આસપાસ અનેક કેબલ્સ પથરાઈ ગયા છે. તેના લીધે તેની રહીસહી આભા અને ઉપયોગિતા પણ પૂરી થઈ ગઈ છે. ઉપલા ભાગમાં પહોંચવા માટેની સીડી પણ હવે રહી નથી
એવી જડાઈ ભીંતમાં ભીંતનો હિસ્સો થઈ ગઈ,
અલગ અસ્તિત્વ, અલગ ઓળખ, માગી રહી છે બારી…

સંજય વિ. શાહ ‘શર્મિલ’ની આ પંક્તિ લખાઈ તો બારી માટે છે, પણ રૂપા સૂરચંદની પોળના લાકડાના આ ચબૂતરાને જોતાં જ આ પંક્તિઓ યાદ આવી જાય. કારણ ક્યારેક જીવદયાની જાહોજલાલી ભોગવનાર અહીંનો ચબૂતરો આજે હતો, નહોતો થઈને ભીંતસરસો જડાઈ ગયો છે.
એને ચબૂતરો કહેવો કે ચબૂતરાનું હાડપિંજર એની હવે ખબર પડતી નથી. આ ચબૂતરો આશરે સોએક વરસ જૂનો છે. પચાસેક વરસ પહેલાં બાજુના એક મકાનનો વિસ્તાર વધારવામાં આવ્યો, ત્યારે અડધો ચબૂતરો તેની અંદર દબાઈ ગયો છે. આજે પોળમાં દસેક ઘર જ એવાં છે જેમાં વસતિ છે. તેથી આ ચબૂતરાની કાળજી લેવાય કે તેનો પુનરુદ્ધાર કરી શકાય તે વિશે વિચારણા કરનારા લોકો બહુ ઓછા છે.
ચબૂતરાની આસપાસ અનેક કેબલ્સ પથરાઈ ગયા છે. તેના લીધે તેની રહીંસહી આભા અને ઉપયોગિતા પણ પૂરી થઈ ગઈ છે. ઉપલા ભાગમાં પહોંચવા માટેની સીડી પણ હવે રહી નથી. ચબૂતરાની નીચેના ભાગમાં જોકે એક નાનકડી છાબડી લગાડવામાં આવી છે જેમાં ચણ મૂકવાનું કામ અહીંના છોકરાઓ કરે છે.
પોળના પંચે એકવાર આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો ખરો. એ વાત પણ હવે વરસો જૂની થઈ. હવે તો એક જ પર્યાય બચ્યો છે: પોળમાં ક્યાંક નવેસરથી આ ચબૂતરો બનાવવામાં આવે અને પક્ષીઓને તેમનું સ્થાન પાછું આપવામાં આવે.
વિશ્વમાં ૨૦૪ જાતનાં લગભગ ૯,૭૨૧ પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત એવાં પક્ષીઓ પણ હોઈ શકે છે જે આપણે ઓળખ્યાં ના હોય!
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


