
વાયુસેનાના વડા (CAS) એર ચીફ માર્શલ એપી સિંહે વિકસતા ભૂ-વ્યૂહાત્મક પરિદૃશ્યમાં ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ઝડપી ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓ વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) ખાતે કાયમી ફેકલ્ટી સાથે 80માં સ્ટાફ કોર્સમાં ઉપસ્થિત ભારતીય સશસ્ત્ર દળોના વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરી રહ્યા હતા. સીએસએ એ 11-12 માર્ચ 2025ના રોજ ડીએસએસસીની મુલાકાત લીધી હતી.
એર ચીફ માર્શલ એપી સિંહે કોર્સ અધિકારીઓને પરિવર્તનને સ્વીકારવા, બદલાતા જોખમોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવા અને ભવિષ્યના સંઘર્ષો માટે અનુકૂલનશીલ વ્યૂહરચના ડિઝાઇન કરવાનો આગ્રહ કર્યો હતો. સંયુક્ત કાર્યના મહત્વ પર ભાર મૂકતા, તેમણે લડાઈ અસરકારકતા વધારવા માટે ત્રણેય સેવાઓ વચ્ચે સંકલિત તાલીમ અને ઓપરેશનલ સિનર્જીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમના સંબોધનમાં, સીએસએ એ ભારતીય વાયુસેના (IAF), તેની ચાલી રહેલી ક્ષમતા વિકાસ પહેલ અને આધુનિક યુદ્ધમાં એકીકૃત કામગીરીના મહત્વ પર વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ પ્રદાન કર્યો. તેમણે ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવામાં આઈએએફ કર્મચારીઓની સિદ્ધિઓ, સ્થિતિસ્થાપકતા અને અતૂટ પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો.
તેમની મુલાકાત દરમિયાન, સીએસએ ને ડીએસએસસીની તાલીમ પ્રવૃત્તિઓ અને સશસ્ત્ર દળો વચ્ચે સંયુક્ત કાર્યને પ્રોત્સાહન આપવા પર તેના ભાર વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જે આધુનિક લશ્કરી તૈયારીનું મુખ્ય પાસું છે. તેમણે સખત શૈક્ષણિક અને વ્યાવસાયિક તાલીમ દ્વારા ભાવિ લશ્કરી નેતાઓને આકાર આપવામાં સંસ્થાની ભૂમિકાની પ્રશંસા કરી.

આ મુલાકાતે આવતીકાલના પડકારો માટે સારી રીતે તૈયાર નેતૃત્વ સુનિશ્ચિત કરીને સંયુક્ત કાર્યકારી ક્ષમતાઓ વધારવા અને આંતર-સેવા સહયોગને મજબૂત બનાવવાની આએએફની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી હતી.