીવાલાના આકસ્મિક અવસાનના સમાચારે એના ચાહકો, મિત્રો અને મનોરંજન ઉદ્યોગમાં શોકની લાગણી પ્રસરાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એને શ્રદ્ધાંજલિઓથી અપાઈ રહી છે. શેફાલીના પરિવારમાં એના પતિ પરાગ ત્યાગી છે, જેની સાથે એણે 2014માં લગ્ન કર્યાં હતાં. એ પહેલાંના લગ્નમાં એ હરમીત સિંહની પત્ની હતી અને બેઉએ 2009માં છૂટાછેડા લીધા હતા. શેફાલીના પરિવાર કે તેના પ્રતિનિધિએ હજી સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કર્યું નથી. એના અંતિમ સંસ્કારની વિગતો પણ જાહેર થવાની બાકી છે.


