એક સ્થાનિક રહેવાસી તો ત્યાં સુધી જણાવે છે કે ચબૂતરો અમારે મન એક ધર્મસ્થાનક જેટલી જ મહત્તા રાખે છે કેમ કે જીવદયા તો પ્રભુને ગમતી બાબત છે!

શહેરના દરિયાપુર વિસ્તારમાં કડવા પોળ છે અને કડવા પોળમાં છે રાજપૂત વાડો. લગભગ બધાં ઘર જ્યાં કડવા પટેલ સમાજના છે તેવા આ વાડામાં લોખંડનો એક સીધોસાધો ચબૂતરો પથ્થરના નાનકડા ઓટલા પર નિરાંતે ઊભો જોવા મળે છે. આ ઓટલાનું પણ પોળમાં વિશેષ મહત્ત્વ છે, ચબૂતરાની જેમ.
જૂની શૈલીના, સાગનાં લાકડાંમાંથી બનાવવામાં આવેલાં ઘર આ વાડાને જોવા જેવો બનાવે છે. અહીં નવાં બંધાયેલાં ઘરો પણ છે જેના લીધે પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યશૈલી અને જીવનશૈલી વચ્ચે જુગલબંધી ચાલતી હોય તેવું લાગે છે. અનુશાસિત અને મીઠાશભરી રહેણીકરણી ધરાવતા આ વાડામાં ચબૂતરાનો નિભાવ સારી રીતે કરવામાં આવે છે. ચબૂતરો રહેવાસીઓના જીવનનો અંતરંગ ભાગ છે. વાડામાં થતાં નાનાં-મોટાં ફંક્શન્સ પણ ચબૂતરાના ઓટલ ઉજવવામાં આવે છે.
એક સ્થાનિક રહેવાસી તો ત્યાં સુધી જણાવે છે કે ચબૂતરો અમારે મન એક ધર્મસ્થાનક જેટલી જ મહત્તા રાખે છે કેમ કે જીવદયા તો પ્રભુને ગમતી બાબત છે! અહીંના ચબૂતરાને લાલ-પીળા-બ્લ્યુ રંગથી શક્ય તેટલી સરસ રીતે શણગારવામાં આવ્યો છે. મોકળાશ હોવાથી પક્ષીઓને પણ અહીં આનંદની લાગણી થતી હશે એ સહજ બાબત છે. એ વાત પણ નોંધનીય છે કે ગંદકી, કેબલ્સનાં દૂષણ વગેરેથી ચબૂતરાને મુક્ત રાખવામાં આવ્યો છે. ખૂબ સરસ, કડવા પોળ, રાજપૂત વાડાના રહેવાસીઓ!
વિશ્વમાં પક્ષીઓની સંખ્યા કેટલી છે? પાકો આંકડો મળવો શક્ય નથી. વૈજ્ઞાનિકોના મતે આ સંખ્યા ૧૦ હજાર કરોડથી ૨૦ હજાર કરોડ વચ્ચે રમ્યા કરે છે કેમ કે ઘણાં પક્ષીઓ ઓછું આયુષ્ય ધરાવતાં મોસમી પક્ષીઓ છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.