સમયાંતરે ચબૂતરાના ખુલ્લા ભાગનું સમારકામ પણ થતું રહેતું હોવાથી તેની જમીન પણ વધતે-ઓછે અંશે સમતળ અને પેવર બ્લોક્સથી ઢંકાયેલી રહે છે

મુંબઈમાં આવેલા વિશાળ, કોઈ જ સ્થાપત્ય વિના માત્ર ખુલ્લા ચોગાનમાં કાર્યરત ચબૂતરાઓ જાણીતા છે. એવા ચબૂતરાની યાદ અપાવે તેવું સ્થાન, જેને ચબૂતરા કરતાં કબૂતરખાનું કહેવું વધારે ઉપયુક્ત લેખાવી શકાય, તે છે અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં. મોટી સંખ્યામાં કબૂતરો ઉપરાંત અહીં કાગડા, ચકલી વગેરે જાતજાતનાં પક્ષીઓ માટે પેટની ભૂખ ભાંગવાની બહુ જ સરસ વ્યવસ્થા છે, એ પણ વ્યસ્ત વિસ્તાર વચ્ચે.
આ કબૂતરખાનું તત્કાલિન મ્યુનિસિપલ કાઉન્સિલર ફિરોઝ મોદીએ કરાવ્યું હતું. ચારેકોર ટ્રાફિકથી સદા કચડાતા રહેતા રસ્તાઓ વચ્ચે સુરક્ષિત કરવામાં આવેલા જમીનના ટુકડા પર આ કબૂતરખાનું છે. અહીં ચણની ક્યારેય અછત રહેતી નથી કેમ કે લોકો આવીને ચણસેવા કરતા જ રહે છે.
કબૂતરખાનામાં પાણી માટે કૂંડાં પણ બનવવામાં આવ્યો છે તેથી પક્ષીઓની તરસ પણ સરસ રીતે છીપાતી રહે છે. આ વિસ્તારમાં મોટાભાગની વસતિ મુસ્લિમોની છે. પ્રેમ દરવાજાની સામે રામજી મંદિર અને બાજુમાં હનુમાનજીનું મંદિર છે. અહીંના રહેવાસી વિસ્તારોની પાછળ તેલની ઘણી મિલ (ઘાણી) આવેલી છે જે ઘણાં વરસો જૂની છે.
સમયાંતરે ચબૂતરાના ખુલ્લા ભાગનું સમારકામ પણ થતું રહેતું હોવાથી તેની જમીન પણ વધતે-ઓછે અંશે સમતળ અને પેવર બ્લોક્સથી ઢંકાયેલી રહે છે. બધી જ રીતે આત્મનિર્ભર એવા આ ચબૂતરાને પોતાના માટે કોઈ મદદની જરૂર નથી પણ એની સંપન્નતા જાણે કહી રહી છે: મારા જેવી જ મજાની સ્થિતિ શહેરના બધા ચબૂતરાની થાવ!
डोल रही है मैना डाल-डाल पर, सबके मन में खुशियाँ भरती।
मीठे प्यारे गीत सुनाकर, सबको अपने वश में करती।।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

