“યે પાકિસ્તાન હૈ, યુ કૅન ટ્રસ્ટ નો વન.”
ધ ડિપ્લોમેટમાં આવા ત્રણ-ચાર સંવાદો છે. જોન અબ્રાહમની અભિનેતા-નિર્માતા તરીકેની આ ફિલ્મ, નિમ્ન અપેક્ષા સાથે જોવા જશો તો દંગ રહી જશો.

2017નું વરસ છે. જે. પી. સિંઘ ઇસ્લામાબાદમાં ભારતીય રાજદૂતના વડા છે. એક દિવસ રાજદૂતાલયના કર્મચારી સામે ભયભીત ઉઝમા અહમદ આવીને કરગરે છે, “હું ભારતીય છું. મને ફોસલાવીને પાકિસ્તાનમાં દોજખ જેવી હાલતમાં ગોંધી રાખવામાં આવી છે. પરાણે નિકાહ કરાવાયાં છે. પ્લીઝ, હેલ્પ.”
મામલો જે. પી. સુધી પહોંચે છે. મુસ્લિમ ઉઝમા ખરેખર ભારતીય છે? કે પાકિસ્તાની? એને આશ્રય આપવામાં જોખમ તો નથી? પ્રાથમિક તપાસ પછી સિંઘ જોખમ વહોરે છે. ઉઝમાને દૂતાલયમાં જ આશ્રય આપે છે. પછી મામલો સ્પષ્ટ થવા માંડે છે. સગાને મળવા મલેશિયાની વિઝિટ વખતે ઉઝમાનો પરિચય પાકિસ્તાની ટેક્સી ડ્રાઇવર તાહિર સાથે થાય છે. એ ઉઝમાને પ્રભાવિત કરે છે. ઉઝમાની થેલેસિમિયા પીડિત દીકરીનો નેચરોપેથીથી પાકિસ્તાનમાં ઇલાજ થશે એવું જણાવે છે. દીકરી ખાતર ઉઝમા પર્યટક વિઝા લઈને પાકિસ્તાન પહોંચે છે. તાહિર એને પોતાના વતન ખૈબર પખ્તુનવા લઈ જાય છે. આ એવો પ્રાંત છે જ્યાં જવાથી બહારના પાકિસ્તાનીઓ પણ થથરે છે. આશાભરી ઉઝમા સામે ત્યાં તાહિરનો અસલ ચહેરો આવે છે.

તાહિરે શાતિર છે, ક્રૂર છે. સ્ત્રીઓને ફોસલાવીને, પરાણે નિકાહ કરીને બંદી બનાવે છે. વેચી પણ મારે છે. બિલકુલ એવી હાલત ઉઝમાની થાય થાય છે. યુક્તિપૂર્વક એ ભારતીય દૂતાલય પહોંચે છે. એવી છેલ્લી આશાએ કે દૂતાલય કંઈક તિકડમ ચલાવીને એને ભારત પાછી મોકલશે.
નાટકીય તત્ત્વોવિહોણી ધ ડિપ્લોમેટ ધીમી પણ માણવાલાયક ગતિએ આગળ વધે છે. ઉઝમા, જે. પી. સિંઘ અને તાહિર કેન્દ્રબિંદુઓ છે. પાકિસ્તાન સાથેના આપણા તંગ સંબંધો સૌને ખબર છે. ભારતીયએ ત્યાંના સખત નિયમો અનુસરવા પડે છે. જરા પણ ચૂક્યા તો… ફિલ્મ આપણને આ નિયમો વિશે ઉજાગર કરે છે. ઉઝમા એક મહિનાના વિઝા પર પાકિસ્તાન પહોંચી હતી. હવે ત્રણ અઠવાડિયાં બાકી છે. એટલામાં પાકિસ્તાનના કાયદા અનુસરતાં એને પાછી મોકલાવવી અનિવાર્ય છે. અન્યથા ગમે તે અનર્થ થઈ શકે છે.

તાહિર અને સાથીઓ આતંકવાદીઓથી કમ નથી. એમના ગામમાં બાળક બંદૂક ચલાવે છે. મધ્યાંતર પર એક બાળક એ સ્ત્રીની નિઘૃણ હત્યા કરતું બતાવાયું છે જેણે ઉઝમાને મદદ કરી હતી. ત્યાં મહિલાઓ ઉપભોગનું સાધન, પગની જૂતી છે. જે. પી.એ મદદ માટે વિદેશ મંત્રાલયને જણાવ્યું છે. તત્કાલીન વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ઉઝમાને સહીસલામત ભારત લાવવા બનતું બધું કરે છે. છેવટે જોકે થશે તો એ જે પાકિસ્તાની અદાલત નક્કી કરશે. એ પછી પણ, તાહિર અને સાથીઓથી બચતાં, ઉઝમાને સહીસલામત વાઘા-અટારી સરહદથી જ, ભારત પહોંચાડી શકાઈ તો…
ધ ડિપ્લોમેટ અ-મસાલેદાર છતાં જકડી રાખે છે. નાટ્યાત્મક સ્વતંત્રતા સાથે, આકાર લેતો એનો ઘટનાક્રમ દમદાર છે. જે. પી.ની મથામણ, ઉઝમાની કફોડી સ્થિતિ, પાકિસ્તાનની ખાડે ગયેલી સ્થિતિ સચોટ પેશ થાય છે. વાસ્તવિક ઘટના પરથી, એટલે જ ક્લાઇમેક્સ સુધી ફિલ્મ દર્શકને ઇન્વોલ્વ રાખે છે. વળી, કોઈ ગીત નથી કે નથી બિનજરૂરી લપછપ. ફિલ્મમાં એવી ક્ષણો પણ છે જે હૈયા સોંસરવી ઉતરે છે. ક્લાઇમેક્સ પહેલાં સુષ્મા સ્વરાજનું ઉઝમાને “તુમ ભારત કી બેટી હો,” કહેતાં આશ્વાસન આપવાવાળું દ્રશ્ય લાગણીશીલ છે. ઉઝમાને વાઘા પહોંચાડવાની આખરી ક્ષણો ડ્રામેટિક છતાં માણવા જેવી છે. આવી સ્ટાઇલ હોલિવુડ ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ. એક આડવાત. જોને જો ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર અને એવી જ નટીને કાસ્ટ કરી હોત તો ફિલ્મનું ઓપનિંગ અને છેવટનું બોક્સ ઓફિસ કલેક્શન અલગ ઊંચાઈને આંબી જાત. એનો એવો અર્થ બિલકુલ નથી કે સિંઘ તરીકે જોન જામતો નથી. ખરેખર તો એની પર્સનાલિટી માટે આ પ્રકારનાં પાત્ર સૌથી બંધબેસતાં છે.
રિતેશ શાહ લેખક છે. જોનના બેનર જે. એ. એન્ટરટેઇનમેન્ટ ઉપરાંત, વકાઉ ફિલ્મ્સ (ઓપ્ટિમિસ્ટિક્સ ફેમ વિપુલ ડી. શાહ), ટી-સિરીઝ, સીતા ફિલ્મ્સ, ફોર્ચ્યુન પિકચર્સ, એમ ચાર બેનર અને નવ નિર્માતાએ મળીને ફિલ્મ બનાવી છે. મનન ભારદ્વાજ અને ઇશાન છાબરાનું પાર્શ્વસંગીત છે. લેખન, નિર્માણ અને સંગીત, ત્રણેય મોરચા અસરકારક છે. કુનાલ વાળવેના સંકલનમાં પણ કચાશ નથી. મેકર્સે ફિલ્મને પાકિસ્તાનની બદબોઈ કરતું માધ્યમ નથી બનવા દીધી. બેશક, ચાર-પાંચ કડક સંવાદ ખરા પણ પ્રસંગોચિત, ટૂંકા અને ધારદાર છે.

અસરકારકતા અભિનયમાં પણ છે. જે. પી. સિંઘ તરીકે જોમ અક્ષરશઃ ફિટ છે. સાદિયા ખાતીબ ઉઝમા તરીકે પરફેક્ટ છે. તાહિર તરીકે જગજીત સંધુ વાસ્તવિક છે. પાકિસ્તાની આઈએસઆઈ અધિકારી મલિક તરીકે અશ્વાત ભટ્ટ (ઓફ રાઝી ફેમ) સચોટ છે. સુષમા સ્વરાજ તરીકે રેવતી ઇફેક્ટિવ છે. ઇસ્લામામાદમાં દૂતાલયના એડ્વોકેટ સઇદ તરીકે કુમુદ મિશ્રા, દૂતાલયના સ્ટાફ મેમ્બર તિવારી તરીકે શારિબ હાશમી પાત્રોચિત છે.
જોન અબ્રાહમે ગયા વરસે વેદા ફિલ્મ આપી હતી. રાજસ્થાનની દલિત કન્યા વિશેની એ ફિલ્મ સાધારણ હતી. વિષયને ન્યાય મળ્યો હોત તો એણે પણ ધ્યાન ખેંચ્યું હોત. એણે અબ્રાહમની નિર્માતા તરીકે વિષય પસંદગીનો ખ્યાલ આપ્યો હતો. વિષયના મામલે ધ ડિપ્લોમેટ એનાથી એક ડગલું આગળ છે. સદનસીબે, એના મેકિંગમાં વેદા જેવી નબળાઈઓ નથી. ફિલ્મ જોવા માટે ખર્ચાતી 137 મિનિટ વ્યર્થ નથી જતી. ફિલ્મની શરૂઆતમાં ડિસ્ક્લેઇમર એટલે અસ્વીકૃતિકરણની લાંબી ઘોષણા છે. આવી વિગતવાર ઘોષણા, એ પણ માત્ર લખાણ નહીં, સ્વરમાં, ભાગ્યે જ કોઈ ફિલ્મમાં આવી છે. આ ઘોષણા કઠે એવી છે. હશે.

એકંદર, જોનની ફિલ્મો એના નાનકડા ચાહકવર્ગ સિવાય અન્યોને ઝટ આકર્ષતી નહીં હોય. હા, પઠાન જેવી ફિલ્મમાં એની હાજરીની વાત અલગ છે. ધ ડિપ્લોમેટ એના ચાહકો ઉપરાંત અન્ય દર્શકો માટે માણવા જેવી છે. એની સ્નિગ્ધતા, વિષયની માજવત, કલાકારોનો અભિનય વગેરે ફિલ્મને પરફેક્ટ મનોરંજન બનાવે છે. શહેરી દર્શકોને એ વિશેષ ગમશે. જરૂર જોજો.
ધ ડિપ્લોમેટ
નિર્માતાઃ જોન અબ્રાહમ, રાજેશ બહલ, રાકેશ ડાંગ, સમીર દીક્ષિત, ભુષણ કુમાર, ક્રિશન કુમાર, વિપુલ ડી. શાહ, અશ્વિન વર્દે, જતીશ વર્મા
દિગ્દર્શકઃ શિવમ નાયર
સંગીતઃ મનન ભારદ્વાજ, ઇશાન છાબરા
બેનરઃ જે. એ. એન્ટરટેઇનમેન્ટ, ટી-સિરીઝ, વકાઉ ફિલ્મ્સ, સીતા ફિલ્મ્સ, ફોર્ચ્યુન પિકચર્સ
રેટિંગઃ સાડાત્રણ સ્ટાર્સ