ક્યારેક અહીં દાણો-પાણી નીરવામાં આવતાં હતાં પણ એનો લાભ બિલાડીઓ વધારે લઈ જતી હતી. ચબૂતરો ધીમે ધીમે બિલકુલ નિષ્ક્રિય થઈને રહી ગયો

ખાડિયા વિસ્તારમાં આવેલો શંભુ ચોકનો ચબૂતરો પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે. તેના એકમાત્ર સ્તંભ પર કોતરવામાં આવેલી વિગતો મુજબ સંવત ૧૯૬૮માં માગસર સુદ પૂનમે તેનું નિર્માણ થયું હતું. આખા દેશમાં પ્રસરી ગયેલા કેબલ્સના જાળાંની જેમ આ ચબૂતરાને પણ વિવિધ કેબલ્સ વળગ્યા છે. બગડા વાડ, પખાલીની પોળના પંચે જેનું નિર્માણ કરાવ્યું એવા આ ચબૂતરાની વિગતો રોચક છે.
થોડાં વરસો પહેલાં આ ચબૂતરો ઝૂલવા માંડ્યો હતો. એ પછી પંચે સ્થિતિ પારખીને ચબૂતરાની સીડી કઢાવી નાખવા સાથે તેની નીચે ઓટલો પણ બંધાવ્યો હતો. એ સમયે ચબૂતરાનું રંગરોગાન પણ છેલ્લી વખત કરવામાં આવ્યું હતું. ક્યારેક અહીં દાણો-પાણી નીરવામાં આવતાં હતાં પણ એનો લાભ બિલાડીઓ વધારે લઈ જતી હતી. ચબૂતરો ધીમે ધીમે બિલકુલ નિષ્ક્રિય થઈને રહી ગયો. એની નીચેનો ભાગ પાર્કિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ પોળમાં મારવાડી, પટેલ, ભાવસાર, બ્રાહ્મણ પરિવારો વસે છે. અષ્ટકોણ થાંભલાના આધારે ઊભો ચબૂતરાનો મુખ્ય ભાગ, ગુંબજમાં કોતરાયેલાં શિલ્પો અને થાંભલાઓને બનાવવામાં આવેલી કમાનોને લીધે ખૂબ આકર્ષક લાગે છે. જોકે સમય સાથે ચબૂતરાની સાવ લગોલગ બંધાયેલાં મકાનોને લીધે અહીં નામમાત્રની મોકળાશનો અનુભવ થાય છે.
છેલ્લા સાતેક દાયકાથી જ્યાં દાણો-પાણી માટે કોઈ વ્યવસ્થા રહી નથી એવા આ ચબૂતરાની નોંધ લેવા મહાપાલિકાના હેરિટેજ વિભાગના અધિકારીઓ માહિતી લઈ ગયા હતા. હવે આશા સેવવાની કે મહાપાલિકા અથવા પછી સેવાભાવીઓ તેના જિર્ણોદ્ધાર-સંચાલન માટે પગલાં ઉઠાવે.
પોતાને મનુષ્ય બનાવવાનો પ્રયત્ન કરો. જો એમાં સફળ થઈ ગયા તો દરેક કામમાં સફળતા મળશે
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


