
મહારાષ્ટ્રને સ્ટાર્ટઅપ્સ હબ બનાવવા માટે રાજયમાં ઇનોવેશન સિટી સ્થાપવાની જાહેરાત સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દરેક પ્રાદેશિક વિભાગ માટે રૂ. ૩૦ કરોડની જોગવાઈની પણ આજે જાહેરાત કરી હતી. સાથે સિડબી તરફથી સ્ટાર્ટઅપ્સ માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઈની પણ જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની નવી સ્ટાર્ટઅપ્સ પોલિસીનો મુસદ્દો તૈયાર છે. આગામી દિવસોમાં એ આ મામલે દેશની સૌથી આધુનિક નીતિ સાબિત થશે એમ તેમણે જણાવ્યું હતું.
બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટરમાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ઇનોવેશન વિભાગ હેઠળની રાજ્ય ઇનોવેશન સોસાયટી વતી ‘એમ્પાવરિંગ ઇનોવેશન, એલિવેટિંગ મહારાષ્ટ્ર’ થીમ પર આયોજિત કાર્યક્રમમાં ફડણવીસે આ જાહેરાત કરી હતી. કાર્યક્રમનું આયોજન નેશનલ સ્ટાર્ટઅપ્સ ડે અંતર્ગત થયુું હતું. રાજ્યમાં સ્ટાર્ટઅપ્સના વિકાસમાં એઆઈ ટેકનોલોજી મહત્તવની ભૂમિકા ભજવશે એમ તેમણે ઉમેર્યું હતું. મજાની વાત કે આ અવસરે તેઓએ દીપ પ્રાગટ્. એઆઈનો ઉપયોગ કરીને કર્યું હતું.

આ પ્રસંગે કૌશલ્ય, રોજગાર, સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢા, કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ ગણેશ પાટીલ, કમિશનર પ્રદીપ કુમાર ડાંગે, બિઝનેસ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સતીશ સૂર્યવંશી, મેરિકો લિમિટેડના ચેરમેન હર્ષ મારીવાલા, કો-ફાઉન્ડર ડો. અપગ્રેડ એન્ડ સ્વદેશ ફાઉન્ડેશનના રોની સ્ક્રુવાલા, નાયકના સ્થાપક અને સીઈઓ ફાલ્ગુની નાયર સાથે, ઇશપ્રીત સિંહ ગાંધી, સ્ટ્રાઇડ વેન્ચર્સ અને સ્ટ્રાઇડવનના સ્થાપક, આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કલ્યાણ ચક્રવર્તી, ગો ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ઇપ્સિતા દાસગુપ્તા, મહારાષ્ટ્ર સહિત દેશભરના ૧,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ ઉપસ્થિત હતા. ટેકનોલોજી, કૃષિ, સેવા ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ્સ અને પ્રવાસન જેવાં ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ફડણવીસે કહ્યું હતું કે નવા ઉદ્યોગ સાહસિકો અને મહિલા ઉદ્યમીઓનાં ઇનોવેશન્સને શક્તિ પ્રદાન કરીને મહારાષ્ટ્રનો ઉત્કર્ષ કરી શકાશે. દેશમાં સ્ટાર્ટઅપના પ્રારંભિક દોરમાં માત્ર ૪૭૧ સ્ટાર્ટઅપ હતાં. આજે ૧,૫૭,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે. મહારાષ્ટ્ર ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિમાંનેતૃત્વ કરી રહ્યું છે, તેવો મત ફડણવીસે વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં હાલમાં ૨૬,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે. મહારાષ્ટ્ર સ્ટાર્ટઅપ્સમાં ટોચનાં સાત રાજ્યોમાંનું એક છે.
મૂડીરોકાણની બાબતમાં મહારાષ્ટ્ર દેશમાં મોખરે છે, ભવિષ્યમાં પણ ઉદ્યોગ સાહસિકોને રાજ્યમાં માનવ હસ્તક્ષેપ વિના પારદર્શક રીતે વ્યવસાય શરૂ કરવાની તક આપવામાં આવશે. મુંબઈ અને પુણેમાં પણ આવા ઉદ્યોગ શરૂ કરવા માટે અનુકૂળ વાતાવરણ છે. મુંબઈ ફન્ડિંગમાં મોખરે છે. પુણે ટેક્નોલોજી અને ઇનોવેશનનું હબ છે. રાજ્યનાં બીજા અને ત્રીજા સ્તરનાં શહેરો મહારાષ્ટ્રના વિકાસમાં નોંધનીય યોગદાન આપી રહ્યાં છે. નાસિક, નાગપુર, ઔરંગાબાદ અને કોલ્હાપુર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરી રહ્યા છે એમ ફડણવીસે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સ્ટાર્ટઅપ કેપિટલ બનશેઃ મંગલપ્રભાત લોઢા
રાજ્યના કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કોન્સેપ્ટ પર દેશમાં કૌશલ્ય વિકાસ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી, તો, ફડણવીસે રાજ્યમાં કૌશલ્ય વિકાસ વિભાગને વેગ આપ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે ફડણવીસ રાજ્યના સ્ટાર્ટઅપ્સને વિશ્વમાં આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતને વિશ્વમાં નંબર વન બનાવવાના મોદીના સપનાને સાકાર કરવા દરેકના પ્રયાસોની જરૂર છે. આ સપનું સ્ટાર્ટઅપ્સથી સાકાર થશે એવું પણ તેઓએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ મહિલા સ્ટાર્ટઅપ્સઃ ફાલ્ગુની નાયર
નાયકાનાં સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફાલ્ગુની નાયર પણ આ પ્રસંગે ઉપસ્થિત હતાં. તેઓએ જણાવ્યું હતું કે મહિલાઓને ઉદ્યોગમાં મોખરે રહેવા માટે સરકારના નિયમો અવરોધ નથી. મુંબઈ અને મહારાષ્ટ્રમાં મહિલાઓ સુરક્ષિત હોવાથી મહારાષ્ટ્ર એ સ્ટાર્ટઅપ કેપિટલ છે અને રાજ્યની મહિલાઓએ ચોક્કસપણે તેનો લાભ મેળવવો જોઈએ.
આ નિમિત્તે સ્ટાર્ટઅપ્સ માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઈ માટે સિડબી (સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા) સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા સ્ટાર્ટઅપ્સના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ ગણેશ પાટીલે આભારવિધિ કરી હતી.
કૌશલ્ય વિકાસ સોસાયટીના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી અનિલ સોનવણે, સ્ટેટ ઇનોવેશન સોસાયટીના જોઇન્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. વિકાસ નાયક, મેનેજર અમિત કોઠાવડે પણ ઉપસ્થિત હતા. અવના દુબાશ અને રાખી તાંબટે સંચાલન કર્યુ હતું.