(નોંધઃ આ શ્રેણીમાં આપણી પોતાની, મીઠી ગમતીલી ગુજરાતી ભાષા વિશે, એના ટેક્નોલોજી સાથેના સંબંધ વિશે, એના લીધે સર્જાયેલી શક્યતાઓ અને સમસ્યાઓ વિશેની ચર્ચાથી લખાણ શરૂ થયું છે. એમાં આપણી ભાષાને સ્પર્શતા અન્ય મુદ્દા પણ આવશે. આશા છે તમને લેખમાળા વાંચીને ચર્ચામાં સંકળાવાનું મન થશે. એ માટે વધુ કશું નહીં બસ, કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવ જરૂર લખશો)
નવી નોંધઃ આ પહેલાંના ભાગ વાંચવાના રહી ગયા હોય તેમના માટે આ રહી લિન્ક્સ, ક્લિક કરશો કે પહોંચી જશો.
ભાગ એક વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ બે વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ ત્રણ વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ ચાર વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ પાંચ વાંચવા અહીં ક્લિક કરો..
ભાગ છ વાંચવા અહીં ક્લિક કરો.
હવે આગળ…
ભાગ સાત

ગુજરાતી ભાષાને આપણે ટેક્નોલોજીની મદદથી વધુ સારી રીતે ખેડતા થયા છીએ. સૌ મોબાઇલ પર, કોમ્પ્યુટર પર સહેલાઈથી ગુજરાતી લખી અને વાંચી શકે છે. એનાથી સ્વભાષામાં સંવાદ વધ્યો છે. આપણે આ લેખમાળામાં આ પહેલાં સમય સાથે આપણી, અને બીજી અનેક ભાષાના ધીમા પણ મક્કમ ઉત્થાનની વાત કરી. એ વાત પણ કરી કે આપણી ભાષાને ટેક્નોલોજીમાં અહીંથી આગળ લઈ જવા હજી ઘણાં સાધનો, ઘણી બાબતો ખૂટે છે. જેમ કે સમય સાથે તાલ મિલાવતો શબ્દકોશ આપણી પાસે નથી. ગુજરાતી માટે સ્પેલચેકર નથી. ગ્રામરલીની જેમ ગુજરાતીના લખાણની ભૂલો તરફ આંગળી ચીંધે અને સુધારો સૂચવે એવાં સાધન નથી. અગણિત પરભાષી શબ્દોના ગુજરાતી પર્યાય નથી. એટલે, આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ હોવા છતાં, એનો સચોટ ઉપયોગ કરવા એને જે પ્રમાણેનો ગુણવત્તાસભર ‘ગુજરાતી ખોરાક’ આપવો જોઈએ એ આપણે આપી શકતા નથી.

પાયાની ચીજો હોય તો ગૂગલ ટ્રાન્સેટ કે ચેટજીપીટી જેવાં સાધન ટકોરાબંધ ગુજરાતી લખવામાં સહાયરૂપ બની શકે. એમાં પણ એક મુશ્કેલી આવશે. આપણે અગણિત પરભાષી શબ્દોનું ગુજરાતીકરણ કર્યું નથી. એટલે ટેક્નિકલ સાધનોએ કાં તો આપણને અંગ્રેજીમય ગુજરાતી આપવું પડે છે કાં માથું ખંજવાળતા રહેવું પડે છે. એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગનું કશું પણ ‘કરી’ નાખે. દાખલા તરીકે, પ્રારંભિક સાર્વજનિક બલિ, કે પછી, મૌલિક જાહેર આહુતિ. આવું ખરેખર થઈ શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગમે ત્યાં અફળાઈ શકે છે. એ માતેલો સાંઢ છે. એને ધૂંસરી ઘાલીને દિશા ના બતાવો તો પતી ગયું.

કોઈકે જાગૃત થવું પડશે. ગુજરાતીને આજમાં નહીં, આવતીકાલમાં, પચીસ-પચાસ વરસ પછીના સમયમાં નિહાળવી પડશે. આપણે સમયના એવા વળાંક પર છીએ જ્યાં ભાષા ભલે બાપીકી કન્યા પણ એ ટેક્નોલોજીના પિયરે ઝાઝું રહે છે. એને ક્યાં અને કેમ વાળવી એની કળ અજાણતાં વિદેશીઓના હાથમાં આવી ગઈ છે. એના લીધે, બે-ત્રણ દાયકામાં સાત-આઠ કરોડ ગુજરાતીઓ જે રીતે ગુજરાતી લખશે એ વિદેશીઓ અને ટેક્નોલોજી ઠરાવતી થઈ જશે. ‘નવી’ ગુજરાતીના વ્યાકરણના સિદ્ધાંત આપણા વ્યાકરણ પ્રમાણે નહીં, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ફેસબુકને આવડી ગયેલા ગુજરાતી વ્યાકરણ પ્રમાણે હોય એ સબળ શક્યતા છે. એ સમયે સાચું લખનારનો ફિટકાર અને ખોટું લખનારનો જયજયકાર થાય એવી પણ શક્યતા હશે. કારણ સ્પષ્ટ છે. ત્યારે કરોડો વખત વપરાઈ વપરાઈને ખોટું ગુજરાતી સાચું સાબિત થઈ ગયું હશે. ટેક્નોલોજીના દાદાઓનો વાંક એટલો હશે કે પોતાના વેપાર માટે એમણે આપણી (અને અન્ય પ્રજાઓની) ભાષાને અજાણતાં પલીતો દઈ દીધો હશે.

આ કંપનીઓ આવું જાણી કરીને કરે છે એમ કહેવું અયોગ્ય લેખાશે. આ કંપનીઓ ઊંચા પગારે ભાષાકામ માટે માણસો રાખે છે. કંપનીઓ માણસોના ભરોસે કામ કરે છે. મતલબ, આ કંપનીઓને ગુજરાતી ભાષાના કામ માટે જેવા માણસોના જે ફાલ મળે છે, એ પ્રમાણે આપણી ભાષાનું ઘડામણ થઈ રહ્યું છે.
સમય સાથે ઘસાતા ગયેલા ગુજરાતી વ્યાકરણના નિષ્ણાતો હવે નામના બચ્યા છે. મુંબઈની સ્થિતિનું ઉદાહરણ લઈએ. મુંબઈનાં ગુજરાતી પ્રકાશનોમાં ક્યારેક ધમધમતો પ્રૂફરીડિંગ વિભાગ હતો. આજે માત્ર ‘રીડિંગ’ વિભાગ છે. અખબારો-સામયિકો પ્રૂફરિડીંગ વિભાગ ચલાવવા ધારે તો પણ માલિકો, ટ્રસ્ટીઓ, તંત્રીઓના હાથ હેઠા પડ્યા છે. સાચી ગુજરાતી જાણતા પ્રૂફરીડર્સ ક્યાં છે? જેઓ છે તેઓ જીવનના છઠ્ઠા, સાતમાં દાયકામાં છે. એમના પછી ભયંકર શૂન્યાવકાશ સર્જાવાનો છે. વળી, આવા પ્રૂફરીડર્સ પણ આંગળીને વેઢે ગણાય એટલા જ. નવી પેઢીને ગુજરાતીના વ્યાકરણ સાથે ખાસ સંબંધ નથી. એમાં હાથેથી લખાતા સમાચાર-લેખ કોમ્પ્યુટર પર ટાઇપ થવા માંડ્યા છે.
પ્રૂફરીડર્સના અભાવે પ્રકાશનોએ હજી એક પગલું ભરવું પડ્યું છે. એ એવું કે જે વ્યક્તિ જે કાંઈ લખે એણે પોતે વાંચીને એના પર મત્તું મારી દેવાનું. એ વ્યક્તિએ જ નક્કી કરી લેવાનું કે એનું લખાણ છાપવાયોગ્ય છે. ઘણાં પ્રકાશનોને ઉપસંપાદકો એટલે સબ-એડિટર્સ પણ મળી નથી રહ્યા. સબ એડિટર્સનું કામ અન્યોએ લખેલા સમાચાર-લેખને મઠારવાનું અને સુધારવાનું હોય છે. આ ક્ષેત્રે પણ નવા લોકોનો ફાલ ઓછો આવી રહ્યો છે.

બિલકુલ એવો મામલો નવલોહિયા પત્રકારોને મામલે છે. ગુજરાતમાં બેશક નવા પત્રકારો મળી રહે છે. મુંબઈમાં સ્થિતિ ચિંતાજનક છે. ઓછા પગાર, નામ અને વિકાસની ઓછી તકોથી નવી પેઢીના પ્રતિનિધિઓ મુંબઈમાં ગુજરાતી પત્રકારત્વમાં ઓછા આવી રહ્યા છે. પહેલાં આપણી શાળાઓનું નિકંદન નીકળ્યું. હવે સાહિત્ય અને પત્રકારત્વનું નીકળી રહ્યું છે. આપણા પ્રતિષ્ઠિત નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈ શાહ સાથે હમણાં અનૌપચારિક ચર્ચા થઈ હતી. તેઓએ જણાવેલી અમુક બાબતો બહુ ખિન્ન હતી. મુંબઈમાં ગુજરાતી પુસ્તકો વેચતી પ્રિન્સેસ સ્ટ્રીટની દુકાનોમાં આખા દિવસમાં ગણ્યાગાંઠ્યા ગ્રાહકો આવે છે. અમસ્તાં પુસ્તકો નિહાળીને આંખો ઠારવા આવતા લોકો તો નામશેષ જ થઈ ગયા. કવિતાઓના પુસ્તકો લગભગ વેચાઈ નથી રહ્યાં. આ સ્થિતિ મુંબઈની છે, એ ફરી સ્પષ્ટ કરી દઈએ. ગુજરાતમાં મામલો હજી ઠીકઠીક સકારાત્મક છે.
ટેક્નોલોજી પર આવીએ. ટેક્નોલોજીમાં ગુજરાતીને સારી રીતે આગળ વધારવાની આવી જરૂર ક્યારેય નહોતી. સાચી અને સારી ગુજરાતીના જાણકારો ટેક્નોલોજીના મોરચે સ્થાન બનાવે, ઓછા જ્ઞાનીઓ પાસેથી અખત્યાર લઈ લે બહુ જરૂરી છે. એ માટે ટેક્નોલોજીનું સુકાન જેમના હાથમાં છે એવી કંપનીઓ સમક્ષ આપણી રાવ પહોંચે એ પણ જરૂરી છે. કોઈકે એમને સમજાવવું પડશો, કોઈકે મદદ કરવી પડશે કે એમને ખબર પડે કે સાચી ગુજરાતી કઈ રીતે લખાય. આપણો પક્ષ લઈને આ મોરચે મશાલ કોણ ઉઠાવે? એકલદોકલ માણસ કરી શકે એવું આ કામ નથી. એ માટે સંસ્થાકીય સ્તરે, પ્રજાકીય સ્તરે, સંગઠિત રીતે મેદાનમાં આવવું પડશે. અન્યથા, આપણી ભાષાને પડતી તકલીફો ચક્રવૃદ્ધિ દરે વધતી જશે.

નબળીસબળી ગુજરાતી સાથે અંગત ધોરણે કોઈ કામ કરે ત્યાં સુધી વાંધો નહોતો. દાખલા તરીકે, પચાસ વરસ પહેલાં આંતરદેશીય પત્રમાં કોઈકે ખોટી ગુજરાતી લખી તો ચાલી જતું. એની અસર વ્યક્તિગત રહેતી હતી. એ ખાનગી લખાણ ખાનગી રહેતું હતું. આજે લખાણ ટેક્નોલોજીથી ક્યાં ને ક્યાં પહોંચી જાય છે. ખાનગી લખાણ પણ ખરેખર ખાનગી રહે નહીં એવી સ્થિતિ છે. કોઈ ખોટું લખે, મશીન પર ખોટું ટાઇપ કરે ત્યારે, બની શકે એ લખાણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના, મશીન લર્નિંગના સાધનનો ‘ખોરાક’ બને. એના આધારે એ સાધન ગુજરાતી શીખી રહ્યું. એને થાય કે અચ્છા, ગુજરાતીમાં ફલાણો શબ્દ, ફલાણું વાક્ય, ફલાણી અભિવ્યક્તિ આ રીતે લખાય છે, થાય છે. એણે શીખી લીધું એટલે એ જ્ઞાન એ લાખો લોકોને પીરસવા માંડે છે. એમ, ખોટી ગુજરાતી સાર્વજનિક થઈ જાય છે. છેલ્લાં થોડાં વરસમાં આ રીતે ખોટી ગુજરાતી બહુ પ્રસરી છે. ગુજરાતીઓએ વ્યાકરણ અને ભાષાવૈભવના મામલે ખરેખર નીંભરતા દાખવી છે, એનું વરવું પરિણામ ટેક્નોલોજીમાં છલકી રહ્યું છે. ઇન્ટરનેટના છાપરે ચડીને હવે એ સાતેય ખંડમાં ગાજી રહ્યું છે.
આપણે જો ભગવતસિંહજીના પગલે ચાલીને કોશકાર્યને હોંશકાર્ય બનાવીએ, પરભાષી શબ્દોને ગુજરાતીમાં ઢાળીએ, સાચા વ્યાકરણને સાર્વજનિક કરવા પ્રયાસ કરીએ, તો સ્થિતિ બદલાશે. પછી ટેક્નોલોજીમાં ગુજરાતીનું આડેધડ હનન નહીં થાય. અતાયર સુધીમાં જે થયું છે એ થયું. આપણે અહીંથી પણ બાજી બદલી શકીએ છીએ. બસ, એકવાર એ સમજી લઈએ કે હોતા હૈ, ચલતા હૈ, ગુજરાતી હે, એ સાંખી શકાય એવી ગુસ્તાખી નથી એટલે નથી.
આવતી લેખમાં ગુજરાતી પર ઝળુંબતા હિન્દી ભાષાના ભૂતની વાત કરીશું.
(ક્રમશઃ આશા છે આનંદભેર તમે આ લેખમાળા વાંચી રહ્યા છો. અને હા, લેખ વાંચીને અંતે તમારો પ્રતિભાવ લખવાનું નહીં ભૂલશો. આભાર.)