દરેક દૃષ્ટિએ પારેવાં માટે શ્રેષ્ઠસ્થાન હોવા છતાં યોગ્ય વ્યવસ્થાની કમીએ આ ચબૂતરો રેઢો પડ્યો છે. ના અહીં દાણા નખાય છે કે નથી આવતાં પારેવાં

મહોલ્લા માતા કી જય અને જય અંબે જેવાં લખાણ ધરાવતા પીળા રંગથી સુશોભિત આ ચબૂતરાનો ઢાંચો ઘણા ચબૂતરાથી જુદો છે. આશરે પોણાબસો વરસ જૂનો હશે આ ચબૂતરો. શામળાની પોળમાં કુલ બે ચબૂતરા છે, જેમાંના બીજા ચબૂતરાનું પ્લેટફોર્મ અને થાંભલા કોંક્રીટના છે. ઉપલો ભાગ લાકડાનો છે જે પૂર્વવત્ અવસ્થામાં જાળવી રાખવામાં આવ્યો છે. શામળાની પોળ ૪૦૦ વરસની તવારીખ ધરાવે છે. પોળમાં શામળાજી પાર્શ્વનાથ, શ્રેયાંસનાથ, મહાવીર સ્વામીનાં દેરાસર અને પાર્શ્વચંદ્ર સૂરિશ્વરજીનું ગુરુમંદિર પણ છે. પીળા રંગથી ઓપતો આ ચબૂતરો નીચેની મોટી ઓરડી, પથ્થરની જાળીદાર અગાસી, કમાનાકાર શિખર અને ચતુષ્ટકોણીય ઢાંચા થકી ધ્યાન ખેંચે છે. નીચે અંબેમાતાનું મંદિર પણ છે. તેની લગોલગ ઉપર જતાં પગથિયાં છે. ૧૦૦ વરસથી જૂના આ ચબૂતરાનું નિર્માણ કોણે કર્યું તેની કોઈને જાણ નથી. વરસાદમાં દાણા ના પલળે તે માટે ૧૯૫૨માં તેની ઉપર છાપરાં નાખવામાં આવ્યાં છે.
દરેક દૃષ્ટિએ પારેવાં માટે શ્રેષ્ઠસ્થાન હોવા છતાં યોગ્ય વ્યવસ્થાની કમીએ આ ચબૂતરો રેઢો પડ્યો છે. ના અહીં દાણા નખાય છે કે નથી આવતાં પારેવાં. ભૂતકાળમાં સ્થિતિ પારેવાં માટે અનુકૂળ અને જીવદયાલક્ષી હતી. પોળમાં ૯૮ ટકા વસતિ જૈનોની હતી. તેઓ જીવદયામાં ખૂબ આગળ પડતા હતા. રહેવાસીઓ નિયમિત દાણા નાખતા હતા અને ચબૂતરા નીચેની ઓરડીમાં પણ સારા પ્રમાણમાં જારનો સંગ્રહ થતો હતો. અહીં આવેલા ભગવાન મહાવીર સ્વામી દેરાસરના પંચે પણ જીવદયા માટે ખાસ ફંડની વ્યવસ્થા કરી હતી.
કાળક્રમે હવે અહીં જૈનોની વસતિ હવે માત્ર પાંચ ટકા રહી છે. જીવદયાનું કાર્ય પણ અટકી ગયું છે. જારની પણ વ્યવસ્થા નથી. થોડા સમયથી પાસે રહેતા યજ્ઞેશ શુક્લ અને પ્રીતેશ શાહે ચબૂતરાની સારસંભાળ હાથ ધરી છે ખરી, જેથી ચબૂતરો ફરી ધમધમતો થવાના સુંદર સંજોગો સર્જાયા છે. ચબૂતરાને પૂર્ણરૂપે કાર્યરત કરવાની તેમની ભાવના છે. તેના અંતર્ગત તેઓ ચબૂતરા પર ફેબ્રિકેટિંગ કરાવી ચણ નાખવા માટે આવશ્યક વ્યવસ્થા અને સલામતી માટે દરવાજો પણ મૂકવા માગે છે. નિયમિત ચણની વ્યવસ્થા માટે પણ તેઓ પ્રયાસરત છે. તેમના સંકલ્પને યોગ્ય સહકાર મળે તા આનંદ ચોકનો આ ચબૂતરો પારેવાં માટે ફરી આનંદધામ બની જશે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


