આશરે પોણાબસોની વસતિવાળી આ પોળના રહેવાસીઓ યથાશક્તિ ચણ-પાણી નીરીને ચબૂતરાને કાર્યરત રાખવાનો સંનિષ્ઠ અને સરાહનીય પ્રયાસ કરતા રહે છે
રાયપુર વિસ્તારમાં કોટની દેખાય છે પાંચ હાડીનો પોળ. સરસ મજાનો પ્રવેશદ્વાર અને સારી રીતે મેઇન્ટેઇન થતી આ પોળમાં પથ્થરનો એક આકર્ષક ચબૂતરો છે. એનું આયુષ્ય દોઢસો વરસથી વધારેનું હશે અને એની ગણના હેરિટેજ સ્થાપત્યમાં થાય છે.

પોળ હશે બસો વરસ જૂની. અમદાવાદ હેરિટેજ વિભાગે પાંચેક વરસ પહેલાં આ ચબૂતરાનું સમારકામ કરાવ્યું હતું. તેના લીધે અત્યારે આ ચબૂતરો ખાસ્સી સારી સ્થિતિમાં હોવાનું પ્રતીત થાય છે. પીળા રંગના આ ચબૂતરાનું સ્થાપત્ય ખરેખર જૂની કારીગરીમાં છુપાયેલી સૂઝબૂઝનો પણ ખ્યાલ આપનારું છે. એની ઊંચાઈ પંદરેક ફૂટ જેટલી છે. ચબૂતરાના મુખ્ય ગોળાકાર ભાગમાં ચણ કે પાણી નીરવા માટે અહીં સરસ ગોઠવણ છે. સીડીને બદલે કિલ્લામાં જેમ પથ્થરોનાં પગથિયાં જડવામાં આવે છે તેમ આ ચબૂતરામાં પથ્થર જડવામાં આવ્યા છે.
આ પોળમાં હનુમાનજી અને રણછોડરાયજીનાં મંદિરો પણ છે જે ચબૂતરા જેટલાં જ જૂનાં છે. આશરે પોણાબસોની વસતિવાળી આ પોળના રહેવાસીઓ યથાશક્તિ ચણ-પાણી નીરીને ચબૂતરાને કાર્યરત રાખવાનો સંનિષ્ઠ અને સરાહનીય પ્રયાસ કરતા રહે છે. આ ચબૂતરો પોળના પંચની કામગીરી હેઠળનું સ્થાન છે અને પંચની એવી ભાવના પણ છે કે ચબૂતરાનો જિર્ણોદ્ધાર કરાવીને તેને વધુ ઉપયોગી બનાવીએ. જોકે હેરિટેજ લિસ્ટમાં તેને સ્થાન મળ્યું હોવાથી ચબૂતરાનો જિર્ણોદ્વાર પોતાની રીતે કરાવવું તેમના માટે આસાન નથી.
જો જિર્ણોદ્વાર માટે મહેનતપૂર્વક મંજૂરીઓ મેળવવામાં આવે અને ચબૂતરાને, તેની શોભા ઘટાડતા કેબલ્સ વગેરેથી મુક્ત કરાવવામાં આવે તો શક્ય છે આ ચબૂતરો ફરીવાર સોનેરી દિવસોનો સાક્ષી બને. સાથે પક્ષીઓને પણ અહીં આવીને પોરો ખાવાની વધારે લાલચ થાય!
ચોરો ને ચબૂતરો જી રે!
ચોરે બેસીને ગીત ગાતા પટેલિયા,
ચબૂતરે પારેવડાં જી રે…
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.